પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ (. 26, નવેમ્બર, 1931, બુનોઝ એર્સ, આર્જેન્ટીના) : 1980ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તથા માનવ-અધિકારોના પ્રખર પુરસ્કર્તા.

તેમના પિતા સાધારણ માછીમાર હતા. આર્જેન્ટાઇન નૅશનલ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1968માં તેઓ પ્રાધ્યાપક નિમાયા ત્યારે શિલ્પકાર તરીકે પણ જાણીતા બની ચૂક્યા હતા. વિવિધ અહિંસક સંગઠનોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા તેમણે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી. તેઓ ચુસ્ત રોમન કૅથલિક તથા મહાત્મા ગાંધીના નૈતિક અનુયાયી હતા. તેમણે આર્જેન્ટીનામાં અહિંસક સામાજિક પરિવર્તનો માટેની સંસ્થા પણ રચી હતી. 1974માં તેઓ ‘સર્વીસીઓ પાઝ વાય જસ્ટિસીઆ’ (પીસ ઍન્ડ જસ્ટિસ) સંસ્થાના મહામંત્રી નિમાયા અને આ કાર્યને સંપૂર્ણપણે સમર્પિત થવા માટે તેમણે પ્રાધ્યાપક તરીકેના તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. આર્જેન્ટીનાને ત્યાંના ડાબેરી અને જમણેરી આતંકવાદે વાસ્તવમાં ગૃહયુદ્ધના આરે લાવી દીધું છે એવા તેમના જાહેર વિધાને આત્યંતિકોમાં ખળભળાટ મચાવી દીધો; પરિણામે 1977માં તેમની ધરપકડ કરવામાં આવી અને ચૌદ મહિના સુધી તેમને જેલવાસ વેઠવો પડ્યો. આ સમય દરમિયાન તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. આર્જેન્ટીનાના લશ્કરી શાસકોને તેમની માનવતાવાદી પ્રવૃત્તિઓ પસંદ નહોતી.

શાંતિ માટેના નોબેલ પુરસ્કારનો તેમણે લૅટિન અમેરિકાની પ્રજા વતી સ્વીકાર કર્યો. આર્જેન્ટીનાના પ્રવર્તમાન કાયદા અનુસાર શાસકોને ન ગમે તોપણ દેશના નોબેલ શાંતિ પુસ્કાર વિજેતાને રાષ્ટ્ર તરફથી 5,000 અમેરિકી ડૉલરનું નિવૃત્તિ-વેતન આપવામાં આવે છે. તેમને મળેલ નોબેલ પારિતોષિકની અને નિવૃત્તિ-વેતનની રકમ લૅટિન અમેરિકાના ગરીબો, સાઉથ અમેરિકી આદિવાસીઓ, ખેડૂતો અને કામદારોના કલ્યાણ માટે ખર્ચવાની તેમની દરખાસ્ત હતી; પરંતુ તેઓ વર્ષો સુધી બિનનિવાસી આર્જેન્ટિન હતા એવા બહાના હેઠળ સરકારે તેમને નિવૃત્તિ-વેતન ન ચૂકવ્યું.

રક્ષા મ. વ્યાસ