પદ

ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે.

‘પદ’ શબ્દ પહેલાં તમામ પદ્યાત્મક કૃતિઓને સૂચિત કરતો હોય એમ પ્રયોજાતો હશે, પણ એનો પ્રયોગ બહુધા એવી રચનાઓ માટે થયો છે કે જે છંદોબદ્ધ હોવાની સાથોસાથ ગેયત્વના ગુણોથી પણ યુક્ત હોય. આ દૃષ્ટિએ સ્વાભાવિક રીતે જ એને ‘ગીત’ કે ‘ગાન’ શબ્દના એક પર્યાય તરીકે પણ સ્વીકારી શકાય. ‘પદ’ શબ્દ વાક્યમાંના શબ્દ માટે, કવિતાની મૂળ કડી અને ચરણ જેવા અર્થો માટે પણ પ્રયોજાય છે.

મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી કાવ્યસર્જનના લગભગ તમામ વિષયોનું આલેખન પદ-સ્વરૂપમાં કોઈ ને કોઈ રીતે થયેલું જોવા મળે છે. એમાં વિષયોની દૃષ્ટિએ જોઈએ તો વેદાન્તની ફિલસૂફી, નિર્ગુણ નિરાકાર બ્રહ્મસ્વરૂપનું વર્ણન, યોગસાધનાની વિવિધ અનુભૂતિઓ, પ્રાર્થનાભાવ, ઈશ્વરલીલાવર્ણન, બ્રહ્મ-આનંદથી મસ્ત ચિત્તાવસ્થાનું વર્ણન, પ્રભુમિલનની મસ્તી અને પ્રભુવિરહની વેદના, આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આરત, ઈશ્વર પ્રત્યેની શરણાગતિ, નિર્મળતા, અરજ, સ્તુતિ, આત્યંતિક કલ્યાણનો માર્ગ સૂચવતાં બોધ-ઉપદેશ કે શિખામણ જેવાં અનેક ભાવ-ભાવનાગત વિષયો-વર્ણનો રજૂ થતાં રહ્યાં છે.

આ પદોમાં આત્મકથનાત્મક, ઉદ્બોધનાત્મક, રૂપકાત્મક, સંવાદાત્મક જેવી અભિવ્યક્તિરીતિઓ જોવા મળે છે. સચોટ ષ્ટાંતો અને રૂપકોથી અલંકૃત આ પદવાણીમાં સ્તુતિ, પ્રાર્થના, કીર્તન, ભજન, આરતી, ધોળ, ગરબી, હોરી, ધમાર, પ્રભાતિયાં, કાફી, ઝૂલણા, ચાબખા, વિષ્ણુપદ જેવાં અનેક પ્રકારનામો મળે છે. પ્રાત:કાળથી સાયંકાળ સુધીનાં – મંગળાથી શયન-આરતી સુધીમાં ગવાતી રચનાઓ તે પદો અને રાત્રે ગવાય તે ભજન એવી લૌકિક સમજણ પણ કેટલાક ગાયકોમાં પ્રવર્તે છે. ખરેખર તો પ્રાત:કાળથી સાયંકાળ સુધીના સમયગાળામાં જે રચનાઓ ગવાય છે તે સ્તુતિ, પ્રાર્થના, થાળ, આરતી, વધાઈ, હોરી, હિંડોળા, વસંત, ધમાર, ખ્યાલ વગેરે પ્રકારની અને સગુણ સાકાર પરમાત્માની ઉપાસનાવિધિ સાથે સીધી સંકળાયેલી પદરચનાઓ હોય છે અને સાયંકાળથી સૂર્યોદય સુધીના સમગ્ર રાત્રિકાળ દરમિયાન ગવાતાં પદો-ભજનોના વિવિધ પ્રકારો નિર્ગુણ-નિરાકારની ઉપાસના, જ્યોતપૂજા, પાટપૂજા, યોગસાધના વગેરે સાથે સંકળાયેલા હોય છે.

