પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)

February, 1998

પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)

(જ. 31 ઑક્ટોબર 1875, નડિયાદ, જિ. ખેડા; અ. 15 ડિસેમ્બર 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. ખેડૂત કુટુંબમાં જન્મેલ વલ્લભભાઈ બાલ્યવયથી જ નીડરતા તથા નેતાગીરીના ગુણ ધરાવતા હતા. માતા લાડબાઈની ધાર્મિકતા તથા પિતા ઝવેરભાઈની સ્વાતંત્ર્યપ્રીતિ અને નીતિમત્તાના સંસ્કાર પણ તેમને મળેલા હતા. બહારથી કડક પરંતુ અંદરથી કોમળ સ્વભાવનો વારસો તેમને પિતા તરફથી મળ્યો હતો.

સરદાર પટેલનો જ્યાં જન્મ થયો હતો તે મકાન : નડિયાદ

વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદ અને નડિયાદની શાળાઓમાં લીધેલું. બાવીસ વર્ષની ઉંમરે તેમણે 1897માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.

સરદાર પટેલ વિદ્યાર્થી હતા ત્યારે

વિદ્યાભ્યાસ દરમિયાન તેમનામાં નેતૃત્વની સાથે સેવાનો ગુણ પણ વિકસ્યો હતો.

તેમનાં લગ્ન અઢાર વર્ષની ઉંમરે નજીકના ગામનાં તેર વર્ષનાં ઝવેરબા સાથે થયેલાં. તેમને પહેરામણીની પ્રથા સામે તિરસ્કાર હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ

વકીલ થવાની ઇચ્છાથી તેમણે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી, ગોધરામાં વકીલાત શરૂ કરી. ત્યારબાદ બોરસદમાં વકીલાત કરતા મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ તેમને બોરસદ બોલાવી લીધા. ત્યાં વકીલાત શરૂ કરી અને વ્યવહારુ જ્ઞાન, માનવસ્વભાવની પરખ, તથા સાક્ષીની ઊલટતપાસ કરવાની કુનેહથી તેમણે ફોજદારી વકીલ તરીકે સફળતા અને નામના મેળવી. ત્રણ જ વર્ષમાં તેમને સારી એવી કમાણી થઈ. તે પછી તેમણે ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર થવાનો નિર્ણય કર્યો (1905).

આ અરસામાં વિઠ્ઠલભાઈને પણ બૅરિસ્ટર થવાની ઇચ્છા થઈ. વલ્લભભાઈએ તેમનું સૂચન માન્ય રાખીને તેમને પહેલાં વિલાયત જવા દીધા; એટલું જ નહિ, તેમનું વિલાયતનું ખર્ચ પણ પોતે ઉપાડી લીધું.

બોરસદના વસવાટ દરમિયાન મોસાળમાં પુત્રી મણિબહેનનો જન્મ એેપ્રિલ, 1903માં તથા પુત્ર ડાહ્યાભાઈનો જન્મ નવેમ્બર, 1905માં થયો હતો. વિઠ્ઠલભાઈ બૅરિસ્ટર થઈને 1908માં ભારત પાછા ફર્યા અને મુંબઈમાં વકીલાત શરૂ કરી. તેટલામાં ઝવેરબા બીમાર પડતાં વિઠ્ઠલભાઈએ તેમને સારવાર માટે મુંબઈ બોલાવી પોતાની સાથે રાખ્યાં. મુંબઈના ડૉક્ટરે ઝવેરબાનું આંતરડાનું ઑપરેશન પંદર દહાડા બાદ કરવાનું કહેતાં વલ્લભભાઈ એક ખૂન કેસ ચલાવવા આણંદ ગયા, પરંતુ ડૉક્ટરે ઝવેરબાનું ઑપરેશન તુરત જ કર્યું અને બીજે જ દિવસે તે અવસાન પામ્યાં (1908). તેનો તાર વલ્લભભાઈ અદાલતમાં દલીલો કરી રહ્યા હતા ત્યારે મળ્યો; પરંતુ દલીલો પૂરી કરીને સાંજે તારના સમાચાર જાહેર કર્યા. અંતિમ સમયે પોતે પત્નીને ન મળી શક્યા તેનો અફસોસ તેમને કાયમ માટે રહ્યો. આ વખતે તેમની ઉંમર માત્ર 33 વર્ષની હતી. તેમને બીજાં લગ્ન કરવા સગાંવહાલાંઓએ સમજાવ્યા, પરંતુ તેમણે માન્યું નહિ.

ત્યારબાદ વિઠ્ઠલભાઈનાં પત્ની દિવાળીબહેન બીમાર થતાં વલ્લભભાઈએ તેમને બોરસદ બોલાવી તેમની સારવાર કરી; પરંતુ તેમનું પણ 1910ની શરૂઆતમાં અવસાન થયું. આ બનાવો બંને ભાઈઓના અતૂટ સ્નેહનાં ઉદાહરણો છે. આને કારણે વલ્લભભાઈનું બૅરિસ્ટર થવા માટે વિલાયત જવાનું મોડું થયું, તેઓ ઑગસ્ટ, 1910માં વિલાયત ગયા. આ પહેલાં તેમણે પોતાનાં પુત્ર અને પુત્રીને મુંબઈમાં સેન્ટ મેરી શાળાનાં કુમારી વિલ્સનને ત્યાં અંગ્રેજીના અભ્યાસ માટે મૂક્યાં.

વલ્લભભાઈએ લંડનમાં મિડલ ટેમ્પલમાં બૅરિસ્ટરની પરીક્ષા માટે  નોંધણી કરાવી. બૅરિસ્ટર થવા માટેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો. વલ્લભભાઈએ પૂરી પરીક્ષા જૂન, 1912માં આપી અને પહેલા વર્ગમાં પહેલે નંબરે પાસ થયા. તેથી તેમને પચાસ પાઉન્ડનું રોકડ ઇનામ મળ્યું.

તેમના રહેઠાણથી મિડલ ટેમ્પલનું પુસ્તકાલય આશરે પંદર કિમી. દૂર હતું. વલ્લભભાઈ દરરોજ સવારે નવ વાગ્યે ચાલતા ત્યાં પહોંચતા અને સાંજે છ વાગ્યા સુધી ત્યાં જ વાંચતા. બપોરનું ખાણું પણ ત્યાં જ લેતા. સાંજે ચાલતા પાછા રહેઠાણે આવતા. આમ અઢી વર્ષ સુધી રોજ દસ કલાક સુધી વાંચીને તેમણે ઉત્તમ પરિણામ મેળવ્યું.

બૅરિસ્ટર થઈને વલ્લભભાઈ 1913ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. આ દરમિયાન વિઠ્ઠલભાઈએ મુંબઈની ધીકતી વકીલાત છોડીને લોકસેવાનું કાર્ય સ્વીકાર્યું. એટલે બંને ભાઈઓએ નિર્ણય કર્યો કે વિઠ્ઠલભાઈ લોકસેવા કરે અને વલ્લભભાઈ વકીલાત કરીને ઘરખર્ચ ઉપાડે.

વલ્લભભાઈએ જાહેર જીવનની શરૂઆત અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે 1917માં કરી. અમદાવાદ નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સરકારે અંગ્રેજ જે. એ. શિલિડીની નિયુક્તિ કરી. તે આપખુદ અને તુંડમિજાજી હતો તથા મ્યુનિસિપલ બોર્ડના ઠરાવોની અવગણના કરતો હતો. વલ્લભભાઈએ તેનાં કેટલાંક ગેરકાનૂની કૃત્યોના દસ્તાવેજો એકત્ર કરીને તેને હોદ્દો છોડી દેવાની ફરજ પાડી. અમદાવાદ નગરપાલિકામાં ઇજનેરની જગા ખાલી પડતાં બે હિન્દી લાયક ઉમેદવારો હોવા છતાંયે ઉત્તર વિભાગના કમિશનર પ્રૅટના દબાણથી મેકાસે નામના રેલવેના નિવૃત્ત ઇજનેરની નિયુક્તિ કરાઈ. તે આ જગા માટે લાયકાત ધરાવતો ન હતો. એટલે લોકોની પાણીના પુરવઠા માટેની તથા અન્ય ફરિયાદો ઊઠતાં તેને રાજીનામું આપવાની ફરજ પાડી. વલ્લભભાઈએ આ રીતે અમદાવાદ નગરપાલિકામાં શુદ્ધ અને તટસ્થ વહીવટ ચલાવવા માટે જરૂરી સાફસૂફી પણ કરી.

અમદાવાદના કૅમ્પવિસ્તારમાં લશ્કરી છાવણી હતી. તે સમયે ત્યાં અંગ્રેજ અમલદારો રહેતા. તેમને નગરપાલિકા તરફથી શહેરના પાણીના દર કરતાં નીચા દરે પાણી અપાતું. વલ્લભભાઈને આ ભેદભાવ ખૂંચ્યો. તેમણે બોર્ડમાં ઠરાવ પસાર કરાવીને કૅમ્પવિસ્તાર માટે પણ પાણીના એકસરખા દર ઠરાવ્યા. ગોરાઓના ભારે વિરોધ છતાંયે પ્રમુખ તરીકે વલ્લભભાઈએ તેનો કડક અમલ કરાવ્યો.

અમદાવાદની વધતી જતી વસ્તી માટે પાણીનો પુરવઠો ઓછો પડતો હોવાથી તેમણે નવું વૉટર વકર્સ તૈયાર કરાવ્યું. તેથી પાણીનો પ્રશ્ન હળવો થયો. અમદાવાદની ગટરવ્યવસ્થાને સુધારીને વિસ્તારી. અમદાવાદ શહેરની ગીચતા ઓછી કરવા એલિસબ્રિજ, કાંકરિયા વગેરે વિસ્તારોમાં ઉપનગરો ઊભાં કરવાનું આયોજન કર્યું. ગાંધી રોડ પરનું દબાણ ઓછું કરવા રિલીફ રોડની યોજના તૈયાર કરી. શહેરના જૂના દરવાજાની દીવાલો તોડાવીને રસ્તા પહોળા કરાવ્યા. શહેરના ઉપરસ્તા, ગલીઓ વગેરેમાં પથ્થરો જડાવીને ગંદકી નાબૂદ કરી. સાબરમતીને કાંઠે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ તથા તેને સંલગ્ન શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ બાંધવા 31 એકર જમીન ફાળવી અને તે માટે દાન મેળવ્યાં. શહેરને સુશોભિત કરવા બાગ-બગીચા તથા બાલ-ક્રીડાંગણોનું આયોજન કર્યું.

1917માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે શહેરમાં જ રહીને તેમણે તે નાબૂદ કરવાની કપરી કામગીરી બજાવી. 1917-18માં અમદાવાદ જિલ્લામાં દુષ્કાળ પડતાં લોકોને રાહત આપવાની નમૂનેદાર વ્યવસ્થા ગોઠવી. આ માટે ગાંધીજીએ વલ્લભભાઈને મુબારકબાદી આપી હતી.

વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણને સરકારી અંકુશમાંથી મુક્ત કરીને તેને સુધરાઈ હસ્તક લેવાનો બોર્ડ પાસે ઠરાવ કરાવ્યો. સરકારે ‘અંકુશ નહિ તો ગ્રાન્ટ નહિ’ની નીતિ અપનાવી તથા કમિશનરની ભલામણથી સરકારે અમદાવાદ નગરપાલિકાને બરતરફ કરીને તેનો વહીવટ પોતાને હસ્તક લીધો.

વલ્લભભાઈએ લોકશિક્ષણ મંડળ સ્થાપીને રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેને માટે માતબર ભંડોળ એકઠું કર્યું. મંડળની 43 શાળાઓમાં 8,400 વિદ્યાર્થીઓ જોડાયા, જ્યારે સરકાર સંચાલિત 53 શાળાઓમાં ફકત 2,000 વિદ્યાર્થીઓ રહ્યા હતા. વલ્લભભાઈએ રાષ્ટ્રીય શાળાઓ મારફત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કર્યું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના વિકસે તેવો સરકારને ભય લાગતાં તેણે 1922માં સુધરાઈને શાળાઓ સોંપી દીધી.

જુલાઈ, 1927માં અમદાવાદ તથા ગુજરાતના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ. વલ્લભભાઈએ સાથીદારો સાથે રાત-દિવસ ફરીને લોકોને રાહત પહોંચાડી. આ વખતે તેઓ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા. એટલે સમિતિના સભ્યોને રાહત કામમાં જોડ્યા તેમજ રાહતને માટે નમૂનેદાર વ્યવસ્થા ગોઠવી.

આમ, અમદાવાદ સુધરાઈનું પ્રમુખપદ તેમને માટે જાહેર સેવાનું તાલીમકેન્દ્ર બન્યું. તેમણે સુધરાઈને નમૂનેદાર સ્વાયત્ત સંસ્થા બનાવી. આમાં ગણેશ વાસુદેવ માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, હરિપ્રસાદ મહેતા વગેરેનો સહકાર મળ્યો હતો. 1927 બાદ રાષ્ટ્રીય રાજકારણમાં ભારે વ્યસ્ત રહેતાં તેમણે સુધરાઈનું પ્રમુખપદ છોડી દીધું. ત્યારબાદ ક્રમશ: તેઓ અગ્રગણ્ય રાષ્ટ્રીય નેતાના સ્થાને પહોંચ્યા.

ગાંધીજી 1915ના પ્રારંભમાં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા ત્યારે સત્યાગ્રહી નેતા તરીકે સર્વત્ર આવકાર પામ્યા હતા. શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજીથી પ્રભાવિત થયા ન હતા; પરંતુ એપ્રિલ, 1917માં જિલ્લા મૅજિસ્ટ્રેટે ચંપારણમાંથી હદપારીના આપેલ હુકમનો ગાંધીજીએ અનાદર કર્યો અને તેમના પર કેસ ચાલતાં તેમણે અદાલતમાં જે ગૌરવયુક્ત નિવેદન કર્યું તે વર્તમાનપત્રોમાં વાંચીને સરદારને ગાંધીજીના વિરલ વ્યક્તિત્વની પ્રતીતિ થઈ અને તેઓ તેમના અનુયાયી બન્યા.

ગુજરાતના રાજકીય પ્રશ્નોની રજૂઆત કરવા માટે 1884માં અમદાવાદમાં ગુજરાત સભાની સ્થાપના થઈ હતી. વલ્લભભાઈ 1915માં તેના સભ્ય બન્યા હતા. તેમની સલાહથી સભાએ ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ તરીકે 1917માં ચૂંટ્યા. પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે 1917માં ગોધરામાં યોજાઈ, જેમાં સભાને રાષ્ટ્રીયતાનું સ્વરૂપ અપાયું. તેમાં પણ ગાંધીજીની સાથે વલ્લભભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1921માં ભરૂચમાં ગુજરાત રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન વલ્લભભાઈના પ્રમુખપદે મળ્યું. તેમણે આ અધિવેશનમાં કોમી એકતા, દારૂનિષેધ, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય કેળવણી અને સ્વદેશીની ભાવના ઉપર સચોટ દલીલો કરીને સુંદર પ્રકાશ પાડ્યો.

1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ તથા જીવાતને લીધે ચાર આની કરતાં પણ ઓછો પાક થયો. તેથી તે વર્ષનું મહેસૂલ કાયદેસર મોકૂફ રાખવું જોઈએ; પરંતુ ગુજરાતના કમિશનર પ્રૅટે અમલદારોના ખોટા હેવાલથી દોરવાઈ જઈને તે વસૂલ કરવાનો આગ્રહ રાખ્યો. ખેડા જિલ્લાના ખેડૂતોએ ગાંધીજી તથા વલ્લભભાઈની આગેવાની નીચે સત્યાગ્રહ કર્યો અને સરકારી મહેસૂલ ભરવાનો ઇનકાર કર્યો. આ વખતે ગાંધીજી ચંપારણ સત્યાગ્રહમાં વ્યસ્ત હતા. એટલે ખેડા-સત્યાગ્રહનું સંચાલન બહુધા વલ્લભભાઈ પટેલને હસ્તક આવ્યું. સરકારી ધમકીઓ-જપ્તીઓ વચ્ચે પણ છ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રહ્યો. છેવટે સમૃદ્ધ ખેડૂતો મહેસૂલ ભરી દે તો સામાન્ય ખેડૂતોનું મહેસૂલ સરકાર મુલતવી રાખે તેવું સમાધાન થયું.

ગાંધીજીએ લખ્યું કે આ લડતમાં પોતાને વલ્લભભાઈ જેવા કુશળ સેનાપતિ મળ્યા. તે ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. આ લડત શરૂ કરવામાં ખેડા જિલ્લાના સ્થાનિક આગેવાનો, કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા તથા શંકરલાલ દ્વારકાદાસ પરીખનો ફાળો મહત્ત્વનો હતો.

સરકારે લોકોનું વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય ઝૂંટવી લેતાં અન્યાયી અને જુલમી રૉલેટ કાયદો 1919માં પસાર કર્યો. તે સામે થયેલા આંદોલન દરમિયાન અમદાવાદમાં હિંસક બનાવોથી દૂર રહેવા માટે લોકોને સમજાવવાની ભારે જહેમત વલ્લભભાઈએ કરી હતી.

અસહકારનું આંદોલન શરૂ થતાં વલ્લભભાઈએ વિદેશી કપડાંનો ત્યાગ કરીને ખાદી ધારણ કરી. રાજકીય તથા રચનાત્મક કાર્યક્રમોને તેમના નેતૃત્વ તળે ગુજરાતમાં સારો એવો પ્રતિભાવ સાંપડ્યો. ગાંધીજીએ 1920માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણવિષયક બાજુ તેના નિષ્ણાતો પર છોડી દઈને વલ્લભભાઈએ તેને નાણાકીય બાબતમાં નિશ્ર્ચિંત બનાવી. એ રીતે પછીથી વલ્લભવિદ્યાનગરની સ્થાપના તથા વિકાસમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું. વેડછી તથા બારડોલી આશ્રમના વિકાસમાં પણ સરદાર ખૂબ સક્રિય રહેલા.

અમદાવાદમાં ડિસેમ્બર, 1921માં યોજાયેલ કૉંગ્રેસ અધિવેશનની સ્વાગતસમિતિના પ્રમુખ તરીકે તેમણે ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરી હતી. આ સમયે તેમની વ્યવસ્થાશક્તિનો બધાંને પરિચય થયો, જેનું પૂર્ણ સ્વરૂપ હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં 1938માં જોવા મળ્યું. બારડોલી-તાલુકામાં ના-કરની લડત શરૂ કરવાનો ઠરાવ થયો હતો, પરંતુ અસહકારની ચળવળમાં હિંસા થવાથી ગાંધીજીએ લડત મોકૂફ રાખતાં આ કાર્યક્રમ બંધ રહ્યો.

માર્ચ, 1922માં ગાંધીજી ગિરફતાર થતાં વલ્લભભાઈએ ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમ ઉપાડી લીધો. ગૂજરાત વિદ્યાપીઠનું હાલનું મકાન બંધાવવા રૂપિયા દસ લાખનું ભંડોળ એકઠું કર્યું. પરદેશી કાપડ નહિ વેચવા માટે વેપારીઓને સમજાવવા સરદારે અમદાવાદ અને ગુજરાતમાં સ્વયંસેવક દળ ઊભું કર્યું. સ્વરાજ પક્ષના ધારાસભાપ્રવેશના કાર્યક્રમ સામે અણગમો વ્યક્ત કરીને વલ્લભભાઈએ રચનાત્મક કાર્યક્રમ ચાલુ રાખ્યો.

નાગપુર કૉંગ્રેસ સમિતિની રાહબરી નીચે 13મી એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ કાઢવામાં આવ્યું. જિલ્લા મૅજિસ્ટ્રેટે સિવિલ લાઇન્સમાંથી સરઘસ લઈને જવાની મનાઈ કરી અને તે તરફ જતા સરઘસના સ્વયંસેવકોને પોલીસોએ મારઝૂડ કરીને ઘાયલ કર્યા. આમાંથી નાગપુર ઝંડા સત્યાગ્રહ શરૂ થયો.

નાગપુર-સત્યાગ્રહનું સુકાન વલ્લભભાઈએ સંભાળ્યું. તેમની સૂચના પ્રમાણે ગુજરાત પ્રાંતિક સમિતિએ ગુજરાતના યુવાનોને તે સત્યાગ્રહમાં જોડાવા હાકલ કરી, જેના જવાબમાં મોહનલાલ પંડ્યા, ડૉ. ચંદુલાલ દેસાઈ, ડૉ. ઘિયા, રવિશંકર મહારાજ અને ફૂલચંદ શાહના નેતૃત્વ હેઠળ ગુજરાતથી સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીઓ ગઈ અને તેમણે સૌએ ધરપકડ વહોરી. ભક્તિબા દેસાઈ પણ બહેનોની ટુકડી સાથે નાગપુર પહોંચ્યાં હતાં. દરમિયાન દેશના અન્ય ભાગોમાંથી પણ સત્યાગ્રહી ટુકડીઓ નાગપુર પહોંચી હતી. એ સત્યાગ્રહમાં કુલ 1,748 સત્યાગ્રહીઓએ જેલની યાતનાઓ વેઠી હતી.

છેવટે વિઠ્ઠલભાઈ પટેલ, મુંબઈ પ્રાંતના ગવર્નર વગેરેની મધ્યસ્થીથી વલ્લભભાઈ સાથેની વાટાઘાટો બાદ સિવિલ લાઇન્સમાંથી રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ લઈ જવાની છૂટ આપવામાં આવી. આ રીતે તેમની કુનેહભરી નેતાગીરીથી નાગપુર ઝંડા સત્યાગ્રહનો ઑગસ્ટ, 1923માં સફળ અંત આવ્યો. બધા સત્યાગ્રહીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. નાગપુર ઝંડા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ દેશનેતા તરીકે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બન્યા.

ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં 1923ના વર્ષ દરમિયાન બાબર દેવા નામના બહારવટિયાનો ત્રાસ હતો. સ્થાનિક પોલીસ ફૂટેલી હોવાથી લોકોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ હતી. આથી સરકારે બહારવટિયાઓને પકડવા માટે તાલુકામાં વધારાની પોલીસ મૂકી અને તેના ખર્ચ પેટે લોકો પાસેથી વધારાના કર કે દંડ પેટે રૂ. 2,40,074 વસૂલ કરવાનો નિર્ણય લીધો. બોરસદ તાલુકાના લોકોની રજૂઆત સરદારને ન્યાયી લાગતાં તેમણે રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, દરબાર ગોપાલદાસ વગેરેના સહકારથી તાલુકાનાં ગામેગામ સ્વયંસેવકોની ચોકી ગોઠવીને વેરો નહિ આપવા લોકોને સંગઠિત કર્યા. સરદારની જડબેસલાક ગોઠવણથી લોકો મક્કમ રહ્યા. બોરસદ સત્યાગ્રહ પાંચ અઠવાડિયાં ચાલ્યો, છેવટે મુંબઈ સરકારે 8 જાન્યુઆરી, 1924ના રોજ જાહેરનામું બહાર પાડીને વધારાનો વેરો નાબૂદ કર્યો અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે ભોગવવાનું ઠરાવ્યું. આમ તેમાં વલ્લભભાઈને જ્વલંત વિજય મળ્યો.

તેમની પ્રેરણાથી રવિશંકર મહારાજ તથા મોહનલાલ પંડ્યાએ પાટણવાડિયા તથા બારૈયા કોમમાંથી ચોરી, લૂંટફાટ કરવાની ગુનાહિત પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા, જેને પરિણામે આ કોમો આત્મશુદ્ધિને માર્ગે આગળ વધી.

સરકારે જુલાઈ, 1927માં ઠરાવ બહાર પાડીને બારડોલી તાલુકામાં 22 ટકા મહેસૂલવધારો કર્યો હતો. બારડોલી તથા ચોર્યાસી તાલુકાના ખેડૂતોની પરિષદે આ વધારો અન્યાયી હોવાનું જણાવીને તે નહિ ભરવાનો ઠરાવ કર્યો. તાલુકાના આગેવાનો કુંવરજી મહેતા, કલ્યાણજી મહેતા વગેરેએ વલ્લભભાઈનું માર્ગદર્શન માગ્યું. ખેડૂતો ફના થવા તૈયાર હોય તો સરદારે ખેડૂતોની લડતની આગેવાની લેવાનું સ્વીકાર્યું. બારડોલીમાં ચોથી ફેબ્રુઆરી, 1928ના રોજ તાલુકાની વિરાટ સભામાં ખેડૂતોએ લડત માટેની પૂરી મક્કમતાની ખાતરી આપી. વલ્લભભાઈએ છઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરને પત્ર લખી મહેસૂલવધારો રદ કરવા વિનંતી કરી, જેનો જવાબ નકારમાં આવતાં બારડોલીમાં અનાવિલ, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ એમ બધી કોમોના પ્રતિષ્ઠિત ખાતેદારોની પરિષદની ખાતરીથી તેમની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય લેવાયો તથા મહેસૂલવધારો નાબૂદ ન થાય ત્યાં સુધી ચાલુ મહેસૂલ પણ નહિ ભરવાનો ઠરાવ થયો.

સરદારે ગુજરાતના સેવાભાવી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કલ્યાણજીભાઈ, કુંવરજીભાઈ, ખુશાલભાઈ પટેલ, ડૉ. ત્રિભુવનદાસ, અબ્બાસ તૈયબજી, ડૉ. ચંદુલાલ દેસાઈ (છોટે સરદાર), દરબાર ગોપાલદાસ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ગોરધનદાસ ચોખાવાલા, ઇમામસાહેબ, ડૉ. સુમન્ત મહેતા, તેમનાં પત્ની શારદાબહેન મહેતા વગેરેની આગેવાની નીચે તાલુકામાં જુદાં જુદાં સ્થળોએ સ્વયંસેવક દળોનાં થાણાં ઊભાં કર્યાં, જેમણે ગામડાંના લોકોને લડત માટે મક્કમ રાખવામાં કીમતી ફાળો આપ્યો. મણિલાલ કોઠારીએ લડત માટે મોટું ભંડોળ એકઠું કર્યું. જુગતરામ દવે તથા કલ્યાણજી મહેતાએ પત્રિકા-પ્રકાશનનો વિભાગ સંભાળ્યો. મુંબઈનાં દૈનિકોએ સરદારનાં ભાષણો તથા પત્રિકાનાં લખાણોનો પ્રચાર કર્યો. ઇમામસાહેબે મુસ્લિમોને પ્રોત્સાહન આપ્યું. કાઠિયાવાડમાં ફૂલચંદ શાહ, તેમનાં પત્ની શારદાબહેન, ભાઈ શિવાનંદ તથા રામનારાયણ ના. પાઠકની મંડળીએ તાલુકાનાં ગામે ગામે ફરીને સ્વરચિત સત્યાગ્રહી ગીતોનો ફેલાવો કરીને લોકોને જાગ્રત કર્યા. મીઠુબહેન પીટિટ, ભક્તિબા દેસાઈ, શારદાબહેન મહેતા વગેરેએ બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો. સરદાર પણ સ્વામી આનંદ સાથે ગામડાંઓમાં ફરતા રહ્યા. આમ બારડોલી સત્યાગ્રહથી ગુજરાતને તથા દેશને સરદારની શ્રેષ્ઠ વ્યવસ્થાશક્તિનો પરિચય થયો તથા તેમના દ્વારા સ્થાનિક નેતાગીરીનું ઘડતર થયું.

સરકારે દમનનો કોરડો વીંઝ્યો. લોકોએ તાળાબંધી કરીને તથા જપ્તી-અમલદારોનો સખત બહિષ્કાર કરીને લડતને નિર્બળ બનાવવાના સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. ગાંધીજીને વલ્લભભાઈની નેતાગીરીમાં શ્રદ્ધા હતી. તેમણે ‘નવજીવન’માં લેખો લખીને તાલુકાના લોકોની ત્યાગભાવના તથા શૂરવીરતાને બિરદાવી તથા સરકારી દમનની ઝાટકણી કાઢી.

સરદારનાં લડત દરમિયાનનાં વેધક ભાષણોએ લોકો પર જાદુઈ અસર કરી.

