પટ્ટો (belt) : એક શાફ્ટમાંથી બીજા શાફ્ટને શક્તિનું સંચારણ (transmission) કરવા માટે નમ્ય જોડાણ કરનાર (flexible connector)  ઉપકરણ. શક્તિનું સંચારણ બંને શાફ્ટને દાતાઓ દ્વારા જોડીને પણ થઈ શકે. પરંતુ જ્યારે બે શાફ્ટની ધરીઓ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે પટ્ટા વપરાય છે.

ચાર જાતના પટ્ટા વ્યવહારમાં વપરાય છે : (1) સપાટ પટ્ટો (flat belt), (2) વી-પટ્ટો (V belt), (3) રિબ-પટ્ટો (rebbed belt), (4) દાંતાવાળો પટ્ટો (toothed belt). આ પૈકી, સપાટ અને વી-પ્રકારના પટ્ટા વ્યાપક પ્રમાણમાં વપરાય છે.

સપાટ પટ્ટા તેની સરળતા માટે વપરાય છે. આ જાતના પટ્ટા ગરગડી અને તેના શાફ્ટ ઉપર ઓછામાં ઓછું નમન-પ્રતિબળ (bending stress) ઉત્પન્ન કરે છે. જ્યારે વી-પ્રકારના પટ્ટાની ખેંચાણ માટેની શક્તિ મહત્તમ હોય છે. ગોળ પટ્ટા વી-પટ્ટાની કક્ષામાં જ આવે છે. તે ઓછી શક્તિનું સંચારણ કરવા માટે ને મહત્ત્વનાં ગૃહોપયોગી સાધનો તેમજ ધોલાઈના મશીન માટે વપરાય છે.

પટ્ટાનો પદાર્થ (belt material) : પટ્ટા માટે સામાન્યત: આ સામગ્રીઓ વપરાય છે : (1) ચામડું, (2) રબર, (3) સૂતર અને (4) કૅન્વાસ.

પટ્ટાના સાંધા : વી-પ્રકારના પટ્ટાઓ અને વધુ ગતિથી સંચારણની ક્રિયા કરતા સપાટ પટ્ટાઓ જોડાણ વગરના બનાવવામાં આવે છે. જો જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો, ભારે વજનવાળા, જોડાણ વગરના પટ્ટાઓને બે ગરગડીઓ સાથે જોડવા મુશ્કેલ પડે છે.

જ્યાં સાંધા કરાય છે તે સાંધા, ખાસ પ્રકારના ધાતુ-સાંધાથી, સંયોજક પદાર્થથી અથવા કોર(lace)ની મદદથી કરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