પદસ્વરૂપનો ઉદ્ભવ : પદ-સ્વરૂપ ગુજરાતીમાં અપભ્રંશમાંથી ઊતરી આવ્યું છે. બંગાળી ભાષાનાં ચર્યાગીતો; બૌદ્ધ અને નાથ સિદ્ધોની વાણી; ગોરખ, કબીર, તુલસી, જયદેવ અને સુરદાસ જેવા સંત-ભક્ત કવિઓની રચનાઓનો પ્રભાવ ગુજરાતી પદસાહિત્ય ઉપર ખૂબ પડ્યો છે. અપભ્રંશમાંથી ઊતરી આવેલા માત્રામેળ છંદો ગેય હતા, એમને પાયામાં રાખીને માત્રામેળ છંદોની દેશીઓ દ્વારા દેશી ઢાળો અસ્તિત્વમાં આવ્યા. દુહા, ચોપાઈ, વસ્તુ (રડ્ડા), ત્રિપદી, સોરઠા, રોળા, હરિગીત, ધઉલ, પદ્ધડી, રાસક, અડિલ્લ, મડિલ્લ, ફાગ, ગાથા, પવાડો વગેરે ગેય છંદો ઉપરથી ક્યારેક એ જ સ્વરૂપે તો ક્યારેક એકથી વધુ છંદના મિશ્રણથી દેશી-બંધ કે દેશી-ઢાળો અસ્તિત્વમાં આવ્યા, એનું  પ્રધાન લક્ષણ ગેયતા જ હતું. ઝૂલણાની, સવૈયાની, ઉલાળાની, દોહરાની, ચોપાઈની અને અઢૈયાની દેશી જેવા ઉલ્લેખો મધ્યકાલીન હસ્તપ્રતોમાં પદરચનાઓ ઉપર નોંધેલા જોવા મળે છે. એ જ દેશી ઢાળોને દીપચંદી કે માઢ, હીંચ કે ખેમટો, દાદરો, ત્રિતાલ, રૂપક, કેરવો જેવા તાલ સાથે, કેદાર, કલ્યાણ, વસંત, મલ્હાર, સારંગ, તોડી, મારુ, રામગ્રી, માલવ, આશાવરી, પ્રભાત, બેલાવલી, ગૌડી, શ્રી, કાફી, પરજ, સામેરી, દેશ, સોરઠ જેવા શાસ્ત્રીય તથા દેશી રાગ-લયમાં ગાવામાં આવતા. આજે પણ એ પરંપરા ચાલુ છે. એમાં સંગીતની દૃષ્ટિએ લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, પુદૃષ્ટિમાર્ગી વૈષ્ણવોનું હવેલી-સંગીત, ભવાઈ તથા દેશી નાટકોનું સંગીત અને અન્ય સુગમ સંગીતનો પ્રભાવ-સ્પર્શ જોઈ શકાય છે.

પદ મધ્યકાલીન ગુજરાતી કવિતામાંનો ઊર્મિપ્રધાન નાનકડો, નાજુક સુગેય પ્રકાર છે, જેમાં પરબ્રહ્મ પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ, અંગત અનુભૂતિની સચ્ચાઈપૂર્ણ ભૂમિકા, નાજુક નમણા ભાવો અને સંગીતાત્મકતાના અંશો જોવા મળે છે. પદનો વિનિયોગ પ્રબંધો, રાસાઓ, આખ્યાનો, ‘અખેગીતા’ જેવાં વેદાન્તી ગીતાકાવ્યો અને પદ્યવાર્તાઓમાં પણ થયો છે. પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ગવાતાં અષ્ટછાપના કવિઓનાં પદો કે દયારામ સુધીના અન્ય ગુજરાતી કવિઓનાં કેટલાંક પદોને કીર્તન તરીકે ઓળખવામાં આવે છે. નવધા ભક્તિમાં કીર્તનનો મહિમા છે જ. તેમાં પરમાત્માના ગુણોનું વર્ણન અભિપ્રેત હોય છે. ગુજરાતમાં આઠે પહોરનાં (અષ્ટપ્રહરી) કીર્તન-પદો ગવાય છે. સવારમાં દેવ જાગે ત્યારનાં પ્રભાતિયાં અને મંગળા આરતીથી શરૂ કરીને શણગાર, ભોજન, હિંડોળા અને શય્યાનાં પદો તથા ઉત્સવાદિને લગતાં પદો પણ કીર્તનમાં સમાવેશ પામે છે.

આરતી : સગુણ-સાકાર પરબ્રહ્મની ઉપાસનામાં ષોડશોપચારી પૂજાના નિમિત્તે ઉદ્ભવેલો આ પદપ્રકાર મંદિરો  ગૃહમંદિરોમાં સારી પેઠે પ્રચલિત-પ્રતિષ્ઠિત છે.

તમામ પંથ-સંપ્રદાયોમાં પૂજનને અંતે આરતીનો મહિમા છે અને તેથી દેવી-દેવતાઓ ઉપરાંત પંથ-સંપ્રદાયના સ્થાપક તથા ગુરુ-પરંપરામાં આવતા આચાર્યોની પણ આરતીઓ ગવાય છે. એમાં જે તે દેવ-દેવી અથવા આચાર્યના ગુણોનું વર્ણન હોય છે, ક્યારેક એમનાં પરાક્રમો, સત્કર્મો અને પરંપરાનું પણ નિરૂપણ હોય છે. આરતી સમૂહમાં ગવાતાં કીર્તન-પદોમાંનો જ એક પ્રકાર છે.

થાળ : ઇષ્ટદેવને-પરમાત્માને ભોજનથાળ સ્વીકારવાની વિનંતી કરતાં, અને તે સાથે પોતાના હાથની જે રસોઈ થઈ છે એનું વર્ણન કરતાં પદોને થાળનાં પદો તરીકે ઓળખાવાય છે. એમાં વાનગીઓની યાદી પણ મળે છે. ભોજનસામગ્રીનાં લાંબાં વર્ણનો થાળમાં મળે છે. ભોગ-અર્પણ એ પણ પૂજાનો એક ભાગ જ છે. પોતે ભાવથી ધરેલી સામગ્રી પ્રભુ સ્વીકારી લે અને પોતાની મન:કામના પૂરી કરે એવી અરજ આ થાળનાં પદોમાં વ્યક્ત થાય છે.