ગવર્નર જનરલ તથા તેમની સંમતિથી ધારાસભ્ય રા. સા. દાદુભાઈ તથા નાણામંત્રી સર ચુનીલાલ મહેતાએ સરદાર સાથે પુણેમાં કરેલી વાટાઘાટોને પરિણામે સમાધાન થયું.

તપાસ સમિતિએ માત્ર 5.7 %નો વધારો સૂચવ્યો, જે સરકાર તથા સરદાર બંનેએ માન્ય રાખતાં આઠ માસથી ચાલતા સત્યાગ્રહનો વિધિસર અંત આવ્યો. સફળ રીતે સત્યાગ્રહની નેતાગીરી કરવા બદલ વલ્લભભાઈને લોકોએ ‘સરદાર’નું બિરુદ આપ્યું. લડતના યશમાં ખેડૂતોની અખૂટ સહનશક્તિ તથા તેમના સાથીઓની નિષ્ઠાભરી વફાદારીનો ફાળો સ્પષ્ટ હતો.

જેના વિજયના અંતે વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ પ્રાપ્ત થયું તે બારડોલી સંગ્રામ સમયે ગ્રામજનોને સંબોધતા સરદાર પટેલ

આ દરમિયાન સૂરત જિલ્લા તથા આસપાસનાં દેશી રાજ્યોમાં દારૂનિષેધની પ્રવૃત્તિ ચલાવવા સરદારના પ્રમુખપદે દારૂનિષેધ મંડળ સ્થપાયું હતું. આ સત્યાગ્રહ પછી આ પ્રવૃત્તિ પણ વેગીલી બની.

આ સત્યાગ્રહ બાદ સરદારની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ગુજરાત બહારના પ્રદેશોમાં પણ વિસ્તર્યું. માર્ચ, 1929માં મોરબી મુકામે યોજાયેલ પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદેથી તેમણે કાઠિયાવાડના લોકોને રાષ્ટ્રીય ચેતના વિકસાવવાનો તથા નીડરતા દાખવવાનો સંદેશો આપ્યો. મે, 1929માં મહારાષ્ટ્રના વાંદરા ગામે થયેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખપદેથી તેમણે સરકારી મહેસૂલવધારા સામે મક્કમ અને સંગઠિત લડત આપવા ખેડૂતોને અનુરોધ કર્યો. રાજગોપાલાચારી તથા ગાંધીજીના આગ્રહથી તમિળનાડુના વેદારણ્ય ગામે ઑગસ્ટ, 1929માં યોજાયેલ તમિળનાડુ રાજકીય પરિષદનું પ્રમુખપદ તેમણે સ્વીકાર્યું. પ્રમુખ તરીકેનાં તથા તમિળનાડુના ઘણા વિસ્તારોમાં તેમણે કરેલાં વક્તવ્યોથી દક્ષિણ ભારતના ખેડૂતોમાં નૂતન ચેતના પ્રગટી. ત્યાંના બ્રાહ્મણ તથા બ્રાહ્મણેતર લોકો વચ્ચેના વિખવાદ સામે સરદારે આકરા પ્રહારો કર્યા અને આ ભેદભાવ ઘટાડવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ સામે પણ દક્ષિણના લોકોને ભારે સૂગ હતી. તે પણ ઓછી કરવામાં સરદારનાં ભાષણોએ નોંધપાત્ર કાર્ય કર્યું.

તમિળનાડુથી પાછા ફરતાં સરદાર કર્ણાટકના નેતા ગંગાધરરાવ દેશપાંડેના આગ્રહથી બે દિવસ કર્ણાટકમાં રોકાયા અને ત્યાં ગામડાંમાં અનેક સભાઓને સંબોધી. ખેડૂતોને અમલદારો, જપ્તી, જેલ, જમીનદારોનો ભય તજવા તથા દારૂ-તાડી, પરદેશી કાપડનો ત્યાગ કરવા હૃદયસ્પર્શી વાણીમાં અનુરોધ કર્યો. ગંગાધરરાવને સરદારની વાણીમાં લોકમાન્ય ટિળકની તેજસ્વી તથા વેધક વાણીની ઝાંખી થઈ. ડિસેમ્બર, 1929માં તેઓ બિહાર ગયા અને ચંપારણ તથા અન્ય જિલ્લાઓનાં ગામડાંમાં યોજાયેલ અનેક સભાઓમાં ખેડૂતોને સંબોધીને સરકારી અમલદારો તથા જમીનદારોના શોષણ સામે સાવધ રહેવા આગ્રહ કર્યો. આમ 1929ના વર્ષ દરમિયાન તેમણે ગુજરાત ઉપરાંત દક્ષિણ તથા ઉત્તર ભારતના ખેડૂતોને 1930માં આવી પડનારી સવિનય કાનૂનભંગની લડત માટે માનસિક રીતે તૈયાર કર્યા.

મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12મી માર્ચ, 1930ના રોજ 78 સાથીદારો સાથે સાબરમતી આશ્રમેથી દાંડીકૂચ કરી.

ગાંધીજીની દાંડીયાત્રા અગાઉ વચ્ચે આવતા પ્રદેશોના લોકોને લડત માટે તૈયાર કરવા સરદારે ખેડા જિલ્લામાં અનેક સભાઓ સંબોધી. આવી એક સભા બોરસદ તાલુકાના રાસ ગામે 7મી માર્ચ, 1930ના રોજ તેમણે ગોઠવી. ત્યાં હજારો માણસો એકત્ર થયા; પરંતુ સરદાર ભાષણ આપે તે પહેલાં તેમની ધરપકડ કરીને તેમને ત્રણ માસની કેદ અને રૂ. 500નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ અઠવાડિયાંની સજા કરવામાં આવી. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા. અમદાવાદમાં સાબરમતીના કિનારે ગાંધીજીના પ્રમુખપદે મળેલી માનવમેદનીએ સરદારની આ ધરપકડનો વિરોધ કરીને લડતમાં જોડાવાની પ્રતિજ્ઞા લીધી. રાસ ગામના મુખી અને તમામ રાવણિયાઓએ રાજીનામાં આપ્યાં. એક કલાલે તો પોતે જ પોતાનું દારૂનું પીઠું બંધ કરી દીધું. સરદારે જેલવાસ દરમિયાન 7 માર્ચ, 1930થી 22 એપ્રિલ, 1930 સુધી ડાયરી લખેલી. તેમાં તેમના ભક્તિપૂર્ણ હૃદયની, ગુજરાત પ્રત્યેની તેમની ઊંડી મમતા તથા ગાંધીજી પરત્વેના તેમના પૂજ્યભાવની ઝાંખી થાય છે.

સરદાર પટેલ : રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે

કારાવાસ ભોગવીને સરદાર 27 જૂન, 1930ના રોજ બહાર આવ્યા ત્યારે ગાંધીજી સહિતના મોટાભાગના નેતાઓ જેલમાં હતા; આમ છતાં લડત પુરજોશમાં ચાલુ હતી. સરકાર કૉંગ્રેસ સાથે સમાધાન કરવા ઇચ્છતી હતી એટલે તેણે કૉંગ્રેસના બધા જ નેતાઓને મુક્ત કર્યા અને છેવટે ગાંધી-ઇર્વિન કરાર થતાં લડત મોકૂફ રખાઈ. માર્ચ, 1931ના અંતે કરાંચીમાં યોજાયેલ કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે સરદારની વરણી થઈ, જ્યાં તેમણે ટૂંકું અસરકારક વ્યાખ્યાન આપ્યું.

લૉર્ડ ઇર્વિનના સ્થાને એપ્રિલ, 1931માં લૉર્ડ વિલિંગ્ડનની ભારતના વાઇસરૉય તરીકે નિયુક્તિ થઈ. તે રૂઢિચુસ્ત પક્ષના હતા, તથા કૉંગ્રેસ સામે સખ્તાઈથી કામ લેવાના મતના હતા. એટલે ગાંધી-ઇર્વિન કરારની કેટલીક કલમોનો ભંગ કરીને શાંત પિકેટિંગ કરતા સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. દમન તથા કારાવાસનો દોર છૂટો મૂકવામાં આવ્યો. આ વખતે ગાંધીજી કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા. ત્યાંથી તેઓ નિરાશા સાથે ડિસેમ્બર, 1931માં ભારત પાછા ફર્યા ત્યારે સરકારી દમન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, જેથી તેમને ફરી સત્યાગ્રહ શરૂ કરવાની ફરજ પડી. સરકારે જવાહરલાલ, ખાન અબ્દુલ ગફારખાન વગેરે નેતાઓની ધરપકડ કરી હતી અને ગાંધીજી તથા સરદારની 4 જાન્યુઆરી, 1932ના રોજ ધરપકડ કરીને તેમને યરવડા જેલમાં મોકલી આપ્યા.

ગાંધીજીને 8 મે, 1933ના રોજ મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે સરદાર વિશે લખ્યું કે, ‘તેમની સાથે સોળ માસ જેલમાં રહ્યો તે મારા જીવનનો એક લહાવો હતો. તેમની અદ્વિતીય શૂરવીરતા અને જ્વલંત દેશપ્રીતિની તો મને જાણ હતી જ, પરંતુ મને તેમની માતૃવત્સલ સેવાભાવનાનો જેલમાં લાભ મળ્યો તે મારા જીવનનું મોટું સદ્ભાગ્ય હતું.’ ગાંધીજીના છુટકારા બાદ સરદારને નાશિક જેલમાં ખસેડવામાં આવ્યા.

