પટોલ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા કુકરબીટેસી (કૂષ્માન્ડાદિ) કુળની વનસ્પતિ. તેની બે જાતિઓ થાય છે : એક જાતિનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina L. (સં. અમૃતફળ, કષ્ટભંજન, કુલક, પટોલ, કટુપટોલી, કર્કશચ્છદ, તિક્તોત્તમ; હિં. કડવે પરવલ, જંગલી ચિંચોડા, વનપટોલ; બં. પલતાલના, તિત્ પલતા, તિત્ પટોલ; મ. સોન-કટુ પડવળ, રાન પરવલ, ગુ. કડવી પાડર, કડવી પટોલ, પંડોરી, કડવું પરવળ, રાન પરવલ; તે. અડવી પોટલ; તા. કાટ્ટુપટોલ્; મલ. કાટ્ટુપટોલમ્) છે અને બીજી જાતિનું વૈજ્ઞાનિક નામ T. dioica Roxb. (સં. પટોલ, કુલક, કર્કશચ્છદ, રાજીફલ, બીજગર્ભ; હિં. પરવલ, બં. પટોલ; મ. ગુ. પરવળ; તા. કમ્બુપુદાલાઈ; તે. કોમ્મુપોટલા, ક. કાદૂપડવલ; મલ પટોલમ્; અ. પૉઇન્ટેડ ગુઅર્ડ) છે.

વિતરણ – કડવાં પરવળ ઉત્તર અને પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પશ્ચિમ પૅસિફિકના ટાપુઓમાં વન્ય સ્થિતિમાં થાય છે. તે સમગ્ર ભારતમાં વાડ ઉપર અને જંગલોમાં થાય છે.

મીઠાં પરવળ ઉત્તર ભારતનાં મેદાનોમાં પંજાબથી આસામ સુધી વન્ય સ્થિતિમાં થાય છે. તેનું ભારતના ઉષ્ણ પ્રદેશોમાં અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં ફળો માટે વાવેતર કરવામાં આવે છે.

કડવાં (ક્યુક્યુમેરીના) અને મીઠાં પરવળ (ડાયૉઇકા) અલગ ઓળખવા માટેની ચાવી આ પ્રમાણે છે :

1. ફળની લંબાઈ 6.0 સેમી.થી વધારે નહિ.

2. સંવર્ધિત (cultivated), પર્ણો ખંડિત (lobed) કે કોણીય હોતાં નથી, નતરોમી (strigose), ચર્મિલ (coriaceous) નિપત્રો(bracts)નો અભાવ, નર-પુષ્પો એકાકી (solitary), પુંકેસરો-મુક્ત.

2. વન્ય (wild); પર્ણો ખંડિત કે કોણીય, ઝિલ્લીમય (membranous)/ચર્મિલ; નિપત્રો પર્ણસદૃશ (foliaceous); નર-પુષ્પો કલગી (racemc) સ્વરૂપે ગોઠવાયેલાં, પુંકેસરો જોડાયેલાં.

3. પર્ણો નીચેની સપાટીએથી કાળા બિંદુરૂપ (negropunctate) હોતાં નથી; નિપત્રો નાનાં કે ગેરહાજર, ફળો અંડાકાર કે ત્રાકાકાર (fusiform), ગર લાલ.

કડવાં પરવળ એકવર્ષાયુ (annual), એકગૃહી (monoecious), પાતળી સૂત્રારોહી વનસ્પતિ છે. સૂત્રો 2-3 શાખિત હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત 3.5-12.5 × 4-14.7 સેમી. ગોળ વૃક્કાકાર કે પહોળાં અંડાકાર, છીછરું કે ઊંડે સુધી છેદન પામેલાં અને 3-7 ખંડી હોય છે. તેઓ દંતુર(dentate), રોમિલ (pubescent) અને તલ ભાગેથી હૃદયાકાર હોય છે. નર પુષ્પો જુલાઈ-સપ્ટેમ્બરમાં લાંબા પુષ્પવિન્યાસદંડ (peduncle) ઉપર 8-15 કલગી સ્વરૂપે બેસે છે. માદા પુષ્પ એકાકી (solitary) હોય છે. નર અને માદા પુષ્પ એક જ કક્ષ કે જુદા જુદા કક્ષમાંથી ઉત્પન્ન થાય છે. વ્રજનલિકા (calyx tube) ટોચેથી પહોળી હોય છે. ફળ અલાબુક (pepo) પ્રકારનું, 3-7 × 2.7-5 સેમી. અરોમિલ, અંડ-ત્રાકાકાર (ovoir-fusiform) હોય છે. બીજ લાલ ગરમાં ખૂંપેલાં હોય છે.