ધોળ : પ્રાકૃત-અપભ્રંશની પ્રાચીન સાહિત્યધારામાંથી ઊતરી આવેલો પદનો એક પ્રકાર તે ધોળ. તે ‘ધવલક’, ‘ધઉલ્લ’ કે ‘ધોળ-મંગળ’ તરીકે ઓળખાય છે. એના ‘ધઉલગીત’ તરીકેના ઉલ્લેખો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આરંભકાળની જૈન રચનાઓમાં મળે છે. જૈન સાહિત્યમાં મળતા ધવલગીત કે ધોળમાં દેવ-દેવી, તીર્થંકરો, જતિ, સાધુ, રાજા. તીર્થ, શ્રેષ્ઠી કે શ્રાવકનાં ગુણગાન, પ્રશસ્તિ કે માહાત્મ્ય હોય છે જ્યારે જૈનેતર ધોળરચનાઓમાં આખ્યાનનાં લક્ષણો ધરાવતા કથાપ્રસંગો મળે છે. ધર્મ, પુરાણ, ઇતિહાસ, સમાજ કે લોક-સમુદાયમાં પ્રચલિત કથા કે ઉપકથાનાં ધોળ-મંગળ શુભ અવસરે સ્ત્રીઓ દ્વારા ગાવામાં આવે છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં ગવાતાં ધોળ બહુધા શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ, સ્વરૂપો વગેરેની પ્રશસ્તિરૂપ હોય છે.

શ્રી વલ્લભાચાર્યજીથી શરૂ કરી પુદૃષ્ટિ-સંપ્રદાયના લગભગ તમામ આચાર્યોએ અને દયારામ જેવા અનેક પુદૃષ્ટિમાર્ગીય ગુજરાતી કવિઓએ કૃષ્ણ, બળદેવ, યમુનાજી, આચાર્ય-પરંપરા વગેરે વિષયોનાં ધોળ-પદોની રચનાઓ કરી છે.

લોકસાહિત્યમાં મળતી-ગવાતી ધોળ-મંગળની રચનાઓમાં ખાસ રામાયણનાં કથાનકો અને તે ઉપરાંત કૃષ્ણચરિત્ર, શેઠ સગાળશા અને ચેલૈયો જેવા ભક્તોનાં ચરિત્રો, ઐતિહાસિક અને સામાજિક પ્રસંગો અને ગૃહજીવન વગેરે વિષયો નિરૂપાયા છે. કંઠસ્થ પરંપરામાં જળવાયેલી આ રચનાઓ સ્ત્રીઓ દ્વારા સમૂહમાં ગાવામાં આવે છે.

હાલરડું અને ઝૂલણું : હાલરડાં કે ઝૂલણાં વિષયની દૃષ્ટિએ નાનકડા બાળકને પારણામાં હીંચોળીને સુવડાવતી વખતે ગાવાનાં, સંગીતના લયાત્મક-સંમોહક સૂરો ધરાવતાં પદો જ છે. એમાં ભાવ અને સ્વરને તથા પ્રાસ અને લયને મહત્ત્વ અપાયું હોય છે. જગતના તમામ પ્રદેશોમાં હાલરડાં ગવાય છે; એનો સંબંધ લોકજીવન સાથે છે. મૂળ પરંપરિત લોકસાહિત્યનો પ્રભાવ સ્વીકારી મધ્યકાલીન જૈન-જૈનેતર સાહિત્યસર્જકોએ પણ હાલરડાં રચ્યાં છે. વૈષ્ણવ પરંપરામાં ગવાતાં ધોળ-કીર્તન-આરતી સાથે હાલરડાં પણ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતી લોકસાહિત્યમાં ગવાતાં હાલરડાં બહુધા બાલકૃષ્ણના ચરિત્ર પર નિર્ભર રચનાઓ છે. તેમાં ભાવવાહી વાત્સલ્યચિત્રો નિરૂપાયાં છે.

હોરી અને ફાગ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન અને જૈનેતર સાહિત્યસર્જકોએ જે ઉત્સવ-પદોની રચના કરી છે તેમાં વધાઈ, હોરી, હિંડોળા, વસંત, ધમાર, ફાગ, ખ્યાલ વગેરે નામે ઓળખાતાં ઉત્સવ કે રાગ-ઢાળ સાથે સંકળાયેલાં પદો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

વસંતઋતુ યૌવનની ઋતુ છે. ગુજરાતના તમામ તહેવારોમાં હોળી-ધુળેટીનો પ્રસંગ રંગઉત્સવ, વસંતખેલન, જળક્રીડા, સંગીત અને નૃત્ય સાથે સંકળાયેલો હોય છે.

