પટ્ટનાયક, ગુરુચરણ (. 31 ઑક્ટોબર 1917, પુરી; . 23 નવેમ્બર 2008, શંકરપુર, કટક) : ઊડિયા લેખક, માર્ક્સવાદી વિદ્વાન, સામાજિક કાર્યકર્તા, સામયિક-સંપાદક, સમાજશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. માત્ર ચાર વર્ષના હતા ત્યારે એક જ દિવસે માતા-પિતાનું અવસાન. મોટા ભાઈ આનંદ પટ્ટનાયક સ્વાતંત્ર્યસેનાની હતા. 13 વર્ષની નાની ઉંમરે શાળાને છોડી દઈને દેશના આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું. પાછળથી કાશી વિદ્યાપીઠમાં અધ્યયન કર્યું.

ગુરુચરણ પટ્ટનાયક

આઝાદી-સંગ્રામમાં ભાગ લેતાં પકડાઈ જતાં કુલ ચાર વર્ષથી પણ વધુ વખત તેમણે જેલમાં ગાળ્યો. ‘બ્રિટિશ રાજ ઇન ઇંડિયા’ નામના તેમના પુસ્તકને લીધે તેમને કારાવાસની સજા થયેલી. કૉંગ્રેસ પક્ષ અને પાછળથી કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સક્રિય સભ્ય. ઓરિસામાં સામ્યવાદી પક્ષના સંસ્થાપક સભ્યોમાંના એક. પાછળથી તે પક્ષના મહાસચિવના પદે નિયુકત થયેલા. 1935માં ઓરિસામાં શરૂ થયેલ નવા પ્રગતિશીલ આંદોલનમાં તેમણે સક્રિય રસ લીધો. ઓરિસાનાં પ્રગતિશીલ સામયિકોનું તંત્રીપદ પણ સંભાળ્યું. સમાજસુધારણાનાં કાર્યોમાં તેઓ અગ્રણી રહ્યા. 1934થી આ અંગેના લેખો પણ લખતા રહ્યા. એમણે સમાજશાસ્ત્ર, રાજનીતિ, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ પર બારથી વધુ ગ્રંથો લખ્યા છે. તેમના ‘ખાંડા ઓ કલમ’ (તલવાર અને કલમ) અને ‘ઊડિયા સાહિત્યરા મતિ ઓ ગતિ’ નામના ગ્રંથો નોંધપાત્ર છે. વળી માર્ક્સવાદી ગ્રંથોનો અનુવાદ એમણે ઊડિયા ભાષામાં કર્યો છે. એમણે દેશ-વિદેશમાં પ્રવાસો ખેડ્યા છે. 1971ના ‘સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગદ્યમાં લખાયેલ ‘જગતદર્શનરે જગન્નાથ’ (1992) નામના તેમના સાંસ્કૃતિક અધ્યયનના ગ્રંથને સાહિત્ય અકાદમીએ 1994નો ઍવૉર્ડ એનાયત કરેલો તે એક અધ્યયનગ્રંથ છે. એમના સંશોધન મુજબ ભગવાન જગન્નાથનું મનુષ્યમાત્ર એક હોવાનું દર્શન મૂળ તો આર્યો પૂર્વેની જાતિઓમાં અને આદિમ જૂથોમાં મળી આવે છે. આની સાબિતી માટેનું પગેરું એમણે વૈદિક અને ત્યારપછીના કેટલાક શિષ્ટ અને બૌદ્ધ ગ્રંથોમાંથી શોધી કાઢ્યું છે. લેખક પોતે મોટા ગજાના વિદ્વાન, તર્કશાસ્ત્રી અને સૂક્ષ્મતાથી ઊંડાણમાં ઊતરીને અવલોકન કરનારા સંશોધક હતા. ઇતિહાસના મર્મનો સાહિત્યિક આસ્વાદ કરાવતો તેમનો એ ગ્રંથ ઊડિયા સાહિત્યનું ભારતીય સંસ્કૃતિને અર્પણ કરાયેલ નજરાણું છે.

વિ. પ્ર. ત્રિવેદી