પતિયાલા ઘરાના : પતિયાલા રિયાસતના દરબારમાં ઉદ્ગમ પામેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશિષ્ટ શૈલી માટે આગવું સ્થાન ધરાવતું ઘરાનું. ફતેહઅલી તથા અલીબક્ષ આ ઘરાનાના પ્રણેતા ગણાય છે. આ બેઉનાં નામ ઉપરથી આ ઘરાનું ‘આલિયા-ફત્તુ’ને નામે પણ ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે તેમના પિતા બડેમિયાં કાલુખાંએ આ ઘરાનાનો પાયો નાંખ્યો હતો. છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના દરબારી ગાયક, દિલ્હી ઘરાનાના શિરતાજ તાનરસખાં તથા જયપુરનાં ગોરખાબાઈ પાસેથી એમણે તાલીમ મેળવી હતી. એમની તાનો એટલી બધી સફાઈદાર, ઝડપીલી તથા ગાવામાં કઠિન હતી કે ટોંકના નવાબ એમને ‘જનરલ’ તથા ‘કર્નલ’ના ઉપનામથી સંબોધતા હતા. ટોંકમાં ઘણાં વર્ષ રહ્યા બાદ તેઓ પતિયાલા નરેશના દરબારી ગાયક બન્યા હતા, જેને કારણે ત્યારપછી સંગીતનું આ ઘરાનું પતિયાલા ઘરાનું કહેવાયું.

આ ઘરાનાના બીજા પ્રખર ગાયકો મિયાં જાનખાં, આશિક અલીખાં, કાલેખાં, બડે ગુલામ અલીખાં તથા બરકતઅલી હતા. બડે ગુલામ અલીનો કંઠ ખૂબ જ સુરીલો હતો અને તેમની તાનો ઘણી જ સફાઈદાર હતી. પંજાબી અંગની ઠૂમરી તથા દાદરાની શૈલીના પણ તેઓ નિષ્ણાત હતા. એમણે ગાયેલા પહાડી રાગનું ભજન ‘હરિ ઓમ્ તત્સત્’ તથા મિશ્ર ભૈરવી રાગમાં ગાયેલી ઠૂમરી ‘કા કરું સજની આયે ન બાલમ’ – એ બે રચનાઓ તેમની ગાયકીની સફાઈદાર રજૂઆતને કારણે ભારતભરમાં પ્રસિદ્ધિ પામી હતી. એમણે ‘સબરંગ’ના ઉપનામથી કેટલીક સુંદર બંદિશો પણ રચી છે. એમના ભાઈ બરકતઅલી પણ ઠૂમરી-શૈલીના સિદ્ધકંઠ કલાકાર હતા. આ બેઉ ભાઈઓએ ગાયેલી પંજાબી અંગની ઠૂમરીઓ સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ હતી અને હાલના ઘણા કલાકારોએ તેમાંના કેટલાક અંશો ગ્રહણ કરીને પોતાના સંગીતને સમૃદ્ધ બનાવ્યું છે. બડે ગુલામ અલીખાંસાહેબના અવસાન (1968) પછી તેમના પુત્ર મુનવ્વર અલીખાંએ તેમના અવસાન સુધી પતિયાલા ઘરાનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પતિયાલા ઘરાનાની વિશિષ્ટતાઓમાં સુંદર બંદિશ, ઝડપીલી છતાં ખૂબ જ સફાઈદાર તાનો અને મોહક પંજાબી અંગનાં ઠૂમરી તથા દાદરા ગણાય છે.

બટુક દીવાનજી