પપૈયું : દ્વિદળી વર્ગના કેરિકેસી (એરંડકર્કટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carica indica L. (સં. વાતકુંભફલ, મધુકર્કટી, એરંડકર્કટી, એરંડચિર્ભટ; હિં. પપાયા, પપીતા, એરંડકકડી, એરંડખરબૂજા; બં. પપેયા, પેપે, પપીતા વાતાલેબુ; મ. પપઇ, પપાયા; ગુ. પપૈયું, પોપૈયો, એરંડકાકડી, પપમ; પં. પપીતા, એરંડખરબૂઝા, તમ. પપ્યાય, બપ્પાગાઈ, પપ્પલિ; મલા. ઓમાકાઇ, કર્માસુ; તે. બોપ્પયિ; ક. પરંગીમારા; રાજ. ઇરાન્કારી; અ. શજ્રતુલ્બતીખ; ફા. દરખ્તખુરપૂજા; અં. Melon tree, Papaya, Papeta, Pawpaw) છે.
વિતરણ : તેનું મૂળ નિવાસસ્થાન મેક્સિકો અને કોસ્ટારિકા છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલથી પોર્ટુગીઝો સાથે સોળમી સદીમાં ભારતમાં તેનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ ભાષામાં તેને પપીતા કહે છે. તેથી તેનું નામ ‘પપીતા’ તરીકે પ્રસિદ્ધ થયું. તેનું વાવેતર ઑસ્ટ્રેલિયા, હવાઈ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઉષ્ણકટિબંધીય અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થાય છે.
સમગ્ર ભારતમાં પપૈયાનું વાવેતર થાય છે. ઠંડા અને ગરમ પવનવાળા રાજસ્થાનમાં પણ તેનું વાવેતર થાય છે. બિહાર અને આસામનાં રાજ્યોમાં તેનું વાવેતર અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ થાય છે. ગુજરાત, તમિળનાડુ અને કર્ણાટક રાજ્યોમાં પપૈયાનો પાક મહત્ત્વનો ગણાય છે. ગુજરાત રાજ્યમાં પપૈયાનું વાવેતર ડાંગ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ બાદ કરતાં વધતાઓછા પ્રમાણમાં બાકીના બધા જિલ્લાઓમાં થાય છે. ગુજરાતમાં પપૈયા હેઠળનો વિસ્તાર 3500 હેક્ટર (1982-83) તથા ઉત્પાદન 1.75 લાખ ટનનું છે.
બાહ્ય લક્ષણો : તે ઝડપથી વૃદ્ધિ પામતું, અલ્પાયુ, એક થડવાળું (અશાખિત) 2-10 મી.ની ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ છે. પ્રકાંડ નળાકાર, સીધું, પોલું, ભૂખરા રંગનું અને મોટાં પર્ણો અને પુષ્પવિન્યાસનાં ક્ષતચિહ્નો(scars)ને લીધે ખરબચડું હોય છે. તેના ઉપર શાખા, ઉપશાખાઓ હોતી નથી, તેથી પ્રકાંડ સીધું અને લાંબું હોય છે.
પર્ણો સાદાં, એકાંતરિત મોટાં 50-70 સેમી. વ્યાસ ધરાવતાં અને થડની ટોચ ઉપર ગોઠવાઈ પર્ણમુકુટ (crown) બનાવે છે. તેઓ લાંબા પર્ણદંડ (90.00 સેમી. સુધીની લંબાઈ) ધરાવતા અને પોલા હોય છે. તેઓ અરોમિલ (glabrous) હોય છે અને વધતે ઓછે અંશે ઊંડું પાણિવત્ દર (palmatifid) કે પાણિવત્ વિદર (palmati partite) પ્રકારનું છેદન પામેલાં હોય છે અને સાત ખંડોમાં વિભાજિત થયેલાં હોય છે. પ્રત્યેક ખંડ અંડાકાર અને તીક્ષ્ણાગ્ર હોય છે.
પુષ્પો સુવાસિત, ત્રિસ્વરૂપી (trimorphous), એકલિંગી (unisexual) અને દ્વિગૃહી (dioecious) હોય છે. નરપુષ્પો શિથિલ રીતે ગુચ્છમાં પુષ્પવિન્યાસની ખાંચવાળી ધરી ઉપર ટોચે ગોઠવાયેલાં હોય છે. માદા પુષ્પો મોટાં, એકાકી કે થોડાંક પુષ્પો ધરાવતી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ મોટાં, અનદૃષ્ટિલ પ્રકારનાં, વિવિધ કદવાળાં, અંડાકારથી માંડી ગોળાકાર અને મધ્યમાં મોટું પોલાણ ધરાવે છે. બીજ કાળાં, ગોળાકાર અને પારદર્શક બીજચોલ(aril) વડે ઢંકાયેલાં હોય છે.
આબોહવા : તેને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. ફળ પાકવાની અવસ્થાએ સૂકું હવામાન અનુકૂળ હોય છે. આ પાક વધુ પડતી ઠંડી સહન કરી શકતો નથી. ખૂબ જ વરસાદવાળા વિસ્તારમાં અને નબળી નિતારશક્તિ ધરાવતી જમીનમાં તે નિષ્ફળ જવાની શક્યતા વધુ રહે છે. તેની ખેતી માટે 2થી 4 મી.ની ઊંડાઈ સુધી એકસરખું પડ ધરાવતી સારા નિતારવાળી, ભરભરી અને વધારે સેન્દ્રિય તત્ત્વવાળી ગોરાડુ જમીન ઉત્તમ ગણાય છે; આમ છતાં મધ્યમ કાળી, રેતાળ, કાંકરીવાળી જમીન પણ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી ભારે કાળી જમીનમાં પપૈયાને ‘કૉલર રૉટ’નો રોગ લાગુ પડે છે.
