પરમાર, દેશળજી કહાનજી (જ. 13 જાન્યુઆરી 1894, સરદારગઢ; અ. 12 ફેબ્રુઆરી 1966, ગોંડલ) : ગુજરાતી કવિ. ગણોદ(તા. ગોંડલ)ના વતની. 1912માં મૅટ્રિક.

દેશળજી કહાનજી પરમાર
1916માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.. કાયદાના વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા, પણ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. 1922માં અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક તરીકે આવ્યા. એ દરમિયાન ‘કુમાર’માં કાર્ય કર્યું. 1931માં ગોંડલના રેવન્યૂ ખાતામાં જોડાયા અને ત્યારપછી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી.
ગુજરાતી સાહિત્યમાં ન્હાનાલાલના રાસ, ઠાકોરની છંદોરીતિ, ગાંધીજીએ પ્રબોધેલ સ્વદેશભક્તિ ને માનવપ્રેમ તેમજ શ્રી અરવિંદનું જીવનદર્શન – એમ અનેકવિધ અસરો ઝીલતી તેમની કાવ્યવાણી લાંબા પટ પર વહેતી રહેલી જણાય છે. ‘ગૌરીનાં ગીતો’ (1929) ન્હાનાલાલની અસર હેઠળ લખાયેલાં રાસગીતોનો સંગ્રહ છે. ‘ગલગોટા’ (1930) અને ‘ટહૌકા’ બાલકાવ્યોના સંગ્રહો છે. ‘ઉત્તરાયન’ (1954) એમનાં પ્રતિનિધિ કાવ્યોનો સંગ્રહ છે. બાલકાવ્યો અને કિશોરકાવ્યો તેમની સરળ અને સુગેય શૈલીને કારણે ખૂબ આવકાર પામ્યાં હતાં. ગીત, સૉનેટ, મુક્તક અને દીઘર્ર્કાવ્ય જેવાં કાવ્યસ્વરૂપોમાં એમની ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદનો વ્યક્ત થયાં છે. એમણે સંપાદનકાર્ય પણ કર્યું છે. એમનું કેટલુંક ગદ્યલેખન અદ્યાપિ ગ્રંથસ્થ થયું નથી.
વીણા શેઠ