પરજીવી (parasite) : સ્વતંત્ર રીતે જીવી ન શકે અને તે માટે બીજાં સજીવો પર આધાર રાખવો પડે તેવાં પ્રાણી અને વનસ્પતિસૃદૃષ્ટિના સભ્યો. મોટાભાગની વનસ્પતિ સ્વતંત્ર રીતે જીવવાની ક્ષમતા ધરાવે છે. પરજીવી  જીવન મુખ્યત્વે પ્રાણીસૃદૃષ્ટિમાં જોવા મળે છે. પરજીવીપણું ક્ષણિક હોય કે કાયમી અને વ્યાપક (extensive) યા સઘન (intensive). મોટાભાગના પરજીવીઓ માટે પરજીવન અનિવાર્ય (obligatory) પ્રકારનું હોય છે. તેઓ યજમાન વિના જીવી શકતાં નથી. ઇતરડી, ચાંચડ કે માંકડ જેવાં પરજીવી પ્રાણીઓનો યજમાન સાથેનો સંપર્ક ખોરાક ગ્રહણ પૂરતો મર્યાદિત હોય છે. આવાં પ્રાણીઓને બાહ્યપરોપજીવી (ectoparasites) કહે છે. કૃમિ કે મલેરિયાના જંતુઓ આખી જિંદગી યજમાનનાં શરીરમાં પરોપજીવી જીવન પસાર કરતાં હોય છે. આવાં પરજીવીઓને અંત:પરજીવી (endoparasite) કહે છે.

પરજીવી પ્રાણીઓનો સમાવેશ મુખ્યત્વે પ્રજીવ (protozoa), કૃમિ (worms) કે સંધિપાદ (arthropoda) સમુદાયોમાં થયેલો છે. સંધિપાદ સમુદાયના સભ્યો મોટેભાગે બાહ્ય પરજીવી જીવન પસાર કરતા હોય છે જ્યારે પ્રજીવો અને કૃમિઓ અંત:પરજીવી તરીકે આખી જિંદગી યજમાનના શરીરમાં પસાર કરતા હોય છે. જોકે તેમાંના કેટલાકનાં ડિમ્ભો (larvae) પાણીમાં સ્વતંત્ર રીતે જીવન ગાળતાં હોય છે.

પરજીવી પ્રજીવો મોટેભાગે પ્રચલન માટે કશા કે ખોટા પગનો ઉપયોગ કરે છે. જોકે કેટલાકમાં પ્રચલનનો સાવ અભાવ હોય છે. પ્રજનન માટે તે દ્વિભાજનને બદલે બહુભાજન પદ્ધતિ અપનાવે છે. વળી ઘણા પ્રજીવો એકાંતરે અલિંગી અને લિંગી આમ બે અવસ્થામાંથી પસાર થતા હોય છે અને આ માટે બે યજમાનના શરીરમાં જીવનચક્ર પસાર કરે છે. દાખલા તરીકે, મલેરિયાનું જંતુ અલિંગી અવસ્થા માનવીના શરીરમાં પસાર કરે છે અને તેની લિંગી અવસ્થાનો વિકાસ એનોફિલીસ માદા મચ્છરના શરીરમાં થાય છે.

મોટાભાગના પૃથુકૃમિ સમુદાયના ચપટા કૃમિઓ પરજીવી જીવન પસાર કરતા હોય છે. તે મુખ્યત્વે પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં જીવન પસાર કરતા હોય છે. યજમાન એક હોય કે બે, તેમાંના કેટલાક, જલજીવી માછલી જેવાંની ત્વચા કે ઝાલરને ચોંટીને જીવે છે. યકૃતકૃમિ(liver fluke)ના યજમાન બે હોય છે. યકૃતકૃમિ ગાય કે ઘેટાં જેવાં સસ્તનોના યકૃત સાથે ચોંટેલા હોય છે. તેમણે મૂકેલાં ઈંડાં ગોકળગાય(slug)ના સંપર્કમાં આવતાં તેના શરીરમાં રહીને વિકાસ સાધે છે. પટ્ટીકીડા(tapeworm)ના એકમને પ્રાણીઓના એક સમૂહ તરીકે વર્ણવી શકાય. તેમનો જીવનક્રમ જટિલ હોય છે.

પટ્ટીકીડાઓ માનવ, ગાય, ભેંસ, ભુંડ, કૂતરાં જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં વાસ કરે છે. સામાન્યપણે તેમને બે યજમાન હોય છે. મોટેભાગે બંને યજમાનો પૃષ્ઠવંશી પ્રાણી હોય છે. જોકે અમુકના બીજા યજમાન સ્તરકવચી (crustacean) હોઈ શકે છે.

