પટેલ, લતાબહેન (. 1956, ગુજરાત) : બ્રેન્ટ બરો, લંડનનાં પ્રથમ મહિલા ગુજરાતી મેયર. મૂળ ચરોતરના સોજિત્રા ગામનાં. લતાબહેનને 4 વર્ષની વયે યુગાન્ડામાં સ્થાયી થવાનું બન્યું. 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન હેઠળ ભારતીયોની હકાલપટ્ટી કરાતાં તેમનું સમગ્ર કુટુંબ બ્રિટનમાં સ્થાયી થયું. આથી તેમનું શાલેય અને કૉલેજશિક્ષણ બ્રિટનમાં થયું. અભ્યાસ પૂરો કરીને તેમણે વીમા કંપની અને પેટ્રોલ કંપનીમાં નાનાં-મોટાં કામ કરી વિવિધ અનુભવો મેળવ્યા.

આ અનુભવો સાથે મજૂર પક્ષ(લેબર પાર્ટી)ની લંડન શાખામાં તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાતાં આ પક્ષનાં સભ્ય બન્યાં. તેમની સ્થાનિક કામગીરી સરાહનીય હતી, પરિણામે લેબર પાર્ટીએ બ્રેન્ટ બરોની સ્થાનિક ચૂંટણીમાં તેમને ઉમેદવારી કરવાની તક આપી. આ સ્થાનિક ચૂંટણીમાં તેઓ વિજયી નીવડ્યાં; એટલું જ નહિ, પરંતુ ત્યાંના સ્થાનિક સભ્યોએ તેમને મેયરપદે ચૂંટતાં તેઓ સૌથી નાની વયનાં અને પ્રથમ એશિયાઈ-ભારતીય મહિલા મેયર બન્યાં.

તેમની આ સિદ્ધિ બદલ 1991ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર’ તેમને એનાયત થયો છે. વધુમાં તેઓ ‘હિન્દુ રત્ન ઍવૉર્ડ’ અને ‘રાજીવ ગાંધી ઍવૉર્ડ’ પણ ધરાવે છે. હાલમાં તેઓ લંડન ખાતે ગુનાખોરી-વિરોધી ઝુંબેશ અને અપંગો માટેના કેન્દ્રમાં સક્રિય છે. તેમના પતિ કે. ડી. પટેલનો આ કામમાં તેમને પૂર્ણ સહયોગ રહ્યો છે.

રક્ષા મ. વ્યાસ