મીઠાં પરવળ બહુવર્ષાયુ (perennial), તલસર્પી (trailing) કે સૂત્રારોહી, શાકીય નતરોમી (strigose) અને દ્વિગૃહી (dioccious) વનસ્પતિ છે. પર્ણો સાદાં, એકાંતરિત, 3-4.5 × 2.5-4.0 સેમી. પહોળાં અંડાકાર, અંડ-લંબચોરસ (ovate-oblong), તીક્ષ્ણ (acute) અને લહરદાર-દંતુર (sinuate-dentate) હોય છે. નર અને માદા પુષ્પો કક્ષીય એકાકી હોય છે. ફળ અલાબુક પ્રકારનું, 4-6 × 2-4 સેમી. ઉપવલયી-લંબચોરસ (ellipsoidal-oblong) કે લગભગ ગોળાકાર, લીસું, અરોમિલ, આછુંઘેરું લીલું અને લીલા પટ્ટાવાળું તથા પાકે ત્યારે નારંગી-લાલ રંગનું હોય છે. બીજ ચપટાં, 0.2-0.3 સેમી. પહોળાં, કોણીય, ઉપગોળાકાર, અરોમિલ, લીસાં અને લીલાં-બદામી હોય છે.

આકૃતિ : કડવાં પરવળ  (1) વેલ, (2) નરપુષ્પ,

રાસાયણિક બંધારણ – કડવાં પરવળ પોષણનો વિપુલ સ્રોત છે. તે પ્રોટીન, લિપિડ, કાર્બોદિતો, વિટામિન A અને E તથા રેસો ધરાવે છે. કુલ ફીનૉલો અને ફ્લેવોનૉઇડોનું અનુક્રમે 46.8 % અને 78 % જેટલું હોય છે. ફળોમાં વિટામિન C અને E સારા પ્રમાણમાં હોય છે. અશોધિત પ્રોટીન 30.18 % જેટલું હોય છે. મુખ્ય ખનિજતત્ત્વોમાં પોટૅશિયમ (121.6 મિગ્રા./1000 ગ્રા.) અને ફૉસ્ફરસ (135.0 મિગ્રા./ 100 ગ્રા.)નો સમાવેશ થાય છે. સોડિયમ, મૅગ્નેશિયમ અને ઝિંક સારા એવા પ્રમાણમાં હોય છે.

ટ્રાઇટર્પીનોમાં 23, 24 – ડાઇહાઇડ્રૉકુકરબીટેસીન D, 23, 24-ડાઇહાઇડ્રૉકુકરબીટેસીન B, કુકરબીટેસીન B, કુકરબીટેસીન E, આઇસોકુકરબીટેસીન B, 23, 24-ડાઇહાઇડ્રોઆઇસો કુકરબીટેસીન B, 23, 24-ડાઇહાઇડ્રોઆઇસોકુકરબીટેસીન E, 3 β- હાઇડ્રૉક્સિ ઓલીએન  13(18)  એન  28  ઑઇક ઍસિડ, 3ઓક્સોઓબીએન – 13(18) – એન – 30 – ઑઈક ઍસિડ અને સ્ટેરૉલો, 3-O β-D-ગ્લુકોપાયરેનોસીલ  24 ζ – ઇથાઇલ – કોલેસ્ટ  7, 22-ડાયેન-3β- ઑલ, 2 β-સિટોસ્ટેરૉલ, અને સ્ટિગ્મેસ્ટેરૉલનો સમાવેશ થાય છે. ઑક્સેલેટ, ફાઇટેટો અને ટૅનિનો અલ્પ જથ્થામાં હોય છે.

