પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું જેવાં વાર્ષિક નાણાકીય પત્રકો(financial statements)માંથી મળી શકે છે. વિરાટ કંપનીઓ આવી વિગતો વર્ષાંતે એક જ વાર મેળવવાને બદલે વર્ષમાં એકથી વધુ વાર માસિક, ત્રિમાસિક અથવા છમાસિક સમયગાળે મેળવવાનું પસંદ કરે છે, કારણ કે કંપનીની કામગીરી અને કાર્યક્ષમતામાં વર્ષ દરમિયાન પ્રતિકૂળ ફેરફારો થયા હોય તો સમયસર જરૂરી સુધારાત્મક પગલાં લેવાથી ભારે આર્થિક નુકસાનમાંથી ધંધાકીય એકમને બચાવી શકાય. તેથી ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ ઘનશ્યામદાસ બિરલા, આદિત્ય બિરલા અને કુમારમંગલમ્ જેવાઓએ માસિક સરવૈયાં તૈયાર કરવાનો રિવાજ શરૂ કર્યો છે.
જયન્તિલાલ પો. જાની