14 જુલાઈ, 1934ના રોજ સરદાર નાશિક જેલમાંથી મુક્ત થયા કે તરત જ તેઓ રચનાત્મક કાર્યક્રમમાં લાગી ગયા. જેલમાં તેઓ ધાર્મિક વાચનની સાથે નિયમિત કાંતણકામ કરતા. બ્રિટિશ સરકારે 1935માં હિંદની સરકારનો ધારો પસાર કર્યો, જે અનુસાર પ્રાંતોમાં મર્યાદાઓ સાથે પ્રાંતિક સ્વાયત્તતા આપવાની જોગવાઈ કરવામાં આવી. તેના અમલ માટે થયેલી સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસનું ચૂંટણી પ્રચારકાર્ય સરદારે સંભાળ્યું, જેને પરિણામે 11 પ્રાંતોમાંથી કૉંગ્રેસને છ પ્રાંતોમાં બહુમતી મળી. સરહદ પ્રાંત તથા આસામમાં કૉંગ્રેસને સૌથી વધારે બેઠકો મળી હોવાથી કૉંગ્રેસ સંચાલિત મિશ્ર સરકારો રચાઈ, આમ આઠ પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો રચાઈ; જ્યારે બંગાળ, પંજાબ અને સિંધમાં બિનકાગ્રેસી સરકારો રચાઈ. સરદારે કૉંગ્રેસની મુંબઈ સરકાર પાસે પહેલું કામ 193233ની લડત દરમિયાન ખેડૂતોની જપ્ત થયેલી જમીનો પાછી અપાવવાનું, દંડ પરત કરવાનું તથા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા ન હોય તેવા રાજદ્વારી કેદીઓને મુક્તિ અપાવવાનું કરાવ્યું.

1934ના અંતભાગમાં દિલ્હીની વડી ધારાસભાની ચૂંટણી થવાની હતી. તેમાં મુંબઈને ફાળે બે બેઠકો હતી. કૉંગ્રેસ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે બંને બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારો મૂકવાનો આગ્રહ રાખ્યો. નરીમાને ઉમેદવારી નોંધાવી, પરંતુ બીજા ઉમેદવાર પારસી  અપક્ષ સર કાવસજી હોવાથી નરીમાને કૉંગ્રેસને બીજો ઉમેદવાર ન મૂકવો તેવી રજૂઆત કરી, જે સરદારને અયોગ્ય લાગતાં અમાન્ય કરી. તેથી નરીમાન ચૂંટણીમાંથી ખસી જતાં સરદારે ડૉ. દેશમુખ તથા કનૈયાલાલ મુનશીને કાગ્રેસી ઉમેદવાર તરીકે મૂક્યા, પરંતુ નરીમાને સર કાવસજીની તરફેણમાં પરોક્ષ પ્રચાર કરતાં ડૉ. દેશમુખ ચૂંટાયા પરંતુ કનૈયાલાલ મુનશી કાવસજી સામે પરાજિત થયા. આ માટે નરીમાન દોષિત જણાયા.

1937માં મુંબઈ ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે સભ્યોએ બાળાસાહેબ ખેરને સર્વાનુમતે ચૂંટ્યા એટલે તે મુંબઈ પ્રાંતના મુખ્ય પ્રધાન બન્યા. નરીમાનને આ પદ માટે મહેચ્છા હતી. તેથી તેમણે આક્ષેપ કર્યો કે સરદારે પોતાની લાગવગથી તેમને મુખ્ય પ્રધાન બનતા રોક્યા છે. આ બંને કિસ્સાઓમાં ઘણાં નિવેદનો તથા પ્રતિનિવેદનો થયાં. છેવટે નરીમાને તથા સરદારે ગાંધીજી તથા બહાદુરજીની લવાદી સ્વીકારી અને તેમણે યોગ્ય રીતે સરદારની તરફેણમાં ચુકાદો આપ્યો, તેનો પણ નરીમાને અસ્વીકાર કર્યો. છતાં સરદારે આ બાબત કોઈ કડવાશ રાખી નહિ. નરીમાને આ પછી કરેલાં નિવેદનોની પણ ઉપેક્ષા કરી, એટલું જ નહિ, પરંતુ 1947ના અંતમાં મુંબઈ કૉર્પોરેશનની થયેલી ચૂંટણીમાં નરીમાનને કૉંગ્રેસ-ઉમેદવાર તરીકે ચૂંટાવામાં તથા તેમને પક્ષના નેતા બનાવવામાં પણ સરદારે સહાય કરી. નરીમાન કામસર દિલ્હી ગયા હતા ત્યાં એક હોટેલમાં 4 ઑક્ટોબર, 1948ના રોજ હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું, સરદારને આની જાણ કરાતાં તુરત તેમણે નરીમાનના ભાઈ તથા પત્નીની ઇચ્છાનુસાર મૃતદેહને ખાસ વિમાનમાં મુંબઈ મોકલી આપવાની વ્યવસ્થા કરી.

સૂરત પાસે હરિપુરા ગામ નજીક સરદારે 1938ના કૉંગ્રેસ અધિવેશનનું આયોજન કરેલું. તેમાં તેમની વ્યવસ્થાશક્તિનાં દર્શન થયાં. તેમના માર્ગદર્શન હેઠળ 51 દરવાજાવાળું વિઠ્ઠલનગર ઊભું કરવામાં આવ્યું. આ દરવાજાઓને નંદબાબુએ વિશિષ્ટ ચિત્રોથી કલામય રીતે શણગાર્યા. ખાદી અને ગ્રામોદ્યોગોનું ભવ્ય કલામય પ્રદર્શન પણ યોજાયું. આશરે 20 હજાર માણસોના ભોજનની તથા 50 હજાર માણસોની રહેવાની, સ્વચ્છતાની વગેરે વ્યવસ્થા તેમની દેખરેખ નીચે રવિશંકર મહારાજ અને જુગતરામ દવેએ સંભાળી. અધિવેશનના વરાયેલ પ્રમુખ તરીકે સુભાષબાબુનું સરદારે શાનદાર સ્વાગત કર્યું. આમ સરદારયોજિત હરિપુરા કૉંગ્રેસ અધિવેશન કૉંગ્રેસના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વ રહ્યું.

ત્રીસીના (1930થી 1939) દાયકામાં ગુજરાત સહિત ભારતના અન્ય પ્રદેશોનાં દેશી રાજ્યોમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે લડતો થઈ. તેમાં સરદારે માર્ગદર્શન આપ્યું, તથા સક્રિય રીતે લડતોમાં ભાગ પણ લીધો. આમ દેશી રાજ્યોની લોકજાગૃતિમાં તથા તેમની સ્થાનિક નેતાગીરીના ઘડતરમાં સરદારે મહત્ત્વનું પ્રદાન કર્યું. સૌરાષ્ટ્રમાં ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા, ધ્રોળ વગેરેમાં 1930-39નાં વર્ષો દરમિયાન લોકલડતો થઈ, તેમાં તેમની દરમિયાનગીરીથી સફળ સમાધાન થયું.

1938 તથા 1939નાં વર્ષો દેશી રાજ્યોમાં પ્રજામંડળોની સ્થાપના તથા તેમના દ્વારા થયેલી લોકલડતો માટે ઇતિહાસમાં મહત્ત્વનાં વર્ષો કહી શકાય. કાશ્મીર, જયપુર, અલવર, હૈદરાબાદ, ત્રાવણકોર અને સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા લીંબડીની લોકલડતોમાં સરદારે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન આપેલું.

આ અરસામાં ઉત્તર ગુજરાતના નાનકડા રાજ્ય માણસામાં દરબાર અને ખેડૂતો વચ્ચે તીવ્ર લડત ચાલી. દરબારે મહેસૂલવધારો કર્યો હતો. ખેડૂતોના જમીન-માલિકીના હકનો તે અસ્વીકાર કરતા હતા. ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની સલાહ અનુસાર ખેડૂતોએ માણસા દરબારને મક્કમ લડત આપી. સરદારે દરબારને ચેતવણી આપી કે જો તેઓ ખેડૂતોને ન્યાય નહિ આપે તો આખા ગુજરાતમાંથી સ્વયંસેવકો સત્યાગ્રહ માટે ત્યાં આવશે. દરબાર ગભરાયા અને તેમની સૂચનાથી તેમના દીવાને મુંબઈમાં સરદારની મુલાકાત લીધી અને ખેડૂતોના હિતમાં સમાધાન થયું.

1938-39નાં વર્ષો દરમિયાન દેશી રાજ્યોમાં થયેલા સત્યાગ્રહોમાં રાજકોટ સત્યાગ્રહ સૌથી જલદ હતો. તેમાં સરદારે સચોટ માર્ગદર્શન આપ્યું તથા સક્રિય ભાગ પણ લીધો. રાજકોટ રાજ્યનો તમામ વહીવટ કુટિલ દીવાન દરબાર વીરાવાળા હસ્તક હતો. દીવાન વીરાવાળાએ અનેક ચીજોના ઇજારા આપીને તથા જન્માષ્ટમીના જુગાર  મેળામાંથી પણ આવક ઊભી કરી. રાજકોટમાં રાજા હસ્તકની કાપડમિલના મજૂરો પાસેથી 24 કલાક કામ લેવાતું અને તેમને ઘણું ઓછું વેતન ચૂકવાતું. મજૂરોએ તંગ આવી જઈને હડતાળ પાડી. આથી સરદારના આશીર્વાદ સાથે રાજકોટના આગેવાન ઢેબરભાઈની નેતાગીરી નીચે રાજકોટ સત્યાગ્રહનું મંડાણ થયું (ઑગસ્ટ, 1938).

