પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ‘ગીર અભયારણ્ય’નું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે એક સરકારી ફોટોગ્રાફર શંકરને તેમણે દૂરના સિંહોના ફોટાગ્રાફ પાડતા જોયા. બીજા જ વરસથી સુલેમાને ફોટોગ્રાફી શરૂ કરી; પરંતુ તેમણે ખેડેલો સંઘર્ષ ખૂબ કઠિન હતો. આજુબાજુના તમામ લોકો ફોટોગ્રાફીને માત્ર એક ખર્ચાળ આનંદપ્રમોદનું સાધન ગણતા હતા. એ સમયે ફોટોગ્રાફીનાં વિવિધ ઉપકરણો પણ સહેલાઈથી ઉપલબ્ધ ન હતાં. વન્ય જીવનની ફોટોગ્રાફી હજી પ્રચલિત બની ન હતી અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે એ સમયે વન્ય જીવનના ફોટોગ્રાફ માટે ભારતમાં કોઈ બજાર ઉપલબ્ધ ન હતું. આથી જંગલમાં ફૂલઝાડ અને પશુપંખીની ફોટોગ્રાફી કરવા રઝળપાટ કરનારને બધા ગાંડો ગણતા.
કુટુંબની અવસ્થા ગરીબ હોવા છતાં તેમણે પોતાનું જીવનધ્યેય ન છોડ્યું. મિત્રો, શુભેચ્છકો અને અજાણ્યાઓએ મદદ ચાલુ રાખી, જેથી સુલેમાનનું કામ આગળ ચાલ્યું. ધ્રાંગધ્રામાં ફૅક્ટરી ધરાવતા ઉદ્યોગપતિ અને કરોડોપતિ કુટુંબના ગ્યાનચંદભાઈ જૈને સુલેમાનને એક સારો અને મોંઘો કૅમેરા ભેટ આપ્યો અને સુલેમાનનું કામ જોશમાં ચાલ્યું. કારકિર્દીની શરૂઆતમાં સુલેમાન થોડો વખત સોહરાબ મોદીના ‘મિનરવા મૂવિટોન’માં સિનિમટૉગ્રાફી કરી આવ્યા, પરંતુ અંદર રહેલો વન્યજીવનપ્રેમી આત્મા તેમને કાયમ માટે જંગલ ભણી ખેંચી લાવ્યો. 58 વરસની જિંદગીમાં સુલેમાને ગીરના માત્ર સિંહોની જ 6,000થી વધુ છબીઓ પાડી છે. આ ઉપરાંત ગુજરાતના વન્ય જીવનમાં દીપડા, કાળિયાર, પંખીઓ, જીવાત વગેરેની છબીઓ તો અલગ. તે બધાંનો આંકડો 21,000ની આસપાસનો થાય છે. પંખીઓની છબીઓમાં ભારતમાં દુર્લભ એવા ઘોરાડ(the great Indian bustard)ની એમણે લીધેલી છબીઓ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી છે. પરંતુ આટલી બધી છબીઓમાંની એક છબી સુલેમાનને કીર્તિની ટોચે લઈ ગઈ. એ છબીમાં ગીરની હીરણ નદીને કાંઠે 9 સિંહો એકસાથે પાણી પી રહ્યા છે. આ છબી ટેલિ-લેન્સ વડે નહિ, પણ સાદા લેન્સ વડે ઝડપાઈ છે, એ સુલેમાનની આગવી સિદ્ધિ છે. આ માટે હીરણ નદીના કિનારે જંગલમાં સુલેમાને સતત ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એકીબેઠકે તપશ્ચર્યા કરી હતી. સુલેમાને જોઈતી ક્ષણ ઝડપવા માટે આથી પણ લાંબી – ઘણી વાર સપ્તાહો સુધી – તપશ્ચર્યા કરી છે. ધીરજ એ વન્ય જીવન ફોટોગ્રાફીની પૂર્વશરત છે અને સુલેમાને તેનું પાલન કરી સિદ્ધિનાં શિખર સર કર્યાં. ફોટોગ્રાફી માટે માનવભક્ષી મગરો ધરાવતાં નદી-તળાવોમાં પણ ઊતરવાનાં જોખમો એમણે વહોર્યાં હતાં.
વન્ય જીવન માટેનો સુલેમાનનો લગાવ એટલી હદે હતો કે મુંબઈની ટૂંકી યાત્રા પછી માનવોને છબીમાં કદી ન કંડાર્યા, પછી ભલે ને એ કારણે અઢળક નાણાં જતાં કરવાં પડ્યાં હોય.
સુલેમાને વન્ય જીવનને છબીઓ ઉપરાંત દસ્તાવેજી ફિલ્મોમાં પણ કંડાર્યું છે. તેમણે પોતાની છબીઓનાં પ્રદર્શનો અને સ્લાઇડ-શો અમદાવાદ, મુંબઈ અને કૉલકાતામાં વારંવાર યોજ્યાં હતાં. વિવેચકો તરફથી પણ હંમેશાં તેને સારો આવકાર મળતો રહ્યો. વિદેશોમાં તેમણે હૉંગકૉંગ અને સિંગાપુરમાં પણ પ્રદર્શનો યોજ્યાં હતાં. 1992માં પોતાના અમદાવાદના નિવાસસ્થાન પાસે વિક્ટોરિયા ગાર્ડન નજીક કાર-અકસ્માત નડ્યા પછી તેમને થાનગઢ ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા. તેમને અનેક ઍવૉર્ડ અને સન્માન મળ્યાં હતાં.
અમિતાભ મડિયા