પરીખ, રસિકલાલ નરસિંહદાસ (. 16 મે 1910, વાલિયા, રાજપીપળા; . 23 જૂન 1982, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. બાળપણથી જ તેમને રમકડાં, શિલ્પ અને ચિત્રો બનાવવાની લગની હોવાથી 1929માં અમદાવાદમાં કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રનો અભ્યાસ શરૂ કર્યો. પછી 1931માં તેઓ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે કલાશિક્ષણ લેવા ચેન્નાઈ ગયા અને પછી મુંબઈ જઈ સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ભણીને  ત્યાંથી સુવર્ણચંદ્રક સાથે 1937માં ડિપ્લોમા મેળવ્યો. 1934માં વિદ્યાબહેન સાથે લગ્ન કર્યું. તે થકી તેમને પાંચ પુત્રીઓ રેખા, કલ્પના, ઊર્મિ, પ્રતિમા અને સ્મૃતિ પ્રાપ્ત થઈ. મુંબઈમાં તેઓ કલાશિક્ષક જગન્નાથ અહિવાસીના પ્રીતિપાત્ર હતા. ત્યારબાદ અમદાવાદ આવી સ્થિર થયા અને 1966માં શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સના સ્થાપક આચાર્ય બન્યા.

‘દેવદાસી’ એ રસિકભાઈની પહેલી શ્રેષ્ઠ કૃતિ. આ કૃતિને 1937માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો સુવર્ણચંદ્રક સાંપડ્યો. આ ચિત્રકૃતિ તૈલરંગમાં ચીતરી હોવા છતાં તેમાં જળરંગોની નજાકત છે. દેવમંદિરમાં સ્વાર્પણના ભાવે નૃત્ય કરતી નર્તકી આ ચિત્રનું મુખ્ય પાત્ર છે અને બાજુમાં છે તરુણ ઢોલી. બંનેના મુખભાવ તેમની કલાના આનંદની ચરમ સીમા દર્શાવતી તન્મયતા(ecstacy)ના સાક્ષી છે.

રસિકલાલ ન. પરીખ

બંગાળ-શૈલીમાં ચીતરેલાં રસિકભાઈનાં મોટા ભાગનાં ચિત્રો ખાસ કરીને ગુજરાતનાં ગામડાંનાં લોકજીવનનાં સાચાં દૃશ્યો રજૂ કરે છે : ગાયો ચરાવતા અને પાવા વગાડતા ગોવાળિયા, ઝરૂખે બેઠેલી બે બહેનો, ઘરનો પોપટ, ઢીંગલી સાથે રમતી બાળકી, યુવાન સાગરખેડુ, સરખેજની શેરી, યુવાવસ્થા-વૃદ્ધાવસ્થા, કંગાળ ભિખારીઓ, ગરીબોની પીડા, રોગીઓની યાતના વગેરે.

નવધાન્ય

સ્વ. ચીનુભાઈ બૅરોનેટના સંગ્રહમાં સ્થાન પામેલું એક ઉત્કૃષ્ટ ચિત્ર ‘નવધાન્ય’ રસિકભાઈની કલાસમજનો શ્રેષ્ઠ નમૂનો છે : સાંજે સૂરજ ડૂબી રહ્યો છે અને લણણી કર્યા પછી ખેતરેથી પાછી વળતી ખેડૂતસ્ત્રીના દેહ-સૌંદર્યનો, મુખ પરની સંતોષની મુદ્રા સાથે અને સ્થાનિક-ગ્રામીણ ગુજરાતી વેશ-ભૂષા સાથે ઉત્તમ સમન્વય સધાયેલો એ ચિત્રમાં જોઈ શકાય છે.

રસિકભાઈએ સાચા અર્થમાં ગુજરાતની નિજી કલા ઉપજાવી કહી શકાય. એ રીતે તેમણે ગુરુ રવિશંકર રાવળનું સ્વપ્ન સિદ્ધ કર્યું. ફાઇન આર્ટ્સ કૉલેજની સ્થાપના પછી શિક્ષણપ્રવૃત્તિ સાથે તેઓ વધુ સંકળાયેલા રહ્યા અને સ્વતંત્ર સર્જન બંધ પડ્યું. 1942માં ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ વડે તેમનું બહુમાન કર્યું હતું. 1976માં ગુજરાત લલિતકલા અકાદમીએ તેમનાં ચિત્રોનું રિટ્રોસ્પેક્ટિવ  સિંહાવલોકી પ્રદર્શન અમદાવાદ ખાતે સંસ્કારકેન્દ્રમાં રજૂ કર્યું હતું.

 તેમણે તૈયાર કરેલા અનેક કલાકારો ઉપરાંત, તેમનાં પત્ની વિદ્યાબહેન અને પુત્રી ઊર્મિ પરીખ પણ ચિત્રકળાના ક્ષેત્રે ગુજરાતમાં કાર્યરત હતાં. ગુજરાત લલિતકલા અકાદમી તરફથી તેમનું 1970માં પુરસ્કાર દ્વારા બહુમાન  કરાયું હતું. બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરીએ 1983માં રસિકલાલ પરીખનાં રંગીન ચિત્રો અને રેખાચિત્રોને કાયમી સંગ્રહમાં સમાવ્યાં છે.

અમિતાભ મડિયા