પઠાણકોટ : પંજાબ રાજ્યની છેક ઉત્તર સરહદ પર આવેલું ગુરદાસપુર જિલ્લાનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 32° 17´ ઉ. અ. અને 75° 39´ પૂ. રે.. જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં જવા માટેનું તે પ્રવેશદ્વાર ગણાય છે. હિમાચલ પ્રદેશમાં 2,036 મીટર ઊંચાઈએ આવેલા પ્રખ્યાત ગિરિમથક ડેલહાઉસીથી આ નગર 80 કિમી. અંતરે નૈર્ઋત્યમાં આવેલું છે. પંજાબના પવિત્ર યાત્રાધામ અમૃતસરથી તેમજ જમ્મુથી એકસરખા અંતરે તે વસેલું છે.

દુર્ગમ પહાડોના ઢોળાવો પર પઠાણકોટના માર્ગો
આજુબાજુના પહાડી તેમજ મેદાની વિસ્તારની વચ્ચે આવેલું હોવાથી તે અવરજવર માટેનું મુખ્ય મથક બની રહ્યું છે. અહીંથી જમ્મુ, ડેલહાઉસી, શ્રીનગર, કાલાટોપ, ડેનકુંડ, સોલોન ઘાટી, રોહતાંગ ખીણ જેવાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોએ જઈ શકાય છે. પઠાણકોટથી ડેલહાઉસી થઈ ખજિયાર જઈ શકાય છે. ખજિયાર 15 કિમી. લાંબું અને આશરે 1 કિમી. પહોળું વિશાળ હરિયાળું ઘાસનું મેદાન છે. વર્ષભર સહેલાણીઓની અવરજવર રહે છે. જમ્મુ-કાશ્મીર તરફ તેમજ હિમાચલ પ્રદેશનાં ડેલહાઉસી, કુલુ-મનાલી તરફ જવા માટે બસોની સગવડ અહીં મળી રહે છે. પઠાણકોટથી જોગીન્દરનગર પહોંચવા માટે નાની રેલગાડી પર્વતવિસ્તારમાં થઈને જાય છે. અહીંથી માત્ર 13 કિમી. દૂર રાવી નદીના તટ પર આવેલો શાહપુર કન્ડીનો કિલ્લો અતિપ્રાચીન હોઈ જોવાલાયક છે. પાઇન, ઓક, ચીડ જેવાં વૃક્ષોની વનરાજિથી શોભતું આ નગર આજુબાજુનાં જાણીતાં સ્થળો માટે મહત્ત્વનું પ્રવાસમથક બની રહેલું છે. ગુરદાસપુર, જલંધર, અમૃતસર, રામનગર, ઉધમપુર જેવાં શહેરો સાથે પઠાણકોટ રેલમાર્ગોથી જોડાયેલું છે. રાવી નદી પઠાણકોટ નજીકથી પસાર થઈ ગુરદાસપુર, અમૃતસર થઈ પાકિસ્તાનમાં લાહોર તરફ વહે છે, ત્યાંથી આગળ જતાં તે ચિનાબ નદીને મળે છે. ફળોની વાડીઓની નજીક આવેલું આ નગર સૂકા મેવા માટે પણ જાણીતું વ્યાપારી મથક બનેલું છે. આ ઉપરાંત અહીં ધાબળા અને શાલ બનાવવાનું કામ પણ ચાલે છે.
ભારતના ભાગલા સમયે આ નગરમાં પુષ્કળ તારાજી થઈ હતી. તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું હોવાથી આ નગર લશ્કરી છાવણી તેમજ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીંથી આશરે 10 કિમી. દૂર આવેલા ચક્કી નામના સ્થળે સુભાષચંદ્ર બોઝને સ્વાસ્થ્યસુધાર માટે રાખવામાં આવેલા. આ નગરના માર્ગે થઈને જ તેઓ પઠાણના વેશે સરહદ પાર કરી ગયેલા. અત્યારે આતંકવાદીઓની ગતિવિધિઓથી સતત ભયના વાતાવરણમાં આ નગર રહેતું હોવાથી પ્રવાસીઓની અવરજવર પર અસર પડેલી છે. 2011માં તેની વસ્તી 2,49,300 જેટલી હતી.
મહેશ મ. ત્રિવેદી