પરીખ, વસંતરાય ગિરધરદાસ (. 17 માર્ચ 1933, શિહોર) : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ.માં કણિયા પ્રાઇઝ મેળવ્યું હતું. સંસ્કૃત વિષયમાં 1956માં એમ.એ.ની પદવી મેળવી. 1968માં ન્યાયવૈશેષિકમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં ક્રમશ: સંસ્કૃતના અધ્યાપક, અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કુલ તેત્રીસ વર્ષ સેવાઓ આપી. 1993માં નિવૃત્તિ દરમિયાન રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં અનુસ્નાતકના મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. સંસ્કૃત દર્શન અને સાહિત્યના રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના અનેક પરિસંવાદોમાં શોધપત્ર રજૂ કરતા અને કેટલાકમાં તો એક કે બે બેઠકનાં અધ્યક્ષપદ પણ સંભાળતા. પાંચ છાત્રો તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી. થયા છે. તેમણે પ્રાય: 75 જેટલાં શોધપત્રો આપ્યાં છે. પંદરેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમાં ‘સાંખ્યતત્ત્વકૌમુદી’ (યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ), ‘ન્યાયકંદલી’ (પ્રાચ્ય વિદ્યામંદિર ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા), ‘અનુમાન ખંડ દૂષણોદ્ધાર’ (પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા), ‘તર્ક તરંગિણી’ (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ) નોંધપાત્ર છે. ગુજરાત સંસ્કૃત અકાદમીના દસ વર્ષ પર્યંત તેઓ ઉપાધ્યક્ષ રહ્યા હતા.

વસંતરાય ગિરધરદાસ પરીખ

ચાળીસ વર્ષોથી આકાશવાણી રાજકોટમાં નિયમિત વાર્તાલાપ આપ્યા છે. રૉટરી ક્લબમાં ‘ડૉ. વસંત પરીખ વ્યાખ્યાનમાળા’ શરૂ કરાઈ છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી દ્વારા ‘શાસ્ત્રચૂડામણિ’; ભુવનેશ્વરી પીઠ, ગોંડલ દ્વારા ‘દર્શનચૂડામણિ’ની માનાર્હ પદવીઓ અપાઈ છે. પૂ. મોરારિબાપુ દ્વારા ‘વાચસ્પતિ પુરસ્કાર’ અને 2006-07માં રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃતના વિદ્વાન તરીકે સન્માનિત થયા છે. અમરેલીમાં મંદબુદ્ધિ શિશુ શાળાના સ્થાપક ટ્રસ્ટી અને અમરેલીના ‘દીકરાનું ઘર’  એ વૃદ્ધાશ્રમના ઉપપ્રમુખ છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા