પરૂળેકર, ગોદાવરી
February, 1998
પરૂળેકર, ગોદાવરી (જ. 14 ઑગસ્ટ 1907, પુણે; અ. 8 ઑક્ટોબર 1996) : મરાઠી લેખિકા. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણેમાં લીધું. એમણે એલએલ.બી.ની પદવી 1932માં મેળવી. જાણીતા સામ્યવાદી શામરાવ પરૂળેકર સાથે લગ્ન થયાં અને પતિની જોડે થાણાના આદિવાસી ક્ષેત્રમાં સેવાકાર્યમાં જોડાઈ ગયાં. ગોપાળ કૃષ્ણ દેવધરની પ્રેરણાથી તેમણે સમાજસેવાનું ક્ષેત્ર અપનાવ્યું. પાછળથી તે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયાં. 1940માં ભારતના સામ્યવાદી પક્ષમાં સામેલ થયાં અને 1945માં વરલીના આદિવાસીઓનું સેવાકાર્ય અપનાવ્યું, તેઓે પોતે શ્રીમંત બ્રાહ્મણ કુટુંબનાં હતાં, છતાં ગુલામો જેવી સ્થિતિમાં જીવતા કંગાળ આદિવાસીઓ વચ્ચે વસ્યાં અને તેમને નિર્ભય તથા સંગઠિત બનવાનું શીખવ્યું. જુલમ અને શોષણખોરી સામે ઐતિહાસિક લોકલડત ઉપાડી. માનવઅધિકારો અને સામાજિક ન્યાય મેળવવો અત્યંત કપરો છે તેનો તેઓ નિખાલસ એકરાર કરતાં. તેઓ પોતે માર્કર્સવાદી હતાં અને રચનાત્મક કાર્યથી ક્રાંતિકારી લડત બુઠ્ઠી બની જશે એવું તેઓ માનતાં હતાં.
થાણા જિલ્લાના વરલી આદિવાસીઓના ઉત્થાનના કાર્યમાં તેમણે પોતાનો આખો સમય આપ્યો. વરલીના આદિવાસીઓમાં તેઓ ‘ગોદારાણી’ નામથી ઓળખાતાં હતાં. આદિવાસીઓમાં જે જાગૃતિ આવી તેનું ચિત્રણ એમણે તેમના સર્વપ્રથમ પુસ્તક ‘જવા માનુષ જાગા હોતો’(1970)માં કર્યું છે. એ પુસ્તક માટે એમને 1972માં કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ પુસ્તક આદિવાસીઓ પર ગુજારાતા અમાનુષી ત્રાસનું અને એમાંથી સંઘર્ષ દ્વારા પ્રતિકાર કરવાની શક્તિ શી રીતે જાગતી ગઈ તેનું નિરૂપણ છે. આ આત્મકથાત્મક પુસ્તકને મહારાષ્ટ્ર સરકારનો તેમજ આચાર્ય અત્રે પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. એના હિન્દી, ગુજરાતી, બંગાળી તથા કન્નડમાં અનુવાદ થયા છે.
અરુંધતી દેવસ્થળે