પડતર-પદ્ધતિઓ (costing methods)
February, 1998
પડતર-પદ્ધતિઓ (costing methods) : વસ્તુના ઉત્પાદન અથવા સેવાના પુરવઠા માટે થયેલા કુલ ખર્ચને વસ્તુ અથવા સેવાના કુલ એકમો વડે ભાગીને એકમદીઠ પડતર કાઢવાની પદ્ધતિ. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠન ઉત્પાદન અથવા સેવાની પડતર વસૂલ કરવા માટે પોતાની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા લક્ષમાં રાખીને પોતાની આગવી પડતર-પદ્ધતિ અપનાવે છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે :
(1) કાર્ય પડતર–પદ્ધતિ : ગ્રાહકની વ્યક્તિગત જરૂરિયાત મુજબના કાર્ય(job)નો સ્વીકાર કરનારાં ઔદ્યોગિક સંગઠનો આ પદ્ધતિ અપનાવે છે. ઉદાહરણ તરીકે, મોટર-ગૅરેજ, મુદ્રણાલય વગેરેમાં કોઈ એક નિશ્ચિત કાર્ય કરવા અંગે પ્રત્યક્ષ માલસામગ્રી અને મજૂરી પાછળ થતા અને અન્ય ખર્ચા તે કાર્ય ખાતે સીધા ઉધારવામાં આવે છે અને શિરોપરી ખર્ચા (overhead expenses) નિશ્ચિત ધોરણે ફાળવવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ થયેલા દરેક કાર્યનો નફો અથવા નુકસાન નક્કી કરવાનો અને અપૂર્ણ કાર્યનું મૂલ્યાંકન કરવાનો હોય છે.
(2) જથ્થા અથવા જૂથ પડતર–પદ્ધતિ : માલનું જથ્થા અથવા જૂથ(batch)માં ઉત્પાદન કરનારાં ઔદ્યોગિક સંગઠનો આ પદ્ધતિ અપનાવે છે. આ પદ્ધતિ મુજબ દરેક જથ્થા અથવા જૂથને એક અલગ ‘જૉબ’ ગણીને તેની પડતર કાઢવામાં આવે છે. ત્યારપછી જથ્થા અથવા જૂથની કુલ પડતરને ઉત્પન્ન કરેલા ક્ષતિરહિત એકમોની સંખ્યા વડે ભાગીને એક એકમની પડતર નક્કી કરવામાં આવે છે.
(3) કરાર પડતર–પદ્ધતિ : કોઈ નિશ્ચિત સ્થળ ઉપર લાંબા ગાળાનું, નમૂના પ્રમાણેનું અને ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાત મુજબનું કાર્ય ઇજારો (contract) લઈને માથે લેનાર સંગઠન આ પદ્ધતિ અપનાવે છે. ‘જૉબ’ એક ઠેકાનો નાનો ભાગ બની રહે છે અને ઠેકો જ એક મોટો જૉબ હોય છે. આમ કરાર પડતર- પદ્ધતિ સિદ્ધાંતમાં જૉબ પડતર-પદ્ધતિ સમાન છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મકાનો અને પુલો બાંધવામાં તથા વહાણ અને મોટાં યંત્રો બનાવવામાં થાય છે.
(4) પ્રક્રિયા અને ઉપપ્રક્રિયા પડતર–પદ્ધતિ : એકસરખું ઉત્પાદન સતત અને વધુ જથ્થામાં કરનારાં અને તેમાં થતી પ્રક્રિયા(process)નું પ્રમાણીકરણ શક્ય હોય તેવાં કારખાનાં આ પદ્ધતિ અપનાવે છે; દા. ત., તેલ-શુદ્ધીકરણ-ઉદ્યોગ, રંગ-ઉદ્યોગ અને રસાયણ-ઉદ્યોગ. આ પદ્ધતિ અનુસાર મોટાભાગના ખર્ચા જે તે પ્રક્રિયા માટેના પ્રત્યક્ષ ખર્ચા ગણાય છે. કોઈ એક પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ સંકળાયેલા ન હોય પરંતુ સમગ્ર કારખાનાના વહીવટ માટે કરવામાં આવેલા ખર્ચાને શિરોપરી ખર્ચા ગણીને જુદી જુદી પ્રક્રિયાઓ ઉપર ધોરણસર ફાળવવામાં આવે છે. આવી પ્રક્રિયાઓનું ઉપપ્રક્રિયા(sub-process)માં વિભાજન શક્ય હોય તો ઔદ્યોગિક સંગઠન ઉપર્યુક્ત પદ્ધતિને અનુરૂપ ઉપપ્રક્રિયા પડતર-પદ્ધતિ પણ અપનાવે છે.
