પરોપજીવી પ્રાણીઓ : જીવવા માટે અન્ય સજીવો પર અવલંબિત એવાં પ્રાણીઓનો સમૂહ. આમાંનાં કેટલાંક પ્રાણીઓ આખી જિંદગી દરમિયાન એક યા એક કરતાં વધારે સજીવોના શરીરમાં વાસ કરી પરજીવી જીવન પસાર કરતાં હોય છે (દા. ત., મલેરિયા જંતુ). કેટલાંક પ્રાણીઓ અંશત: અથવા તો અન્ય સજીવોના શરીર પર ચોંટીને (દા. ત., ઇતરડી) બાહ્ય પરોપજીવી તરીકે જીવે છે. મચ્છર કે માંકડ જેવાં પ્રાણીઓ આમ તો સ્વતંત્ર રીતે જીવે છે. પણ ખોરાક માટે માનવી કે જાનવરનું રુધિર ચૂસે છે. મોટાભાગનાં પરજીવી પ્રાણીઓનો સમાવેશ અપૃષ્ઠવંશી (invertebrata) સમૂહમાં થાય છે. ખાસ કરીને પ્રજીવો (protozoa) પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને એકેન્થોસેફાલા અને નૂપુરક સમુદાયનાં ઘણાં પ્રાણીઓ પરજીવી તરીકે જીવે છે. ખાસ કરીને બીજાણુજ (sporozoa – સમુદાય પ્રજીવ), અનાંત્રીઓ (cestoda), વિદ્ધપત્રી (trematoda – સમુદાય પૃથુકૃમિ) તેમજ એકન્થોસેફેલા સમુદાયનાં બધાં પ્રાણીઓ પરોપજીવી જીવન પસાર કરતાં હોય છે. સંધિપાદ (arthropoda) સમુદાયના કેટલાક કીટકો (insects) અને અષ્ટપાદો (arachnida) કૂતરાં, ઢોર જેવાં પ્રાણીઓની ત્વચાને ચોંટીને બાહ્ય પરોપજીવી જીવન પસાર કરે છે. સ્વતંત્ર જીવન પસાર કરતા માંકડ, ઇતરડી જેવા કીટકો  માત્ર પોષણ મેળવવા માનવી જેવાના શરીરમાંથી લોહીને ચૂસે છે. જળો જેવા નૂપુરક સમુદાયના કૃમિઓ માનવ, તેમજ અન્ય સસ્તનોના શરીરને ચોંટીને લોહી ચૂસતા હોય છે.

પરજીવી પ્રજીવો : આશરે 30 જાતના પ્રજીવો માનવશરીરમાં વાસ કરતા જોવા મળે છે. મલેરિયા પ્રજીવ પ્લાસ્મોડિયમ પ્રજાતિનું પ્રાણી છે. એન્ટેમીબા પ્રજાતિના પ્રજીવને લીધે માનવી અતિસારથી પીડાય છે. આફ્રિકામાં માનવીય નિદ્રારોગ (sleeping sickness) ટ્રિપૅનોસોમા પ્રજાતિના કશાધારી(flagellata)ને લીધે થાય છે. ઘણા પરજીવી પ્રજીવો વનસ્પતિ, કૃમિ, કીટકો, માછલી, દેડકા, મરઘી, ઢોર જેવાના શરીરમાં વસતાં હોય છે.

માનવીય કૃમિજન્ય રોગો : પૃથુકૃમિ સમુદાયના ટીનિયા પ્રજાતિના પટ્ટીકીડા માનવીનાં આંતરડાંમાં વસતા હોય છે. ગાય, ભુંડ જેવાં પ્રાણીઓના માંસના ભક્ષણથી પટ્ટીકીડા માનવીના શરીરમાં પ્રવેશે છે. પટ્ટીકીડાઓ એટલે, પૃથુકૃમિના અનેક સભ્યોની પટ્ટી રૂપે બનેલી એક વસાહત. શિસ્ટોસોમા નામે ઓળખાતા વિદ્ધપત્રી પર્ણકૃમિઓ માનવમાં જાતજાતના વિકાર સર્જે છે.

ચાબુક કૃમિ (whipwormtrichiuris) મુખ્યત્વે નાનાં બાળકોમાં અને માનસિક રોગોના દર્દીઓમાં વાસ કરતા જણાય છે. સ્ટ્રાજાયલસ આંકડી-કૃમિ (hook worms) ફેફસાં વાટે માનવશરીરમાં પ્રવેશે છે અને આંતરડાંમાં સ્થાયી બને છે. સૂત્રકૃમિ (thread) માનવીનાં આંતરડાંના વિવિધ ભાગોમાં વસે છે. ગુદાદ્વાર વાટે તેમનો ત્યાગ થાય છે; પરંતુ ઘણી વાર ગુદા દ્વારને ખંજવાળવાથી તે આંગળી વડે પુન: શરીરમાં પ્રવેશ પામતા હોય છે. ચેપજન્ય પાણી પીવાથી વાળો (guinea worm) માનવશરીરમાં પ્રવેશે છે અને ખભા જેવા પ્રદેશમાં સ્થાયી બને છે; પરંતુ તે પક્વ થતાં પગમાં કાણું પાડી શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. મચ્છરના કરડવાથી હાથીપગુ-કૃમિ (Wacherria bancrofti) માનવીના શરીરમાં પ્રવેશી પગમાં સ્થાયી રહે છે.