ગુજરાતમાં વાવેતર માટે જણાવેલ પપૈયાની આ જાતો અનુકૂળ ગણાય છે : (1) વૉશિંગ્ટન, (2) મધુબિન્દુ, (3) કોઇમ્બતુર 1 (કો.1), (4) કોઇમ્બતુર 2 (કો. 2); પુસાની સુધારેલ જાતો : (1) પુસા ‘ડિલિશસ્’ (2) પુસા ‘નન્હા’ અને (3) પુસા ‘જાયન્ટ’.
સારણી–1 ગુજરાતમાં વવાતી પપૈયાની કેટલીક કૃષિજાતો(cultiavar)ની લાક્ષણિકતાઓ
કૃષિજાત | સામાન્ય લક્ષણો | ફળનાં લક્ષણો |
કોઇમ્બતુર-1 | વામનસ્વરૂપ, પહેલું ફળ જમીનની સપાટીએ 60 સેમી.ની ઊંચાઈએ વિકસે. | મધ્યમ કદનાં ફળ, ગોળાકાર; છાલ સોનેરી પીળી લીસી; ગર નારંગી રંગનો, મૃદુ, મધ્યમસરનો રસદાર અને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહી શકે. |
કોઇમ્બતુર-2 | સ્થાનિક પ્રકારમાં શુદ્ધ વંશક્રમ પસંદગી (pure line) selection) વનસ્પતિ મધ્યમ કદની. | ફળ પ્રતિઅંડાકાર (obovate) અને મોટું; ગર નારંગી રંગનો, મૃદુ, મધ્યમસરનો રસદાર; ખાવા માટે ફળ ઉત્તમ અને તેમાં પેપેઇનનું પ્રમાણ વધારે. |
ગુજરાત | મધ્યમ કદનું વૃક્ષ, ભારે પ્રમાણમાં ફળ બેસે, પુષ્પો સફેદ. | ફળ વધારે મોટાં, ‘વૉશિંગ્ટન’ જાત કરતાં લાંબાં, સારા એવા પ્રમાણમાં મીઠાં; છતાં સુગંધ અણગમતી કડવી. |
મધુબિંદુ | મધ્યમ કદનું વૃક્ષ, થડ ઉપર ઓછા પ્રમાણમાં ફળ બેસે, પુષ્પો સફેદ. | ફળ લાંબાં, ગર ઉત્તમ, મીઠો, આનંદદાયી સુગંધવાળો, બીજ ઓછાં. |
પુસા ‘ડિલિશસ્’ (પુસા 1-15´) | ભિન્નસ્થ ઉભયસ્ત્રી-લિંગી (gynodioecious) વંશક્રમ, 100 % ઉત્પાદક વૃક્ષ. | ફળ મધ્યમથી મોટા કદનાં, ગોળ-લંબચોરસ, 1-2 કિગ્રા. વજન; કુલ ઘન દ્રાવ્ય (Total soluble solids TSS) 10-13° બ્રિક્સ (એક પ્રકારનો માપક્રમ છે.) |
પુસા ‘ડ્વાર્ફ’ | દ્વિગૃહી વંશક્રમ, તે વામન અને કાલપૂર્વપક્વ (precocius), વાવણીના 239 દિવસમાં 40 સેમી. ઊંચાઈએ ફળનિર્માણ શરૂ કરે, કુલ ઊંચાઈ 130 સેમી. જેટલી. | ફળ મધ્યમ કદનું અને અંડાકાર, વજન 1-6.5 કિગ્રા; ગર લોહી જેવા લાલથી માંડી નારંગી રંગનો; TSS 6.5થી 8.0° બ્રિક્સ; સ્વાદ મીઠો અને સામાન્ય. |
પુસા ‘જાયન્ટ’ | દ્વિગૃહી વંશક્રમ, સૌથી વધારે પ્રબળ(vigorous), મોટાં ફળો ઉત્પન્ન કરે. | ફળ મોટાં, લંબચોરસ, વજન3-12 કિગ્રા; ગર નારંગી રંગનો, TSS 7.0 – 8.5° બ્રિક્સ. |
પુસા ‘નન્હા’ | વામન પરિવર્તી (mutant) આશરે 106 સેમી. ઊંચાઈ, દ્વિગૃહી વંશક્રમ. | ફળ મધ્યમ કદનાં, ગોળ-અંડાકાર; સ્વાદ મીઠો, સામાન્ય. |
વૉશિંગ્ટન | વૃક્ષ પ્રમાણમાં વામન, ગાંઠો પાસે જાંબલી વલયો ધરાવતું થડ; પુષ્પો ઘેરાં, પીળાં, અસંખ્ય. | ફળ મોટાં, અંડાકાર; ગર મીઠો અને આનંદદાયી સુગંધવાળો; બીજ થોડાંક. |
સારણી 2 : પપૈયાની મહત્ત્વની કેટલીક જાતોના ઉત્પાદન–ઘટક (yield component) અને અન્ય લક્ષણો
જાતિ | વનસ્પતિની ઊંચાઈ (સેમી.માં) | વનસ્પતિની ઉત્પાદકતા | વૃક્ષદીઠ ફળની સંખ્યા | વૃક્ષદીઠ ફળોનું ઉત્પાદન (કિગ્રા.) | ઉત્પાદન કિગ્રા./હૅક્ટર | કુલ દ્રાવ્ય | સ્વાદ ઘન (solids) | સુવાસ | |
1. | કોઇમ્બતુર 1 | 112 | 50 | 40 | 40-45 | 22,500 | 12.5-13.6 | ઓછો મીઠો | મંદ |
2. | કોઇમ્બતુર 2 | 120 | 50 | 37 | 30-40 | 60,750 | 11.5-12.5 | ઓછો મીઠો | મંદ |
3. | પુસા ‘ડિલિશસ્’ (પુસા 1-15’) | 216 | 100 | 50 | 41 | 1,02,500 | 13 | અત્યંત મીઠો આનંદદાયી | |
4. | પુસા ‘ડ્વાર્ફ’ | 130 | 50 | 35 | 35 | 78,500 | 6.5-8.0 | ||
5. | પુસા ‘જાયન્ટ’ | 220 | 50 | 18 | 26 | 58,500 | 7.0-8.5 | ||
6. | પુસા ‘નન્હા’ | 50 | 11 | 63,360 | મીઠો | ||||
7. | વૉશિંગ્ટન-1 | 145 | 11 | 10.1 | |||||
8. | વૉશિંગ્ટન-2 | 233 | 68 | 11.0 |
તેનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે; વાનસ્પતિક પ્રસર્જન થતું નથી.
