પરિપક્વન (maturation) : સજીવોમાં આપમેળે સાકાર થતી વિકાસ-પ્રક્રિયા. જીવ આપમેળે વધે છે, વિકસે છે. આ માટેની અંતર્ગત શક્તિ તેનામાં પડેલી હોય છે. વનસ્પતિ હોય, પશુ-પંખી હોય, જીવ-જંતુ હોય કે માનવ-બાળ હોય; તે આપોઆપ પાંગરે છે, તેનું કદ વધે છે, શરીર સુઢ થાય છે અને સમજદારી કેળવાય છે. આ આપમેળે સાકાર થતી વિકાસ-પ્રક્રિયાને પરિપક્વન તરીકે ઓળખવામાં આવે છે.

વિકસવા માટેનું અંતર્ગત વલણ, ફૂલવા-ફાલવાનો ક્રમ, ઉછેર-તબક્કા અને એ સૌનું સુગ્રથિત થવું – એ બધું સજીવની ભીતર પડ્યું હોય છે. તે ધીમે ધીમે આવિષ્કાર પામે છે. શરીરવિકાસ, મનોવિકાસ, સામાજિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ – એ બધામાં પરિપક્વનનો ફાળો હોય છે. બધોય વિકાસ એકરસ થઈ સમગ્ર જીવમાં સુગ્રથિત થાય છે. આ રીતે જીવ પરિપક્વતા (maturity) પામે છે. માનવબાળકના પરિપક્વનના જુદા જુદા તબક્કા વિવિધ નામોથી ઓળખાય છે : નવજાત શિશુની અવસ્થા શૈશવ, કુમારાવસ્થા, કિશોરાવસ્થા, પુખ્તાવસ્થા તથા વૃદ્ધાવસ્થા. જોકે આ નામકરણ અને તે અંગેના ચોક્કસ સમય-તબક્કાઓ અંગે એકવાક્યતા નથી.

ઘણી વાર પરિપક્વન અને તાલીમ-શિક્ષણને સામસામાં મૂકવામાં આવે છે. અવયવો-સ્નાયુઓ ચોક્કસ પ્રમાણમાં વિકસ્યા ન હોય તો ગમે તેટલું શિખવાડો, કૌશલ નહિ ચડે. ચાલણગાડીથી ગમે તેટલું શીખવો, બાળક ચાલતાં નહિ શીખે. પરિપક્વનના યોગ્ય તબક્કે વગર  શીખવ્યે બાળકને આપોઆપ ચાલતાં આવડી જશે. ખરેખર તો પરિપક્વન અને તાલીમ, વિકાસ અને શિક્ષણ એકબીજાનાં પૂરક-ઉપકારક છે. તાલીમ આપી પરિપક્વન ઝડપી બનાવવાનો પ્રયાસ નિરર્થક જ નહિ, નુકસાનકારક પણ છે. એ જ રીતે પરિપક્વનના યોગ્ય તબક્કે તાલીમ પૂરી ન પાડો તો વિકાસ કુંઠિત થાય છે. સમધારણ વ્યક્તિત્વવિકાસ માટે યોગ્ય તબક્કે અનુરૂપ તાલીમ જરૂરી છે. માણસના સર્વ પ્રકારના વિકાસમાં પરિપક્વન અને તાલીમનો ફાળો છે. બંનેની સમતુલા સાધવી તે કળા અને વિજ્ઞાન બંને છે.

મહેશ દવે