પરિહૃદ્-કલા (pericardium)
February, 1998
પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે.
પરિહૃદ્-કલાના વિકારો 3 રીતે જોવા મળે છે : પરિહૃદ્-કલાશોથ (pericarditis), પરિહૃદીય સજલતા (pericardial effusion) અને પરિહૃદીય સંકીર્ણન (pericardial constriction). વિવિધ પરિબળો અને ઘટકો પરિહૃદ્-કલાના વિકારો કરે છે. સારણી 1માં તે દર્શાવ્યા છે.
સારણી 1 : પરિહૃદ્–કલાના કેટલાક વિકારો
જૂથ | ઉદાહરણ | પરિહૃદીય વિકાર | |
1. | ચેપ | વિષાણુઓ કોકસેકી-બી, એઇડ્ઝ | સજલતા, શોથ |
જીવાણુઓ (અ) ન્યુમોકોકાઈ | સજલતા, શોથ | ||
જીવાણુઓ (આ) સ્ટેફાયલોકોકાઈ, | સજલતા, શોથ | ||
મેનિંગોકોકાઈ, ક્ષય | સજલતા, સંકીર્ણન, શોથ | ||
જીવાણુઓ (ઇ) હિમોફિલાસ | શોથ, સંકીર્ણન | ||
ફૂગ : હિસ્ટોપ્લાઝમા | સજલતા, શોથ, | ||
સંકીર્ણન | |||
પરોપજીવી : એમીબા | સજલતા, શોથ | ||
2. | અન્ય શોથકારી પરિબળો | ઈજા, વિકિરણ (radiation) | સજલતા, શોથ, સંકીર્ણન |
3. | કૅન્સર | ફેફસું, સ્તન, અન્ય અવયવો | સજલતા, સંકીર્ણન |
લસિકાર્બુદ (lymphoma) | સજલતા | ||
મધ્યત્વકીય અર્બુદ | સજલતા | ||
(mesothelioma) | |||
4. | ચયાપચયી (metabolic) | મૂત્રપિંડ-નિષ્ફળતા, અલ્પગલ- ગ્રંથિતા (hypothyroidism), લોહીમાં આલ્બ્યુમિનનો ઘટાડો | સજલતા |
5. | હૃદય | હૃદયરોગનો હુમલો, હૃદય-નિષ્ફળતા | સજલતા |
6. | ઈજા | પરિહૃદ્-કલા ઉચ્છેદન પછીનું સંલક્ષણ | સજલતા |
શસ્ત્રક્રિયા પછી | સજલતા, સંકીર્ણન | ||
7. | સંધાનપેશી (connective tissue)ના વિકારો | ર્હ્યુમેટિક તાવ, ર્હ્યુમેટોઇડ સંધિવા, રક્તકોષભક્ષિતા (lupus erythematosus) | સજલતા |
8. | દવાઓ | પ્રોકેનેમાઇડ | સજલતા |
9. | અજ્ઞાતમૂલ | અજ્ઞાતમૂલ | સજલતા, સંકીર્ણન |
નોંધ : સજલતા = fluid collection, શોથ = inflammation,
સંકીર્ણન = constriction.
