પથ્યાદિ ક્વાથ

February, 1998

પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં સોળગણું પાણી નાખી ઉકાળવામાં આવે છે. ઊકળતા પાણીનો આઠમો ભાગ બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળી તેમાં 5થી 10 ગ્રામ જેટલો ગોળ નાખીને, 40થી 50 ગ્રામ માત્રામાં તે સવારસાંજ પીવાનું સૂચવાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા