પત્રાત્મક નવલકથા (Epistolary Novel)

February, 1998

પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની મદદથી પણ પત્રાત્મક નવલકથા રચાય છે. ‘ઍપિસ્ટોલરી’ શબ્દ લૅટિન શબ્દ epistole-માંથી બન્યો છે, જેનો અર્થ ‘પત્ર’ થાય છે.

પત્રનું સ્વરૂપ વાર્તાને વધુ વાસ્તવિકતા અને સત્યાભાસની નજીક લઈ જાય છે. જીવનમાં ખરેખર બનતા બનાવોનું તે અનુકરણ કરે છે. અહીં સર્વજ્ઞ લેખકનું સ્થાન જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ રજૂ કરતા પત્રો કે દસ્તાવેજો લે છે.

પત્રાત્મક નવલકથાના ઉદ્ગમ વિશે બે સિદ્ધાંતો પ્રવર્તે છે :  નવલકથામાં આવતો ત્રીજો પુરુષ એકવચન, વચ્ચે વચ્ચે આવતા પત્રોને લીધે ધીમે ધીમે અશ્ય થતો ગયો અને આ રીતે પત્રાત્મક નવલકથાની રીતિ(method)નો જન્મ થયો. બીજા સિદ્ધાંત મુજબ પત્રોનાં મિશ્રણ અને કાવ્યકંડિકાઓને લીધે પત્રાત્મક નવલકથાનો ઉદ્ગમ થયો. થોડેવત્તે અંશે બંને સિદ્ધાંતો સાચા ઠર્યા છે. ‘પ્રિઝન ઑવ્ લવ’ (કૉર્સેલ દ એમોર, 1845) સ્પૅનિશ ભાષામાં લખાયેલ, સૌપ્રથમ પત્રાત્મક નવલકથા છે. તેના લેખક દિયેગો દ સાન પેટ્રો છે. તેમાં સવિસ્તર વૃત્તાન્તમાં પત્રોનો સિંહફાળો રહ્યો હતો. ઍદમી બૉર્સોલ્ટ-રચિત ‘લેટર્સ ઑવ્ રિસ્પેક્ટ, ગ્રૅટિટ્યૂડ ઍન્ડ લવ’(1669)માં બેબેટ નામની છોકરીને લખાયેલા અને અલાયદા ભાગ પાડતા પત્રો છે. તેમાંથી ‘લેટર્સ ટુ બેબેટ’ નામની સ્વતંત્ર નવલકથાની રચના થઈ હતી. ‘લેટર્સ ઑવ્ અ પોર્ટુગીઝ નન’ (1669) પત્રાત્મક નવલકથાના લેખક તરીકે મેરિયાના આલ્ફોફોરેદો અથવા ગેબ્રિયલ જૉસેફ દ લા વર્ગલેનું નામ ગણાય છે. અંગ્રેજી સાહિત્યમાં પત્રાત્મક નવલકથા રચનાર જેમ્સ હોવૅલ(1594-1666)નું નામ જાણીતું છે. તેમણે ‘ફેમિલિયર લેટર્સ’ નામની નવલકથા કેદખાનામાં રચેલી.

જોકે આ ફ્રા બૅનની ‘લવ લેટર્સ બિટ્વીન ઍ નોબલમૅન ઍન્ડ હિઝ સિસ્ટર’ (1684) ત્રણ ભાગ(1684, 85, 87)માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથાનાં લેખિકા આફ્રાએ તદ્દન વિરોધી માણસોના હાથોમાં આવી પડતા તદ્દન બનાવટી પત્રોનું આયોજન કર્યું છે.