માનવજીવનને વિશેષ ઉલ્લસિત કરનારા તહેવાર તરીકે વસંતોત્સવનું સ્થાન લોકસમુદાયમાં પ્રાચીન કાળથી માનવંતું રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ, જૈન તીર્થંકરો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીને નિમિત્ત બનાવીને અનેક કવિઓએ ફાગુપ્રકારની, વસંતક્રીડા વર્ણવતી દીર્ઘ કે લઘુ પદ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એમાં પ્રકૃતિવર્ણન, યૌવનસહજ ઉન્માદ, વિરહ અને મિલનની વિવિધ ભાવદશાઓ, ટીખળ, અટકચાળાં-છેડછાડ, રંગપિચકારીની મસ્તી વગેરે જોવા મળે છે.

વૈષ્ણવ પુદૃષ્ટિમાર્ગી આચાર્યો તથા અષ્ટછાપના કવિઓની છાયા તળે ગુજરાતીમાં ઈશ્વર-આરાધનાના એક ભાગ તરીકે ઉત્સવપદોનું સર્જન થયું છે.

‘હોરી’ ગાવાનો ખાસ ઢંગ છે, એનો ચોક્કસ શાસ્ત્રીય રાગ છે. વ્રજભાષાની કીર્તનપરંપરા મુજબ તે ગવાય છે.

કંઠસ્થ પરંપરાના લોકસાહિત્યમાં હોળી પ્રસંગે ગવાતાં ‘ફાગ’ અને ‘ફટાણાં’માં અશ્લીલ ઉક્તિઓ સાંભળવા મળે છે. એમાં જોડકણાં, દુહા, લગ્નગીતની દેશીઓ, છકડિયા વગેરે ઢાળ-ઢંગ પ્રયોજાય છે.

કાફી : મધ્યકાલીન ગુજરાતી પદકવિતામાં ભજનના વર્ગમાં આવતો એક વિશિષ્ટ પ્રકાર તે ‘કાફી’. સંગીતના વિવિધ રાગોમાં એક મહત્ત્વનો રાગ કાફી છે. તે બહુધા દ્રુત તાલ સાથે ઝડપથી ગવાય છે. એમાં વચ્ચે વચ્ચે ત્રણ ત્રણ પંક્તિની સાખી આવે છે ત્યારે સંગીતનો તાલ થંભી જાય છે. એ ત્રીજી પંક્તિને બેવડાવે છે ત્યારે તાલ શરૂ થઈ જાય છે અને ધ્રુવપદ કે બે પંક્તિનો મુખબંધ ચલતી-ત્રિતાલમાં ગવાય છે. કાફી થાટના ઘણા રાગ શાસ્ત્રીય સંગીતમાં પ્રયોજાય છે. સિંધ અને કચ્છમાં ભૈરવી રાગમાં પણ કાફી રચનાઓ ગવાય છે, પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાફીગાનના ભજનનો એક ચોક્કસ જુદો ઢંગ છે.

ત્રણ ત્રણ પંક્તિઓના ત્રણ કે ચાર ખંડો મળી કુલ 11 કે 14 પંક્તિઓની આ રચનાઓમાં બહુધા વિવિધ રૂપકો દ્વારા વૈરાગ્ય અને જ્ઞાનનો ઉપદેશ અપાયો હોય છે.

બે પંક્તિઓના મુખબંધમાં સધાતો અંત્યાનુપ્રાસ સાખી ઢાળે ગવાતી ત્રણ પંક્તિઓમાંની છેલ્લી પંક્તિ સાથે મેળ સાધે છે. વચ્ચેની બે પંક્તિઓ જુદા પ્રાસથી બંધાયેલી હોય છે. આ પંક્તિની વચ્ચે તાલયોજના માટે આવેલ યતિસ્થાને ‘જી’ અથવા ‘રે’ જેવા લયાત્મક શબ્દો પ્રયોજાય છે. ભજનમંડળીઓમાં સમૂહમાં અથવા વ્યક્તિગત રીતે રામસાગર, મંજીરા અને તબલાં કે ઢોલક સાથે ગવાતી કાફી કચ્છમાં વીરાસનમાં બેસીને ગવાય છે.

ગુજરાતીમાં કાફી પ્રકારની રચનાઓને સૌથી વધુ પ્રસિદ્ધિ આપનાર તરીકે ધીરા ભગતનું નામ વિખ્યાત છે. તેમણે છૂટક કાફીરચનાઓ ઉપરાંત ‘સ્વરૂપની કાફીઓ’ જેવી કાફીમાળાનું સર્જન પણ કર્યું છે.

કાફીના ઢંગમાં જુદા જુદા ભજનિક સંતોએ બંગલો, કટારી અને પ્યાલો જેવાં રૂપક કાવ્યોનું પણ સર્જન કર્યું છે.

