પરપીડન : મર્યાદિત અર્થમાં ‘પરપીડન’ (sadism) શબ્દ વિકૃત કે વિચલિત જાતીય મનોવૃત્તિ તથા વર્તનના સંદર્ભમાં વપરાય છે. આ અર્થમાં પરપીડન એટલે વ્યક્તિનું એવું મનો-ભૌતિક વર્તન જેના દ્વારા તે અન્ય વ્યક્તિને પીડા આપીને જાતીય આનંદ કે સંતોષ મેળવે છે. આવું વર્તન નર-નારી વચ્ચે કે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે છે. પરપીડનયુક્ત જાતીય વર્તન અસામાજિક કે ગુનાઇત સ્વરૂપ ધારણ કરે ત્યારે તેના પરિણામે ગંભીર શારીરિક ઈજાઓ કે મૃત્યુ પણ થઈ શકે છે.

‘આત્મપીડન’ (masochism) દ્વારા જાતીય આનંદ કે સંતોષ મેળવવાની વૃત્તિ પણ વિકૃત, વિચલિત, અસામાજિક કે ગુનાઇત સ્વરૂપ ધારણ કરી શકે છે. પરપીડન અને આત્મપીડન જેવી વિરુદ્ધ લાગતી વૃત્તિઓ કોઈ વાર પરસ્પર સંકળાયેલી જોવા મળે છે. પરપીડન કરનાર વ્યક્તિ પીડા ભોગવી રહેલી વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધીને આત્મપીડનની વૃત્તિમાં સરકી જાય કે તેથી વિરુદ્ધ થાય તેમ બની શકે છે. આ દૃષ્ટિએ જોતાં પરપીડન અને આત્મપીડન સિક્કાની બે બાજુ જેવાં જણાય છે. ફ્રૉઇડ, કાર્લ મેનિન્જર વગેરે મનોવિજ્ઞાનીઓ માનવીમાં વૃત્તિઓ, લાગણીઓ તથા આવેગો દ્વિમુખી હોવાનું મંતવ્ય ધરાવે છે.

પરપીડનનો વ્યાપક મનોવૈજ્ઞાનિક અર્થ વર્તનનાં વિવિધ સ્વરૂપોને સમાવિષ્ટ કરે છે. કોઈ વ્યક્તિને દુ:ખી કરીને આનંદ મેળવવાના બધા પ્રયાસો પરપીડનવૃત્તિની અભિવ્યક્તિ હોઈ શકે છે. મજાક, કટાક્ષ અપશબ્દો કે આક્રમક શબ્દોનો ઉપયોગ કરી બીજાને મનો-ભૌતિક પીડા આપનારા, શિસ્તના નામે સોટીઓ ઉઠાવતા શિક્ષકો કે મા-બાપ, પ્રજાકીય શિસ્તના નામે ક્રૂરતા આચરતા રાજકારણી કે સત્તાધીશો   આ બધા પોતાના વર્તનના પરિણામે જાગ્રત કે અજાગ્રત રીતે આનંદ પ્રાપ્ત કરતા જણાય ત્યારે તે પરપીડનવૃત્તિનું ઉદાહરણ બની જાય છે. બાળકો તથા પ્રાણીઓ પ્રત્યે અણછાજતા કે ક્રૂર વર્તન કરનારાનો તેમાં સમાવેશ થઈ જાય છે.

કોઈ વાર સામાજિક તથા રાજકીય વાતાવરણ એવું તંગ, એવું તણાવયુક્ત બને છે કે તે હિંસાત્મક વર્તનમાં પલટાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પરપીડનવૃત્તિ ધરાવનારા પોતાના ક્રૂર વર્તનને સન્માનનીય સ્વરૂપ આપી શકે છે. સામાજિક કે રાજકીય ક્રાંતિ, બળવો, યુદ્ધ જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં અગ્રભાગ ભજવતા નેતાઓ કે દેશપ્રેમીઓમાં પરપીડનવૃત્તિ ધરાવનારા સહેલાઈથી છુપાઈ જાય તેમ બની શકે છે. તેઓ ક્રાંતિવીર કે યોદ્ધા કે દેશપ્રેમી હોવાના નાતે ઇનામ કે ચંદ્રકો અથવા સન્માન પ્રાપ્ત કરે એવું બની શકે છે. વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી ચોકીદારોની ક્રૂરતા અને તેમનું કેદીઓ પ્રત્યેનું ક્રૂર વર્તન પરપીડનનો અમાનુષી ઇતિહાસ છે. પરપીડનના વિકૃત ગુનેગારોને અન્ય કેદીઓના ચોકીદાર બનાવવામાં આવ્યા હતા. નૈતિક કે ધાર્મિક સંમતિનાં મહોરાં પહેરીને આચરવામાં આવતી પરપીડનવૃત્તિથી પણ અભ્યાસીઓ અજાણ નથી.

આક્રમકતા, ભગ્નાશા કે હતાશા, વેરભાવ, ક્રોધ, ઈર્ષ્યા, લઘુતાગ્રંથિ, અસલામતીની લાગણી, સત્તા કે સ્વામિત્વ છિનવાઈ જવાની બીક, તણાવ કે ભયની અવસ્થા વગેરેના લીધે કે તેના પ્રતિભાવ રૂપે પરપીડનવૃત્તિ વધારે સક્રિય બનતી જણાય છે. સંઘર્ષાત્મક પરિસ્થિતિ કે નકારાત્મક વાતાવરણજન્ય પરિબળો પરપીડનવૃત્તિનાં ઉત્તેજક કે ઉદ્દીપકની ભૂમિકા ભજવી જાય છે. પરપીડનવૃત્તિ માનવજાતમાં ઓછાવત્તા પ્રમાણમાં સર્વત્ર જણાતી હોવાથી તેનાં મૂળ માનવીના જૈવિક-દૈહિક બંધારણમાં હોવાનો મત પણ દર્શાવાય છે. પરપીડનના વૈજ્ઞાનિક અભ્યાસના વર્તમાન તબક્કે જૈવિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વચ્ચેની આંતરક્રિયાને પરપીડનવૃત્તિના ઉદ્ભવ માટે કારણરૂપ ગણવાનું વલણ વધારે ઉચિત માની શકાય.

રજનીકાન્ત પટેલ