ઉગ્ર પરિહૃદ્–કલાશોથ (acute pericarditis) : તાવ, થકાવટ અને છાતીનો દુખાવો તેનાં મુખ્ય લક્ષણો છે. બેસતાં કે ઊંડો શ્વાસ લેતાં, છાતીની ડાબી બાજુ પર દુખાવો થાય છે. પેશી સૂજીને લાલ થાય તથા દુખાવો કરે ત્યારે તેને શોથ(inflammation)નો વિકાર કહે છે. વિષાણુ કે જીવાણુથી થતા ચેપને કારણે પરિહૃદ્-કલાનો પીડાકારક સોજો આવે તેને પરિહૃદ્-કલાશોથ કહે છે. શોથને કારણે હૃદયનાં સંકોચનો વખતે સોજાથી ખરબચડી થયેલી પરિહૃદ્-કલા ઘસાવાથી ધ્રુજારીની ઘર્ષણ-સંવેદના ઉત્પન્ન થાય છે. તે પરિહૃદ્-કલાશોથનું નિશ્ચિત નિદાનસૂચક ચિહ્ન છે. હૃદયના વીજાલેખ(electrocardiogram)માં aVR અને V1 સિવાયના ધ્રુવાગ્રો પર ST-ખંડ ઊંચો થાય છે, પરંતુ ‘T’ તરંગમાં કોઈ ફેરફાર થતો નથી. જોકે લાંબા ગાળાના પરિહૃદ્-કલાશોથમાં ‘T’ તરંગ ઊંધો થાય છે અને તે સમયે ST-ખંડ મૂળ-સ્થાને આવી ગયો હોય છે. લોહીમાં રક્તકોષોનો ઠારણદર(અવક્ષેપનદર) (erythrocyte sedimentation rate, ESR) વધે છે. ગેલિયમ સમસ્થાની વિકિરણચિત્રણ (isotope scan) તથા હૃદયલક્ષી ઉત્સેચકોનું લોહીનું પ્રમાણ જાણવાથી નિદાનમાં સરળતા રહે છે. સામાન્ય રીતે વિષાણુજ પરિહૃદ્-કલાશોથ આપોઆપ મટે છે. ઇન્ડોમિથાસિન આપવાથી દુખાવો ઘટે છે. એસ્પિરિન કે આઇબુપ્રોફેન પણ આપી શકાય છે. જો તે વારંવાર થાય તો કોર્ટિકોસ્ટીરોઇડ પણ અપાય છે.
પરિહૃદીય સજલતા (pericardial effusion) : પરિહૃદ્ગુહામાં પ્રવાહી ભરાય તેને પરિહૃદીય સજલતા કહે છે. જો પરિહૃદીય સજલતાનું દબાણ 3થી 4 મિમી. પારાથી ઓછું હોય તો ખાસ કોઈ ચિહ્નો થતાં નથી. જો દર્દીને ઉગ્ર પરિહૃદ્-કલાશોથ હોય અને એક્સ-રે-ચિત્રણમાં હૃદયની છાયા મોટી થઈ હોય તો પરિહૃદીય સજલતાની સંભાવના વધે છે. હૃદયના પ્રતિઘોષચિત્રણ (echocardiography) વડે નિદાન સરળતાથી કરી શકાય છે. ખાસ કરીને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કે સદાબ-સજલતા(tempomade)નાં ચિહ્નો કે લક્ષણો ન હોય તો હૃદ્-પ્રતિઘોષચિત્રણની જરૂર પડતી નથી. ECGના ST-T-ખંડ અને તરંગમાં ફેરફારો, હૃદયની નિષ્ફળતાનાં ચિહ્નો કે હૃદયમાં આવેગવહનના વિકારો થાય તો હૃદ્-સ્નાયુશોથ હોવાની સંભાવના વધુ ગણાય છે. આવા સંજોગમાં હૃદયના પ્રતિઘોષચિત્રણની જરૂર પડે છે, જેના વડે હૃદયના ખંડોનું પહોળા થવું અને તેની આસપાસ પ્રવાહીનું ભરાવું – એ બંને સ્થિતિઓને અલગ પાડી શકાય છે. સારવાર અને નિદાન માટે પ્રવાહીને બહાર કાઢીને તેનું પૃથક્કરણ કરાય છે અને તેમાંના જીવાણુનું સંવર્ધન કરાય છે.