પશુઓમાં કૃમિજન્ય રોગો : પટ્ટીકીડાઓ ભુંડ, ગાય, બળદ, ભેંસ, કૂતરાં, ઘેટાં અને બકરાં જેવાં વિવિધ પાલતુ જનાવરોમાં પરોપજીવી તરીકે જીવે છે. પટ્ટીકીડાઓને લીધે પાચનાંગો નબળાં પડે છે અને પાચનક્રિયાને ખલેલ પહોંચાડે છે. વિપરીત સંજોગોમાં તે જીવલેણ પણ નીવડે છે. પટ્ટીકીડાઓને લીધે કૂતરાં મગજના રોગથી પીડાય છે. ‘ગિડ’ નામે ઓળખાતા આ રોગથી તે ગોળ ગોળ ફર્યા કરે છે.

ચપટાં પર્ણકૃમિઓ ઘોડા, કૂતરાં, ભુંડ, ઘેટાં જેવાં પ્રાણીઓના શરીરમાં વસે છે. તેમાંનાં યકૃત-કૃમિ (liver fluke) યકૃતમાં, શંકુ-કૃમિઓ જઠરમાં અને રુધિર-કૃમિ (blood worms) રુધિરમાં જોવા મળે છે. યકૃત-કૃમિઓને લીધે યકૃતના કોષો નાશ પામે છે અને યજમાન રક્તસ્રાવથી પીડાય છે. પરિણામે શરીર ફિક્કું અને નબળું પડે છે. શંકુ-કૃમિઓ યજમાનને ખાસ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ તે યજમાનનાં આંતરડાંની દીવાલને કરડી ખાતા હોવાથી, ત્યાં સોજો આવે છે અને ચીકણું પ્રવાહી વહે છે. રુધિર-કૃમિઓનાં ઈંડાં આંતરડાંમાં સ્થાયી વસે છે અને ત્યાં ગાંઠ થાય છે. જોકે ગાંઠ કેટલીક વાર ફેફસાં, કેશવાહિની અને નાકમાં પણ જોવા મળે છે.

ગોળકૃમિજન્ય પશુરોગો : પશુઓના શરીરમાં પરજીવી જીવન પસાર કરતા કેટલાક ગોળ-કૃમિઓમાં છિદ્રને મળતાં સંવેદનાંગો હોય છે. સ્ટ્રાજીલીડા, ઍસ્કરિડિડા, સ્પાયસરિડા, ફાયલેરિડા અને ડ્રૅકનક્યુલિડા શ્રેણીનાં ગોળ-કૃમિઓમાં આવાં સંવેદનાંગો આવેલાં હોય છે; જ્યારે ટ્રાયકિયુરિડા શ્રેણીનાં ગોળ-કૃમિઓમાં છિદ્ર-સંવેદનાંગોનો અભાવ હોય છે. સ્ટ્રાજીલીડા કૃમિ તાંતણા જેવા સૂક્ષ્મ કદના હોય છે. જ્યારે ઍસ્કરિડિડા કૃમિઓને ત્રણ હોઠ હોય છે અને મુખ-ગુહા અસ્પષ્ટ હોય છે. કદમાં મોટા હોવાને કારણે તેમને રજ્જુકૃમિ (મોટા કરમિયા) કહે છે. સ્પાયસરિડા કૃમિને બે હોઠ હોય છે, જ્યારે ફાયલેરિડા હોઠ વગરના હોય છે.

કંટક-કૃમિ (acanthocephala) સમુદાયના બધા કૃમિઓ પરજીવી હોય છે. કંટક-કૃમિઓનું શીર્ષ કંટક વડે સધાયેલું હોય છે. આશરે 500 જેટલી જાતના કંટક-કૃમિઓ માછલીઓના શરીરમાં પરજીવી બનીને રહે છે. પક્ષી તેમજ સસ્તન પ્રાણીઓના શરીરમાં પણ તે વાસ કરતા હોય છે. કંટક-કૃમિઓમાં અન્નમાર્ગનો અભાવ હોય છે અને બાહ્ય સપાટી વડે યજમાનના આંતરડાની ગુહામાંથી ખોરાકનું શોષણ કરે છે. કંટક-કૃમિઓનાં ઈંડાં યજમાનના મળ વાટે જમીન પર ફેલાય છે. ત્યાં તે સ્તરકવચી, વંદા, તીતીઘોડા જેવા સંધિપાદોના સંપર્કમાં આવતાં તેમના શરીરમાં પ્રવેશી વિકાસ પામે છે અને ડિમ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. આ સંધિપાદો પૃષ્ઠવંશી પ્રાણીઓના શિકાર બનવાથી જે તે યજમાનના શરીરમાં પ્રવેશી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