મૂળ કબીરસાહેબના વૈરાગ્યઉપદેશનાં પદો ‘મુખડા ક્યા દેખો દરપનમેં તેરો દયા ધરમ નહીં તનમેં……’ કે ‘કૈસા જોગ કમાયા બે ? યે ક્યા ઢોંગ મચાયા બે ?’માં જે પરંપરિત પદબંધ જોવા મળે છે તેમાં પ્રથમ પંક્તિનો મુખબંધ ટેક-પંક્તિ તરીકે સ્થાયી સ્વરૂપે ગવાય છે. આ પ્રથમ પંક્તિનાં બંને ચરણોનો પ્રાસ પણ મળતો હોય, એ પછી બે બે પંક્તિની 4થી 8 કડીઓમાં રચના પૂરી થાય. એવી રચનાઓનું સર્જન કરીને ભોજા ભગતે એને ‘ચાબખા’ નામ આપેલું. ‘ચાબખો’ એટલે ચાબુક. તોફાની ઘોડા ઉપર જેમ ચાબુકથી પ્રહાર કરવામાં આવે તેમ સંસારની મોહમાયામાં ફસાયેલા અને ઇન્દ્રિયસુખોની લાલસામાં ઉન્મત્ત બની પોતાનાં સૌંદર્ય, સત્તા અને સંપત્તિથી છકી ગયેલા માનવજીવને કલેજા સોંસરવી નીકળે એવી જોમવાળી ચોટદાર તીખાશભરી તળપદી વાણીમાં ભોજા ભગતે વારંવાર ‘મૂરખા !’, ‘પ્રાણિયા !’, ‘ખૂટલ !’, ‘જીવડા’ જેવાં સંબોધનો કરીને ચાબખા માર્યા છે.

ચાબખાના પદબંધમાં રચાયેલી કબીર આદિ અન્ય સંતકવિઓની રચનાઓ પરંપરિત તળપદા લોકઢાળોની સાથોસાથ શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગ-તાલમાં પણ ગવાય છે, જ્યારે ‘ચાબખા’ સૌરાષ્ટ્રની પરંપરિત લોકશૈલીમાં હીંચના તાલ સાથે જ, પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ લઘુ હોય તો ‘એ’ અથવા ‘હે’ ઉમેરીને ગવાય છે.

ઉદ્બોધન-શૈલીનો આશરો લઈ વૈરાગ્યબોધ અને ભક્તિનો ઉપદેશ આપતી ચાબખા પ્રકારની રચનાઓમાં ધર્મને નામે ઢોંગ કરતા ધુતારાઓ-પાખંડી સાધુઓ, રાજા-બાદશાહ કે અધિકારી, કારભારીઓ, કંજૂસ, લોભી, અભિમાની જીવોને કટાક્ષમય ભાષામાં જરૂરી ચેતવણી પણ અપાય છે. તળપદી કાઠિયાવાડી બોલીના પ્રયોગો, રૂઢોક્તિઓ, દૃષ્ટાંતો તથા લડાઈની ભાષારીતિના કારણે ચાબખાની વાણી કેટલાક વિવેચકોને ગ્રામ્ય કે ખરબચડી પણ લાગે છે.

કટારી : એ કોઈ ચોક્કસ પદબંધ ધરાવતો સાહિત્યપ્રકાર નથી, પરંતુ વિરહવ્યથાનું આલેખન કરતો વિવિધ પદબંધ-ઢાળ-તાલ-રાગમાં ગવાતો એમાંના કટારીગત વર્ણિત વિષયને કારણે એવું નામકરણ પામેલો ભજનપ્રકાર છે.

મૂળદાસજીરચિત ‘બેની ! રે મારા રુદિયામાં લાગી રે, મેરમની ચોધારી મારે કાળજે કટારી…’ રચના કાફી થાટની રચના છે. એમાં વચ્ચે ચાર ચાર પંક્તિઓની એક કડી કે ખંડ હોય છે. તે સાખીના ઢાળમાં તાલ વિના ગવાય છે. એમાં બબ્બે પંક્તિઓના પ્રાસ પણ મેળવાતા હોય છે. વળી કડીમાંની ચોથી પંક્તિના અંતિમ ચરણને સંગીત સાથે બેવડાવવામાં આવે છે અને ત્રિતાલ/ચલતીમાં દ્રુત ગતિએ ગવાય છે. આ જ ઢંગની બીજી ‘કટારી’ નામક ભજન-રચના સાંઈ વલીકૃત ‘એવી પ્રેમકટારી લાગી….. લાગી…. રે ……અંતર જોયું ઉઘાડી…’ છે, જે ધીરાની કાફીના ઢંગમાં ગવાય છે.

દાસી જીવણની બે રચનાઓમાં ‘પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી….’ પ્રભાતી રાગમાં ગવાતી પ્રભાતી ઢંગની રચના છે, જ્યારે ‘કલેજા કટારી રે… રુદિયા કટારી રે…. માડી ! મુંને માવે લૈને મારી……’ સામેરી કે પરજના સ્વરોમાં ગવાય છે, અને તેથી વિરહની વ્યાકુળતાનો ભાવ વધુ સઘન થાય છે.

