પટેલિયા : મધ્યપ્રદેશ અને ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતના આદિવાસીઓમાં પટેલિયા શિક્ષિત અને આગળ પડતી આદિવાસી જાતિ છે, જે પંચમહાલ જિલ્લામાં દાહોદ અને લીમખેડા તાલુકાઓમાં મુખ્યત્વે છે. ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઝાબુઆ, અલિરાજપુર, ધાર, ઇન્દોર, ગુના તથા રાજગઢ જિલ્લાઓમાં તેની સવિશેષ વસ્તી છે. તેમની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી; પરંતુ ગામમાં વહીવટકર્તા તરીકે કામગીરી બજાવતા હોઈ ‘પટેલ’ અને તેમાંથી ‘પટેલિયા’ કહેવાયા હશે તેવું અનુમાન થઈ શકે. પોતે ચાંપાનેરના મૂળ રજપૂતો હતા, પરંતુ મુસલમાન રાજાના ત્રાસથી નાસી જંગલમાં ભરાઈ ગયેલા અને તેથી આદિવાસી જેવા થઈ ગયેલા એમ તેઓ દર્શાવે છે. દાહોદ તાલુકામાં આજે તેમની વસ્તી 56 ગામોમાં છે. તેમનામાં વિવિધ અટકો, કુળદેવીઓ, ગોત્રો અને પૂજાપાત્ર વૃક્ષો વગેરે જોવા મળે છે :

ક્રમ

અટક કુળદેવી ગોત્ર

પૂજા

1. પરમાર શ્રી હરિસિદ્ધ ભવાની વસિષ્ઠ ખાંડાની ધાર
2. રાઠોડ શ્રી નાગણી ભવાની ભારદ્વાજ ચમણીની પૂજા
3. જાદવ શ્રી મહાકાળી વાલ્મીકિ કમળની પૂજા
4. ચૌહાણ શ્રી આશાપુરી વેણુક આસોપાલવની પૂજા
5. સોલંકી શ્રી બ્રાહ્મણી વર્ષકેતુ સીમળાની પૂજા
6. ગોહિલ શ્રી ચામુંડા ભવાની ગૌતમ ખાખરાની પૂજા

ઉપર પ્રમાણેની છ મુખ્ય અટકો ઉપરાંત બીજી 72 જેટલી અટકો વિકસેલી તેમનામાં જોવા મળે છે.

પરમારમાંથી ભગત, કાચા, દેવાળિયા, ગેલોટ, ઓતરિયા, બૂડિયા, વાગુલ, ગોદડ, ડાંગી, સુસવાડ વગેરે.
રાઠોડમાંથી મોટા રાઠોડ, નાના રાઠોડ, માળી વગેરે.
જાદવમાંથી ભૂરા, ભૂરિયા, હઠીલા, ખચેડ, ડામોર વગેરે.
ચૌહાણમાંથી ભાભોર, મોરી, પસાયા વગેરે.
સોલંકીમાંથી ઝીણિયા, રોઝ, નળવાયા, બામણ્યા વગેરે.
ગોહિલમાંથી ગમાર, ગમારિયા વગેરે.

તેઓ પૂર્ણ પોશાક પહેરનારા છે. પુરુષો માથે આંટાવાળી પાઘડી, ખમીસ અને કચ્છો મારી ધોતિયું પહેરે છે. હાથે ચાંદીનું ભોરિયું અને કમરે ચાંદીનો કંદોરો પહેરે છે. આજે ચડ્ડી, લેંઘો, પૅન્ટ, ટોપી, બુશશર્ટ વગેરે પણ પહેરાય છે. સ્ત્રીઓ મોટી ઘેરનો કચ્છો વાળીને ઘાઘરો, લૂગડું, કબજો પહેરે છે. પગે, ગળામાં, હાથમાં કોણી સુધી રૂપાનાં ઘરેણાં પહેરે છે. સ્ત્રીઓ હવે ગુજરાતી ઢબની સાડી, મંગળસૂત્ર પણ પહેરતી થઈ છે.

