પડધરી : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. તે ડોંડી નદીના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે. પર રાજકોટથી વાયવ્યમાં 25.6 કિમી. દૂર, રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક પણ છે. આ તાલુકામાં 200 કિમી. લંબાઈના રસ્તા છે. આ તાલુકાની પૂર્વ તરફ રાજકોટ તાલુકો, પશ્ચિમ તરફ ધ્રોળ, ઉત્તર તરફ મોરબી અને દક્ષિણ તરફ ગોંડલ તથા લોધિકા તાલુકાઓ આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 645 ચોકિમી. જેટલું છે. તાલુકામાં પડધરી નગર અને 62 જેટલાં ગામો આવેલાં છે.
સૌરાષ્ટ્રમાં આવેલો આ પ્રદેશ દરિયાથી દૂર હોઈ તેની આબોહવા વિષમ રહે છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. મે માસનું ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44.6° સે. અને 23.4° સે. તથા જાન્યુઆરીનું ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 33.6° સે. અને 9.04° સે. જેટલું રહે છે. મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર દરમિયાન 453થી 463 મિમી. જેટલો વરસાદ પડે છે. ચોમાસાના આ ગાળા સિવાય આબોહવા સૂકી રહે છે. વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી અહીં છૂટાંછવાયાં બાવળ, ગોરડ જેવાં કાંટાળાં વૃક્ષો જોવા મળે છે.
તાલુકાની ભૂમિ મુખ્યત્વે સપાટ અને જમીન મધ્યમ કાળી છે. ખેતીલાયક સમગ્ર જમીન પૈકી આશરે 30% જમીનમાં ઘઉં, બાજરી, જુવાર અને કઠોળ જેવા ખાદ્ય પાકોનું અને આશરે 70% જમીનમાં મગફળી, તલ અને કપાસ જેવા રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. મોટા ભાગની ખેતી કૂવાઓ દ્વારા સિંચાઈથી થાય છે.
આ તાલુકામાં પડધરી ખાતે તેલ-મિલ, આટા-મિલ, તથા ખેતીનાં ઓજારો, ડીઝલ એંજિન, પંપ વગેરેનું સમારકામ કરતી દુકાનો આવેલી છે. અહીંની ઔદ્યોગિક વસાહતમાં વિવિધ પ્રકારનાં સાત કારખાનાં આવેલાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ પ્રદેશ ઓછા વરસાદવાળો હોવાથી ગાય-ભેંસ-બળદ અને ઘેટાં-બકરાંનું પ્રમાણ વધુ છે. ઘેટાંના ઉછેરમાંથી ઊન મેળવાય છે, જ્યારે ગાય-ભેંસના ઉછેરમાંથી દૂધનું ઉત્પાદન મેળવી રાજકોટ ખાતેની ડેરીમાં પહોંચાડવામાં આવે છે.
પડધરી ખાતે અનાજ, તેલ અને તેલીબિયાંનો વેપાર ચાલે છે. અહીં વેપારની સગવડ માટે વાણિજ્ય-બૅંકોની તથા ત્રણ સહકારી બકોની શાખાઓ ખોલવામાં આવેલી છે. 2011માં તાલુકાની વસ્તી 10,547 જેટલી અને પડધરીની વસ્તી 8,200 જેટલી હતી.
શિવપ્રસાદ રાજગોર