પબુમઠ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈ ગામ નજીક આવેલ હડપ્પીય ટીંબો. 1977થી 1981 દરમિયાન તેનું ઉત્ખનન કરવામાં આવેલું.

ઉત્ખનન કરતાં આ સ્થળે મહત્ત્વની હડપ્પીય વસાહત મળી આવી. અહીં હડપ્પીય બાંધકામના ત્રણ તબક્કા જોવા મળે છે. પ્રાથમિક તબક્કામાં અહીંના લોકોએ વસાહતનો પાયો નાખતાં પહેલાં જંગલોનો બાળીને નાશ કર્યો. ઉત્ખનિત ભાગમાં બળેલા અવશેષોના થર આ અંગેનો પુરાવો છે. ત્યારબાદ અસ્તિત્વમાં આવેલી પહેલી વસાહતના પાયા પહોળા રેતિયા પથ્થરોથી સીધી હરોળમાં બાંધેલા છે. 15 મી.ની લંબાઈ સુધી ખોદી કાઢેલી દીવાલની જાડાઈ 50 સેમી. જેટલી છે. કેટલીક જગ્યાએ આ દીવાલના પાંચ થર દેખાય છે. ભૂકંપને કારણે આ દીવાલને નુકસાન થયાના પુરાવા મળી આવ્યા છે.

બીજા સ્તરમાં ઇમારતી કામ અલગ અલગ રીતે ચાર વાર થયું હોવાનું જણાય છે. એકબીજા સાથે જોડાયેલા ખંડોવાળા એક ગૃહ-સંકલનનો ભાગ ખોદી કાઢવામાં આવ્યો છે. ઇમારતના પાયામાં પથ્થરનો એક જ થર આવેલો છે. મકાનના પાયામાંથી માટીના ઘડા મળી આવ્યા છે. ઘડામાં ભૂમિદાહ આપવાની પ્રથા ધ્યાનાર્હ છે. પાયાના થરમાંથી ધાતુ(તાંબું અથવા મિશ્રધાતુ)ના પતરામાંથી બનાવેલ તીરના માથાનો નાનો ત્રિકોણાકાર ભાગ (ફળું) પ્રાપ્ત થયો છે. આવા તીરથી નાજુક પક્ષીઓનો શિકાર થતો હશે. ત્યાંથી પ્રાપ્ત પક્ષીઓનાં અનેક અસ્થિ આ અનુમાનને પુદૃષ્ટિ આપે છે.

ખોદકામમાંથી પ્રાપ્ત વિશિષ્ટ મૃત્તિકાપાત્રોમાં મોટી તેમજ મધ્યમ કદની કોઠી, પાનપાત્રો, નળાકાર પાત્રો, કથરોટ, બેઠકવાળી તાસકો, સચ્છિદ્ર પાત્રો વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગનાં મૃત્તિકાપાત્રો જાડાં અને ગામઠી છે. પાત્રોના લાલ રંગ ઉપર કાળા રંગથી ચિત્રો દોરેલાં છે. ચિત્રોમાં આડી-ઊભી રેખાઓ, સક્કરપારા ભાત, ત્રિકોણો, પીપળાનું પાન અને પક્ષીનું રેખાંકન નોંધપાત્ર છે.

અન્ય પુરાવશેષોમાં પક્વ મૃત્તિકાનિર્મિત વલયો, ત્રિકોણાકાર ચગદાં, શંખની બંગડીઓ, સોયા, કાનની તાંબાની વાળી, અંજનશલાકા તથા વિવિધ પ્રકારના સલેખડીના સૂક્ષ્મ અને ભૂંગળી જેવા મણકા તથા મૃત્સના(faience)ના ભૂંગળી જેવા મણકાનો સમાવેશ થાય છે. ‘ચર્ટ’ નામના પથ્થરમાંથી બનાવેલાં પાનાં અને વજનિયાં નોંધપાત્ર છે.

અહીંથી પ્રાણીઓનાં અસ્થિ વિશેષ પ્રમાણમાં મળ્યાં છે. એમાં ભેંસ, બકરાં, ઘેટાં, જંગલી ડુક્કર, હરણ અને નાનાં પ્રાણી અને પક્ષીઓ તથા માછલાંનો સમાવેશ થાય છે. એ તત્કાલીન પર્યાવરણ અને પરિવેશ બતાવે છે, જેમાં ભૂપૃષ્ઠ ઉપર આજના કરતાં વનસ્પતિનું આવરણ વધારે ગીચ હશે.

અહીંથી પ્રાપ્ત મોટાં પ્રાણીની પાંસળીઓમાંથી બનાવેલી તલવાર જેવી છરીનો ઘાટ અર્ધગોળાકાર છે. રાખ અને કોલસા ભરેલા એક ખાડામાંથી આવી છરીના ટુકડા મળ્યા છે. આ છરીને કોઈ ધાર્મિક ક્રિયાકાંડ સાથે સંબંધ હોવાનું અનુમાન કરી શકાય.

ઉપલા થરોમાંથી સલેખડીની બનેલી એક મુદ્રા મળી આવી છે. એના પર એક શૃંગી પશુનું અંકન તથા હડપ્પીય લિપિના કેટલાક અક્ષરો કોતરેલા છે.

અત્યાર સુધીના ઉત્ખનન ઉપરથી એવું અનુમાન કરી શકાય કે આ સભ્યતાના ધારકો સિંધમાંથી કચ્છ વાટે સૌરાષ્ટ્રમાં આવાગમન કરતા હશે, વિશાળ મકાનોમાં સંયુક્ત પરિવારો વસતા હશે અને ત્યારે આ પબુમઠ સિંધ તથા કચ્છ અને કદાચ સૌરાષ્ટ્ર વચ્ચે વ્યાપાર-વાણિજ્યનું કડીરૂપ કેન્દ્ર હશે. પબુમઠમાં પુખ્તતાએ પહોંચેલી સંસ્કૃતિ નજરે પડે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા