પથેર પાંચાલી (1928) (નવલકથા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયની વિશ્વવિખ્યાત નવલકથા. એ ‘વિચિત્રા’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ખરું જોતાં એક જ કથાવસ્તુની નવલકથાત્રયીમાંની આ પ્રથમ નવલકથા છે. એ ત્રણે નવલકથાઓનો સંપુટ ‘અપુત્રયી’ નામે ઓળખાય છે.
‘પથેર પાંચાલી’નું પ્રથમ પ્રકાશન 1928માં થયું. તે પછી તો તેની સંખ્યાબંધ આવૃત્તિઓ છપાઈ. આ નવલકથાનો કિશોરો માટેનો સંક્ષેપ પણ પ્રગટ થયો છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. એનો ભારતની લગભગ બધી મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંસ્થા તરફથી ભારતીય નવલકથા સાહિત્યની પ્રતિનિધિ કૃતિ તરીકે એના અંગ્રેજી તથા ફ્રેન્ચ અનુવાદો પ્રગટ થયા છે.
આ કૃતિ વિભૂતિભૂષણની પોતાના જીવનની ઘટનાઓ પર આધારિત છે. એના નાયકના પિતા હરિહર રાય લેખકના પોતાના પિતાની જ પ્રતિકૃતિ છે. એ મોટેભાગે દિવાસ્વપ્નો જોતા હોય છે અને કલ્પનાસૃદૃષ્ટિમાં વિહરતા હોય છે. એ ધાર્મિક ક્રિયાઓ કરાવનાર પુરોહિત તરીકે અર્થોપાર્જન કરતા હોય છે અને કીર્તન તથા ધાર્મિક કથા દ્વારા જીવનનિર્વાહ કરતા હોય છે. એમની પત્ની સર્વજયા મહામુશ્કેલીથી બે બાળકોનો સંસાર ચલાવે છે. એમના કુટુંબની જ એક વિધવા જે તેમની સાથે રહે છે, તે લેખકના પિતાની ફોઈ મેનકાદેવીની પ્રતિકૃતિ છે. આ નવલકથામાં બે પ્રધાન પાત્રો તે બે બાળકો : દુર્ગા અને એનો ભાઈ અપુ છે. બાલમાનસનું નિરૂપણ કરવામાં લેખકની સર્જનશક્તિ સોળે કળાએ ખીલી છે.
બાલિકા દુર્ગા પંખીની જેમ મુક્તવિહારી છે. સામાજિક પ્રણાલિકાની જરાય પરવા ન કરતાં, જીવનમાં જે કંઈ મળે તેને આંચકી લે છે. જોકે એ સ્વભાવે લોભી અને આત્મકેન્દ્રી લાગે, પણ એના નાના ભાઈ જોડેના સંબંધમાં એ નિ:સ્વાર્થી છે અને પોતાથી જે આપી શકાય તે છૂટે હાથે તેને આપતી હોય છે. આ કૃતિનો નાયક અપુ અત્યંત સંવેદનશીલ છે.
‘પાંચાલી’ એ મધ્યકાલીન વર્ણનાત્મક લોકકથાગીતનો એક પ્રકાર છે; વિશેષત: તે કઠપૂતળીના ખેલની પાર્શ્ર્વભૂમિમાં ગવાતો હોય છે. આથી આ કૃતિના અંગ્રેજી અનુવાદકોએ એનું નામ ‘માર્ગનું સંગીત’ (Song of the Road) રાખેલું છે. એનું ફ્રેન્ચમાં ભાષાંતર ફ્રાન્સ ભટ્ટાચાર્ય નામની ફ્રેન્ચ મહિલાએ કર્યું છે. તે બંગાળીને પરણ્યાં હતાં અને બંગાળી એમની માતૃભાષા હોઈ એેમાં એમનું પ્રાવીણ્ય હતું. તેમણે એ જાણે મૂળ ફ્રેન્ચ કૃતિ હોય એવો અનુવાદ કર્યો છે.
આ કથા ‘રાય’ પરિવારની કથા છે. એ પરિવારના ગામના લોકો જોડેના સંબંધોનું એમાં ચિત્રાત્મક નિરૂપણ છે. આ કૃતિની અનન્યતા એ છે કે એમાં સજીવ પાત્રો જેટલાં ચિત્તાકર્ષક છે, તેટલાં જ નદી, વૃક્ષો, પુષ્પો, પતંગિયાં, ગામડાનાં પ્રાકૃતિક તત્ત્વો પણ જીવંત લાગે છે. ગામડામાં ઋતુપરિવર્તન, ધાર્મિક ઉત્સવો અને કૌટુંબિક સંઘર્ષ, ક્લેશ, નાનામોટા ઝઘડા વગેરેનું પણ ચિત્રણ કુશળતાથી થયું છે. અહીં માર્ગમાંથી જ જીવનસંગીતનું માધુર્ય લેખકે સર્જ્યું છે અને નવલકથાનાં બાળકોને એ પ્રાકૃતિક પરિસ્થિતિનો નશો ચઢે છે. કૃતિમાં ઇન્દિરા ઠાકરુન અને દુર્ગાના મૃત્યુ દ્વારા લેખકે કરુણરસની પ્રભાવકતાથી જમાવટ કરી છે.
એમાં નાયક અપુનો ક્રમિક વિકાસ 34 પ્રકરણોમાં દર્શાવાયો છે. અંતમાં અપુ એની મા સાથે પુન: પોતાના ગામ નિશ્ર્ચિંદીપુરમાં પાછો ફરે છે. તે પૂર્વે એના પિતાનું વારાણસીમાં મૃત્યુ થયું હોય છે. દુર્ગાના મૃત્યુ પછી કુટુંબે નિશ્ર્ચિંદીપુરથી સ્થળાંતર કર્યું હતું.
આ કૃતિ પરથી જાણીતા ફિલ્મનિર્દેશક સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’ ફિલ્મ ઉતારી છે અને એ ફિલ્મને કારણે સત્યજિત રાયે વિશ્વવિખ્યાત ફિલ્મનિર્દેશક તરીકે પ્રસિદ્ધિ અને અનેક બહુમાન પામ્યા હતા.
ચન્દ્રકાન્ત મહેતા