પરજીવી કીટક : ઘણા કીટકો પણ પરજીવી જીવન પસાર કરતા હોય છે. તેમાંના કેટલાક કીટકો યજમાનના શરીરની બહાર રહીને ખોરાક મેળવે છે. આ કીટકોને બાહ્ય પરજીવી કહે છે; જ્યારે મોટા ભાગના કિસ્સામાં પરજીવી કીટક યજમાનનો ઝડપથી અથવા ધીરે ધીરે નાશ કરે છે. કેટલાક પરજીવી તો યજમાનનાં ઈંડાંમાંથી ખોરાક મેળવી તેના પર નભે છે. આવા કીટકો યજમાનનાં ઈંડાંના સંપર્કમાં આવતાં, ત્યાં પોતાનાં ઈંડાં મૂકે છે. આ પરજીવીનાં ઈંડાં યજમાનના શરીરમાં સેવાતાં  તેમાંથી નીકળેલ ઇયળ યજમાનનાં ઈંડાંને અંદરથી કોરી ખાઈને તેમનો નાશ કરે છે. તેથી આ કીટક ઈંડાંના પરજીવી તરીકે ઓળખાય છે. તે જ પ્રમાણે કેટલાક પરજીવી કીટકો ઇયળ અને કોશેટાના પરજીવી તરીકે જીવન પસાર કરતા હોય છે. કેટલાક પરજીવી કીટકો યજમાનની બે નજીક નજીકની અવસ્થામાંથી પસાર થતા યજમાન પર નભે છે અને યજમાનની બંને અવસ્થા દરમિયાન પોતે ખોરાક મેળવી તેનો નાશ કરે છે; દા. ત., ઇયળ-કોશેટા(larval-pupal parasite)ના પરજીવી તરીકે ઓળખાતા કીટકો ઇયળ અવસ્થામાં યજમાન પર આક્રમણ કરી તેના શરીરની અંદર પોતાનાં ઈંડાં મૂકે છે અને યજમાન ઇયળના શરીરની અંદર આ ઈંડાં વિકાસ પામતાં તે યજમાનના કોશેટામાંથી બહાર નીકળે છે. યજમાન કીટક/પ્રાણીના શરીરની અંદર રહી પોતાનું જીવન વ્યતીત કરતા પરજીવી કીટકને અંત:સ્થ પરજીવી કહે છે. કેટલાક પરજીવી પોતાનું આખું જીવન એક જ પ્રકારના યજમાન પર પસાર કરે છે. તેને એકભોજી (monophagus) પરજીવી કહે છે, જ્યારે કેટલાક પરજીવી એક કરતાં વધારે યજમાન પર નભે છે. તેવા કીટકોને બહુભોજી (polyphagus) પરજીવી કહે છે.

કેટલાક કીટકો યજમાનનું ભક્ષણ કરી ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. આવા પરભક્ષી કીટકો મજબૂત બાંધાના અને હંમેશાં તેના યજમાન કરતાં કદમાં મોટા હોય છે. કીટક વર્ગના ઢાલપક્ષ (coleoptera), અર્ધપક્ષ (hemiptera), લઘુશ્મશ્રુ (odonata), શિરાપક્ષ (neuroptera), દ્વિપક્ષ (diptera) અને સ્ટ્રેપ્સિટેરા શ્રેણીમાં પરભક્ષી કીટકોનો સમાવેશ થાય છે. પરભક્ષી કીટકોને તેના મુખાંગને આધારે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ચાવવાનાં (biting) મુખાંગોવાળા (દા. ત., લેડીબર્ડ ભમરી, ગ્રાઉન્ડ બીટલ, વાણિયા) અને (2) વેધી-ચૂસી (piercing-sucking) પ્રકારનાં મુખાંગોવાળા (દા. ત., પરભક્ષી ચૂસિયાં, ભૂવો, ક્રાયસોપા) પરભક્ષી. કીટક યજમાન કીટકનાં ઈંડાં, ઇયળ, બચ્ચાં કે કોશેટાની અવસ્થામાં પુખ્ત અવસ્થામાં શિકાર કરે છે, અને એ રીતે યજમાનનો એકીસાથે કે ધીરે ધીરે નાશ કરે છે. બધા પરભક્ષી કીટકો માંસાહારી હોય છે. તે યજમાનની એક કે એક કરતાં વધારે અવસ્થા દરમિયાન તેના પર આક્રમણ કરે છે અને એકીસાથે તેનો કે તેના આખા સમૂહનો નાશ કરે છે. પરભક્ષી કીટકના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. જો પરભક્ષી કીટક એક કે તેથી વધારે યજમાન પર આધાર રાખી ખોરાક મેળવતા હોય તો તેને અનુક્રમે એકભોજી કે બહુભોજી પરભક્ષી તરીકે ઓળખવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં લીંબુ વર્ગના પાકોમાં નુકસાન કરતી ભીંગડાંવાળી જીવાત(Icerya purchasi)ના જૈવિક નિયંત્રણમાં લેડીબર્ડ લીટલ (Rodolia cardinalis) પરભક્ષી કીટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનાથી પાક-રક્ષણનાં સારાં પરિણામો મળ્યાં હતાં.

મ. શિ. દૂબળે

પરબતભાઈ ખી. બોરડ