બીજ (99.4 ગ્રા./ 1000 બીજ) 28 % જેટલું શુષ્કન તેલ ઉત્પન્ન કરે છે. તેલમાં રહેલા ઘટક ફૅટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : સંયુગ્મિત (conjugated) ટ્રાઇએન (∝ – ઇલીઑસ્ટીઅરિક તરીકે) 35.5 % લિનોલેઇક 19.8 %, ઑલેઇક 32.8 % અને સંતૃપ્ત ફૅટી ઍસિડો 11.9 %. સંતૃપ્ત ફૅટી ઍસિડોમાં એરેકિડિક ઍસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

હવાઈ ભાગોમાં ગેલૅક્ટોઝ  વિશિષ્ટ લૅક્ટિન અને રાઇબોઝોમ નિષ્ક્રિયક પ્રોટીન, ટ્રાઇકોએન્ગ્વિન હોય છે. ∝- કૅરોટિન દ્રવ્ય 10.3-10.7 મિગ્રા./ 100 ગ્રા.; β કૅરોટિન દ્રવ્ય 2.4-2.8 મિગ્રા. / 100 ગ્રા.; ઍસ્કોર્બિક ઍસિડ 24.8-25.7 મિગ્રા./100 ગ્રા. અને લાયકોપિન 16.0-18.1 મિગ્રા./100 ગ્રા. હોય છે.

એક નવો આઇસોફ્લેવોન ગ્લુકોસાઇડ, 5, 6, 6-ટ્રાઇમિથૉક્સિ3’, 4’મિથિલીનડાયૉક્સિ આઇસોફ્લેવૉન-7-0-β-D(2´´O-p-કાઉમેરોઈલગ્લુકોપાયરેનોસાઇડ) બીજમાંથી અલગ કરવામાં આવ્યો છે.

મીઠાં પરવળનાં ફળ (ખાદ્ય દ્રવ્ય 98 %)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 92 %, પ્રોટીન 2.0 %, લિપિડ 0.3 %, રેસો 3.0 %, અન્ય કાર્બોદિતો 2.2 % અને ખનિજદ્રવ્ય 0.5 %, કૅલ્શિયમ 30.0 મિગ્રા., ઑક્સેલિક ઍસિડ 7.0 મિગ્રા., ફૉસ્ફરસ કુલ 40.0 મિગ્રા., ફાઇટિન 8.0 મિગ્રા., આયર્ન – કુલ 1.7 મિગ્રા, આયનનીય (ionizable) 0.5 મિગ્રા.; મૅગ્નેશિયમ 9.0 મિગ્રા., સોડિયમ 2.6 મિગ્રા., પોટૅશિયમ 83.0 મિગ્રા., કૉપર 0.11 મિગ્રા., સલ્ફર 17.0 મિગ્રા., ક્લોરીન 4.0 મિગ્રા., થાયેમિન 0.05 મિગ્રા. રાઇબોફ્લેવિન 0.06 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.5 મિગ્રા. અને વિટામિન C 29 મિગ્રા./100 ગ્રા., કૅરોટીન 53 માઇક્રોગ્રા./100 ગ્રા. ફળના શુષ્ક ખાદ્ય દ્રવ્યમાં આયોડિન 0.66 પી. પી.એમ. અને ફ્લોરિન 2.1 પી.પી.એમ. હોય છે. અત્યંત અલ્પ પ્રમાણમાં 5-હાઇડ્રૉક્સિટ્રિપ્ટેમાઇન પણ પ્રાપ્ત થયેલ છે.

પર્ણો શાકભાજી તરીકે ખવાય છે. તેનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 80.5 %, પ્રોટીન 5.4 %, મેદ 1.1 %, રેસો 4.2 %, અન્ય કાર્બોદિત 5.8 % અને ખનિજદ્રવ્ય 3.0 %, કૅલ્શિયમ 531 મિગ્રા. અને ફૉસ્ફરસ 73 મિગ્રા./100 ગ્રા.

બીજ 29.3 % ઘેરું રતાશ પડતું લીલું તેલ ધરાવે છે. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : n40 (વક્રીભવનાંક) 1.5009, ઍસિડ આંક 0.6, સાબૂકરણ-આંક 196.6 અને આયોડિન-આંક (વોબર્ન B) 152.6, અસાબુનીકૃત દ્રવ્ય 1.6 %, ફૅટી ઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : ટ્રાઇકોસેનિક અથવા ઇલીઓસ્ટીઅરિક 27.8 %, લિનોલેઇક 33.4 %, ઓલેઇક 27.1 % અને સંતૃપ્ત ફૅટી ઍસિડ 11.7 %.

