પડદાવેલ (curtain creeper) : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ છે Vernonia elaegnifolia. D. C.

આ વેલ સારી એવી ઝડપથી વધે છે. એની મુખ્ય ડાળીઓ જમીનને સમાંતર આડી લંબાવવામાં આવે તો એમાંથી પડદાની ઝાલરની માફક નાની નાની અસંખ્ય ડાળીઓ લટકે છે. એને સમયાંતરે કાપતા રહેતાં ગીચ પડદા જેવું થઈ જાય છે. તેથી તેને પડદાવેલ કહે છે. તેનાં  પર્ણો લંબચોરસ, રેખીય લંબચોરસ કે ઉપવલયી ભાલાકાર હોય છે. પુષ્પનિર્માણ વસંત ઋતુમાં થાય છે. મુંડક (head) 3-5 નાનાં ઝાંખા સફેદ રંગનાં પુષ્પો ધરાવે છે અને તે સાંકડા, અગ્રસ્થ, ટૂંકા, શિથિલ લઘુપુષ્પગુચ્છ (fanical) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું, ચપટું અને 5-8 ખાંચવાળું હોય છે. આ વેલનું પ્રસર્જન કટકારોપણથી થાય છે.

દીવાલ ઢાંકવા માટે, કોઈ જગ્યાએ આડશ કરવા માટે અથવા છજામાંથી કે વરંડામાં તોરણની માફક લટકાવવા માટે આ વેલ સારી ઉપયોગમાં આવે છે. એને કોઈ ખાસ વિશેષ માવજતની જરૂર નથી.

તેનાં હવાઈ અંગો ગ્લોકોલાઇડ A અને B, લ્યુપીઑલ, ટેરેક્સેસ્ટૅરૉલ અને તેમના ઍસિટેટ, સિટોસ્ટેરૉલ અને સ્ટિગ્મોસ્ટેરૉલ ધરાવે છે. ગ્લોકોલાઇડો દ્વિતીયક ચયાપચયકો (metabolites) છે અને વર્નોનિયા પ્રજાતિનાં રસાયણ-વર્ગીકરણવિદ્યાકીય (chemotaxonomic) ચિહ્નક (marker) હોવાનું મનાય છે.

Vernonia anthelmintia Willd. (કાળી જીરી) એ આ વેલની સાથે નજીકનો સંબંધ ધરાવતી જાતિ છે.

મ. ઝ. શાહ