ઉનાળામાં જમીનને ઊંડી ખેડી તેમાં હેક્ટરદીઠ 50થી 60 ગાડાં છાણિયું ખાતર નાખી જમીન તૈયાર કરવામાં આવે છે. જમીન ઊંડી ખેડાયેલી હોય તો 30 સેમી. લાંબા, પહોળા અને ઊંડા ખાડા કરવાની જરૂર હોતી નથી; પરંતુ જો જમીન છીછરી હોય અથવા બરાબર ખેડાયેલ ન હોય તો 2.5 × 2.5 મી.ના અંતરે ઉપર મુજબના માપના ખાડા કરી થોડા દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે 10 કિગ્રા. છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવામાં આવે છે.
ખેતરમાં ધરુની ફેરરોપણી કરવાના સમયથી દોઢ/બે માસ અગાઉ ધરુનો ઉછેર કરવામાં આવે છે. એક હેક્ટરની જમીનમાં વાવેતર કરવા માટે જરૂરી ધરુ બનાવવા 300થી 400 ગ્રામ બીજ પૂરતાં હોય છે.
2 લિ. પાણી, 10 ગ્રામ. યુરિયા તથા મૅગ્નેશિયમ સલ્ફેટ, કૉપર સલ્ફેટ, મૅંગેનીઝ અને ફેરસ સલ્ફેટ – એ દરેકનું 2.0 ગ્રામ વજન લઈ તૈયાર કરેલા દ્રાવણમાં પપૈયાનાં બીજ 24 કલાક પલાળીને વાવવામાં આવે તો બીજનો ઉગાવો 67 % જેટલો થાય છે. માવજત આપ્યા સિવાય 47 % બીજ અંકુરણ પામે છે. આ દ્રાવણનો ધરુ પર છંટકાવ કરવાથી તેની વૃદ્ધિ સારી થાય છે.
ધરુના રોપ આશરે 22 સેમી.ની ઊંચાઈના થાય ત્યારે તેની ફેરરોપણી ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. પ્રત્યેક ખામણે (ખાડામાં) ત્રણ રોપ ત્રિકોણ આકારમાં એવી રીતે રોપવામાં આવે છે, જેથી ત્રણેય રોપ એકબીજાથી 22 સેમી. જેટલા દૂર રહે. ખેતરમાં ફેરરોપણી બાદ જો વરસાદ ન હોય તો તરત જ પાણી આપવામાં આવે છે. પુષ્પનિર્માણ પછી દરેક ખામણામાં એક છોડ રાખવામાં આવે છે. પાકમાં 10 % નરછોડ રાખવામાં આવે છે.
પપૈયાના પાક માટે સૌથી ઉત્તમ છાણિયું ખાતર છે. તે સિવાય રાસાયણિક ખાતરોમાં ઝાડદીઠ 200 ગ્રામ નાઇટ્રોજન તત્ત્વના રૂપમાં મળે તે માટે ખેતરમાં ફેરરોપણી પછી દર દોઢ માસના અંતરે દર વખતે 50 ગ્રામ નાઇટ્રોજન ચાર હપતામાં આપવામાં આવે છે. ઉપરાંત ઝાડદીઠ 100 ગ્રામ ફૉસ્ફરસ ફેરરોપણી વખતે અને 100 ગ્રામ ફૉસ્ફરસનો બીજો હપતો રોપણી પછી ત્રણ માસ બાદ અપાય છે. જો જમીનમાં પોટાશની ઊણપ હોય તો ફૉસ્ફરસ ખાતર સાથે પોટાશ ખાતર ઝાડદીઠ 125 ગ્રામ તત્ત્વના રૂપમાં બે હપતે આપવામાં આવે છે. એક હેક્ટરના વાવેતરથી 40 થી 50 ટન ફળનું ઉત્પાદન થાય છે.