કોઈ પણ કારણે થતો પરિહૃદ્-કલાશોથ પરિહૃદીય સજલતા કરે છે. અને તેમાંથી ક્યારેક સદાબ-સજલતા થઈ આવે છે. પરિહૃદ્-સજલતામાં વધુ પડતું પ્રવાહી ભરાવાથી હૃદય પર દબાણ આવે તેને હૃદીય સદાબ સજલતા (cardiac temponade) કહે છે. તે વખતે હૃદયના કાર્યમાં વિક્ષેપ પડે છે. સામાન્ય રીતે પરિહૃદ્ગુહામાંના પ્રવાહીનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું રહે છે. જો તેમાં ઝડપથી પ્રવાહી ભરાય તો તેનું દબાણ વધીને પારાના 20 મિમી. જેટલું થઈ જાય છે, પરંતુ જો તેમાં ધીમે ધીમે પ્રવાહી ભરાય તો તેમાંનું દબાણ વધી જતું નથી. તેના એક લક્ષણ રૂપે હૃદયની નિષ્ફળતા જેવી સ્થિતિ ઉદ્ભવે છે. લોહીનું દબાણ ઘટે છે અને ક્યારેક વ્યક્તિ અર્ધબેભાન બની જાય છે. છાતીમાં દુખાવો હોય અથવા ન પણ હોય, પરંતુ શ્વાસ ચઢવાની અને છાતીમાં ભાર લાગવાની તકલીફો થાય છે. શિરાઓમાં દબાણ વધવાથી ગળામાંની નસો ફૂલે છે અને યકૃત પર સ્પર્શવેદનાવાળો સોજો આવે છે. પેટના જમણા ઉપલા ખૂણે દબાવવાથી દુ:ખે તો તેને યકૃતીય સ્પર્શવેદના (hepatic tenderness) કહે છે. શ્વાસ અંદર લેતી વખતે લોહીનું દબાણ વધુ ઘટે તેને વિપરીત નાડી(pulsus paradoxus)નો વિકાર કહે છે. તે નિદાનસૂચક ચિહ્ન ગણાય છે. છાતી પર સ્ટેથોસ્કોપ વડે કે હાથ મૂકવાથી ઘર્ષણરવ (friction rub) સંભળાય છે અથવા અનુભવાય છે. સારવાર રૂપે પ્રવાહીને તરત કાઢવામાં આવે છે. તેનું નિદાનીય પૃથક્કરણ પણ કરાય છે. હૃદયની આસપાસનું પ્રવાહી કાઢી નાંખવામાં આવે છે તથા તેના કારણરૂપ વિકારની સારવાર કરાય છે.
પરિહૃદીય સંકીર્ણન (constrictive pericarditis) : શોથને કારણે વ્યાપક અને વિપુલ તંતુતા (fibrosis) થાય તો પરિહૃદ્-કલા જાડી થાય છે અને તે હૃદયના ખંડોને દબાવીને સંકોચાવે છે. તેને પરિહૃદીય સંકીર્ણન કહે છે. તેનાં મુખ્ય કારણોમાં ક્ષય, પરુ કરતા જીવાણુનો ચેપ, ઈજા, કૅન્સર સામે સારવાર રૂપે અપાતી વિકિરણ-ચિકિત્સા (radiotherapy) અને સંધાનપેશીના વિકારો(connective tissue disorders)નો સમાવેશ થાય છે. દર્દીને શ્વાસ ચઢે છે. ફેફસામાં પ્રવાહી ભરાય છે. દર્દીને શરીરે સોજા આવે છે. તેના ગળાની નસો ફૂલે છે. અને ઊંડો શ્વાસ લેવા છતાં તે ઘટતી નથી. યકૃત પર સોજો આવે છે અને તેને સ્પર્શતાં દુખાવો થાય છે. લાંબા સમયે યકૃતનું કાર્ય બગડે છે અને પેટમાં પ્રવાહી ભરાય (જળોદર) છે. પગના સોજા કરતાં જળોદર વધુ રહે છે. એક્સ-રે-ચિત્રણમાં પરિહૃદ્-કલામાં કૅલ્શિયમ જમા થયેલું હોય છે તે કે હૃદીય પ્રતિઘોષચિત્રણમાં જાડી થયેલી પરિહૃદ્-કલા જોવા મળે છે. હૃદયના સ્નાયુઓના અવરોધીય વિકાર, જેને નિબંધનીય હૃદ્-સ્નાયુરુગ્ણતા (restrictive cardiomyopathy) કહે છે તેને પરિહૃદીય સંકીર્ણનથી અલગ પડાય છે. દર્દીને મૂત્રવર્ધક વડે સારવાર અપાય છે. શસ્ત્રક્રિયા કરીને પરિહૃદ્-કલા કાઢી નંખાય છે. તેને પરિહૃદ્-કલા-ઉચ્છેદન (pericardiectomy) કહે છે. તેનાં પરિણામો ઘણાં સારાં રહે છે.
શિલીન નં. શુક્લ
શ્રીપ્રકાશ ત્રિવેદી