પરીખ, રામલાલ ડાહ્યાભાઈ
February, 1998
પરીખ, રામલાલ ડાહ્યાભાઈ (જ. 18 એપ્રિલ, 1927, વડોદરા; અ. 21 નવેમ્બર 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર. જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં. માતાનું નામ હસુબહેન. પિતા ડાહ્યાભાઈ કારકુન હતા. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિષય સાથે તેઓ એમ.એ. થયા. વિદ્યાર્થીકાળથી જ શાળાના શિક્ષણ ઉપરાંત અન્ય અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લેતા હતા.
યુવાનવયથી જ તેમણે વિદ્યાર્થી કૉંગ્રેસ અને યુવક કૉંગ્રેસના નેતા તરીકે મહત્ત્વની કામગીરી બજાવવા માંડી. યુવકપ્રવૃત્તિ માટે દેશભરમાં ફરવાની જવાબદારી આવતાં તેઓ 1956માં દિલ્હી ગયા. પાંચ વર્ષ સુધી તેમણે ભારતભરમાં પ્રવાસ કરીને દરેક પ્રાંતમાં યુવક કૉંગ્રેસના સંગઠનને મજબૂત કર્યું.
યુવક કૉંગ્રેસ તેમને મન કેવળ રાજકીય સંગઠન ન હતું. યુવાનોમાં રાષ્ટ્રીયતા અને વિશ્વ-નાગરિકત્વ ખીલે અને દેશના દુ:ખી બાંધવો માટે યુવાનો સક્રિય યોગદાન આપતા થાય એવી અપેક્ષા તેમણે એ સંગઠન પાસે રાખી હતી. તેથી તેમણે દેશભરના યુવકો માટે રાષ્ટ્રીય અધિવેશનો, વિચારશિબિરો, શ્રમશિબિરો, પરિસંવાદો, ભારતદર્શન અને સાગરદર્શનના પ્રવાસો, મેળાઓ અને પ્રદર્શનો, આંતરરાષ્ટ્રીય પરિષદો જેવા સંખ્યાબંધ કાર્યક્રમો યોજી તે દ્વારા યુવકપ્રવૃત્તિમાં નોંધપાત્ર જુવાળ ઊભો કર્યો.
યુવકપ્રવૃત્તિની જેમ શિક્ષણ પણ એમના રસનો વિષય રહ્યો હતો. તેથી તો તેઓ મહાત્મા ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સને 1952માં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. તેમનો પાયાનો ગુણ સ્વયંસેવકનો. એટલે મોરારજીભાઈએ ગૂજરાત વિદ્યાપીઠ સંભાળવાનું તેમને સોંપ્યું.
વિદ્યાપીઠનાં ત્રણ રૂપ જોવા મળે છે : (1) સ્વરાજ્યના આંદોલનકાળની વિદ્યાપીઠ, (2) સ્વરાજ પછીની વિદ્યાપીઠ અને (3) યુ.જી.સી. સાથેના જોડાણ પછીની આજની વિદ્યાપીઠ. વિદ્યાપીઠનું ત્રીજું રૂપ બાંધવામાં રામલાલભાઈનું મહત્ત્વનું યોગદાન છે.
યુનિવર્સિટી જગતમાં વિદ્યાપીઠનો પ્રવેશ થતાં વિદ્યાપીઠનું બાહ્ય કલેવર ઝડપભેર વિકસ્યું. મકાનો અને ઉચ્ચ શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોમાં ‘વિદ્યાવાચસ્પતિ’ સુધીના અભ્યાસને માતૃભાષા દ્વારા ખીલવવા વિદ્યાપીઠ સજ્જ થઈ. તેને અનુલક્ષીને જરૂરી અધ્યાપકો અને સંશોધકો નિમાયા અને સાધનો પણ વસાવવામાં આવ્યાં.
વિદ્યાપીઠનું આજનું વિદ્યાકીય સ્વરૂપ પણ જમાનાની માંગને ધ્યાનમાં રાખી તેમણે ખીલવ્યું છે.
વિદ્યાપીઠમાંથી ‘સમાજવિદ્યાવિશારદ’ના સ્નાતકો તૈયાર કરવાની પરંપરા તો ચાલુ જ છે; પણ તેની સાથે વિકાસની તરેહને ધ્યાનમાં લઈ વિદ્યીપીઠમાં બાયૉગૅસ સંશોધન સહિત કમ્પ્યૂટર-શિક્ષણ સુધીના અનેકવિધ નવા નવા અભ્યાસક્રમો ઉમેરાયા છે. આ બધાંનું સ્વરૂપ ગાંધીવિચારની પરિપાટીમાં ખીલે તેનું રામલાલભાઈએ ધ્યાન રાખ્યું હતું.
‘શિક્ષણ’ની સાથે સંશોધન એ યુનિવર્સિટી જગતમાં સ્થાપિત સંકલ્પના છે; જેને વિદ્યાપીઠે પ્રત્યક્ષ કાર્ય સાથે અનુબંધિત કરીને એને ગાંધીવિચારની નઈ તાલીમનું રૂપ આપ્યું છે. આ ક્ષેત્રે રામલાલભાઈનું ખાસ પ્રદાન છે. તેની સાથે જ શિક્ષણના ત્રીજા અંગ વિસ્તરણ ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. એ રીતે ગ્રામવિકાસ તથા સમાજસેવાની સાથે ઉચ્ચ શિક્ષણનો પણ સંબંધ બાંધ્યો છે.