તેઓ પિતૃસત્તાક, પિતૃસ્થાની અને પિતૃવંશીય સમાજવ્યવસ્થા ધરાવે છે. સગોત્રીય લગ્નનો નિષેધ છે. લગ્નના પાત્રની શોધ માબાપ વતી ભાંજગડિયો કરે છે. સ્વપસંદગીને લગ્નમાં સ્થાન છે. અપહરણ લગ્નપ્રથા પણ પ્રચલિત છે. પાત્ર-પસંદગીમાં ખેતી, આર્થિક સ્થિતિ ઉપરાંત, શિક્ષણ અને હવે સાંપ્રદાયિક પંથોને પણ મહત્ત્વ મળતું થયું છે. પુનર્લગ્ન કે ફારગતીની છૂટ છે. પહેલાં દહેજમાં સવા પાંચ મણ ગોળ, પંદર મણ અનાજ અને રોકડા રૂપિયા 125થી 325 લેવામાં આવતા હતા. હવે આ બધો ખર્ચ બંધ થયો છે. ચોખાને હળદર અને કંકુવાળા કરી દરેક ઘરના બારણે મૂકી નોતરું આપવામાં આવે છે. આજે કંકોતરી છપાવવાનું પણ શરૂ થયું છે. લગ્નવિધિમાં બ્રાહ્મણને બોલાવવાનું નવું વલણ વિકસતાં હિંદુ વિધિ પણ દાખલ થતી જણાય છે.

તેઓ મુખ્યત્વે ખેતી, ખેત-મજૂરી તથા છૂટક મજૂરી કરે છે. તેઓ સારા ખેડૂતો છે. શિક્ષણનો વિકાસ થતાં સરકારી નોકરીઓ કરવાનું વલણ વધ્યું છે. તેઓ પરંપરાગત રીતે વન્ય જીવનવાળા હોઈ વન્ય ધર્મ પાળે છે, પરંતુ છેલ્લા બેત્રણ દાયકાથી પ્રણામી, સ્વામિનારાયણ, કબીરપંથી જેવા સંપ્રદાયોના વિકાસથી ઘણા હિંદુ દેવ-દેવીઓને પૂજે છે. દારૂ, માંસાહાર છૂટ્યાં છે. મંત્ર, તંત્રમાંથી ધીમે ધીમે ખસતા જાય છે. તેઓ હિંદુ તહેવારો ઊજવે છે, તે સાથે પરંપરાગત રીતે ઇંદની ડાળુ પૂજા, પશુરોગમાં, ગુંદરું-પૂજા, પિતૃપૂજા અને તેની ખતરી મૂકવાનું, કાયટું વગેરે કરે છે. ધાર્મિક આગેવાન બડવામાં હજુ શ્રદ્ધા ધરાવે છે. હોળીના પ્રસંગે ચૂલ-સળગતા કોલસા પર ચાલવાનો વિધિ પણ થાય છે. હોળી ઉપરાંત, અખાતરી, દિવાસો અને દિવાળી જેવા તહેવારો તેઓ ઊજવે છે.

તેમનું જાતિપંચ હોય છે. વળી તેમની વ્યવસ્થિત ન્યાયપદ્ધતિ પણ છે. પંચનું પ્રભુત્વ સારું એવું દેખાય છે. તેઓમાં ફળિયાપંચ, ગામપંચ અને સમગ્ર જાતિપંચ – એમ ત્રણ સ્તરે ન્યાયવ્યવસ્થાનું સ્વરૂપ છે. ગામકક્ષાએ પટેલ, કોટવાળ અને બડવો તેમના મહત્ત્વના આગેવાનો છે. તેઓ મરેલાંને બાળે છે. સાંપ્રદાયિક અસરને લીધે શ્રાદ્ધ-કાયટામાં હવે ભજનમંડળીઓ બેસાડવાનું નવું વલણ વિકસતું જાય છે.

અરવિંદ ભટ્ટ