પપૈયામાં થતા રોગો : (1) પપૈયામાં પાદક્ષય અથવા થડનો સડો : પાદક્ષયનો રોગ Pythium aphanidermatumનામની ફૂગથી થાય છે. આ રોગ કાળી, નિતાર વિનાની તેમજ એક જ ખેતરમાં વારંવાર પપૈયાનો પાક લેવામાં આવતો હોય એવી જમીનમાં વિશેષ નુકસાન કરે છે. જમીન પાસેના થડમાં ફૂગનું આક્રમણ થતાં તે જખમવાળો ભાગ પાણીપોચો થાય છે અને ઝડપથી જમીન પાસેના થડની ફરતેના ભાગને આવરી લે છે અને તેથી થડની પેશીઓ પોચી થઈ સડી જાય છે. આ ભાગ ઘેરો ભૂખરો થઈ કાળો થઈ જાય છે. આવા છોડ સાધારણ પવનથી ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. ફૂગના આક્રમણ સમયે પાણી ભરાયેલું હોય તો રોગ ઝડપથી આગળ વધે છે. આક્રમણની શરૂઆતમાં રાસાયણિક નિયંત્રણનાં પગલાં લેવામાં આવે તો થડનો સડો અટકી જાય છે. આવા છોડ નબળા અને બટકા રહી જાય છે અને ફળ નાનાં રહે છે; પરંતુ પાણી આપતાં રોગ આગળ વધે છે અને છોડ ધીમેથી મરે છે. રોગને કાબૂમાં રાખવા (1) જમીનની નિતારશક્તિ વધારવામાં આવે છે. ખેતરમાં પાણી ભરાઈ ન રહે એવી વ્યવસ્થા કરાય છે. (2) થડની ફરતે માટી ચઢાવાય છે, જેથી પાણીનો સંપર્ક થડ સાથે થઈ શકે નહિ. (3) સલામતીના પગલા તરીકે ચોમાસામાં થડની ફરતે બોર્ડોમિશ્રણ દર 15થી 20 દિવસે ત્રણથી ચાર વાર રેડવું પડે છે.
(2) પપૈયાનો સુકારો : આ રોગ Fusarium diversisporium નામની ફૂગથી થાય છે. આ ફૂગનાં મૂળ અને થડમાં આક્રમણ થવાથી ખોરાક-પાણીની અછત હોય એવા નબળા છોડ દેખાય છે. આક્રમણ થતાં નીચેનાં પાન પીળાં પડે છે અને પાન નીચેથી ઉપરની બાજુ સુકાય છે. સમય જતાં છોડનાં બધાં જ પાન પીળાં થઈ સુકાઈ જતાં છોડની ડાળીઓ સુકાય છે જ્યારે નાના વૃદ્ધિ પામતા છોડમાં મૂળ-થડમાં આક્રમણ થતાં, છોડમાં એકદમ પાણીની અછત થઈ હોય તેમ પાન કરમાઈને લટકી પડે છે. પાન પીળાં થઈ સુકાઈ જતાં છોડ મૃત્યુ પામે છે.
નાના છોડના મૂળમાં ફૂગનું આક્રમણ થતાં ફૂગ પાણી અને ખોરાક-વાહિનીઓમાં ફેલાય છે; તેથી પાણી અને ખોરાકના વહનમાં અવરોધ થાય છે. વળી તેમાં વધુ ફૂગ થતાં પાણી અને ખોરાકનું વહન જ અટકી જાય છે. તેથી છોડ નબળો પડી જાય છે, પાન પીળાં થઈ સુકાઈ જાય છે અને છોડનું મૃત્યુ થાય છે. રોગને કાબૂમાં રાખવા જમીનમાં સેન્દ્રિય ખાતરોનું પ્રમાણ વધારવું પડે છે અને કાર્બનડાઝીમ જેવી દવા થડની ફરતે રેડવી પડે છે.
(3) પાનનાં ટપકાં અને ઝાળ રોગ : અલ્ટર્નેરિયા અને સર્કોસ્પોરા નામની ફૂગ પાન ઉપર આક્રમણ કરી પાન ઉપર ટપકાં કે ઝાળ કરે છે. સૌપ્રથમ આક્રમિત પેશીઓ પાણીપોચી થઈ પીળી પડે છે. પછી આ પેશીના કોષો મૃત્યુ પામે છે. તે ભાગમાં કાળાં ભૂખરાં ટપકાં થાય છે અથવા તે ભાગ સુકાઈને, ગરમી લાગી હોય તેવો ઝળાયેલો દેખાય છે. કેટલાંક ટપકાંની ફરતે પીળો આભાસ જોવા મળે છે. તીવ્ર આક્રમણમાં ટપકાં વિકસિત થઈ એકબીજા સાથે ભેગાં થતાં પાન સુકાઈ જાય છે. પાન છોડ ઉપર લટકેલાં જોવા મળે છે. આ રોગને કાબૂમાં લેવા મેન્કોઝેબ કે કાર્બનડાઝીમ પ્રકારની ફૂગનાશકના બેથી ત્રણ છંટકાવ કરવામાં આવે છે.
(4) પાનના ચટાપટા અથવા મોઝેક : પપૈયા ઉગાડતા દરેક પ્રદેશમાં વાઇરસથી થતો મોઝેક રોગ ખૂબ જ નુકસાન કરે છે. કેટલાક વિસ્તારમાં મોઝેકનો રોગ તેની નફાકારક ખેતીમાં મુખ્ય અવરોધક પરિબળ બની રહે છે. આ મોઝેક છોડના ઉગાવા બાદ, તેની કોઈ પણ અવસ્થામાં રોગ પેદા કરી શકે છે. કુમળા નાના છોડ ઉપર આક્રમણ થતાં વિશેષ નુકસાન થાય છે. પાનની વૃદ્ધિ અટકી જાય છે, પાનની ફલકો ઉપર ઘેરા લીલા અને ઝાંખા પીળા પટ્ટા કે ધાબાં થાય છે અને ફલકો લાંબી પટ્ટી સ્વરૂપે વૃદ્ધિ પામી, બંને ધારેથી વળી જતાં પાન વિકૃત થઈ જાય છે. પર્ણદંડની લંબાઈ ઘટી જાય છે. પાન નાનાં થઈ જાય છે. ફળ ઓછાં બેસે છે અને તે વિકૃત, નાનાં અને લાંબાં થાય છે. ફળનો માવો પણ કઠણ થઈ જાય છે.