યુ.જી.સી.ની અનેક વગદાર સમિતિઓમાં પ્રમુખ કે સભ્ય તરીકે રહીને દેશભરના ઉચ્ચ શિક્ષણના માળખાને પણ આ દિશામાં લાવવાની તેમણે મથામણ કરી હતી.
યુનિવર્સિટી-કક્ષાએ વ્યવસાયી વિષયોને સમાજવિદ્યા અને માનવવિદ્યામાં દાખલ કરાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. રાષ્ટ્રને મૂંઝવતા સવાલોમાં સમાજકાર્ય દ્વારા નવી પેઢીને ભારતનો સાચો પરિચય કરાવવાનો તેમનો પ્રયત્ન રહેલો છે.
વિશ્વશાંતિ અને નિ:શસ્ત્રીકરણ અંગે ગાંધીજીના અહિંસા અને શાંતિના વિચારો લઈને તેમણે પશ્ચિમી દેશોની યુનિવર્સિટીઓમાં શાંતિ-સંશોધન-કેન્દ્રો સાથે ગાઢ સંબંધ કેળવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં પણ તેમણે અહિંસાશોધ ભવનની સ્થાપના કરી છે.
સમતા અને વિકાસ (equity and development) આજના યુગની માંગ છે. તેનું કામ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંબંધ બાંધીને તેમણે શરૂ કરાવ્યું હતું.
ભારતની રાજ્યસભાના સભ્ય તરીકે પણ શિક્ષણના સવાલોને ઉજાગર કરવાનો તેમનો પ્રયત્ન રહ્યો હતો.
પક્ષીય રાજકારણથી નિવૃત્ત થઈને શિક્ષણને ગાંધીવિચાર તથા નઈ તાલીમના ધોરણે વિકસાવવા માટે તેમણે સતત કામ કર્યું છે. આ માટે તેમને ‘દર્શક શિક્ષણ ઍવૉર્ડ’ આપવામાં આવ્યો હતો.
તેમને (1) યુનાઇટેડ નૅશન્સનો પીસ મેસેન્જર ઍવૉર્ડ, (2) યુનેસ્કોનો સાક્ષરતા માટેનો માદામ કૃપ્સ્કાયા લેનિન ઍવૉર્ડ, (3) ઇન્ડિયન એડલ્ટ એજ્યુકેશન ઍસોસિયેશનનો સાક્ષરતા માટેનો જવાહરલાલ નહેરુ ઍવૉર્ડ, (4) 1991નો વિશ્વ ગુર્જરી ઍવૉર્ડ સહિત કુલ 12 જેટલા ઍવૉર્ડ મળ્યા છે.
દેશની તથા પરદેશની યુનિવર્સિટીઓમાં ગાંધીસ્વાધ્યાયપીઠ (‘ગાંધીચૅર’) સ્થાપિત કરાવી નવી પેઢીને ગાંધીવિચાર પ્રત્યે અભિમુખ કરવાનું કામ તેમણે કર્યું છે. વિશ્વના 38 જેટલા દેશોમાં પ્રવાસ કરીને ગાંધીવિચાર વિશે તેમણે વ્યાખ્યાનો આપ્યાં હતાં. પશ્ચિમના દેશોના લોકોને સમજાય એવી શૈલીમાં આધુનિક યુગમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા તેઓ સરસ રીતે પ્રતિપાદિત કરતા હતા. આમ ભારતના સાંસ્કૃતિક દૂત તરીકેની અમૂલ્ય સેવા તેઓ બજાવતા રહેલા.
તેમણે ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયન યુનિવર્સિટીઝના પ્રમુખ, ઇન્ડિયન હિસ્ટરી ઍન્ડ કલ્ચર સોસાયટીના પ્રમુખ (1980-83), ઇન્ટરનેશનલ યૂથ સેન્ટરની કાર્યક્રમ સમિતિના અધ્યક્ષ, ગુજરાત સ્ટેટ એડલ્ટ એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ (1978-81) તેમ જ ગુજરાત સ્ટેટ બેઝિક એજ્યુકેશન ઍસોસિયેશનના પ્રમુખ (1976-80) તરીકે સેવાઓ આપી હતી.
તેમને જેટલો રસ ઉચ્ચ શિક્ષણમાં હતો તેથી વધુ રસ પ્રૌઢશિક્ષણમાં હતો. પ્રૌઢશિક્ષણના કામને તો તેમણે તેમના જીવનનું મિશન જ બનાવ્યું છે. તેને તેઓ ‘ભીંત વિનાનું ભણતર’ કહેતા. નિરક્ષરતાની સામે તેમણે સતત લડત ચલાવેલી. આ ક્ષેત્રના તેમના પ્રદાન માટે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પણ મળેલો.
તેમણે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપેલી. તેમને વાચન, લેખન ઉપરાંત તરવાનો અને પ્રવાસનો પણ શોખ હતો.
તેમણે (1) ‘ગુજરાત એક પરિચય’, (2) ‘સ્વરાજનાં સંભારણાં’, (3) ‘વીસમી સદીનું ભારત’, (4) ‘એપિગ્રાફિક રિસોર્સિઝ ઇન ગુજરાત’, (5) ‘ક્ન્સેપ્ટ ઑવ ઇન્ડોલૉજી’ વગેરે પુસ્તકો આપ્યાં છે.
ગોવિંદભાઈ રાવલ