બીજના નિષ્કર્ષો રક્તકણસમૂહન (haemagglunating) સક્રિયતા ધરાવે છે.

મૂળ અસ્ફટિકી (amorphous) સેપોનિન (1.5 %) અને નાઇટ્રોજનરહિત (non-nitrogenous), કડવું, અસ્ફટિકી ગ્લુકોસાઇડ-ટ્રાઇકોસેન્થિન (0.3 %, ગ. બિં. 110-120 સે.)(જે કોલોસીન્થિન સાથે સામ્ય ધરાવે છે). એક ફાઇટોસ્ટેરૉલ (ગ. બિં. 159-600 સે.), હૅન્ટ્રાઇઍકોન્ટેન, અલ્પ પ્રમાણમાં આછું પીળું ટર્પીનો ધરાવતું બાષ્પશીલ તેલ, સ્થાયી તેલ, સ્ટાર્ચ અને અપચાયી (reducing) શર્કરાઓ ધરાવે છે.

મૂળનો અસાબૂકરણીય (unsaponifiable) લિપિડ અંશ કેટલાક ટ્રાઇટર્પીન આલ્કોહૉલ ધરાવે છે; તે પૈકી મુખ્ય 24-મિથીલીનસાયક્લોઆર્ટેનૉલ, આઇસોમલ્ટીફ્લોરેનૉલ અને ∝ – ઍમાયરીન છે.

બીજના નિષ્કર્ષના અસાબૂકરણીય લિપિડના અત્યંત ધ્રુવીય અંશમાંથી મુખ્ય ઘટક સ્વરૂપે 7-ઑક્સિડાઇહાઇડ્રૉકેરાઉનિડૉલ – 3 – બૅન્ઝોએટ પ્રાપ્ત થયો છે.

મીઠા પરવળમાં 24-∝-ઇથાઇલકોલેસ્ટ-7-એનૉલ અને 24-β-ઇથાઇલકોસેસ્ટ-7-એનૉલ નામના બે મુખ્ય ફાઇટોસ્ટેરૉલ પ્રાપ્ત થયા છે. બીજ લૅક્ટિન પણ ધરાવે છે. તે કાર્બોહાઇડ્રેટ (ખાસ કરીને ગેલૅક્ટોઝ) સાથે બંધન પામતું, પ્રકાર II રાઇબોઝોમ પ્રતિરોધક (inhibitory) પ્રોટીનોનું સમધર્મી (homologous) છે.

લોકઔષધીય (ethnomedicinal) ઉપયોગો : કડવાં પરવળ શિરદર્દ, ખાલિત્ય (alopecia), તાવ, પેટની ગાંઠો, પિત્તદોષ, ફોડલા, ઉગ્ર શૂળ, અતિસાર, રક્તમેહ (haematuria) અને ત્વચાની ઍલર્જીમાં ઉપયોગી છે. તેનો ગર્ભસ્રાવક (abortifacient), કૃમિનિસ્સારક (vermifuge), ક્ષુધાવર્ધક (stomachic), શીતક (refrigerent), રેચક (purgative), મૃદુ વિરેચક (laxative), જલવિરેચક (hydrogogue), રક્તકણગંઠક (haemagglutinant), વામક (emetic), વિરેચક (cathartic), શ્વસનીશોથ (bronchitis) અને કૃમિઘ્ન તરીકે ઉપયોગ થાય છે.

મૂળ : મૂળનો લગભગ 57 ગ્રા. જેટલો રસ ઉગ્ર રેચક ક્રિયા કરે છે. મૂળનો કૃમિઓને ધકેલી કાઢવા માટે ઉપયોગ થાય છે. ચીનમાં મૂળનો મધુપ્રમેહ, સામાન્ય તથા કેશપુટિકા(hairfollicle)ને લાગતા પૂયજન્ય (pyogenic) ચેપથી થતા ફોડલા માટે ઉપયોગ થાય છે. તાજાં મૂળ પ્રતિ-આક્ષેપક (anti convalsant) સક્રિયતા ધરાવે છે. મૂળના કંદમય ભાગનો જલવિરેચક અને વિરેચક તરીકે ઉપયોગ થાય છે. મૂળ ગર્ભસ્રાવક, વિષરોધી (alexiteric), કૃમિઘ્ન, જંતુઘ્ન, સ્તંભક (astringent), મૂત્રલ (diuretic) અને વામક તરીકે ઉપયોગમાં આવે છે.