18મી સદીમાં પત્રાત્મક નવલકથાએ પોતાનું સત્ત્વ પ્રગટાવ્યું. અંગ્રેજ લેખક સેમ્યુઅલ રિચર્ડસને ખૂબ લોકપ્રિય નવલકથા ‘પમેલા’ (1740) અને ‘ક્લેરિસા’ (1749) લખ્યાં. ફ્રાન્સમાં મૉન્તેસ્ક્યુએ ‘લેતર્સ પર્સોને’ (1721) પ્રગટ કરી હતી. જ્યા જેક્વિસ રુસોએ ‘જુલી ઑ લા નૉવેલ હેલોત્સે’ (1761) અને લેકલૉસે ‘લે લાયેઝન્સ દેન્જરેસીસ’ (1782) પત્રાત્મક નવલકથાઓ પ્રકાશિત કરી હતી. આ નવલકથાઓનું સ્વરૂપ વધુ નાટ્યાત્મક હતું. જર્મનીમાં જોહાન વુલ્ફગૅંગ વૉન ગ્યૂઇથેએ ‘ડાય લીડેન દે જૂન્ઝેન વર્થર’ (1774) (ધ સૉ રોઝ ઑવ્ યંગ વર્થર) અને ફ્રેડરિક હોલ્ડરલિને ‘હાઇપીરિયૉન’ નામની પત્રાત્મક શૈલીની નવલકથા લખી હતી. અમેરિકામાં ફ્રાન્સિસ બ્રૂકે લખેલ ‘ધ હિસ્ટરી ઑવ્ એમિલી મૉન્ટેગ’ (1769) પ્રથમ પત્રાત્મક નવલકથા છે.

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પત્રાત્મક નવલકથાનાં વળતાં પાણી થયાં. પત્રાત્મક નવલકથાની વિરુદ્ધ વ્યંગાત્મક નવલકથાની રચના થતી ગઈ. હેન્રી ફિલ્ડિંગની ‘શમેલા’ (1741) રિચર્ડસનની ‘પમેલા’ નવલકથાની સીધી જ વિડંબના છે.

જોકે સુપ્રસિદ્ધ અંગ્રેજ લેખિકા જેન ઑસ્ટિન ‘લેડી સુસાન’ નવલકથામાં પત્રોનો ઉપયોગ કરે છે. તેમણે ‘પ્રાઇડ અને પ્રેજ્યુડિસ’ નવલકથામાં પત્રોનો સારો એવો ઉપયોગ કર્યો છે.

19મી સદીમાં બાલ્ઝાકે ‘લેટર્સ ઑવ્ ટુ બ્રાઇડ્ઝ’માં 17 વર્ષ જેટલા લાંબા સમય સુધી બે બહેનપણીઓના એકમેકને લખાયેલા પત્રો દ્વારા નવલકથા લખી છે. કવિ શેલીનાં પત્ની મેરી શેલીએ ‘ફ્રાન્કેનસ્ટીન’(1818)માં પત્રોનો ઉપયોગ કર્યો છે.

પત્રાત્મક નવલકથાને આધુનિક વિવેચકો ત્રણ વિભાગમાં વહેંચે છે : (1) સ્વગતોક્તિમાં માત્ર એક જ પાત્ર પત્રો લખે છે; દા. ત., ‘લેટર્સ ઑવ્ અ પોર્ટુગીઝ નન’; (2) સંવાદશૈલીમાં બે પાત્રો પત્રો લખે છે. દા. ત., ‘માદામ મેરી જીન રિક્કોબોનીઝ લેટર્સ ઑવ્ ફેન્ની બતલેર્દ’ (1757); (3) ત્રણ અથવા તેથી વધુ પાત્રો દ્વારા પત્રોમાં રચાયેલ નવલકથા, દા. ત., ‘ક્લેરિસા’ અથવા ‘ડેન્જરસ લાયેઝન્સ’માં ત્રણથી વધુ નાયિકાઓ અને ખલનાયકો નાટ્યાત્મક સંઘર્ષ રજૂ કરતા પત્રોની આપ-લે કરે છે.

આધુનિક સાહિત્યમાં પત્રાત્મક નવલકથાઓની રચના થતી રહે છે.

કેથ્રિન ટેલરની ‘એડ્રેસ અનનોન’ (1938) નાઝીવાદની વિરુદ્ધમાં લખાયેલ પત્રાત્મક નવલકથા છે. આમાં લખાયેલો છેલ્લો પત્ર કથાનો નાયક ગુમ થઈ ગયેલ છે તેથી પરત થયો છે. ‘ધ સ્ક્રૂ ટેપ લેટર્સ’ (1942) અને ‘લેટર્સ ટુ માલ્કમ ચીફલી ઑન પ્રેયર’ (1964) બંને નવલકથાઓ પત્રાત્મક પ્રકારની છે. જોકે પ્રથમ નવલકથા કોઈ દેવદૂતની દૃષ્ટિએ લખાઈ છે, જ્યારે બીજી નવલકથા માલ્કમને ઉદ્દેશીને રચાઈ છે અને તેમાં મુખ્યત્વે ધર્મને લગતા સવાલોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. ‘સમ ઑવ્ યૉર બ્લડ’ (1961) નવલકથામાં પત્રો ઉપરાંત કોઈ ખાસ ખટલાની પોલીસ દ્વારા તપાસ માટે થયેલી નોંધની વિગતો છે. તેમાં સૂતેલાંઓનું લોહી ચૂસી લેનાર વ્યક્તિનું માનસશાસ્ત્રીય વિશ્લેષણ છે. એલિસ વૉકરે પત્રાત્મક શૈલીનો ઉપયોગ ‘ધ કલર પર્પલ’(1982)માં કર્યો છે. 1985માં આ નવલકથા પરથી ચલચિત્ર થયું તેમાં આમાંના કેટલાક પત્રોને એકોક્તિ (monologue) તરીકે રજૂ કરવામાં આવ્યા છે. એવીએ આ જ શૈલીનો ઉપયોગ તેમની ‘નથિંગ બટ ધ ટ્રૂથ’(1991)ના વસ્તુ (plot) માટે દસ્તાવેજો, પત્રો અને ચિત્રપટ માટેનાં લખાણો વાપરીને કર્યો છે. સ્ટીફન ચૉસ્કીએ ‘ધ પર્ક્સ ઑવ્ બીઇન્ગ અ વૉલ ફ્લાવર’ (1999) નામની પત્રાત્મક નવલકથા લખી છે. રિચર્ડ બી. રાઇટે ‘ક્લેરા કૉલાન’(2001)માં પત્રો અને સામયિકમાંથી લીધેલી નોંધને આધારે આધેડ વયની સ્ત્રી ઉપર નવલકથા લખી છે. ‘ધ બૉય નેક્સ્ટ ડૉર’ (2002) મેગ કેબોટે લખેલી પ્રેમકથા સંપૂર્ણપણે ઈ-મેઇલના સંદેશાઓને આધારે લખાઈ છે. ‘ધી અનઑથૉરાઇઝ્ડ ઑટૉબાયૉગ્રાફી’(2002)ના લેખકો લેમોની સ્નિકેટ અને ડેનિયલ હેન્ડલર છે. અહીં નવલકથાના વસ્તુ માટે પત્રો, દસ્તાવેજો અને અન્ય હસ્તલિખિત નોંધોનો ઉપયોગ થયો છે. જીન વુલ્ફની નવલકથાઓ રોજનીશી, પત્રો અને સાંભરણોમાંથી પ્રગટે છે. ‘વી નીડ ટુ ટૉક એબાઉટ કેવિન’ (2003) સ્વગતોક્તિમાં લખાયેલી પત્રાત્મક નવલકથા છે. જેમાં લેખિકા પોતાના પતિ ફ્રાન્કલિનને સંખ્યાબંધ પત્રો લખે છે. રૉસ ઑ’ કેરોલ-કેલી પોતાની નવલકથાઓમાં પૂર્વાપર સંબંધ વગરના સંખ્યાબંધ હાસ્યપ્રધાન સંદેશાઓ લાવે છે. પ્રકરણોની વચ્ચે આ બધા સેતુરૂપ બને છે. નિક બેન્ટોકે લખેલ ‘ગ્રિફિન અને સેબાઇન’ પ્રેમકથા હસ્તલિખિત પોસ્ટકાર્ડ અને પત્રોમાં રચાઈ છે. ‘ધ કન્ફેશન્સ ઑવ્ મૅક્સ ટિવોલી’ (2004) એન્ડ્રૂ સીન ગ્રીઅરની પત્રાત્મક નવલકથા છે. મૅક્સ બ્રૂક્સે લીધેલી મુલાકાતો(‘ઇન્ટરવ્યૂઝ’)માંથી ‘વર્લ્ડ વૉર ઝેડ : ઍન ઑરલ હિસ્ટરી ઑવ્ ધ ઝોમ્બી વૉર’ (2006) પણ આ પ્રકારની નવલકથા છે. પત્રાત્મક નવલકથામાં પત્રોની અંદર પત્રો (letters within letters) છે. તે રશિયન ઢીંગલી જેવું કાર્ય કરે છે. જોકે કયું પાત્ર ખરેખર કોની સાથે બોલે છે તે વિશે ભાવકના મનમાં ગૂંચવાડો પેદા કરે છે.

વિ. પ્ર. ત્રિવેદી