સરદારના પ્રમુખપદે 5 સપ્ટેમ્બર, 1938ના રોજ રાજકોટ રાજ્ય પ્રજાપરિષદ યોજાઈ. તેમાં સર્વાનુમતે જવાબદાર રાજ્યતંત્રનો ઠરાવ પસાર થયો અને રાજકોટ સત્યાગ્રહનો પ્રારંભ થયો. સત્યાગ્રહની ગંભીરતા પારખીને રાજકોટ રાજ્યે સરદાર સાથે ડિસેમ્બર, 1938માં સમાધાન કર્યું. તે મુજબ જવાબદાર રાજ્યતંત્ર આપવાનું તથા સરદારસૂચિત સાત નામો તથા રાજ્યનિયુક્ત ત્રણ નામોની સમિતિ બનાવીને રાજ્યનો વહીવટ ચલાવવાનું ઠરાવવામાં આવ્યું. બધા સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. તેમણે પ્રજા તથા રાજાને સમાધાન માટે ધન્યવાદ આપ્યા.

રાજકોટ (કાઠિયાવાડ) એજન્સીના વડા ગિબ્સન તથા દરબાર વીરાવાળાને આ સમાધાન નાપસંદ પડતાં વીરાવાળાની ઉશ્કેરણીથી ધર્મેન્દ્રસિંહજીએ સમાધાનનો ભંગ કર્યો. એટલે સરદારે ફરી સત્યાગ્રહ શરૂ કર્યો (25 જાન્યુઆરી, 1939).

સરકાર દ્વારા સત્યાગ્રહીઓ પર ભયંકર દમન ગુજારવામાં આવ્યું. કારાવાસમાંના કેદીઓ પ્રત્યે પણ અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. આની પાછળ વીરાવાળાનો દોરીસંચાર હતો. ગાંધીજીને આની જાણ થતાં તેમણે કસ્તૂરબાને તથા સરદારે મણિબહેનને સત્યાગ્રહમાં ભાગ લેવા રાજકોટ મોકલ્યાં. તેમને બંનેને મૃદુલાબહેન સારાભાઈ સાથે ત્રંબામાં નજરકેદ રાખવામાં આવ્યાં.

સત્યાગ્રહીઓ પર અમાનુષી ત્રાસ ગુજારવાના સમાચાર ગાંધીજીને મળતાં, તેઓ રાજકોટ પહોંચ્યા. તેમણે ઠાકોરસાહેબને દમન બંધ કરવા તથા સરદાર સાથે થયેલ સમાધાનનું પાલન કરવા પત્ર લખ્યો અને આમ ન થાય તો આમરણાન્ત ઉપવાસ કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. રાજ્ય તરફથી આનો અસંતોષકારક જવાબ મળતાં ગાંધીજીએ 4 માર્ચ, 1939ના રોજ આમરણાન્ત ઉપવાસ શરૂ કર્યા. તેમણે ત્રિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા ગયેલા સરદારને, ઠાકોરસાહેબને, ગિબ્સનને તથા વાઇસરૉયને તેની જાણ કરી. વાઇસરૉયે પ્રત્યુત્તર પાઠવ્યો કે આખો કેસ ભારતની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સર મૉરિસ ગ્વાયરને સોંપવો અને તેનો ચુકાદો બંને પક્ષોએ માન્ય રાખવો. ગાંધીજીએ આનો સ્વીકાર કરતાં ગાંધીજીના અનશન છૂટ્યા (7 માર્ચ, 1939).

મૉરિસ ગ્વાયરે રાજકોટ રાજ્યે સરદાર સાથેના સમાધાનનો ભંગ કર્યો હોવાનો તથા સરદારે સૂચવેલાં નામોનો સ્વીકાર કરવાનો અનુરોધ કરતો ચુકાદો આપ્યો. ચુકાદાને નિષ્ફળ બનાવવા વીરાવાળાએ સરઘસો અને દેખાવો યોજીને કોમી તથા વર્ગીય તત્ત્વોને ઉશ્કેરીને સૂચિત સમિતિમાં પોતાને પ્રતિનિધિત્વ આપવાની માગણી કરાવી. આવા કલુષિત વાતાવરણમાં ગાંધીજીએ સત્યાગ્રહીઓને ચુકાદાનો મળેલો લાભ જતો કરવાનો નિર્ણય જાહેર કર્યો. આના અનુસંધાનમાં રાજકોટની વિરાટ સભાને સંબોધતાં સરદારે જણાવ્યું કે રાજકોટની પ્રજાએ અપૂર્વ જાગૃતિ, અદ્ભુત સંગઠનશક્તિ, અજોડ ત્યાગ તથા અહિંસાની ભાવનાનાં કરાવેલ દર્શને માત્ર સૌરાષ્ટ્રની જ નહિ, પરંતુ ભારતની સમગ્ર પ્રજાને ઉમદા લોકલડતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે; જેનાથી જવાબદાર રાજ્યતંત્ર તેમજ સ્વરાજ્યને વધારે વખત રોકી શકાશે નહિ. આ પછી ટૂંક સમયમાં જ ઠાકોર ધર્મેન્દ્રસિંહજી તથા દરબાર વીરાવાળાનું અવસાન થયું.

સરદારે 1939માં વડોદરા રાજ્ય પ્રજામંડળને તેની ન્યાયી લડતમાં દોરવણી આપી. વડોદરાનાં કેટલાંક કોમી તેમજ અસામાજિક તત્ત્વોએ પ્રજામંડળની પ્રવૃત્તિમાં રુકાવટ કરીને મરાઠી-ગુજરાતી લોકો વચ્ચે તિરાડ પડાવવાના કરેલા પ્રયત્નો સરદારની હાજરીને લીધે નિષ્ફળ નીવડ્યા. છેવટે રાજ્યે કેટલાક સુધારા જાહેર કર્યા તથા ધારાસભામાં ચૂંટાયેલા સભ્યોની બહુમતી રાખવાનું સ્વીકારાતાં પ્રજામંડળની લડત સંકેલી લેવામાં આવી.

સૌરાષ્ટ્રમાં લીંબડી રાજ્યના લોકોએ 24 ડિસેમ્બર, 1938ના રોજ પ્રજામંડળની સ્થાપના કરી અને જવાબદાર રાજ્યતંત્ર તેમજ સુધારાની માગણી કરી. રાજા દોલતસિંહ વૃદ્ધ હોવાથી યુવરાજે તથા દીવાન ફતેસિંહજીએ દમનનો દોર શરૂ કર્યો. રાજ્યે કાળો કેર વર્તાવ્યો. આ સામે 300 જેટલા લોકો ઠાકોરસાહેબના મહેલ આગળ 48 કલાકના ઉપવાસ પર બેઠા, તોપણ સરકાર પર તેની કોઈ અસર ન થઈ.

સરદાર તથા ગાંધીજીને લીંબડી રાજ્યના અત્યાચારોની ખબર મળતાં, તેમણે રાજ્યને ગંભીર ચેતવણી આપતાં નિવેદનો કર્યાં. રસિકલાલ પરીખ તથા પ્રજામંડળના આગેવાનોએ લીંબડી પ્રજા પરિષદ યોજી (ફેબ્રુઆરી- 1939). તેમાં વરાયેલા પ્રમુખ દરબાર ગોપાળદાસ તથા તેમનાં પત્ની ભક્તિબાને અસામાજિક તત્ત્વોએ પરેશાન કર્યાં.

છેવટે સરદાર તથા ગાંધીજીની સલાહ અનુસાર હજારો લોકોએ લીંબડીમાંથી હિજરત કરી. ધંધૂકા પાસે વસાવેલા હિજરતનગરમાં સરદારની સૂચના અનુસાર હિજરતીઓને જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી. લોકોને મક્કમ રાખવા સરદાર તથા ગાંધીજીએ લેખો લખ્યા. આ દરમિયાન રાજા તથા યુવરાજનું અવસાન થયું. યુવરાજનો પુત્ર સગીર હોવાથી અંગ્રેજ સરકાર તરફથી રીજન્સી કાઉન્સિલ નિમાઈ. પછીથી એક જ વહીવટકર્તા હસ્તક લીંબડીનો વહીવટ મુકાયો. તેણે પ્રજામંડળ સાથે 1944માં સમાધાન કર્યું. હિજરતીઓને લીંબડી પાછા બોલાવ્યા. આ લડતમાં સરદારે હિજરતીઓના જુસ્સાને ટકાવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં ભાવનગર પ્રમાણમાં ઉદાર અને પ્રગતિશીલ રાજ્ય ગણાતું. ત્યાંના પ્રજામંડળે 14 મે, 1939ના રોજ ભાવનગર પ્રજા પરિષદ યોજવાનો નિર્ણય લીધો અને સરદારની તેના પ્રમુખ તરીકે વરણી કરી. સરદાર 14મીએ સવારે વિમાનમાં ભાવનગર આવી પહોંચતાં તેમનું સરઘસાકારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે એક સ્થાનિક મસ્જિદમાંથી હથિયારો સાથે મુસલમાનોના એક ટોળાએ સરદારની હત્યા કરવાના ઇરાદે તેમના પર હુમલો કર્યો. સરદાર બચી ગયા, પરંતુ બે કાર્યકરો માર્યા ગયા.