પર્ણો : અલ્પવિસર્ગી (remittent) તાવમાં પર્ણોનો રસ આખા શરીરે ચોળવામાં આવે છે. શુષ્ક પર્ણો ઉદ્વેષ્ટહર (antispamodic) ગુણધર્મ ધરાવે છે. કોમળ પ્રરોહો અને શુષ્ક ફળોનો આસવ (infusion) મૃદુ વિરેચક (aperient) હોય છે. પર્ણોનો નિષ્પીડિત (expressed) રસ વામક હોય છે. પર્ણો અને પ્રકાંડ પિત્તના વિકારોમાં, ચામડીના રોગોમાં તથા આર્તવજનક (emmenogogue) તરીકે ઉપયોગમાં લેવાય છે. પર્ણો વિષરોધી, સ્તંભક, મૂત્રલ અને વામક હોય છે.

ફળો : ફળ કૃમિઘ્ન ગણાય છે. શુષ્ક ફળોનો આસવ કે ક્વાથ (decoction) ખાંડ સાથે આપવાથી પાચનમાં સહાય થાય છે. ફળ જલદ રેચક અને દક્ષ વામક છે.

બીજ : બીજ શીતળ ગણવામાં આવે છે. શુષ્ક બીજ કૃમિઘ્ન અને અતિસારરોધી (anti-diarrhoeal) ગુણધર્મો ધરાવે છે. તે તીક્ષ્ણ (acrid), કડવું અને વિષાળુ (toxic) હોય છે. બીજાં પ્રતિજીવાણુક (antibacterial), ઉદ્વેષ્ટહર (antiperiodic) અને કીટનાશક (insecticidal) છે. તે ગર્ભસ્રાવક, વાજીકર (aphrodisial), સ્તંભક, જ્વરઘ્ન (febrifuge), રેચક અને કેશવર્ધક (trichogenous) તરીકે વપરાય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો :

કડવાં પરવળના પ્રસ્થાપિત ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : પ્રતિશોથકારી (anti-inflammatory), કોષવિષાળુતા (cytotoxicity), અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic), ડિંભનાશક (larvicidal), મધુપ્રમેહરોધી (antidiabetic), યકૃતસંરક્ષી (hepatoprotective), ફળદ્રુપતારોધી (antifertility), જઠરસંરક્ષી (gastroprotective), પ્રતિ-ઉપચાયી (antioxidant), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial).

મીઠાં પરવળના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો :

મીઠાં પરવળ અને કડવાં પરવળના ઔષધવિજ્ઞાનીય ગુણધર્મો લગભગ સરખા છે. મીઠાં પરવળના ઔષધીય ગુણધર્મો આ પ્રમાણે છે : મધુપ્રમેહરોધી, યકૃતસંરક્ષી, અલ્પકોલેસ્ટેરૉલરક્ત (hypocholesteromia), પ્રતિશોથકારી, ફૂગરોધી (antifungal), પ્રતિજીવાણુક (antibacterial), પ્રતિ-ઉપચાયી, વ્રણ વિરોહણ (wound healing).

કડવાં પરવળનો ચરકમાં તૃપ્તિઘ્ન અને તૃષ્ણાનિગ્રહણ દશેમાનિમાં ઉલ્લેખ છે. પટોલ તિક્ત હોવા છતાં વાતલ અને અવૃષ્ય નથી. વામનોપગ તરીકે તિક્તસ્કંધમાં પટોલનો સમાવેશ થયો છે. સુશ્રુતે વ્રણમાં પટોલનું શાક લાભદાયી ગણાવ્યું છે. વ્રણશોધન તરીકે પટોલ અને ત્રિફળાના ક્વાથની  ભલામણ કરવામાં આવી છે. તેમણે પટોલને આરગ્વધાદિ અને પટોલાદિ ગણમાં મૂકેલ છે. પટોલના આયુર્વેદિક ગુણધર્મો આ પ્રમાણે છે :

રસ – કટુ, તિક્ત  વીર્ય – ઉષ્ણ(ચરક શીતવીર્ય માને છે.)

