પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ
February, 2024
પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં કુટુંબે અમદાવાદ મુકામે સ્થળાંતર કર્યું. એ જ વર્ષે પ્રવીણચંદ્રે શ્રી રામાનંદ મહાવિદ્યાલય(વર્તમાન એચ. કે. આર્ટ્સ કૉલેજ)માં પ્રવેશ મેળવ્યો. મુખ્ય વિષય ભારતીય સંસ્કૃતિ સાથે 1959માં ઉચ્ચ દ્વિતીય વર્ગ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. 1961માં ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીના માર્ગદર્શન નીચે ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ એ વિષય પર સંશોધન કરીને 1967માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
અધ્યાપન અને સંશોધનના ક્ષેત્રે તેમનું પ્રદાન અમૂલ્ય છે. 1961-64 દરમિયાન તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં રિસર્ચ સ્કોલર તરીકે સેવાઓ આપી હતી. એ પછી રાજકોટની એમ. વી. મહિલા કૉલેજ(1964-75) તથા અમદાવાદની ભો. જે. વિદ્યાભવનમાં (1975-1997) સ્નાતક ને અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કરાવ્યું હતું.
ડૉ. પરીખે લેખનકાર્યમાં 15 મૌલિક ગ્રંથો, 8 અનુવાદિત ગ્રંથો અને 45 ગ્રંથોનું સંપાદન કરેલ છે. તેમના મહત્વના ગ્રંથોમાં ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ, તલસ્પર્શી, શ્રીકૃષ્ણ પ્રાણાલી – નિજાનંદ સંપ્રદાયના સ્થાપક શ્રી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી, શ્રી છત્રસાલજી અને મધ્યકાલીન કવિ લાલદાસ તથા મુકુંદદાસના જીવન ધરાવતાં બાલસોપાન ભાગ : 1-2-3નો સમાવેશ થાય છે. ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિની ઝલક (મધ્યકાળ-અર્વાચીન કાળ), પ્રાચીન ભારતીય શિલ્પકલા, ભારતીય સિક્કાશાસ્ત્ર (હં. ગ. શાસ્ત્રી સાથે), સ્વામિનારાયણ શિલ્પકલા અને સ્થાપત્ય (કિરીટકુમાર દવે સાથે), ભારતીય સંસ્કૃતિ : સ્વરૂપ અને વિકાસ (મધ્યકાળ અને અર્વાચીન કાળ), ભારતનું ગૅઝેટિયર (અનુવાદ), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ 8-9 (સહ સંપાદક), પ્રાણનાથ પ્રજ્ઞા ગ્રંથ 1-2, મધ્યકાલીન સંત મહામતિ પ્રાણનાથનો સમાવેશ થાય છે. ભો. જે. વિદ્યાભવનના શોધત્રૈમાસિક સામીપ્ય તેમજ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર શોધ-પત્રિકા, હોલિસ્ટિક વિઝનના સંપાદક તરીકે પણ સેવા આપી હતી. તેઓએ પુષ્ટિમાર્ગ અંગેના છ ગ્રંથોનું સંપાદન, પ્રણામી દર્શન અંગેના 15 ગ્રંથોનું લેખન અને સંપાદન – જૈન દર્શન અને દાદા ભગવાન પ્રેરિત વીતરાગ દર્શન(અક્રમ વિજ્ઞાન)ને લગતા 12 ગ્રંથોનું સંપાદન પણ ઉલ્લેખનીય છે.
ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતામાં સલાહકાર સભ્ય, ગુજરાત રાજ્યના અભિલેખ ખાતામાં સલાહકાર સભ્ય, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચના પૅનલ રિવ્યૂઅર, ગુજરાત યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ બોર્ડના સભ્ય અને અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષ, ગુજરાત વિદ્યાસભાના સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી અને પ્રમુખ, ગુજરાત વિશ્વકોશમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ, શિલ્પસ્થાપત્યના વિષયના નિષ્ણાત તરીકે ડૉ. પરીખે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રીના માન્ય માર્ગદર્શક હતા અને તેમના માર્ગદર્શન નીચે સાત વિદ્યાર્થીઓએ સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ભારતીય સંસ્કૃતિ વિષયની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણો મેળવીને શેઠ ચીનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તેમના ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ ગ્રંથ માટે નર્મદ સાહિત્ય સભા દ્વારા તેમને નર્મદ ચંદ્રક એનાયત થયો હતો. તેમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો દ્વારા તેમના સન્માનાર્થે તામ્રપત્ર અને New Dimesions of Indology નામે અભિનંદન ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં ગુજરાતમાં બ્રાહ્મી લિપિના એક માત્ર જાણકાર અને અભ્યાસુ તરીકે ડૉ. પરીખનું પ્રદાન મૂલ્યવાન છે.
જયકુમાર ર. શુક્લ
થોમસ પરમાર