પરમ પ્રિયતમના વિરહને કટારી, ખંજર, તીર, ભાલું કે બાણ જેવાં અસ્ત્ર-શસ્ત્રોથી શરીર પર થતા ઘાવ સાથે સરખાવીને સંત-કવિઓએ પોતાની વેદનાને રૂપક-કાવ્યો દ્વારા વાચા આપી છે. દાસી જીવણની જ અન્ય બે ‘કટારી’ પ્રકારની રચનાઓમાં ‘યાર બે કટારી, પ્રીતમની લાગે પ્યારી, હો ગિરધારી પણ વ્રેહની તો કટારી….’ માં ટેકપંક્તિ પછી છ પંક્તિઓમાં ત્રણ ત્રણ સાખીઓ આવે છે, જે ક્યારેક સંગીતના તાલ સાથે તો ક્યારેક તાલ વિના પણ કાફી થાટમાં ગવાય છે. જ્યારે ‘મત મારો રે મત મારો રામ નૈણાની કટારી……’ પરંપરિત પરજ કે સામેરી ઢંગમાં ગવાય છે. દરેક પંક્તિમાં વર્ણાનુપ્રાસ અને સૂક્ષ્મ નાદસગાઈ તથા કોમળ વર્ણોનું આવર્તન મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે અને અંતરવેદનાની અભિવ્યક્તિ વધુ ગાઢ-પ્રગાઢ થતી જોવા મળે છે.

પ્યાલો : કટારીની જેમ ‘પ્યાલો’ પણ કોઈ ચોક્કસ બંધારણ ધરાવતો પદ કે ભજનપ્રકાર નથી. જુદી જુદી દેશીઓમાં જુદા જુદા રાગ-ઢાળ-તાલ-છંદમાં પ્યાલાનું રૂપક સ્વીકારીને પોતાનાં અનુભવમસ્તીનું સંતકવિએ ગાન કર્યું હોય એવી જુદી જુદી ભજનરચનાઓને એમાંના રૂપકને કારણે જ ‘પ્યાલો’ એવું પ્રકારનામ મળે છે. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ કે એ પરબ્રહ્મ સુધી પહોંચાડનાર સદ્ગુરુની કૃપા સાધક ઉપર ઊતરે, આત્મસાક્ષાત્કાર થાય અને જે અલૌકિક-અવર્ણનીય આનંદ-મસ્તીની પ્રેમખુમારી પ્રગટ થાય એની અભિવ્યક્તિ આવાં ‘પ્યાલા’નું રૂપક લઈને આવતાં ભજનોમાં જોવા મળે છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી મળતી પ્યાલા પ્રકારની રચનાઓમાં સાતેક જુદા જુદા પ્રકારના ગાયન-ઢંગ મળે છે. કાફીના ઢંગમાં; આરાધી ભજનોના ઢંગમાં; પરજ, સામેરી, પ્રભાતી, દરબારી, આશાવરી કે દેશ જેવા શાસ્ત્રીય રાગની છાંટ ધરાવતા દેશી ઢાળોમાં પણ પ્યાલાનાં ભજનો ગવાય છે. તાલની દૃષ્ટિએ દીપચંદી કે માઢ, હીંચ કે ખેમટો, દાદરો, ત્રિતાલ, રૂપક, કેરવો જેવા સંગીતના તાલ પ્રયોજાય છે. પ્યાલાનાં ભજનો ગાવાની એક વિશિષ્ટતા એ છે કે કેટલાંક ભજનોમાં દરેક પંક્તિના અમુક શબ્દોનું આવર્તન કરી બીજી પંક્તિનું ગાન શરૂ થાય પછી બીજી પંક્તિના છેવાડાના અમુક શબ્દોનું આવર્તન થયા બાદ ત્રીજી પંક્તિ ગવાય. આમ સ્વરના આરોહ-અવરોહ થયા કરે છે.

પ્યાલાનાં ભજનોના રચયિતા સંત-કવિઓમાં લખીરામ અને દાસી જીવણનું નામ મોખરે આવે. એ સિવાય રવિસાહેબ, ત્રિકમસાહેબ, અરજણ, સરવણ કાપડી, તોલાપુરી અને કબીરસાહેબની પ્યાલારચનાઓ ગુજરાતી ભજનિકોની મંડળીઓમાં ગવાય છે.

આરાધ : પરંપરિત સંતવાણીમાં નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની જ્યોતની ઉપાસના સાથે, બીજમાર્ગી ગુપ્ત પાટ-ઉપાસના સમયે રાત્રિના બાર વાગ્યા પછી જે ભજનો ગવાય તે ‘આરાધી’ ભજનો કે ‘આરાધ’ કહેવાય. ‘આરાધ’ શબ્દ -‘આરાધન’ –  ‘આરાધ્ય’ – ‘આરાધક’ જેવા ઉપાસના સાથે સંકળાયેલા શબ્દો સાથે સંબંધ ધરાવે છે. નિરાકાર-નિર્ગુણ બ્રહ્મની પ્રાર્થના માટે જૂના સમયમાં જે પ્રશસ્તિ-ગુણાનુવાદનું ગાન થતું એમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ કરનાર, જેને કોઈ આદિ-મધ્ય-અંત નથી એવી પરમ તત્ત્વની વિરાટ સત્તાને વંદના કરવામાં આવતી.