વિપાક – કટુ             દોષઘ્નતા – કફ, પિત્ત, વાત

પ્રયોગ

(1) વ્રણશોધન માટે – કટુ પરવળ અને કડવા લીમડાના ક્વાથથી  વ્રણ ધોવાથી વ્રણશોધન થાય છે. (2) અગ્નિદગ્ધ વ્રણ ઉપર  કડવાં પરવળનો ક્વાથ અને કલ્કથી સરસવનું તેલ સિદ્ધ કરવામાં આવે છે. તે અગ્નિદગ્ધ વ્રણ, સણકા, સ્રાવ, દાહ અને ફોડલાનો નાશ કરે છે. (3) સોજા ઉપર – કડવાં પરવળનું શાક લાભકારક છે. ઉરુસ્તંભમાં મીઠા વિનાનું કડવાં પરવળનું શાક ખવડાવવામાં આવે છે. (4) શિરોરોગમાં – કડવાં પરવળનાં મૂળને પાણીમાં ઘસી કપાળે ચોપડવાથી અથવા મૂળને બાળીને કરેલી રાખ લગાવવાથી સર્વ પ્રકારના માથાના દુખાવા મટે છે. (5) ઇન્દ્રલુપ્ત (ઉંદરી) ઉપર – કડવાં પરવળનાં પર્ણોનો રસ કાઢી માથામાં ચોપડવાથી નવા વાળ ઉત્પન્ન થાય છે. (6) કૃમિ ઉપર – કડવાં પરવળનાં પર્ણો 12 ગ્રા. અને ધાણા 12 ગ્રા. લઈ રાત્રે 125 મિલી. પાણીમાં પલાળી સવારે ગાળી મધ સાથે દિવસમાં ત્રણ વાર આપવામાં આવે છે. (7) ઊલટી કરવા માટે – કડવાં પરવળ, કડવો લીમડો અને અરડૂસીનાં પાનનું ચૂર્ણ ઠંડા પાણીમાં આપવાથી ઊલટી થઈ પિત્તવિકાર દૂર થાય છે. (8) રક્તપિત્તમાં – કડવાં પરવળનાં પર્ણોનું ચૂર્ણ કે ક્વાથ અથવા રસ મધ સાથે ખાવાથી રક્તપિત્ત મટે છે. (9) મદાત્યય (અતિશય દારૂ પીવાથી થતો રોગ) – કડવાં પરવળનો ક્વાથ પિવડાવાય છે. (10) વાતવ્યાધિ ઉપર – કડવાં પરવળનાં ફળનો ઉકાળો વૃષ્ય અને વાતઘ્ન માનવામાં આવે છે. (11) પિત્તશ્લેષ્મજ્વરમાં – કડવાં પરવળનું પંચાંગ અને લીમડાની અંતરછાલનો ક્વાથ પિત્તકફથી થતા તાવમાં ઉત્તમ છે. (12) પિત્તજ્વરમાં – કડવાં પરવળનું પંચાંગ અને જવ  તે બંનેનો ક્વાથ મધ સાથે લેવાથી પિત્તજ્વર, દાહ અને તૃષા મટે છે. (13) સર્વ જ્વર ઉપર – કડવાં પરવળ અને સૂંઠનો ક્વાથ આપવામાં આવે છે. શોષ મટાડવા ખડીસાકર ઉમેરવામાં આવે છે અથવા શરદી થઈ હોય તો 3.0 ગ્રા. જેટલું મધ નાખવામાં આવે છે. (14) વિષ ઉપર – કડવાં પરવળ ઘસીને પિવડાવાય છે. તેથી ઊલટી થઈ વિષ ઊતરે છે. (15) શીતળામાં – કડવાં પરવળના મૂળનો ક્વાથ પિત્તજન્ય શીતળાની શરૂઆતમાં અપાય છે.

ઉપયુક્ત અંગ  પંચાંગ, ફળ, પાન

માત્રા  મૂળનો સ્વરસ 5560 ગ્રા. આપવાથી સખત રેચ લાગે છે.

