પરક્લોરિક ઍસિડ (HClO4) : એક પ્રબળ ઉપચયનકારક ઍસિડ. પોટૅશિયમ પરક્લોરેટને 96 % જલદ સલ્ફયુરિક ઍસિડ સાથે આંશિક શૂન્યાવકાશમાં 140° – 190° સે. તાપમાને તૈલતાપક દ્વારા નિસ્યંદિત કરવાથી મેળવવામાં આવે છે. સાંદ્ર ઍસિડનું મૅગ્નેશિયમ પરક્લોરેટની હાજરીમાં નિસ્યંદન કરવાથી નિર્જળ ઍસિડ મળે છે. પરક્લોરિક ઍસિડ રંગવિહીન, ધૂમાયમાન, જળશોષક પ્રવાહી છે તથા સંકેન્દ્રિત સ્થિતિમાં અસ્થાયી છે. તેનું ઘટત્વ 1.764, ઉ.બિં 19° સે. (11 મિમી.), 39° સે. (50 મિમી. Hg). વાતાવરણના દબાણે લગભગ 90° સે. તાપમાને તે વિસ્ફોટ પામે છે; ઠારબિંદુ -112° સે. છે. તેમાં પાણી ઉમેરતાં ગરમી ઉત્પન્ન થાય છે. બજારુ જલીય દ્રાવણોમાં 65 % – 70 % પરક્લોરિક ઍસિડ હોય છે. તે પ્રબળ ઍસિડ તથા પ્રબળ ઉપચયનકારક હોવાને લીધે કાર્બનિક પદાર્થો સાથે સ્પર્શમાં આવતાં જ પ્રબળતાથી સળગે છે. તેને આંચકો કે ગરમી લાગતાં ધડાકો થાય છે. પરક્લોરિક ઍસિડ પેટમાં જતાં અથવા શ્વાસમાં જતાં વિષાળુ અસર થાય છે. તે પ્રબળ પ્રકોપક (irritant) છે.
તે ઉદ્દીપક તરીકે વિવિધ એસ્ટર બનાવવા માટે, ઇલેક્ટ્રો-પૉલિશિંગમાં, સીસાના વિદ્યુત-ક્ષેપનમાં તથા સ્ફોટક દ્રવ્યો બનાવવામાં વપરાય છે. પ્રાણિજ કે વનસ્પતિજ દ્રવ્યમાંની ભારે ધાતુઓના પૃથક્કરણ માટે, વિશ્ર્લેષણ પહેલાં કાર્બનિક પદાર્થોના વિઘટન માટે પણ તે વપરાય છે.
જગદીશ જ. ત્રિવેદી