સંગીતના આદિમ એવા દેશી દીપચંદી તાલને દેશી ભજનિકો માઢનો તાલ કહે છે; તેમાં વિલંબિત લયે રામસાગર અને મંજીરાં સાથે સમૂહમાં આવાં ભજનોનું ગાન થાય છે. સંતવાણીના કાર્યક્રમોને પણ ક્યારેક ‘અલખનો આરાધ’ એવા નામે ઓળખાવાય છે.

આરાધી ઢંગમાં પણ તાલ એક જ અને વિલંબિત હોવા છતાં રાગ-ઢાળનું વૈવિધ્ય અનુભવવા મળે છે. તોરલ, લોયણ, લીરલબાઈ, મૂળદાસ, મારકુંડ (માર્કણ્ડેય) ઋષિ, દેવાયત પંડિત, શીલદાસ, ગણપતરામ અને ભોજા ભગતની રચનાઓમાં આરાધી ઢંગનાં ભજનો જોવા મળે છે. અત્યારના ભજનિકો આરાધી ભજનો પણ ચલતી કે ત્રિતાલમાં રજૂ કરતા હોય છે.

આગમ : પરંપરિત સંતવાણીમાંનો આગમ પ્રકાર પણ પદબંધની દૃષ્ટિએ નહિ પણ વિષયસામગ્રીની દૃષ્ટિએ નામકરણ પામ્યો છે. એમાં ભવિષ્યકથનનો વિચાર કેન્દ્રમાં હોય છે. કાફી, આરાધ, ધોળ તથા રામગરી ઢંગનાં આગમ-ભજનો મળી આવે છે.

આ ભજનોમાં ભવિષ્યમાં કેવો સમય આવશે; સૃદૃષ્ટિ, પ્રકૃતિ, પશુ, પક્ષી અને માનવીમાં કેવા ફેરફારો થશે એનું ભવિષ્યકથન હોય છે. દેવાયત પંડિત, ઇસરદાસજી, સરવણ કાપડી, સહદેવ જોષી, લીરલબાઈ, મેકરણ કાપડી, પ્રાણનાથ સ્વામી, લખમો માળી, દેવીદાસ, ધીરો, કડવો ભગત, વેલો બાવો, રામૈયો, સવારામ, પીઠો ભગત, ગણપતરામ વગેરે સંતકવિઓએ આ પ્રકારનું ભવિષ્યકથન કરતી આગમવાણી જુદા જુદા ઢંગ-ઢાળ-તાલ છંદના બંધારણમાં ભજનગાન સ્વરૂપે વ્યક્ત કરી છે. બહુધા આગમવાણી આરાધી ઢંગમાં ગવાય છે.

પરજ : પરજ પ્રકારનાં ભજનો સંવેદન, વિરહ કે પ્રેમલક્ષણા ભક્તિના ખૂબ જ લોકપ્રિય એવા વિલંબિત ઢાળ-ઢંગથી ગવાય છે. પરજનાં ભજનોની મહત્ત્વની વિશેષતા એ છે કે તે પંચમના સૂરોથી જ શરૂ થાય. ભજનિક, અન્ય ભજનો ષડ્જથી રજૂ કરતો હોય પણ પરજનાં ભજનો પંચમના ઊંચા સૂરથી જ ગાવામાં આવે.

પરજ શાસ્ત્રીય રાગ પણ છે. ગાંધાર, ધનાશ્રી અને મારુના મિશ્રણથી બનેલી આ રાગિણી રાત્રિના ત્રણ સાડા ત્રણ વાગ્યે ગવાય છે. આ ઢાળ-ઢંગનાં મૂળ લોકસંગીતમાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલાં આખ્યાનો અને પદ પ્રકારની ટૂંકી રચનાઓ ઉપર હસ્તપ્રતોમાં ‘રાગ પરજ’ કે ‘પરજિયો ઢાળ’ એવા ઉલ્લેખો ઠેર ઠેર મળે છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં આ શબ્દો અવારનવાર મળે છે.

લોકસંગીતમાં આવતા રાગ પરજ અને પરજિયો વચ્ચે ભાવમાં થોડોક તફાવત છે. પરજ રાગ સંવેદન અને વિરહનો ઢાળ છે, જ્યારે પરજિયો ને રાજિયો તે વિલાપના કરુણ સ્વરો રેલાવે છે. પ્રેમલક્ષણા ભક્તિમાં પ્રભુવિરહની વેદના વર્ણવતાં પદો ‘પરજની દેશી’માં રચાયેલાં છે; તે રામસાગર અને મંજીરાંના તાલે વિલંબિત લયમાં દીપચંદી/માઢના તાલ સાથે રાત્રે ત્રણ વાગ્યા પછી જ ગવાય છે.

