પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી પંડિતજીએ તેમને લખ્યું, ‘તમારી માતૃભાષામાં એ જાતની વિદ્યાપ્રવૃત્તિ કરવી એ તમારી ફરજ છે.’ પંડિતજીની આ વાતે વાડીલાલ ડગલીના મનમાં ‘પરિચય-પુસ્તિકા’ પ્રવૃત્તિનું બીજ વાવ્યું. વિદેશથી પાછા ફર્યા બાદ આ વિચાર તેમણે પરિચય ટ્રસ્ટના બીજા મોભી તેમના મિત્ર શ્રી યશવંત દોશી આગળ રજૂ કર્યો. યશવંતભાઈ પણ માતૃભાષા દ્વારા કંઈક નક્કર કામ કરવાની ભાવના સેવતા હતા. વાડીભાઈની વાત તેમને ગમી ગઈ. ચી. ન. વિદ્યાવિહારના આ બે મિત્રોને વિદ્યાવિહારના સહાધ્યાયી એવા ઉદ્યોગપતિ શ્રી કુમુદચંદ્ર મહાદેવિયા, શ્રી જયવદન તકતાવાલા તેમજ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી અરવિંદ મફતલાલની સહાયતા મળી. 1957ના અંતમાં મિત્રમંડળીએ ‘પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ’ની શરૂઆત કરી અને 1958ના જાન્યુઆરીમાં પીઢ પ્રસિદ્ધ પત્રકાર શ્રી રવિશંકર વિ. મહેતાલિખિત ‘વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે ?’ અને તે કાળે પ્રસિદ્ધ થતા વિચારપત્ર ‘જ્યોતિર્ધર’ના તંત્રી શ્રી ગટુભાઈ ધ્રુ લિખિત ‘લગ્ન, છૂટાછેડા : વારસો’ – એ બે પહેલી પરિચય-પુસ્તિકાઓ પ્રેસમાં મોકલાઈ. 1958ના એપ્રિલમાં એ બે પહેલી પુસ્તિકાઓ પ્રસિદ્ધ થઈ.
અનૌપચારિક મિત્રમંડળી દ્વારા શરૂ કરાયેલી આ પ્રવૃત્તિને નિયમિત અને લાંબા સમય સુધી ચાલુ રાખવી હોય તો ઔપચારિક સ્વરૂપ આપવું જોઈએ એમ લાગતાં ‘પરિચય-પુસ્તિકા’ના નામ પરથી જ ‘પરિચય ટ્રસ્ટ’ નામના ટ્રસ્ટની નોંધણી તા. 9 જુલાઈ, 1959ના રોજ કરાવવામાં આવી. તે થતાં ગુજરાતી ભાષામાં જનહિતાર્થે પ્રકાશન પ્રવૃત્તિ કરનાર એક ટ્રસ્ટનો ઉમેરો થયો.
તેના પહેલા ટ્રસ્ટી મંડળના પ્રમુખ આ પ્રવૃત્તિની પ્રેરણા આપનાર પંડિત સુખલાલજી હતા. અન્ય સભ્યોમાં ઉમાશંકર જોશી, કીસનલાલ દીવાનજી, મહેન્દ્ર વા. દેસાઈ, જયવદન તક્તાવાલા અને વાડીલાલ ડગલી (મૅનેજિંગ ટ્રસ્ટી) હતા. યશવંત દોશી આ પ્રવૃત્તિમાં વાડીલાલ ડગલી જેટલા જ સક્રિય હતા. પરિચય ટ્રસ્ટ સ્થપાતાં બે મિત્રોના ખાનગી સાહસ તરીકે જન્મેલી પ્રવૃત્તિ સ્થિર થઈ એટલે તેને વેગવંતી બનાવવા યશવંત દોશીએ 1963ના સપ્ટેમ્બરમાં અમેરિકન સરકારના ‘યુસિસ’ની માતબર નોકરી છોડી પરિચય ટ્રસ્ટના કામ માટે પલાંઠી વાળી આસન જમાવ્યું. 1999ની 14મી જાન્યુઆરીએ તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ આ પ્રવૃત્તિને સમર્પિત રહ્યા.
પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિનો ઉદ્દેશ તેના સ્થાપક ટ્રસ્ટી વાડીલાલ ડગલીએ આ પ્રમાણે વર્ણવ્યો છે : ‘વાચકને પૂરી માહિતી આપી એને સ્વતંત્ર રીતે વિચાર કરતો કરવો અને એ રીતે લોકશાહીને દૃઢ બનાવવી.’ આ ધ્યેય મુજબ પરિચય ટ્રસ્ટ તરફથી ચાલતી પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ ગુજરાતમાં અજોડ, વિશિષ્ટ અને વિવિધલક્ષી બની છે. તેનું મુખ્ય ધ્યેય વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન આપવાનું છે. પ્રગટ થયેલી પરિચય-પુસ્તિકાઓની સંખ્યા સાડા ત્રણસોએ પહોંચી તે નિમિત્તે ટ્રસ્ટના ત્યારના પ્રમુખ પંડિત સુખલાલજીએ પરિચય-પુસ્તિકાની કેટલીક અસાધારણ વિશેષતાઓ તરફ નિર્દેશ કર્યો હતો : (1) તેમાંના બધા જ વિષયો સંસ્કારી પ્રજા માટે અવશ્ય જાણવા જેવા અને જિજ્ઞાસાપોષક તેમજ વર્ધક હોય છે. (2) પુસ્તિકાઓ ગુજરાતીમાં પ્રગટ થાય છે છતાં જે જ્ઞાનસંભાર હોય છે તે તો ભારતની અનેક ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓનાં મહત્ત્વનાં લખાણોમાંથી સુયોગ્ય રીતે સંકલિત હોય છે. (3) લેખકો પસંદ કરવામાં આવે છે તેઓ પોતાના વિષયના નિષ્ણાત અને નીવડેલા હોય છે. ટૂંકમાં આ પુસ્તિકાઓ એક ઘરગથ્થુ લઘુ જ્ઞાનકોશ છે, જે બૅટરી-હાથબત્તીની ગરજ સારે છે.