આમ, ઉપર્યુક્ત દેશી રાજ્યોના લોકોમાં જાગૃતિ લાવવામાં તથા સ્થાનિક નેતાગીરીનું ઘડતર કરવામાં સરદારે મહત્ત્વનું પ્રદાન કર્યું. રાજ્યોને સરદારની શક્તિનો પરિચય થયો. 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળતાં દેશી રાજ્યોનો પ્રશ્ન ઉકેલવામાં સરદારને આ અનુભવ સહાયરૂપ થયો.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારે ભારતની પ્રાંતિક સરકારોની સંમતિ વગર તેને પોતાને પક્ષે યુદ્ધમાં જોડાયેલ જાહેર કર્યું. ત્યારબાદ કાગ્રેસે શરૂ કરેલ વ્યક્તિગત સત્યાગ્રહમાં સરદારે જેલવાસ ભોગવ્યો. 1942માં વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોની સ્થિતિ કટોકટીભરી બનતાં બ્રિટિશ સરકારે ક્રિપ્સ દરખાસ્તો રજૂ કરી, જેનો કાગ્રેસે અસ્વીકાર કર્યો અને ગાંધીજીએ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ કરી. અન્ય નેતાઓની સાથે સરદારની પણ 9મી ઑગસ્ટે ધરપકડ થઈ અને તેમણે 15મી જૂન, 1945 સુધી કારાવાસ વેઠ્યો, જેની તેમની તબિયત પર ગંભીર અસર થઈ અને ઘણા સમય સુધી તેઓ આંતરડાંની બીમારીથી પીડાયા. આ પછી જૂન, 1945માં વેવલ યોજના રજૂ થઈ. તેમાં કૉંગ્રેસપ્રમુખ તરીકે મૌલાના આઝાદે મુસ્લિમ લીગની સાથે કૉંગ્રેસને સમાન બેઠકો આપવાની સંમતિ આપતો પત્ર લખીને કૉંગ્રેસના બિનસાંપ્રદાયિક સ્વરૂપનો ભંગ કરેલ તે સામે સરદારે તથા ગાંધીજીએ પણ સખત નારાજગી વ્યક્ત કરેલી.

18મી ફેબ્રુઆરી, 1946ના રોજ મુંબઈના નૌકાદળના હિંદી ખલાસીઓ તથા હિંદી નૌકાઅધિકારીઓએ સરકાર સામે સશસ્ત્ર બળવો કર્યો. સરદારની સમજાવટથી હિંદી સૈનિકો હથિયારો હેઠાં મૂકી શરણે આવ્યા. બ્રિટિશ વડાપ્રધાન ઍટલીએ કૅબિનેટ મિશનની જાહેરાત કરી. તેનો આશય શક્ય હોય ત્યાં સુધી હિંદને અખંડિત રાખીને પૂર્ણ સ્વરાજ્ય આપવાનો હતો. તેને તાત્કાલિક અમલમાં મૂકવાની યોજના અનુસાર 2 સપ્ટેમ્બર, 1946ના રોજ જવાહરલાલ નહેરુના વડાપ્રધાનપદ હેઠળ વચગાળાની રાષ્ટ્રીય સરકારની સ્થાપના થઈ. તેમાં સરદારે ગૃહખાતું સંભાળ્યું.

ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ લૉર્ડ વેવલને સ્થાને લૉર્ડ માઉન્ટબૅટનની ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્તિ કરી (માર્ચ, 1947). ભારતની વિષમ પરિસ્થિતિ પ્રત્યક્ષ નિહાળ્યા બાદ લૉર્ડ માઉન્ટબૅટનને સ્વરાજ્ય આપવા માટે દેશનું વિભાજન કરવાનો એકમાત્ર માર્ગ ઉચિત લાગ્યો. તેમણે આ માટે સરદાર, નહેરુ અને અન્ય કાગ્રેસી નેતાઓને મનાવી લીધા. આ વખતે સરદાર પટેલે ભારતની સાથે બંગાળ અને પંજાબના પણ ભાગલા પાડવા સૂચવ્યું. મહમ્મદઅલી ઝીણાને આનો સ્વીકાર કરવો પડ્યો, એટલે ‘માઉન્ટબૅટન યોજના’ને આધારે બ્રિટનની પાર્લમેન્ટે જુલાઈ, 1947માં હિંદના સ્વાતંત્ર્યને લગતો ધારો પસાર કર્યો, જેને પરિણામે દેશના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો 15મી ઑગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં આવ્યાં. આ પહેલાં ડૉ. આંબડેકર તથા સરદાર વલ્લભભાઈએ રજૂઆત કરી કે ભારતના ભાગલાની સાથે વસ્તીનું પણ ફરજિયાત સ્થળાંતર થવું ઘટે, પરંતુ તેને ગાંધીજી, નહેરુ તથા અન્ય નેતાઓનું અનુમોદન નહિ મળતાં તેનો અમલ થયો નહિ.

15મી ઑગસ્ટ, 1947ના રોજ ભારતના વાઇસરૉય તથા ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબેટન સરદાર પટેલને કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્ય(અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન)ના રૂપમાં શપથ લેવડાવી રહ્યા છે તેની તસવીર

15મી ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય સરકાર રચાઈ. વડાપ્રધાનપદ માટે કૉંગ્રેસની 12 પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈનું તથા ફક્ત 3 સમિતિઓએ જવાહરલાલ નહેરુનું નામ સૂચવ્યું, પરંતુ ગાંધીજીએ આ પદ માટે જવાહરલાલની તરફેણ કરતાં નહેરુ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન અને સરદાર નાયબ વડાપ્રધાન તથા ગૃહખાતાના પ્રધાન બન્યા.

ત્યારબાદ સરદાર પટેલની ઇતિહાસમાં અજોડ કહી શકાય એવી કામગીરી શરૂ થઈ. ભારતમાં નાનાં-મોટાં 562 દેશી રાજ્યો હતાં. 15મી ઑગસ્ટે તેમના પરથી બ્રિટિશ સાર્વભૌમત્વ નાબૂદ થયું. એટલે તેમાંનાં અમુક મોટાં રાજ્યોએ અલગ અને સ્વતંત્ર રહેવાની હિલચાલ શરૂ કરી. આમ થાય તો ભારતના અનેક ભાગલા પડે. સરદારે પોતાના બાહોશ ગૃહસચિવ વી. પી. મેનન તથા સંયુક્ત ગૃહસચિવ સી. સી. દેસાઈની સહાયથી એક જોડાણખત તૈયાર કર્યું, જેમાં દેશી રાજ્યોને પરદેશનીતિ, સંરક્ષણ તથા વાહનવ્યવહાર પૂરતું ભારતના સંઘ સાથે જોડાવાનું હતું; બાકીની આંતરિક બાબતોમાં તેઓ સ્વાયત્ત રહેવાનાં હતાં. સરદારે મીઠાશભરી વ્યક્તિગત સમજાવટથી રાજાઓમાં દેશભક્તિ જાગ્રત કરી તથા અલગ રહેવાનાં ભયસ્થાનો પણ તેમને સમજાવ્યાં. એટલે 15મી ઑગસ્ટ પહેલાં મોટાભાગનાં દેશી રાજ્યોએ જોડાણખત પર સહીઓ કરી. જોધપુર, ભોપાલ તથા ઇન્દોરના નરેશે પણ પાછળથી જોડાણખત પર સહીઓ કરી આપી.

આ પછી કાશ્મીર, હૈદરાબાદ તથા જૂનાગઢ એ ત્રણ રાજ્યો બાકી રહ્યાં. કાશ્મીર અને હૈદરાબાદે ભારત સરકાર સાથે ‘સ્ટૅન્ડ સ્ટિલ એગ્રીમેન્ટ’ કરેલો. કાશ્મીરે પાકિસ્તાન સાથે પણ તેવા કરાર કરેલા, પરંતુ કાશ્મીર પોતાની સાથે રીતસર જોડાઈ જાય તે માટે પાકિસ્તાને 22 ઑક્ટોબર, 1947ના રોજ તેના પર આક્રમણ કર્યું. તેને ખાળવા રાજ્યના લશ્કરી વડા રાજેન્દ્રસિંહ 150 સૈનિકો સાથે આગળ ધપતાં તેઓ બધા પાકિસ્તાનીઓને હાથે શહીદ થયા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને કાશ્મીરના મહારાજા હરિસિંહજીએ 26 ઑક્ટોબરના રોજ કાશ્મીરનું ભારત સાથે વિધિવત્ જોડાણ કર્યું. એટલે સરદારના આદેશ મુજબ 27 ઑક્ટોબર, 1947ના રોજ વિમાન મારફત ભારતીય લશ્કરે શ્રીનગર પહોંચીને તેનો કબજો લીધો. ભારતીય લશ્કરે હુમલાખોરોને કાશ્મીરમાંથી હાંકી કાઢ્યા. કાશ્મીરમાં લોકશાહી સરકારની સ્થાપના થઈ. સરદારની ઇચ્છા વિરુદ્ધ જવાહરલાલ કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ ગયા, જેમાં ભારતવિરોધી પશ્ચિમનાં રાષ્ટ્રોએ તે પ્રશ્નને ગૂંચવી નાખ્યો. એટલે કાશ્મીર ભારતનો ભાગ હોવા છતાંય તેને લગતી સમસ્યાનો હજુ પણ નિકાલ આવ્યો નથી. જૂનાગઢના નવાબ મહાબતખાન તથા દીવાન શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું, તેથી સરદારની પ્રેરણા હેઠળ જૂનાગઢવાસીઓની આરઝી હકૂમત (કામચલાઉ સરકાર) સ્થપાઈ. તેણે સ્વયંસેવક દળ ઊભું કર્યું; જેમાં સૌરાષ્ટ્રનાં રાજ્યોના લોકોએ સાથ આપ્યો. આરઝી હકૂમતનાં સ્વયંસેવક દળોએ જૂનાગઢનાં ઘણાં ગામડાં અને શહેરોને કબજે કર્યાં. નવાબ મહાબતખાન તથા દીવાન શાહનવાઝ ભુટ્ટો પાકિસ્તાન નાસી ગયા. જૂનાગઢના વહીવટકર્તા મેજર બર્વેએ હિંદ સરકારની શરણાગતિ સ્વીકારી (9 નવેમ્બર, 1947) એટલે હિંદ સરકારના લશ્કરે જૂનાગઢનો કબજો લીધો. આરઝી હકૂમત વિખેરી નાખવામાં આવી. સરદારની સૂચના મુજબ જૂનાગઢ રાજ્યમાં લોકમત લેવાયો, જેમાં 99.9 % લોકોએ ભારતના સંઘની તરફેણમાં મત આપતાં, તેને ભારતના સંઘ સાથે જોડી દેવામાં આવ્યું (ફેબ્રુઆરી, 1948).

