પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના) તેમજ આર્યપરંપરા-વિરોધી હોવાથી ‘દસ્યુ’ કહેતા હતા.
ઋગ્વેદમાં તેમનો બધાં જ મંડળોમાં લગભગ 25 વખત નિર્દેશ થયો છે. આ ઉપરાંત અથર્વવેદ, યજુર્વેદની વાજસનેયી સંહિતામાં પણ તેમનો ઉલ્લેખ છે. ઋગ્વેદના ‘સરમા-પણિ સૂક્ત’ (ऋग् 10. 108)માં એક નાની આખ્યાયિકામાં પણિના સ્વભાવ અને વ્યવહારનું સવિસ્તર વર્ણન છે. દેવોની ખોવાયેલી ગાયો પણિઓ લઈ ગયા છે અને તેમને ગુફામાં સંતાડી દીધી છે. દેવશૂની સરમાને તે ગાયોની શોધમાં મોકલવામાં આવે છે. સરમા તે સ્થાન પામી જાય છે, પણ પણિઓ તેને અનેક લાલચો આપીને છેતરવાની કોશિશ કરે છે; પણ સરમા તેમને નિર્ભય બનીને સમજાવે છે તથા દેવના સ્વામી ઇન્દ્રના કોપનો ડર બતાવે છે. આ પણિઓ ઇન્દ્રની મહત્તાને સ્વીકારતા નથી; કારણ કે તેમને તો સંપત્તિ એકત્રિત કરવામાં રસ હોય છે. તેઓ આ પ્રકારનું નિંદ્ય કામ કરી શકે તે સ્વાભાવિક છે. ઋગ્વેદના એક ઋષિ પણિઓના ધનલોભ અને નિષ્ઠુરતાભરી સ્વાર્થપરાયણતા દૂર કરવા પૂષન્ દેવતાને પ્રાર્થના કરે છે કે તેમનાં મન શુદ્ધ કરો તથા અંતર નિર્મળ બનાવો.
યાસ્કમુનિ તેમના નિરુક્તમાં पणिर्वणिग् भवति । (2.17), પણિ એટલે વણિક, વ્યાજ ખાનારા અને વેપારીવૃત્તિના માણસો, તેમને बेकनार्- નિત્યપ્રવાસી કહે છે. આ શબ્દ ભારતીય ભાષાનો નથી. બૅબિલોનની મૂળ પ્રજાના સંદર્ભમાં વપરાય છે. હિલેબ્રાન્ડ પણિને મધ્ય એશિયાની બ્રુનહૉર (Brunnhofer) જાતિ સાથે સાંકળે છે. ગ્રીક ઇતિહાસકાર હીરોડટસ (ઈ. સ. પૂ. 1000) પણિને મૂળ ઇરિથ્રિયન સમુદ્રના નિવાસી વહાણવટીઓ કહે છે. આ સમુદ્ર તે અરબી મહાસાગર. ભારતમાંથી નિકાસ થતાં અને બૅબિલોનમાં આયાત કરવામાં આવતાં સુખડનાં લાકડાં, ચીડનાં કાષ્ઠ, મયૂર પક્ષીઓનાં તમિળ નામ સાથે હિબ્રૂ ભાષાનાં નામ ઉચ્ચાર અને વર્ણસામ્ય ધરાવે છે. પણિઓ આ ધંધો કરનારા હતા. સપ્તસિંધુના પ્રદેશમાંથી દૂર કરવામાં આવેલા આ પણિઓ આનર્ત (ગુજરાત) થઈને દરિયામાર્ગે મલબારના પ્રદેશમાં વિચરી ગયા હતા. એમ માનવામાં આવે છે કે ભૂમધ્ય પ્રદેશના એશિયા માઇનોરની પ્રાચીન પ્રજા ‘ફોનેશિયન’ જાતિ સાથે તેમનો સંબંધ હતો, કારણ કે બંને પ્રજાની વેપારની ખાસિયત અને સૂઝ સમાન છે. ઈરાની સંદર્ભ પ્રમાણે તેઓ ‘હરકયતી’ નદી(સરસ્વતી નદી)ના કાંઠે રહેનારા હતા. રાજા દિવોદાસ સામેના સંઘર્ષમાં પારાવત અને ભ્રુશ્ય સાથે સંઘ રચીને યુદ્ધ લડ્યા અને પરાજય પછી તેઓ આર્યોની સામે ટકી શક્યા નહિ એટલે ભારતમાંથી નષ્ટપ્રાય થઈ ગયા.
વિનોદ મહેતા