પરંપરાવાદ : રૂઢિવાદ, સનાતનપણું કે શાશ્વતવાદને નામે ચાલતો  મતવાદ. આનો આશ્રય લઈને અનેક ક્ષેત્રે આ મતવાદ પ્રગટતો જોવામાં આવે છે. સાહિત્યમાં એને ‘ટ્રેડિશનાલિઝમ’ કહે છે. જે લેખકો કે રચનાકારો પરંપરામાં માનતા હોય છે તે પરંપરાને વ્યક્ત કરનારાં શાસ્ત્રોને અનુસરતા હોય છે. ચર્ચામાં પણ તેઓ પ્રાચીન પરંપરિત શાસ્ત્રો અને સિદ્ધાંતોની જ દુહાઈ દેતા હોય છે. જે કંઈ નવીન, પ્રયોગશીલ, સાહસિક કે પ્રગતિપ્રતિ ઉન્મુખ હોય તેને હેય ગણીને તેઓ તેની ટીકા કરતા હોય છે. પરંપરાની પ્રતિષ્ઠાના મોહમાં ઘણી વાર તેઓ મિથ્યા પ્રતિષ્ઠા કરવામાં પડી જાય છે. જોકે કેટલાક મધ્યસ્થ વિચારધારાના પુરસ્કર્તા હોય છે. તેઓ એમાં થોડા પણ પરંપરાના અંશો અકબંધ રહેતા હોવાથી સંતોષ માને છે. આવાં મધ્યસ્થ તત્વો નવીનતામાં સમય જતાં એકરૂપ થઈ જાય છે. પરંતુ જ્યાં જડતાપૂર્વક પરંપરાને વળગી રહેવાનું વલણ પ્રવર્તે છે ત્યાં એવી પરંપરા પીળાં કે પત્તાં કે બંધિયાર પાણીની લીલની જેમ મૃતપ્રાયઃ હોઈને કોઈ સ્ફૂર્તિ કે પ્રેરણા પ્રદાન કરી શકે એમ હોતી નથી. આથી આવો પરંપરાવાદ સરવાળે નિરર્થક હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