દક્ષિણ ભારતના હૈદરાબાદ રાજ્યના નિઝામે 15મી ઑગસ્ટે પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર કર્યું. ત્યાંના રઝાકાર નેતા કાસિમ રઝવી તથા તેની રઝાકાર સંસ્થાએ હિંદુઓની પજવણી કરી તથા તેમને જાનમાલનું નુકસાન કર્યું. વળી હૈદરાબાદે ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરીને લશ્કરી તૈયારીઓ પણ કરી. સરદારને આ સ્થિતિ અસહ્ય લાગતાં તેમણે હૈદરાબાદ સામે પોલીસપગલું ભર્યું. તેમની સૂચના અનુસાર મેજર જનરલ જે.એન.ચૌધરીની આગેવાની નીચે ભારતીય દળોએ હૈદરાબાદ તરફ કૂચ કરી (13 સપ્ટેમ્બર, 1948) અને ચાર જ દિવસમાં હૈદરાબાદનો  તેના લશ્કરની ભારે ખુવારી કરીને કબજો લીધો (17 સપ્ટેમ્બર, 1948). કાસિમ રઝવીને જેલમાં પૂરવામાં આવ્યો અને રઝાકાર સંસ્થાને વિખેરી નાખવામાં આવી. સરદારે ચૌધરી, કનૈયાલાલ મુનશી તથા બખલે હસ્તક રાજ્યનો વહીવટ મૂક્યો. નિઝામે શરણાગતિ સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રમાંથી પોતાની ફરિયાદ પાછી ખેંચી. સરદારે તેમની પ્રત્યે ઉદારતા દાખવીને તેમને રાજ્યના બંધારણીય વડા તરીકે નિયુક્ત કર્યા.

આમ, સરદાર વલ્લભભાઈએ કડવાશ વગર વિશ્વમાં અજોડ કહી શકાય તેવી રક્તવિહીન ક્રાંતિ કરીને ભારતની એકતા તથા અખંડિતતા સિદ્ધ કરી. સરદારને લાગ્યું કે બ્રિટિશ પ્રાંતોના લોકોની જેમ દેશી રાજ્યોના લોકોને પણ પ્રજાકીય સરકારોનો લાભ મળવો જોઈએ, પરંતુ રાજાઓ તેમાં વિઘ્નરૂપ ન બને તે માટે તેમણે રાજાઓને તેમની ખાનગી મિલકત, દરજ્જા વગેરે જાળવવાની તેમજ નિશ્ચિત વર્ષાસન આપવાની ખાતરી આપી, એટલે રાજ્યો પ્રજાકીય સરકારો રચવા સંમત થયાં. આ પછી સરદારે જે તે પ્રદેશોનાં રાજ્યોના એકમો રચ્યા અથવા જે પ્રાંતમાં રાજ્યો આવેલ હતાં, તેમાં તેમનો સમાવેશ કરી દીધો. આમાં પણ સરદારને વી. પી. મેનનની કીમતી સેવાઓ મળી હતી.

ભારતે પાકિસ્તાનની સ્થાપનાથી 9,44,906 ચોકિમી.નો વિસ્તાર તથા 8 કરોડ 15 લાખ માણસોની વસ્તી ગુમાવેલ; જ્યારે સરદારની દેશી રાજ્યોના બીજા તબક્કાની પૂર્ણતા સાથે ભારતને 1,29,55,336.787 ચોકિમી.નો વિસ્તાર તથા 8 કરોડ 60 લાખની વસ્તીનો લાભ મળ્યો. સરદારે કરેલી આ બિનલોહિયાળ ક્રાંતિ તેમનું જીવંત સ્મારક ગણી શકાય.

30મી જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ. સરદારને માટે આ આઘાત અસહ્ય હતો. આ પછી તેમની તબિયત નાજુક થતી ગઈ. તોપણ તેમણે પોતાની ગૃહપ્રધાન તરીકેની કામગીરી યથાવત્ ચાલુ રાખી. જે તે કોમોના વડાઓને સમજાવીને તેમણે 1935ના ધારાએ આપેલ કોમી અને વર્ગીય મતદાર મંડળોની સાથે અનામત બેઠકો રદ કરાવી. આમ સરદારે પછીની ચૂંટણી માટે પણ રાષ્ટ્રીય એકતા સાધી. પાકિસ્તાનના પ્રાંત પૂર્વ બંગાળ તથા પશ્ચિમ પંજાબમાં હિંદુઓની ભારે સતામણી અને કનડગત થતાં લાખો હિંદુઓ ભારતમાં નાસી આવ્યા. કૉલકાતા તથા પૂર્વ પંજાબ હિજરતીઓથી ઊભરાઈ જતાં, સરદારે તેમના પુનર્વસવાટની કપરી કામગીરી બજાવી; એટલું જ નહિ, તેમણે પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપી કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે અને હિંદુઓની પાકિસ્તાનમાં થયેલી સ્થિતિ જેવી મુસ્લિમોની સ્થિતિ ભારતમાં થતી રોકવાનું શક્ય બનશે નહિ. આ ચેતવણીની પાકિસ્તાન પર ધારી અસર થઈ અને તેણે લઘુમતી સાથે યોગ્ય વર્તાવ કરવાની તથા તેનું રક્ષણ કરવાની બાંયધરી આપી.

સરદારે ચીનની મહત્ત્વાકાંક્ષી વિસ્તારવાદી નીતિ પરત્વે વડાપ્રધાન નહેરુને 7મી નવેમ્બર, 1950ના રોજ દેશના હિતમાં લખેલ ઐતિહાસિક પત્ર એ તેમના જીવનની અંતિમ મહત્ત્વની કામગીરી હતી. તેમાં તેમણે ચીને આક્રમણ કરીને તિબેટને પોતાના રાજ્યમાં સામેલ કરી દીધું હોવાનું જણાવીને ચીન પછીથી ભારતના હિમાલયના વિસ્તારના અમુક પ્રદેશો પચાવી પાડશે તેવી ચેતવણી ઉચ્ચારેલી; પરંતુ પંડિત નહેરુ તથા સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનન ‘હિંદી ચીની ભાઈભાઈ’ના ભ્રામક ખ્યાલમાં હોઈને આ ચેતવણી પ્રત્યે તેમણે લક્ષ આપ્યું નહિ. ચીને ઑક્ટોબર, 1962માં આક્રમણ કરીને ભારતના હિમાલય વિસ્તારના અમુક પ્રદેશો કબજે કરી લીધા, ત્યારે વલ્લભભાઈની ભવિષ્યવાણી સાચી પડી.

સરદારશ્રીનાં અંતિમ દર્શન (1950)

પત્ર લખ્યા બાદ, ટૂંક સમયમાં, હૃદયરોગના હુમલાને લીધે સરદારનું 15મી ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈમાં અવસાન થયું. મુંબઈએ કદી નહિ જોયેલી 10 કિમી. લાંબી સ્મશાનયાત્રામાં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, વડાપ્રધાન નહેરુ, રાજગોપાલાચારી વગેરેએ જોડાઈને સરદારને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી. લૉર્ડ માઉન્ટબૅટને લખ્યું કે વલ્લભભાઈ પટેલે રાજા તથા પ્રજા વચ્ચે એકતા સાધીને અખંડ ભારતનું સર્જન કર્યું, તે ઇતિહાસની મહાન સિદ્ધિ ગણાશે. પંડિત નહેરુએ તેમને ‘અખંડ ભારતના શિલ્પી’ કહ્યા, ત્યારે રાજગોપાલાચારીએ સરદારની દેશને જે સમયે સૌથી વધારે જરૂર હતી તે સમયે તે ચાલ્યા ગયા, તેને દેશની કમનસીબી ગણાવી. સરોજિની નાયડુએ સરદારને કોમળ હૃદયના લોખંડી પુરુષ તરીકે અંજલિ આપી. ભારત સરકારે ઘણાં વર્ષો પછી સરદારને મરણોત્તર ‘ભારતરત્ન’ના ખિતાબથી નવાજ્યા. સરદાર આદર્શવાદ તથા ભાવુકતાના ખ્યાલોથી પર હતા; તેઓ વાસ્તવવાદી દ્રષ્ટા હતા. તેમના અવસાનથી ભારતને કદીયે ન પુરાય તેવી ખોટ પડી.

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મૃતિ સંગ્રહાલય, અમદાવાદ

રમણલાલ ક. ધારૈયા