વિષયોના વૈવિધ્યને જો કસોટી બનાવીએ તો આ પુસ્તિકાઓની તોલે કોઈ પુસ્તકશ્રેણી ન આવે. એના લેખકોનાં નામ પર એક નજર કરીએ તો આશ્ચર્યમિશ્રિત આનંદ અનુભવ્યા વિના ન રહેવાય. જુદી જુદી વિચારસરણીમાં વિશ્વાસ રાખનારા આટલા બધા બૌદ્ધિકો પરિચય ટ્રસ્ટના મંચ સિવાય ક્યાંયે એકઠા મળ્યા હોવાનો સંભવ નથી.
પુસ્તિકાઓના લેખકોનું વ્યવસાયવૈવિધ્ય નોંધપાત્ર છે. એમાં પ્રધાનો, સંસદ સભ્યો, ભૂતપૂર્વ વડા પ્રધાન, એલચીઓ છે, તંત્રીઓ, પત્રકારો છે, ઉદ્યોગપતિઓ છે, ગૃહિણીઓ છે, વકીલો છે, પ્રાધ્યાપકો છે, ન્યાયમૂર્તિઓ છે, નૃત્યકારો છે, કલાકારો છે. વિષયોનું વૈવિધ્ય તો પાર વિનાનું છે. અવકાશવિજ્ઞાનથી માંડીને ઉપનિષદો સુધી, ક્રિકેટથી માંડીને શતરંજ સુધી, મોતિયાથી માંડીને ઊંઘવાની કળા સુધી, પ્રસૂતિથી માંડીને વિલ કેવી રીતે બનાવવું જેવા વિવિધ વિષયો આ પુસ્તિકાઓમાં સંગ્રહાયેલા છે.
1985માં વાડીભાઈનું નિધન થયું. પરિચય-પુસ્તિકા અને ‘ગ્રંથ’ના પ્રેરણાસ્રોત સમા વાડીભાઈના અવસાનને કારણે પરિચય ટ્રસ્ટને નાણાકીય કટોકટી ઊભી થવાના ભયે ‘ગ્રંથ’ બંધ કરવાનો નિર્ણય લેવાયો. 1986ના જૂનમાં ‘વાડીલાલ ડગલી વિશેષાંક’ આપીને ‘ગ્રંથ’નું પ્રકાશન બંધ કરાયું.
પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિનું આ 56મું વર્ષ ચાલે છે અને 2014ના વર્ષના અંતે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ, આરોગ્ય, અર્થશાસ્ત્ર, બંધારણ અને વહીવટી તંત્ર, કાયદો, વેપાર-ઉદ્યોગ, દેશ-પ્રદેશ, શિક્ષણ, પશુપંખીઓ, રમતગમત અને વિવિધ સંસ્થાઓ, ભાષા-સાહિત્ય, જીવનકથાઓ, ગાંધીવિચાર જેવા વિવિધ વિષય પર પ્રગટ થયેલી પુસ્તિકાઓની સંખ્યા 1337 થશે. આજ સુધીમાં પ્રગટ થયેલી પુસ્તિકાઓની કુલ નકલો ચાલીસ લાખ ઉપરનો આંકડો વટાવી ચૂકી છે જે આ પ્રકારની પ્રકાશન પ્રવૃત્તિમાં વિશ્વવિક્રમ હશે.
જુદી જુદી વિચારસરણીવાળા અનેક બૌદ્ધિકોને પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિએ જેમ લેખકો તરીકે એક મંચ પર ભેગા કર્યા છે તેમ પરિચય ટ્રસ્ટે પણ વખતોવખત વિવિધ વિચારસરણીથી રંગાયેલ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને પસંદ કરી પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નીમ્યા છે. પંડિત સુખલાલજી, ગગનવિહારી મહેતા, ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, આર. એસ. ભટ્ટ જેવા પીઢ તજ્જ્ઞોએ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું છે. તો કીસનલાલ દીવાનજી, મહેન્દ્ર વા. દેસાઈ, જયવદન તક્તાવાલા, રસેશ એન. મફતલાલ, નિરંજન ભગત, ડૉ. ભાનુ ર. શાહ, બળવંત કે. પારેખ, જિતેન્દ્ર ઠા. દેસાઈ તથા ઇન્દિરાબહેન વા. ડગલી જેવાંઓએ ટ્રસ્ટીપદ સંભાળ્યું હતું. અત્યારે નવીનભાઈ દવે ટ્રસ્ટના ચૅરમૅન છે. ઉત્પલ ભાયાણી, ગોપાલ દવે અને ધીરુભાઈ મહેતા ટ્રસ્ટીઓ છે. ઇમેજ પબ્લિકેશનનો સહયોગ ટ્રસ્ટને મળે છે.
જિતેન્દ્રભાઈ દેસાઈ
શ્રદ્ધા ત્રિવેદી