આ વાઇરસનો કુદરતી ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાત કરે છે. અન્ય વનસ્પતિમાં કૃત્રિમ રીતે રસ દાખલ કરવાથી પણ આ વાઇરસ દાખલ થઈ જઈ રોગ કરે છે. આ રોગનો ફેલાવો અટકાવવા તેની વાહક ચૂસિયા પ્રકારની જીવાતોને કાબૂમાં રાખવા શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ પાકની રોપણી બાદ અવારનવાર કરતા રહેવો પડે છે.
(5) પાનનો કોકળવા : પપૈયાના પાનનો કોકળવા રોગ વાઇરસથી થાય છે અને ભારતના બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. તે સૌપ્રથમ સને 1939માં તમિળનાડુમાં જોવા મળેલો. ત્યારબાદ અન્ય પ્રદેશોમાં જોવા મળેલ છે.
વાઇરસનું પાનમાં આક્રમણ થતાં પાન વિકૃત થઈ જાય છે. પાનની કિનારીઓ બહારની બાજુ વળી જાય છે. ડાળીની ટોચ પર ઘેરાં લીલાં અને પીળાં ધાબાંવાળાં પાન ગુચ્છામાં જોવા મળે છે. આવાં વિકૃત પાનની નસો પીળી જાડી થઈ સુકાઈ જાય છે. પાન ખરબચડાં, ખાડા-ટેકરાવાળાં, ધારેથી વળેલાં, ટૂંકી દાંડીવાળાં નાનાં થઈ જાય છે. ડાળીઓ વાંકી વળી જાય છે અને પર્ણદંડ મરડાઈ જાય છે. વળી વિકૃત પાન ડાળીની ટોચ ઉપર ગુચ્છામાં જોવા મળે છે. આ રોગના વાઇરસના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ 20 દિવસે કરતા રહેવો જરૂરી હોય છે.
Macrophomina phaseolina પપૈયામાં મૂળનો સડો ઉત્પન્ન કરે છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. Corynespora cassiicola પપૈયાના ફળનો સડો કરે છે.
આ ઉપરાંત પપૈયામાં એસ્કોકાયટા અને કોલેટોટ્રાયકમ નામની ફૂગ પણ પાનનાં ટપકાંનો રોગ કરે છે. ફાયટોપ્થોરા નામની ફૂગ થડ અને મૂળનો કોહવારો કરી પપૈયાના ધરુને મારી નાખે છે.
જીવાત : સામાન્ય ધનેડું (weevil), Myelocerus viridanus પર્ણોને કોરી ખાય છે અને ચેપગ્રસ્ત છોડનો નાશ કરે છે. લાલ ઇતડી Eutetranchus orientalis અને Drosicha stebbingi var octocaudata પપૈયા ઉપર આક્રમણ કરે છે.
મૂળને ગાંઠનો રોગ Meloidogyne sp. દ્વારા થાય છે. તે પપૈયાના ઉત્પાદન ઉપર માઠી અસર કરતું સૂત્રકૃમિ છે 4 % ફૉર્મેલિન અને દરેક ખાડાદીઠ નેમાગોનના પાંચ હુમલા (પ્રત્યેક હુમલો 15 મિલી.નો) 3-4 વર્ષ સુધી અસરકારક હોય છે. બીજાંકુરની ગરમ પાણીની ચિકિત્સા (50° સે. 10 મિનિટ માટે અથવા 45° સે. 20-30 મિનિટ માટે) આપવાથી સૂત્રકૃમિઓમાં ઘટાડો થાય છે.
ઉત્પાદન : વાવણી પછી 10-14 માસમાં પપૈયાનાં ફળો પરિપક્વ બને છે. જમીન, આબોહવા, વાવણીનો પ્રકાર અને કૃષિજાત ઉપર આધાર રાખીને પપૈયાના ઉત્પાદનમાં ફેરફાર થાય છે. દર વર્ષે, દરેક વૃક્ષ પર સરેરાશ 1.5 કિગ્રા.નાં 30-40 ફળ બેસે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં વાર્ષિક ઉત્પાદન 33,600થી 67,200 કિગ્રા./હે. થાય છે. કેટલીક કૃષિજાતોનું ઉત્પાદન (કિગ્રા./હૅ.) આ પ્રમાણે છે :
કોઇમ્બતુર-1 22,500; કોઇમ્બતુર-2 60.750; પુસા ‘ડૅલિશસ’ 1,02,500; પુસા ‘ડ્વાર્ફ’ 78,500; પુસા ‘જાયન્ટ’ 58,500; પુસા ‘નન્હા’ 63,630.
રાસાયણિક બંધારણ : કાચાં અને પાકાં ફળોનું એક રાસાયણિક વિશ્લેષણ અનુક્રમે આ પ્રમાણે છે : 92.0, 90.8, પ્રોટીન 0.7, 0.6; લિપિડ 0.2, 0.1, રેસો 0.9, 0.8; કાર્બોદિતો 5.7, 7.2; ઊર્જા 27, 32 કિ. કૅલરી; અને ખનિજો 0.5, 0.5 ગ્રા./ 100 ગ્રા.; કૅલ્શિયમ 28. 17, ફૉસ્ફરસ 40,13; લોહ 0.9, 0.5; વિટામિન C 12, 57; થાયેમિન 0.01, 0.04; રાઇબૉફ્લેવિન 0.01, 0.25; નાયેસિન 0.1, 0.2 મિગ્રા./ 100 ગ્રા. અને કૅરોટિન 0.666 માઇક્રોગા/ 100 ગ્રા. વિટામિન C નું પ્રમાણ સ્થળ આધારે બદલાતું રહે છે. રાજસ્થાનમાં લીલાં પપૈયામાં તે 90.3 – 99.0 મિગ્રા. / 100 ગ્રા. હોય છે. પાકાં ફળોમાં આવશ્યક ઍમિનોઍસિડ બંધારણ આ પ્રમાણે છે : લાયસિન 6.4; ટ્રિપ્ટોફેન 2.08 અને મિથિયોનિન 0.48 ગ્રા./ 16 ગ્રા. N.