મોરારસાહેબની ખૂબ જ જાણીતી પરજ-રચનાઓમાં ‘લાવો લાવો કાગળિયો ને દોત, લખિયે હરિને રે……’ કે ગેમલદાસનું ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જાતાં નથી જાણી રે…..’ જેવાં ભજનો લોકભજનિકોમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યાં છે.

પરજના સ્વર વિરહભાવમાં તીવ્રતા અને વેધકતા લાવે છે, જ્યારે સામેરી વિરહ કે શૃંગારની વ્યાકુળતા. સામેરીમાં વ્યક્ત થાય છે લૌકિક પ્રેમ તો પરજમાં અવિનાશી દિવ્ય પરમતત્ત્વના મિલનની ઝંખના.

રામગરી : ભક્ત કવિ નરસિંહ મહેતાના કાવ્યસર્જનની સાથે જ ગુજરાતીમાં રામગરી પ્રકારનાં પદો પ્રચાર-પ્રસારમાં આવ્યાં છે. રામગરી કે રામકિરી એ શાસ્ત્રીય સંગીતની એક રાગિણીનું નામ છે. તે વહેલી સવારના ચાર વાગ્યા પછી ગવાય છે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતા વહેલી સવારે ચાર વાગ્યે જૂનાગઢથી રવાના થઈ દામોદર કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે રામગરી પ્રકારનાં ભજનોનું સર્જન કરતા અને પાછા વળતા ત્યારે પ્રભાતી ભજનોનું અને જૂનાગઢ પહોંચીને પ્રભાતિયાં ગાતા.

‘સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે રઘુનાથનાં જડિયાં…….’, ‘કોણ રે સમાના કામની દત્ત ફળિયલ રામા…..’, અને ‘હે જી વ્હાલા હારને કાજે નવ મારીએ……’, ‘હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં……’, ‘હે જી વ્હાલા પઢો રે પોપટ રાજા રામના……’ જેવાં પદો રામગરી રાગમાં લોકભજનિકો દ્વારા ગવાય છે. નરસિંહ મહેતાની કૃતિઓ ધરાવતી હસ્તપ્રતોમાં કેટલાંક પદો ઉપર ‘રામગ્રી’ એવો રાગનિર્દેશ મળે છે, પરંતુ તે ઉપરનાં ઉદાહરણો આપ્યાં છે તેના ઢંગમાં ગાઈ શકાય તેવો પદબંધ ધરાવતાં નથી અને તે સંગીતની દૃષ્ટિએ સંશોધનનો વિષય છે.

પ્રભાતી : વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં સાડા ચાર-પાંચ વાગ્યે જે ભજનો ગવાય છે તે પ્રભાત અથવા પ્રભાતી રાગમાં હોય છે. રાગ પ્રભાતી હોવા છતાં તાલની દૃષ્ટિએ એમાં વૈવિધ્ય પણ મળે છે. કેટલાંક પદો હીંચ કે ખેમટામાં ગવાય છે; જેવાં કે,

‘જાગો ને જશોદાના જાયા વાણલાં રે વાયાં / તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયાં…….’ અને ‘ગાવડી દ્યો ગોપાળલાલ વાછડીએ વિયાય રે ગાવડી દ્યો ગોપાળલાલ……’

જ્યારે પ્રભાતી રાગમાં જ પણ કેરવા તાલમાં નીચેનાં પદો ગવાય છે :

‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે……’, ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે…..’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે……’ વગેરે.

પ્રભાતી રાગમાં હોવા છતાં જેમાં ઊઠવાનો, જગાડવાનો કે પ્રભાતવર્ણનનો ભાવ ન હોય એવી અનેક રચનાઓ ભજનસાહિત્યમાં મળી આવે છે. એમાં મુખ્યત્વે પરમાત્માનું ગુણકીર્તન કે વૈરાગ્યભક્તિનો ઉપદેશ હોય છે.

પ્રભાતિયાં/ઝૂલણાં : ઝૂલણા પદબંધમાં, ઝૂલણાની દેશીમાં રચાયેલાં પદો, જે બિલાવલ કે બેલાવલી રાગમાં ગવાય છે તેને પ્રભાતિયાં તરીકે ઓળખવામાં આવે છે. દાદરા કે રૂપક તાલ સાથે ગવાતાં આ પદોમાં ‘જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે….’, ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ……’ અને ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને……’ જેવાં ઉદાહરણો ધ્યાનપાત્ર છે.

અહીં, પ્રભાતના સમયે ગવાતા બિલાવલ રાગને કારણે ઝૂલણામાં રચાયેલાં અધ્યાત્મપદોને ‘પ્રભાતિયાં’ નામ અપાયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન-જૈનેતર સર્જકોમાં અનેક કવિઓએ પ્રભાતી અને પ્રભાતિયાં જેવા પદ-પ્રકારોમાં સર્જન કર્યું છે.

નિરંજન રાજ્યગુરુ