પદમસી, અકબર (જ. 12 એપ્રિલ 1928, મુંબઈ; અ. 6 જાન્યુઆરી 2020, કોઈમ્બતુર) : ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી તે પૅરિસ ગયા. ત્યાં તેમણે ચિત્રો અને પ્રદર્શનો કર્યાં. તે મુંબઈમાં રહેતા હતા અને જૂહુ પર તેમનો સ્ટુડિયો હતો.
તેમનાં પ્રારંભિક ચિત્રોમાંની માનવ-આકૃતિઓ ભારતના શાસ્ત્રીય શિલ્પવિધાન સાથે સીધું અનુસંધાન ધરાવે છે. આ માનવ-આકૃતિઓ ધાતુ જેવો ચળકાટ ધરાવે છે અને તેથી તે માનવીય કરતાં વધુ દૈવી લાગે છે. આ પછી પદમસી નિસર્ગચિત્રણ તરફ વળ્યા. તેમનું નિસર્ગચિત્રણ બિહામણું અને ભેંકાર હતું અને તેમાં વિષાદ અને ઉદ્વેગના ભાવ જોવા મળતા હતા. તે પછી તેઓ ફ્રેંચ ચિત્રકાર રૂઓની અસર નીચે આવ્યા. આથી સ્વાભાવિક રીતે જ પદમસીનાં ચિત્રોમાં એક પ્રકારની ‘કેળવેલી’ આદિમતા (premitivism) અને રુક્ષતા પ્રવેશ્યાં. ચિત્રો નિસર્ગનાં હોય કે માનવનાં, તેમનાં તે પછીનાં ચિત્રોમાં એક પ્રકારની દુ:ખ અને એકલતાની તીવ્ર અનુભૂતિ પ્રકટ થવા લાગે છે. એ ચિત્રો જોતાં એમાંની વિગતો જાણે સદીઓથી બદલાઈ જ ન હોય તેવો ભાવ જાગે છે. આધુનિક ભારતીય કલામાં વ્યથા અને વેદનાનું બળૂકું આલેખન પદમસીએ કર્યું છે. એમની કલા અભિવ્યક્તિવાદી ગણી શકાય. મુંબઈમાં તેમણે 1954, ’59, ’64, ’72, ’74 અને ’75માં; દિલ્હીમાં 1962 અને ’69માં; તથા પૅરિસમાં 1952, ’53, ’57 અને ’65માં; મૉન્ટ્રિયલ(કૅનેડા)માં 1966માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. તેમને ફ્રાંસનો પ્રતિષ્ઠિત ‘પ્રિ દ જર્નલ’ ઍવૉર્ડ 1953માં મળેલો. દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ તથા દિલ્હીની લલિતકલા અકાદમીમાં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે. 1970માં રામમોહનના ટૅક્નિકલ સહયોગમાં તેમણે ‘સિઝિગી’ નામની ફિલ્મ પણ બનાવેલી.
1965માં જે. ડી. રોકફેલર ફેલોશિપ, 1969માં જવાહરલાલ નહેરુ ફેલોશિપ, 1997-98માં કાલિદાસ સન્માન, 2004માં ‘લલિતકલા-રત્ન’ ઍવૉર્ડ, 2010માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા છે. 2010માં લોરેટ બ્રેગાટે તેમના પર જીવનકાર્ય અંગેનું પુસ્તક લખી પ્રકાશિત કર્યું છે.
અમિતાભ મડિયા