બૅંગાલુરુની એક કૃષિજાતમાં હાજર મુખ્ય કૅરોટિનૉઇડ આ પ્રમાણે હોય છે : ક્રિપ્ટોઝેન્થિન 48.16 %; β કૅરોટિન 29.56 %; ક્રિપ્ટોફ્લેવિન 12.85 % અને વાયોલેઝેન્થિન 3.42 %. બીજા મળી આવેલાં રંજકદ્રવ્યોમાં ફાયટોઇન, ફાયટોફ્લુઇન, સીસ-β કૅરોટિન, – કૅરોટિન, r કૅરોટિન, 5, 6-મૉનોઍપૉક્સિ-β- કૅરોટિન, મ્યુટેટોક્રોમ, ઓરોક્રોમ, સીસ-વાયોલેઝેન્થિન, એન્થારેઝેન્થિન, ક્રિસેન્થીમેઝેન્થિન અને નીઓઝથિન જોકે હવાઈ (યુ. એસ. એ.)માં લાલ ગરવાળા ફળમાં લાયાકોપીનનું સારું એવું પ્રમાણ (63.5 %) હોય છે. હવાઈ અને ભારતના પીળો ગર ધરાવતા ફળમાં લાયકોપીન હોતું નથી.
હવાઈનાં તાજાં પાકાં ફળનો સાંદ્રિત અંશ (concentrate) 106થી વધારે બાષ્પશીલ સંયોજનો ધરાવે છે; જેમાં મુખ્ય સંયોજનો આ પ્રમાણે હોય છે : લિનેલૂલ 67.69 %, બેન્ઝાઇલઆઇસોથાયોસાયનેટ 13.11 %, સીસ અને ટ્રાન્સ 2, 6 ડાઇમિથાઇલ- 3, 6 – ઍપૉક્સિ-7-ઑક્ટેન-1 ઓલ અનુક્રમે 8.24 % અને 4.86 %. જોકે શ્રીલંકાના પપૈયાના ફળમાં મિથાઇલ બ્યુટેનોએટ (48.3 %) હોય છે. અને તે ફળની મીઠી સુગંધ માટે જવાબદાર છે.
ફળો 6, 7 ઍપૉક્સિ-લિનેલૂલ, 2, 6 ડાઇમિથાઇલઑક્ટે – 1, 7 – ડાઇન – 3, 6 – ડાયૉલ, 2, 6 – ડાઇમિથાઇલ – ઑક્ટે 3, 7 – ડાઇન – 2, 6 – ડાયૉલ, (E) – અને (Z) – 2, 6 – ડાઇમિથાઇલ – ઑક્ટે – 2, 7 – ડાઇન – 1, 6 – ડાયૉલ, 2, 6 – ડાઇમિથાઇલ ઑક્ટે – 7 – ઇન 2, 3, 6 – ટ્રાયૉલના બે અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ (diastereoisomers) અને ચાર અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ ઍપૉક્સિ – લિનેલૂલ ઑક્સાઇડો ધરાવે છે. ફળ ક્રમિક રીતે પરિપક્વ બનતાં ગરમાં બૅન્ઝાઇલ આઇસોથાયૉસાઇનેટની સાંદ્રતા ઘટે છે.
પપૈયાના રસમાં મુખ્યત્વે n-બ્યુટિરિક, n- હૅક્ઝોનિક અને n- ઑક્ટોનૉઇડ ઍસિડ હોય છે. ગરમાં રહેલ લિપિડનું વિશ્ર્લેષણ આ પ્રમાણે છે: મિરિસ્ટિક 7.2 %, પામિટિક 24.9 %, સ્ટીઅરિક 1.6 %, લિનોલીક 4.2 %, લિનોલેનિક 19.2 % અને સીસ-વૅક્સેનિક અને ઑલિક 22.4 %. પપૈયામાં ઍસ્કોર્બિક ઍસિડ (વિટામિન C), સાઇટ્રિક, મૅલિક, ગેલૅક્ટ્યુરૉનિક, કીટોગ્લુટેરિક અને ટાર્ટરિક ઍસિડ હોય છે. ફળમાંથી 56 જેટલા બાષ્પશીલ ઍસિડ ઓળખાયા છે.
ફળમાં કાર્પેઇન, બૅન્ઝાઇલ – β -D ગ્લુકોસાઇડ, 2 ફિનાઇલ ઇથાઇલ-β-D- ગ્લુકોસાઇડ, 4-હાઇડ્રૉક્સિ ફિનાઇલ-2 ઇથાઇલ-β-D ગ્લુકોસાઇડ અને 4 સમરૂપી (isomeric) મેલોનેટેડ બૅન્ઝાઇલ-β-D ગ્લુકોસાઇડ હોય છે. ઉપરાંત સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, D- એલ્ટ્રો-હેપ્સ્યુલોઝ, β-ફ્રુફ્ટોફ્યુરેનોસાઈડેઝ, β-ગ્લુકોસાઇડેઝ અને કૅટાલેઝ પણ હોય છે.
કાચાં ફળોમાં જિબરેલિન A (GA,), GA3, GA55 અને 3-એપી GA, મળી આવેલ છે. જિબરેલિન વૃદ્ધિ અંત:સ્રાવ છે.
પરંપરાગત ઉપયોગ : પપૈયાનાં પાકેલાં ફળોનો મુખ્યત્વે ખાવામાં ઉપયોગ થાય છે. ફળપરીક્ષણની બનાવટોમાં પપૈયા-જામ (મુરબ્બો) તથા કાચાં ફળોમાંથી ટૂટીફૂટી થઈ શકે છે.
પપૈયાની મુખ્ય આડપેદાશ તેના ક્ષીર(latex)માં થતું પૅપેઇન છે. તેના સૂકવેલ ક્ષીરને અશુદ્ધ પૅપેઇન કહે છે અને પ્રયોગશાળામાં ખાસ પદ્ધતિથી 90 % ઇથાઇલ આલ્કોહૉલ તથા એસીટીનનો ઉપયોગ કરી તેમાંથી શુદ્ધ પૅપેઇન બનાવવામાં આવે છે. પૅપેઇનની બહારના દેશોમાં પ્રોટીન ડિગ્રેડેશન તથા ઔદ્યોગિક હેતુઓ માટે માંગ રહેલી હોવાથી, તેની નિકાસ કરી સારું હૂંડિયામણ મેળવી શકાય છે.
કાચા ફળનો ઉપયોગ કીડા અને દાદર જેવા રોગ પર તેમજ મુખવ્યાધિમાં થાય છે. તે પ્લીહા, કૃમિ અને તજાગરમી જેવા રોગોમાં ઉપયોગી છે.
જૂની કબજિયાત અને મસામાં તેનું ફળ સારી અસર કરતું જાણવા મળ્યું છે. તેનાથી પાચનશક્તિ સુધરે છે. તેના ફળમાં વિટામિન એ, બી-1 અને બી-2 સારા પ્રમાણમાં હોય છે. પુખ્ત વ્યક્તિઓ માટે પપૈયાનો ખોરાક તંદુરસ્તી માટે સારો ગણાય છે.
કાચા ફળના રસનો આંધ્રપ્રદેશની જનજાતિઓ મધુપ્રમેહમાં ઉપયોગ કરે છે. કાચાં ફળ અને પાકાં બીજ કૃમિનાશક (anthelmintic) ગુણધર્મ ધરાવે છે. સમચિકિત્સા (homoeopathy) પદ્ધતિમાં કાચાં ફળોનો ક્ષીરરસ કબજિયાત, દૂઝતા મસા, ફૂલેલી બરોળ અને યકૃત માટે ખૂબ ઉપયોગી છે. વધારે માત્રાઓમાં તે ગર્ભાશયના સંકોચનને પ્રેરે છે.
ઔષધગુણવિજ્ઞાનીય(pharmacological) ગુણધર્મો : પુખ્ત માદા ઉંદરોને મૈથુનોત્તર (post-coitum) 1-10 દિવસ સુધી સૂકાં બીજનો હૅક્ઝેન નિષ્કર્ષ (1 ગ્રા./કિગ્રા. શરીરનું વજન) દરરોજ આપતાં 70 % પ્રાણીઓમાં ગર્ભધારણની ક્રિયા થઈ નહિ. નર શ્વેત ઉંદરોમાં બીજનો અશોધિત ક્લૉરોફૉર્મ નિષ્કર્ષ (5 મિગ્રા./ પ્રાણી 1 દિવસ, 40 દિવસ માટે) આપતાં પ્રતિવર્તી વંધ્યતા (reversible sterility) પ્રેરાઈ હતી; જેમાં કોઈ પણ આડઅસર વિના શુક્રકોષની પ્રચલનશક્તિ પર અસર થઈ હતી.
પર્ણોનો આલ્કોહૉલીય નિષ્કર્ષ(≥5 મિગ્રા./કિગ્રા. માત્રાએ) શિરામાં આપતાં કેન્દ્રસ્થ સ્નાયુ શિથિલન(central muscle relaxation)ની અસર ઉદ્ભવે છે. તે ઉગ્ર તાણરોધી (anti-convulsant) ગુણધર્મ ધરાવે છે અને તે અપસ્માર (epilepsy) સામે અસરકારક હોય છે. મૂળનો ક્વાથ આર્તવના વિકારોમાં દર્દીને પિવડાવવામાં આવે છે. પપૈયાની પરાગરજ શ્વાસનળી અને શ્વાસનળી ફેફસાંની તકલીફો ઊભી કરે છે.
પપૈયામાં પ્રતિ-ઉપચાયી (anti-oxidant), અતિરક્તદાબરોધી (anti-hypertensive), વ્રણવિરોહણ (wound healing), યકૃતસંરક્ષી (hepatoprotective), પ્રતિશોથકારી (anti-inflammatory), પ્રતિસૂક્ષ્મજીવી (anti-microbial), ફૂગરોધી (anti-fungal), ફળદ્રૂપતારોધી (anti-fertility), હિસ્ટેમીનધર્મોત્તેજક (histaminergic), મૂત્રલ (diuretic), પ્રતિ-અમીબીય (anti-amoebic), અર્બુદરોધી (anti-tumor), કૃમિઘ્ન (anthelmintic), મલેરિયારોધી (anti-malarial), અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic), પ્રતિરક્ષીસમાયોજક (immunomodulatory), વ્રણરોધી (anti-ulcer) અને દાત્રકોષરોધી (anti-sickling) જેવા મહત્ત્વના ઔષધીય ગુણધર્મો જોવા મળ્યા છે.
આયુર્વેદ અનુસાર તે લઘુ, રુક્ષ, તીક્ષ્ણ ગુણ; કટુ અને તિક્ત રસ; વિપાક કટુ અને ઉષ્ણવીર્ય હોય છે.
કર્મ (Action) : તે કફવાતશામક અને પાકું ફળ પિત્તશામક પણ હોય છે. તેનું દૂધ લેખન, પર્ણ અને બીજ શોથહર તથા વેદનાસ્થાપન હોય છે. ચેતાતંત્ર માટે બીજ અને ક્ષીર વેદનાસ્થાપન છે. દૂધમાં રહેલા પાચક તત્ત્વની ક્રિયા પૅપ્સિન સશ છતાં તેનાથી ઉત્તમ હોય છે. તેનો એક ભાગ 250 ભાગના માંસનું પાચન કરે છે. 0.5 ગ્રા. સત્ત્વ 500 મિલી. દૂધને પચાવી શકે છે. તે ગોળ કૃમિઓનો નાશ કરનાર છે. તે વાતાનુલોમન અને યકૃદુત્તેજક પણ છે.
પર્ણોમાં રહેલા કાર્પેનની ક્રિયા ડિજિટેલિસના જેવી થાય છે. તેનાથી હૃદયનાં સ્પંદનો ઓછાં થાય છે. તેનો વિશ્રામકાળ અને બળ વધે છે. તે શોથહર અને રક્તશોધક પણ છે. તે કફનિ:સારક, મૂત્રલ, તેનાં બીજ અને ક્ષીર આર્તવજનન, ફળ સ્તન્યજનન, તેનું ક્ષીર સ્વેદજનન અને કુષ્ઠઘ્ન તથા પર્ણો પણ સ્વેદજનન હોય છે. તે જ્વરઘ્ન, વિષઘ્ન, કટુપૌદૃષ્ટિક અને બલ્ય હોય છે.
પ્રયોગ :
(1) તેનો કફ અને વાયુના રોગોમાં ઉપયોગ થાય છે. પાકું ફળ પૈત્તિક વિકારોમાં આપવામાં આવે છે.
(2) તેનું ક્ષીર ગલરોગ, કંઠરોહિણી, જિહ્વાવ્રણ ઉપર લગાવવામાં આવે છે. ખસ, દરાજ, કુષ્ઠ જેવા ત્વચાના રોગોમાં, કૅન્સરની ગાંઠ ઉપર તેનો લેપ લગાવાય છે. વીંછીના વિષ ઉપર તે લગાવવાથી અત્યાધિક લાભ થાય છે. વાતવ્યાધિમાં તેના પાનનો શેક કરવામાં આવે છે. બીજથી સિદ્ધ કરેલ તેલ પક્ષાઘાત, અર્દિત, ત્વચાના રોગમાં ચોળવામાં આવે છે.
(3) અગ્નિમાંદ્ય, અર્જીણ, ગ્રહણી, ઉદરશૂળ, યકૃત્પ્લીહવૃદ્ધિ, અર્શ અને કૃમિમાં તેનું દૂધ આપવામાં આવે છે અને કાચા ફળનું શાક ખવડાવાય છે. યકૃત્પ્લીહ વૃદ્ધિમાં 10 ગ્રા. તાજા દૂધમાં ત્રણ ગ્રા. ખાંડ નાખી દર્દીને આપવામાં આવે છે. ગંડૂપદ કૃમિમાં 10 ગ્રા. દૂધ, 10 ગ્રા. મધ, 20 મિલી. ગરમ પાણી મિલાવી ઠંડું થતાં આપવામાં આવે છે. ત્યાર પછી બે કલાકે એરંડ તેલનું વિરેચન અપાય છે. હૃદ્દૌર્બલ્યજન્ય ઉદરરોગમાં અને હૃદયરોગમાં પાનનો ફાંટ આપવામાં આવે છે. રક્તવિકારોમાં દૂધ અને ફળનો પ્રયોગ કરવામાં આવે છે.
(4) તે કફનિ:સારક હોવાથી કાસ અને શ્વાસમાં લાભદાયી છે. મૂત્રકૃચ્છ્રમાં પાનનો ફાંટ આપવામાં આવે છે.
(5) દૂધ અને બીજનો ઉપયોગ રજોરોધ, કષ્ટાર્તવ અને ફળ અને દૂધનો સ્તન્યવૃદ્ધિ માટે કરવામાં આવે છે.
(6) જ્વરમાં પાનનો ફાંટ આપવામાં આવે છે. તેનાથી જ્વર ઓછો થાય છે; મૂત્ર વધારે નીકળે છે અને હૃદયને બળ મળે છે.
(7) ગ્રહણીજન્ય દૌર્બલ્યમાં અનેક વિષનું નિવારણ કરવામાં તેનો ઉપયોગ થાય છે.
પ્રયોજ્ય અંગ : ફળ, પર્ણો, દૂધ અને બીજ.
માત્રા : પાનનો ફાંટ – 40-80 મિલી.; દૂધ – 3-6 ગ્રા.; પાચક સત્ત્વ (પૅપેઇન) 0.6-0.12 ગ્રા.; બીજ ચૂર્ણ – 0.5-1 ગ્રા.
एरण्डकर्कटी लघ्वी तीक्ष्णां कट्वी सतिक्तका ।
वीर्योष्णा पाचन्ते हद्या ग्राहिणी कफवातनुत् ।।
एरण्डकर्कटीक्षारं पाचनं परमं स्मृतम् ।
फलं शतिक्तमधुरं पक्वं लु मधुरं लघु ।।
आचार्य प्रिव्रत शर्मा
જ. પુ. ભટ્ટ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
બળદેવભાઈ પટેલ