(5) સેવા પડતર–પદ્ધતિ : કેટલાક ધંધાઓમાં માલનું ઉત્પાદન કરવામાં આવતું નથી. પરંતુ સેવાઓ અને સગવડો પૂરી પાડવામાં આવે છે. તેમાં જમીનમાર્ગ, રેલમાર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગ દ્વારા પરિવહન જેવી સેવાઓ; વીજળી, ગૅસ અને પાણીના પુરવઠા જેવી સેવાઓ અને તબીબી તેમજ શિક્ષણ જેવી કલ્યાણકારી સેવાઓનો સમાવેશ થાય છે. આવા ઉદ્યોગોમાં પડતર-એકમ તરીકે સામાન્ય રીતે બે પરિબળો ભેગાં કરીને સંયુક્ત એકમ નક્કી કરવામાં આવે છે; ઉદાહરણ તરીકે, પરિવહનસેવામાં પૅસેન્જર/કિલોમીટર એટલે કે એક પૅસેન્જરને એક કિમી.ની મુસાફરી કરાવવાની સેવા, ટન/કિમી. એટલે કે એક ટન માલને એક કિમી. વહન કરવાની સેવા, વીજળી-પુરવઠા સેવામાં કિલોવૉટ/કલાક એટલે કે એક હજાર વૉટ વીજળી એક કલાક માટે આપવાની સેવા અને તબીબી સેવામાં પથારી/દિવસ એટલે કે એક દર્દીને એક દિવસ માટે દવાખાનામાં રાખીને આપેલી તબીબી સેવા – એ પ્રકારના પડતર-એકમો હોય છે. સેવા-ઉદ્યોગમાં ગ્રાહકોને એકસમાન સેવા પૂરી પાડવામાં આવે છે. મૂળભૂત માલસામગ્રીમાંથી આખરી સ્વરૂપ નિપજાવવા માટે સેવાપ્રક્રિયાના ઘણા તબક્કામાંથી પસાર થવાનું બને છે. મોટા ઇજારાશાહી એકમો અને જાહેર ઉપયોગી સંસ્થાઓ મોટા પ્લાન્ટ સ્થાપીને સેવા પૂરી પાડે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચા વચ્ચે તફાવત કરવાની જરૂર પડતી નથી અને વર્ષ દરમિયાન થયેલા કુલ ખર્ચાઓને સેવાના કુલ ઉત્પાદિત એકમોની સંખ્યા વડે ભાગીને પ્રત્યેક એકમની પડતર નક્કી કરવામાં આવે છે.
(6) સીમાન્ત પડતર–પદ્ધતિ (marginal costing) : સીમાન્ત પડતર-પદ્ધતિ એ ‘જૉબ’ પડતર-પદ્ધતિ, પ્રક્રિયા પડતર-પદ્ધતિ કે સેવા પડતર-પદ્ધતિ જેવી વિવિધ પદ્ધતિઓમાંની એક નથી, પરંતુ તૈયાર માલ અથવા સેવામાં સીમા (margin) ઉપર આવેલા ઉત્પાદિત એકમની પડતર શોધવાની પદ્ધતિ છે. જો વધારાના એક એકમનું ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચામાં થતો વધારો અથવા એક ઓછા એકમનું ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચામાં થતો ઘટાડો તે સીમાન્ત એકમની સીમાન્ત પડતર કહેવાય છે. ઉત્પાદનના કુલ એકમોમાં ફેરફાર કરવામાં આવે તો કેટલાક ખર્ચામાં થોડા પ્રમાણમાં ફેરફાર થાય છે તેને ચલિત ખર્ચ અને બાકીના જે ખર્ચામાં કોઈ ફેરફાર થતો નથી તેને સ્થાયી ખર્ચ કહેવાય છે. આમ ચલિત અને સ્થાયી ખર્ચને અલગ પાડીને ઉત્પાદનના જથ્થા કે પ્રકારમાં ફેરફાર કરવાથી તેની નફા ઉપર પડતી અસર નક્કી કરવાની પદ્ધતિ સીમાન્ત પડતર-પદ્ધતિ કહેવાય છે.
(7) પ્રમાણ પડતર–પદ્ધતિ (standard costing) : ઉત્પાદન-ખર્ચનાં પ્રમાણો નક્કી કરીને પડતરને અંકુશમાં રાખવાની પદ્ધતિ પ્રમાણ પડતર-પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં (ક) પ્રમાણ-પડતર, (ખ) ખરેખર પડતર અને (ગ) બંને વચ્ચનો તફાવત એટલે કે વિચલનો (variations) શોધવામાં આવે છે. ત્યારપછી તેમનાં કારણોનું વિશ્લેષણ કરીને તથા વિચલનનું મૂળ શોધીને સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આ પદ્ધતિ માટે નક્કી કરેલાં પ્રમાણો ઘણાં આકરાં અથવા ઘણાં શિથિલ હોવાં જોઈએ નહિ, કારણ કે આકરાં પ્રમાણો ઉત્પાદનમાં અવરોધ કરે છે અને શિથિલ પ્રમાણો ઉત્પાદનની ગુણવત્તામાં આભાસી સુધારો થયેલો દર્શાવે છે.
(8) સમાન પડતર–પદ્ધતિ (uniform costing) : એક જ ઉદ્યોગના બે કે વધુ એકમો તેમની પડતર નક્કી કરવામાં જુદી જુદી પડતર-પદ્ધતિઓ અપનાવે તો તેમની પડતરના આંકડાની સરખામણીમાં ગૂંચવાડો ઊભો થાય છે, તેથી તેનું નિવારણ કરવા એક ઉદ્યોગના જુદા જુદા એકમો તેમના ઉત્પાદનના પડતરની ગણતરી અને રજૂઆત માટે એકસમાન મૂળભૂત સિદ્ધાંતો અપનાવે તો તેમનાં પરિણામો અને પડતરની વિશ્વસનીય સરખામણી કરી શકાય છે. પડતર નક્કી કરવાની આ પદ્ધતિને સમાન પડતર-પદ્ધતિ કહેવાય છે. સમાન પડતર-પદ્ધતિ આખા ઉદ્યોગ માટે લાભદાયક હોવાથી ઉદ્યોગપતિઓનું મંડળ દરેક સભ્યના અનુસરણ માટે એક પડતર-માર્ગદર્શિકા તૈયાર કરે છે. જોકે કેટલાક સભ્યો તેનો સંપૂર્ણ સ્વીકાર કરવાને બદલે તેનાં મહત્ત્વનાં લક્ષણોનો પોતાની પડતર-પદ્ધતિઓમાં સમાવેશ કરે છે.
પડતર-પદ્ધતિ સંચાલકોને અનેક પ્રકારે ઉપયોગી છે. તેની મદદથી ઉત્પાદન અથવા સેવાનાં એકમ, ક્રિયા, પ્રક્રિયા અને વિભાગની પડતર નક્કી કરી શકાય છે. ખર્ચાઓનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી અંકુશ કે નિયમન માટે જરૂરી માહિતી એકત્રિત કરી શકાય છે. ભવિષ્યના અંદાજો નક્કી કરવા, ભાવપત્રો ભરવા, વેચાણકિંમત અંગેની નીતિ ઘડવા, લાંબા ગાળાનું આયોજન કરવા અને ઉત્પાદનનાં સાધનોનો બગાડ રોકવા માટે માર્ગદર્શન મળે છે અને તેથી ધંધામાં વપરાતાં યંત્રોની ઉત્પાદનક્ષમતાની નવાં શોધાયેલાં યંત્રોની ઉત્પાદનક્ષમતા સાથે સરખામણી કરીને ઉપયોગમાં હોય તે યંત્રો બદલવાં કે કેમ તે અંગે નિર્ણય પણ લઈ શકાય છે.
સિદ્ધાર્થ દાસ
જયન્તિલાલ પો. જાની