ગોળકૃમિઓ (nemathelminths) કદમાં લાંબા (દા. ત., રજ્જુકૃમિ) કે ટૂંકા (દા. ત., સૂત્રકૃમિ) હોય છે. છેડેથી તે અણીદાર હોય છે. કેટલાક અંકુશ (hook) જેવાં અંગો ધરાવે છે. તેથી તેમને અંકુશકૃમિ (hook-worm) કહે છે. તેના યજમાન એક હોય કે બે. Trichonella spiralis સૂત્રકૃમિનાં ડિમ્ભો, ભુંડ-માંસના ભક્ષણથી માનવશરીરમાં પ્રવેશે છે. રજ્જુકૃમિઓના યજમાન માનવ ઉપરાંત બકરાં, ઘેટાં, ઊંટ, બિલાડી તેમજ ગાય, ભેંસ જેવાં પાલતુ જાનવર હોય છે. મોટો કરમિયો Ascaris lumbricoides માનવના અન્નમાર્ગમાં વિકાસ પામે છે. તેની લંબાઈ 10 સેમી.થી 15 સેમી. જેટલી હોય છે. માણસમાં હાથી-પગાના રોગ માટે કારણભૂત ગોળ કૃમિને Wucherria bancrofti કહે છે. મચ્છર કરડવાથી તે શરીરમાં પ્રવેશે છે. વાળા (guinea worm) નામે ઓળખાતો કૃમિ પાણીમાં વસતા સાયક્લૉપ્સ (સ્તરકવચી) વડે માનવીના શરીરમાં પ્રવેશે છે અને તેના પગમાં વિકાસ સાધે છે. સસ્તનોના શરીરમાં વાસ કરતા કેટલાક મોટા કરમિયા યજમાનને ખૂબ જ નુકસાનકર્તા નીવડે છે. અમુક વિપરીત સંજોગોમાં તે યજમાન માટે જીવલેણ પણ ઠરે છે. શરીરમાં મોટા કરમિયા પ્ર્રવેશવાથી આશરે 33 % પાડાં મરણ માપતાં હોય છે.

બાહ્ય પરોપજીવી પ્રાણીઓ : નૂપુરક સમુદાયમાંની જળો (leech) માનવ ઉપરાંત અન્ય સસ્તનોના પગને ચોંટીને લોહી ચૂસે છે. ઇતરડી, ચાંચડ, મચ્છર, માંકડ જેવાં સંધિપાદ પ્રાણીઓ ત્વચાને ભોંકીને અથવા કરડીને ઢોર અને માનવી જેવાનું લોહી ચૂસે છે. ઇતરડી મરઘી, ઢોર, કૂતરાં અને બકરી જેવાં પ્રાણીઓનું લોહી ચૂસવા ઉપરાંત તે રોગનો ફેલાવો પણ કરે છે. અમેરિકાની હરણ-ઇતરડી (deer-tick) માનવીમાં લાઇમ રોગનું સ્થાનાંતર કરે છે. પરિણામે માનવી સંધિવાત ઉપરાંત હૃદય અને ચેતારોગથી પીડાય છે. ચાંચડ પ્લેગના ફેલાવા માટે જાણીતા છે, જ્યારે મચ્છર કરડવાથી મલેરિયા, હાથીપગો જેવા રોગ થાય છે. માંકડ કરડવાથી બેચેની અનુભવાય છે; પરંતુ તે યજમાનમાં રોગ પેદા કરતા નથી.

બૅક્ટેરિયા : ઘણા બૅક્ટેરિયા પરજીવી જીવન પસાર કરતા હોય છે. તેમાંના કેટલાક માણસમાં રોગ ઉપજાવે છે. કૉલેરા, ટાઇફૉઇડ, પ્લેગ, ક્ષય, કુષ્ઠરોગ, રોહિણી (diptheria) અને ગડગૂમડ (abscess) બૅક્ટેરિયાજન્ય રોગો છે. પ્રાણી કે વનસ્પતિમાં ભાગ્યે જ એવા સજીવો હશે કે જેમને બૅક્ટેરિયાનો ચેપ ન થયો હોય. જોકે કેટલાક બૅક્ટેરિયા સહજીવી (symbiotic) જીવન પસાર કરીને યજમાનને સહાયરૂપ નીવડે છે. દાખલા તરીકે માનવ-જઠરમાં વસતા બૅક્ટેરિયા ખોરાકને પચાવવામાં સહાયરૂપ નીવડે છે. દહીં કે છાશના બૅક્ટેરિયા ખોરાકમાંથી વિટામિન છૂટાં પાડે છે, જે માનવી માટે સહેલાઈથી ઉપલબ્ધ બને છે. તે જ પ્રમાણે ઢોરના આંત્રપુચ્છમાં આવેલા બૅક્ટેરિયા યજમાનના ખોરાકના ભાગ રૂપે આવેલ સેલ્યુલોઝ કાર્બોદિતને પચાવવામાં મદદરૂપ થાય છે.

ફૂગ (fungus) : મોટાભાગની ફૂગ પરોપજીવી જીવન પસાર કરતી હોય છે. તે ખોરાકનો બગાડ મોટા પ્રમાણમાં કરે છે. અથાણું, બ્રેડ, ફળફળાદિના બગાડ માટે ફૂગ જવાબદાર હોય છે. ફૂગને લીધે માનવી દાદર (ringworm) કે ખસ જેવા રોગોથી પીડાય છે. ત્વચા, યકૃત અને ફેફસાં જેવાં અંગોમાં પણ ફૂગ રોગ ઉપજાવે છે. યોગ્ય કાળજીના અભાવમાં ફૂગની અસર હેઠળ વનસ્પતિપાકનું મોટા પાયા પર નુકસાન થાય છે.

મ. શિ. દૂબળે