મીઠાં પરવળના આયુર્વેદિક ગુણધર્મો આ પ્રમાણે છે :

ગુણ

ગુણ – લઘુ, રુક્ષ                  રસ – તિક્ત

વિપાક – કટુ                     વીર્ય – ઉષ્ણ

કર્મ

દોષકર્મ : તે ત્રિદોષશામક છે.

બાહ્ય કર્મ : તે વેદનાસ્થાપન, કેશ્ય, વ્રણશોધન અને વ્રણરોપણ છે.

પાચનતંત્ર : તે રોચન, દીપન, પાચન, તૃષાનિગ્રહણ, પિત્તસારક, અનુલોમન, રેચન અને કૃમિઘ્ન છે. વધારે માત્રામાં આપવાથી તે વામક અને રેચક છે.

રુધિરાભિસરણતંત્ર : તે રક્ત સુધારનાર અને શોથહર છે.

શ્વસનતંત્ર : તે કફઘ્ન છે.

ત્વચા : તે કુષ્ઠઘ્ન છે.

તાપક્રમ : તે જ્વરઘ્ન છે.

સાત્મીકરણ : તે પૌદૃષ્ટિક અને વિષઘ્ન છે.

તે ત્રિદોષજન્ય વિકારો, શિર:શૂલ, વ્રણ, ખાલિત્ય, અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, તૃષા, અમ્લપિત્ત, યકૃતવિકાર, કમળો, ઉદરરોગ, મસા, કૃમિ, રક્તવિકાર, રક્તપિત્ત, શોથ, કાસ, કુષ્ઠ, કંડૂ, પિત્તજ્વર, જીર્ણજ્વર, દૌર્બલ્ય અને વિષમાં ઉપયોગી છે.

ઔષધપ્રયોગો : (1) દાઝવા ઉપર – મીઠાં પરવળનાં પર્ણોનો ક્વાથ કરી તેમાં પાતળું કપડું પલાળી દાઝેલા ભાગ ઉપર મૂકવાથી લાભ થાય છે. (2) રેચક તરીકે  -પરવળના મૂળનું ચૂર્ણ 3-5 ગ્રા. જેટલું પાણીમાં લેવાય છે. (3) દોષપાચન અને બળવૃદ્ધિ માટે – મીઠાં પરવળનો સૂપ રોજ પિવડાવવામાં આવે છે. (4) ત્વચાના રોગો માટે – પરવળનું શાક તથા પરવળ અને ગોળનો ક્વાથ આપવામાં આવે છે અને તેનાં પર્ણોના રસની માલિશ કરવામાં આવે છે. (5) કફનો જ્વર – પરવળનાં ડાંખળાં અને સૂંઠનો ક્વાથ મધ સાથે રોજ સવાર-સાંજ પિવડાવવાથી કફ સહેલાઈથી છૂટો પડે છે અને આમદોષ મટે છે. (6) ર્જીણજ્વર ઉપર – મીઠા પરવળનાં પર્ણો, ડાંડી અને સૂકા ધાણા રાત્રે અધકચરાં ખાંડી, 200 ગ્રા. પાણીમાં પલાળી સવારે મધ સાથે મેળવી પિવડાવવામાં આવે છે.

પ્રયોજ્ય અંગ  પંચાંગ, પત્ર, ફળ, મૂળ

માત્રા – સ્વરસ  10-20 મિલી., ક્વાથ – 50-100 મિલી.

વિશિષ્ટ યોગ – પટોલાદિ ક્વાથ, પટોલાદ્ય ચૂર્ણ

पटोलं पाचनं हद्यंवृष्य लघ्वग्निदीपनम् ।

स्नग्धोष्णं हन्ति कासास्रज्वरदोषत्रयकृमीन् ।।

पटोलस्य भवेन्मूलं विरेचनकरं सुखात् ।

नालं श्लेष्महरं पत्रं पित्तहारि फसं पुन: ।।

दोषत्रयहरं प्रोक्तं तद्वत् तिक्ता पटोलिका ।। ભાવપ્રકાશ

આદિત્યભાઈ છ. પટેલ

બળદેવભાઈ પટેલ