પટેલ, સુરેન્દ્ર [24 સપ્ટેમ્બર 1923, ભડિયાદ (પીર); . 13 ડિસેમ્બર 2006] : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના એક અર્થશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ ગાયકવાડીનાં જુદાં જુદાં ગામોમાં તથા માધ્યમિક શિક્ષણ ધંધૂકા ખાતે લીધા પછી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમની પદવી 1945માં પ્રાપ્ત કરી અને ત્યાર પછી 1947માં તેમણે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીને સંલગ્ન વ્હાર્ટન સ્કૂલ ઑવ્ ફાઇનાન્સમાંથી એમ.બી.એ. તથા 1949માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ભારત પાછા આવ્યા પછી તરત જ મુંબઈ યુનિવર્સિટીને સંલગ્ન સામળદાસ કૉલેજ, ભાવનગરમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા (1949-50). ત્યાં એક વર્ષ અધ્યાપન કર્યા પછી 1950માં તેઓ રાષ્ટ્રસંઘના આર્થિક બાબતોના કાર્યાલયમાં જોડાયા. એશિયા ખંડમાંથી રાષ્ટ્રસંઘમાં જોડાનાર કેટલાક જૂજ અર્થશાસ્ત્રીઓમાં તેમનો સમાવેશ થાય છે. 1950-84ના સાડા ત્રણ દાયકાના રાષ્ટ્રસંઘ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન ડૉ. પટેલે વિવિધ પ્રકારના મહત્ત્વના હોદ્દાઓ પર નોંધપાત્ર કાર્ય કર્યું. દા. ત., 1950-55 દરમિયાન તેમણે ન્યૂયૉર્ક ખાતેના આર્થિક અને સામાજિક બાબતોને લગતા કાર્યાલયમાં કામ કર્યું હતું. 1955-62ના ગાળા દરમિયાન જિનીવા ખાતેના યુનાઇટેડ નૅશન્સ ઇકૉનૉમિક કમિશન ફૉર યુરોપના કાર્યાલયમાં સેવાઓ આપી, 1962-64 દરમિયાન અદિસ અબાબા ખાતેના ‘યુનાઇટેડ નૅશન્સ ઇકૉનૉમિક કમિશન ફૉર આફ્રિકા’માં આયોજન વિભાગના વડા તરીકે કામ કર્યું. 1964-66 દરમિયાન બૅંગકાક ખાતેના ‘યુનાઇટેડ નૅશન્સ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ ફાર ઈસ્ટ’ના આર્થિક વિકાસ અધ્યયન વિભાગના વડા તરીકે સેવાઓ આપી. 1966-84ના ગાળામાં જિનીવા ખાતેના અન્કટાડ(UNCTAD)ના મુખ્ય કાર્યાલયમાં ટૅક્નૉલોજી ડિવિઝનના વડા અને ત્યારબાદ નિવૃત્તિ સુધી નિયામક તરીકે કાર્ય કર્યું હતું. 1984માં રાષ્ટ્રસંઘની સેવાઓમાંથી નિવૃત્ત થયા પછી 1984-86 દરમિયાન ઇંગ્લૅન્ડની સસેક્સ યુનિવર્સિટીની આર્થિક વિકાસ અધ્યયન સંસ્થાના સિનિયર ફેલો, 1985થી આજ સુધી ફિનલડના પાટનગર હેલસિંકી ખાતેના રાષ્ટ્રસંઘ યુનિવર્સિટીને સંલગ્ન વૈશ્વિક સ્તરની આર્થિક વિકાસ અધ્યયન અને સંશોધન સંસ્થાના વરિષ્ઠ સલાહકાર તથા 1987થી આજ સુધી ઇંગ્લૅન્ડની સસેક્સ યુનિવર્સિટી, કૅનેડાની ડૅલહાઉસી તથા સેન્ટ મેરીઝ યુનિવર્સિટી તથા અમદાવાદની જાણીતી સંશોધનસંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દરમિયાન 196061માં ડૉ. પટેલ ભારતના આયોજન મંડળના પરિપ્રેક્ષ્યલક્ષી આયોજન (perspective planning) વિભાગના સલાહકાર તથા 1987-88 દરમિયાન સાન જુઆન, પ્યૂએર્ટોરીકો ખાતે ગવર્નર્સ કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના વરિષ્ઠ સલાહકારપદે પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા ખંડના ઘણા દેશોએ આર્થિક સલાહકાર તરીકેની ડૉ. પટેલની સેવાઓ વખતોવખત પ્રાપ્ત કરી હતી.

વિકાસનું અર્થશાસ્ત્ર અને ટૅક્નૉલૉજી સાથે સંબંધ ધરાવતા વિષયો અંગે ડૉ. પટેલે વિપુલ લેખનકાર્ય કર્યું હતું. તેમાં ‘ધી ઇન્ડિયા વી વૉન્ટ’ (1965), ‘એસેઝ ઇન ઇકૉનૉમિક ટ્રૅન્ઝૅક્શન’ (1965), ‘ઇન્ડિયાઝ સર્ચ ફૉર ટૅક્નૉલૉજિક્લ સેલ્ફ રિલાયન્સ’ (1990), ‘ઇન્ડિયન ઇકૉનૉમી’ (1994), ‘ટૅક્નૉલૉજિક્લ ટ્રાન્સફૉર્મેશન ઇન ધ થર્ડ વર્લ્ડ’ (1993-94 : પાંચ ખંડોમાં પ્રકાશિત) તથા ‘ડેવલપમેન્ટ ડિસ્ટન્સ બિટ્વીન નૅશન્સ’ (1995)  આ ગ્રંથોનો તથા વૈશ્વિક સ્તરનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા 95 ઉપરાંત સંશોધનલેખોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1974-84 દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ચાર સામયિકોના વિશેષ અંકના મહેમાન સંપાદક તરીકે પણ સેવાઓ આપી છે. 1950-84 દરમિયાનની રાષ્ટ્રસંઘ ખાતેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્ત્વની બાબતોને લગતા અભ્યાસોનું આયોજન તથા અહેવાલોનું પ્રકાશન કર્યું હતું. એક અસરકારક વક્તા તરીકે પણ તેઓ ખ્યાતિ ધરાવતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે