પરીખ, રસિકલાલ છોટાલાલ
February, 1998
પરીખ, રસિકલાલ છોટાલાલ (જ. 20 ઑગસ્ટ, 1897, સાદરા; અ. 1 નવેમ્બર, 1982, અમદાવાદ) : કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, ઇતિહાસવિદ સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. ઉપનામ ‘મૂસિકાર’ અને ‘સંજય’. એમણે પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધેલું. કૉલેજમાં તેમણે સંસ્કૃત નાટક તેમ જ વેદ, વેદાન્ત આદિ તત્ત્વજ્ઞાનની અભિરુચિ કેળવી. કૉલેજના અભ્યાસકાળ (1913-1917) દરમિયાન તેઓ મુનિ શ્રી જિનવિજયજી તથા પંડિત સુખલાલજીના ગાઢ સંપર્કમાં આવ્યા; તેથી તેમને ઇતિહાસ, હસ્તપ્રતવિજ્ઞાન અને જૈનદર્શનની અભિરુચિ જાગી. બી.એ. થયા પછી તેઓ ગુજરાત કેળવણી મંડળમાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા. રામનારાયણ વિ. પાઠક સાથે તેમનો સંપર્ક વધ્યો. તેઓ બંને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1921માં ત્યાં તેઓ પુરાતત્ત્વ મંદિરના મંત્રી ને પછી ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકના સંપાદક પણ થયા. 1930થી 1937 દરમિયાન સંશોધન, નાટકલેખન અને દેશાટનમાં પ્રવૃત્ત રહ્યા. 1937માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)માં સહાયક મંત્રી તરીકે તેઓ જોડાયા. 1939માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વિભાગના અધ્યક્ષ નિમાયા ને 1941માં એના નિયામક બન્યા. 1946થી એ વિભાગ ભો. જે. વિદ્યાભવન નામે સંસ્થા રૂપે વિકસ્યો. લલિત સાહિત્યમાં તેમણે ‘સ્મૃતિ’ (કાવ્યસંગ્રહ, 1952), ‘જીવનનાં વહેણો’ (નવલિકાસંગ્રહ), (1941), ‘શર્વિલક’ (1957) તથા ‘મેના ગુર્જરી’ (1977 બંને દીર્ઘ નાટકો) જેવી કૃતિઓ આપી છે. રા. વિ. પાઠક સાથે ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ પણ સંભાળેલું. ‘વૈદિક પાઠાવલી’ (1927), ‘કાવ્યાનુશાસન’ (1938), ‘તત્ત્વોપપ્લવસિંહ’ (અન્ય સાથે, 1940), ‘કાવ્યપ્રકાશ ખંડન’ (1953), ‘નૃત્યકોશ’ – ભા. 1 અને 2 (અન્ય સાથે, 1957), ‘કાવ્યાદર્શ’ (1959) જેવાં સંપાદનોમાં તેમની સૂક્ષ્મ સંશોધનમાં રાચતી વિદ્વત્તા પ્રગટ થાય છે. ‘ગુજરાતની રાજધાનીઓ’ (1958), ‘આનંદમીમાંસા’ (1963) અને ‘ઇતિહાસ : પદ્ધતિ અને સ્વરૂપ’(1969) તથા ‘સરસ્વતીચંદ્ર’નો મહિમા – એની પાત્રસૃદૃષ્ટિમાં’, (1976)ની વ્યાખ્યાનમાળાઓ ઊંડા અધ્યયન, સંશોધન તથા વિવેચનની પ્રતીતિ કરાવે છે. ‘પુરોવચન અને વિવેચન’- (1965)માં એમની વિવેચનશક્તિ દેખા દે છે.
તેઓ 1954થી 1969 સુધી ભો. જે. વિદ્યાભવનના માનાર્હ અધ્યક્ષ રહ્યા. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના વિષયોમાં એમણે અનુસ્નાતક તથા પીએચ.ડી કક્ષાએ અનેક વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશન(વિલે પાર્લે, 1963)ના પ્રમુખપદે એમની વરણી થયેલી. ગુજરાત સાહિત્ય-સભાનું પ્રમુખપદ એમણે વર્ષો સુધી સંભાળેલું. ભો. જે. વિદ્યાભવનની ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ની ગ્રંથમાળાના ગ્રંથ 1થી 7ના એ સંયુક્ત સંપાદક હતા. 1966માં તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના ચોથા અધિવેશન(વલ્લભવિદ્યાનગર)ના પ્રમુખ નિમાયેલા. એ રીતે તેઓ સર્જક-વિવેચક-સંશોધકની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. 1960માં સાહિત્ય અકાદમી – દિલ્હી તરફથી ‘શર્વિલક’ માટે રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી