પતઝડ કી આવાઝ (1965) : ઉર્દૂ લેખિકા કુર્રતુલઐન હૈદર (જ. 1928)ની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાં કુલ આઠ વાર્તાઓ છે જે પૈકીની ‘હાઉસિંગ સોસાયટી’ને લેખિકાએ લઘુનવલ (novelette) તરીકે ઓળખાવી છે. આ વાર્તાઓની ઘટનાસૃદૃષ્ટિનાં સ્થળો અનેકવિધ છે. એમાં અલ્લાહાબાદ, લખનૌ, કાનપુર, દિલ્હી, મુંબઈ, લાહોર, કરાંચી તથા ભારત-પાકિસ્તાનનાં બીજાં કેટલાંક શહેરો અને પરદેશનાં લંડન આદિ છે. એમાં ભારતના ભાગલા પછીનો સમયગાળો આવરી લેવાયો છે. આ વાર્તાઓમાં ઘટનાવૈવિધ્ય પણ ઉલ્લેખનીય છે.

પોતાની મૂળ ધરતીથી ઊખડીને ફંગોળાઈ ચૂકેલા અને અનેક ઝંઝાવાતોમાં અટવાતાં માનવોની વેદનાની આ વાર્તાઓ છે. તેમાં નકરી વાસ્તવિકતા તથા તાદૃશતા છે. આ ત્રસ્ત માનવસમૂહ પૈકી કેટલાક માનવો હિંમતપૂર્વક ઝૂઝીને પોતાની અસ્મિતા ટકાવી રાખવાની લડત આપે છે; બીજા કેટલાક મૂળ સમેત ઊખડી ચૂકેલા છોડવાની માફક કરમાઈ જાય છે અથવા પોતાના નસીબની શરણાગતિ સ્વીકારી લે છે; કેટલાક ઘોર નિરાશામાં પણ આશાનું કિરણ ઝંખ્યા કરે છે; બીજાં કેટલાંક પોતાનો વંશવેલો વધારવા પૂરતું જ જીવ્યા કરે છે. દરેક વાર્તાનો સૂર વિચારપ્રેરક અને ગાંભીર્યપૂર્ણ છે; પણ એ કોઈમાં ધાર્મિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક ડોળ કે દેખાવ નથી. એ તમામમાં નારી-હૃદયની તીવ્ર સંવેદનશીલતાની સાચુકલી અને નિર્દંભ અભિવ્યક્તિ છે. એમાં માનવતાની ઉષ્માભરી લાગણીશીલતાનો ધબકાર છે. એટલે જ આ વાર્તાસૃદૃષ્ટિનાં પાત્રો સુરેખ અને જીવંત બન્યાં છે.

ઉર્દૂ કથાસાહિત્યમાં આ વાર્તાસંગ્રહ સીમાચિહ્નરૂપ લેખાય છે. ઉર્દૂ ભાષાના જ નહિ, ભારતની અન્ય ભાષાઓનાં સાહિત્યમાં પણ નોંધપાત્ર લેખિકા તરીકે કુર્રતુલઐનની ગણના થાય છે. આ કૃતિને સાહિત્ય એકૅડેમીનો 1967ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી