પડતર-નિયમન (cost-control)
February, 1998
પડતર–નિયમન (cost-control) : ધંધાકીય એકમનું સુચારુ સંચાલન કરવા માટે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ઉત્પાદનના પડતર-ખર્ચનું નિયમન. સામાન્ય સંજોગોમાં ધંધાકીય એકમનો મૂળભૂત હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. નફાની ગણતરીમાં ઉત્પાદનની પડતર કિંમત અગત્યનો ભાગ ભજવે છે. તેથી ધંધાકીય એકમના દરેક વિભાગનું સંકલન કરીને તથા પદ્ધતિસરનાં અસરકારક પગલાં લઈને પડતર-ખર્ચ નિયંત્રિત કરવું અત્યંત જરૂરી હોય છે. પડતર-નિયમનનું લક્ષ્ય ધંધાના વાસ્તવિક પરિણામને અગાઉથી નિશ્ચિત કરેલી લક્ષ્યરેખાની લગોલગ લઈ જવાનું અને તેમાં વિચલન થાય તો સુધારાત્મક પગલાં લેવાનું હોય છે. ધંધાના જે વિભાગનું વાસ્તવિક પરિણામ અપેક્ષિત પરિણામની સરખામણીમાં ઊણું ઊતર્યું હોય તે વિભાગના વહીવટી અધિકારીની ફરજ વિચલનનાં કારણો શોધીને વેળાસર સુધારાત્મક પગલાં લેવાની હોય છે.
પડતર-નિયમન માટે વિવિધ પ્રવિધિઓ (techniques) હોય છે. તેમાં માલસામગ્રી-નિયમન (inventory-control), ગુણવત્તા-નિયમન (quality-control), અંદાજપત્રીય નિયમન (budgetary control) અને પ્રમાણ-પડતર-પદ્ધતિ(standard costing)નો સમાવેશ થાય છે. ઔદ્યોગિક એકમોમાં માલસામગ્રીનો વપરાશ મોટા પ્રમાણમાં હોય છે. નાણાંના બદલામાં માલસામગ્રી ખરીદી શકાય છે. તેથી તેની બિનજરૂરી ખરીદીથી નાણાંનો અપવ્યય થાય છે અને વ્યાજનો ખર્ચ વધી જાય છે. વળી માલસામગ્રીનો ઉડાઉ ઉપયોગ, બગાડ, ઉચાપત વગેરેને કારણે ખર્ચમાં વધારો થાય છે અને નફાનું પ્રમાણ ઘટે છે. તેથી માલસામગ્રી ઉપર નિયમન અત્યંત આવશ્યક ગણાય છે.
માલના ઉત્પાદનની ગુણવત્તા જળવાય નહિ તો સમય જતાં વેચાણમાં તીવ્ર ઘટાડો સંભવી શકે છે. તેથી વર્ષોવર્ષ નફાનું ધોરણ જાળવવા ઉત્પાદનની ગુણવત્તાનું નિયમન પણ આવશ્યક છે. ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલાંક પૂર્વાનુમાન (forecasts) ઉપરથી આવક, ખર્ચ અને મૂડીરોકાણ અંગેનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. તેના ઉપયોગથી સંચાલકો સભાન રહે છે અને દરેક વિભાગીય અધિકારી તેના માટે નિશ્ચિત કરેલા ધ્યેય માટે સતર્ક રહે છે. સંબંધ ધરાવતા જરૂરી ખર્ચનાં ધોરણો ઉપરથી પૂર્વનિર્ધારિત પડતર ઉપર આધારિત પદ્ધતિને પ્રમાણ-પડતર-પદ્ધતિ કહેવાય છે. ખરેખર પડતર અને પ્રમાણ-પડતરના તફાવતનાં ચોક્કસ કારણો જાણીને બિનકાર્યક્ષમતા દૂર કરવા અથવા જરૂર જણાય તો પ્રમાણો બદલવા આ પદ્ધતિ સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપે છે.
સિદ્ધાર્થ દાસ