પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ (. 27 સપ્ટેમ્બર 1873, નડિયાદ; . 22 ઑક્ટોબર 1933, જિનીવા) : ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને મધ્યસ્થ ધારાસભાના પ્રથમ હિન્દી પ્રમુખ. વિઠ્ઠલભાઈ મધ્યમવર્ગના ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન સોજિત્રાનાં દિવાળીબહેન સાથે થયાં હતાં. વિઠ્ઠલભાઈએ પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધા બાદ 1891માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ચાર વર્ષ બાદ 1895માં વકીલાતની પરીક્ષા પસાર કરી અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરીને ફોજદારી વકીલ તરીકે નામના મેળવી. ત્યારબાદ તેમણે ખેડા જિલ્લાના બોરસદ ગામે વકીલાત કરવા માંડી. ગોધરામાં વકીલાત કરતા પોતાના લઘુબંધુ વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લઈને બંને ભાઈઓ વકીલાતમાં સારી એવી કમાણી કરવા લાગ્યા. ત્યાંથી વિઠ્ઠલભાઈ બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન દાદાભાઈ નવરોજીનો પરિચય થવાથી, તેમણે ભારતના જાહેર જીવનમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. બૅરિસ્ટરની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પસાર કરી, મુંબઈ જઈને વકીલાત શરૂ કરી. 1913માં તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે પોતાની ધારાસભાકીય કારકિર્દી દરમિયાન પ્રશ્નો પૂછવા, ઠરાવો  રજૂ કરવા તથા ઠરાવો પર સુધારા રજૂ કરવા – આ ત્રણે રીતોનો બહોળો ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રશ્નો પૂછવાની પોતાની આગવી કળાને સરકારને મૂંઝવવાના, હંફાવવાના, કફોડી સ્થિતિમાં મૂકવાના અને એને ખોટી દેખાડવાના સાધન તરીકે વાપરી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત આપવા માટેનો મહત્ત્વનો ખરડો રજૂ કર્યો. તેના સમર્થનમાં તેમણે જે વિગતો, પ્રમાણો, ઉદાહરણો રજૂ કર્યાં તે સાર્વત્રિક પ્રશંસા પામ્યાં. એના ખર્ચનો બોજો ઉઠાવવાની સરકારની શક્તિ ન હોવા છતાં એ ખરડો પસાર થયો. સીડનહામ કૉલેજમાં માત્ર ગોરા અધ્યાપકોની નિમણૂક થતી. વિઠ્ઠલભાઈ ધારાસભામાં ઠરાવ લાવ્યા કે તેમાં ભારતીય અધ્યાપકોને પણ નીમવા. તે ઠરાવ પસાર કરાવી તેનો અમલ પણ તેમણે કરાવ્યો. ખેડા સત્યાગ્રહના પ્રશ્નની ધારાસભામાં સાચી વિગતો પેશ કરી, સરકારને તે અંગે જરૂરી પગલાં લેવાની એમણે ફરજ પાડી હતી.

વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ

સપ્ટેમ્બર, 1918માં વિઠ્ઠલભાઈ મધ્યસ્થ ધારાસભાના સભ્ય બન્યા. 1920ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં એમણે પ્રશ્નોની ઝડી એવી તો વરસાવી કે સરકારને પુછાયેલા 378 પશ્નોમાં 116 પ્રશ્નો માત્ર વિઠ્ઠલભાઈના હતા. તેમના પ્રશ્નોમાં દેશભરમાં ચાલતા ગોરાકાળાના ભેદભાવને લીધે હિંદીઓને હોદ્દામાં, મોભામાં, બઢતીમાં, હક્કમાં, જવાબદારીમાં થતા અન્યાયો અંગેના પ્રશ્નો વિશેષ હતા. નાનામોટા સંખ્યાબંધ સરકારી અને બિનસરકારી ખરડાઓનો તેઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી, એમની ઊણપો દર્શાવી, આવશ્યક સુધારા સૂચવતા અને પોતાની હાજરીથી ધારાસભાને જીવંત રાખતા. તેઓ નાતજાતના ભેદમાં માનતા નહિ અને હરિજનો સાથે છૂટથી હળીમળી જતા. હિંદુઓમાં થતાં આંતરજ્ઞાતીય લગ્નોને કાયદા દ્વારા માન્યતા આપવા 1918માં તેમણે મધ્યસ્થ ધારાસભામાં ખરડો રજૂ કર્યો. તેના સમર્થનમાં તેમણે બે જાણીતાં ઉદાહરણ આપ્યાં. પંડિત મદનમોહન માલવિયાની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત હિંદુઓએ તેનો સખત વિરોધ કર્યો; તેજબહાદુર સપ્રુ, ખાપર્ડે વગેરે નેતાઓએ તેને ટેકો આપ્યો. તે ખરડો પસંદગી-સમિતિને સોંપવામાં આવ્યો. તેઓ માનતા કે રાષ્ટ્રને લોકશાહી તરફ દોરી જવું  હોય તો જ્ઞાતિવાદનો નાશ આવશ્યક છે. સ્મૉલ કૉઝિઝ કૉર્ટના ન્યાયાધીશ તરીકે માત્ર અંગ્રેજોને નીમવામાં આવતા. વિઠ્ઠલભાઈએ કેન્દ્ર-સરકારના કાયદામાં સુધારો કરાવી, ભારતીયોને પણ તે હોદ્દા પર નીમી શકાય એવી જોગવાઈ કરાવી.

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રાજકીય સુધારા માટે બ્રિટિશ સરકારે એક સંસદીય સમિતિ નીમી. તેથી કાગ્રેસે 1918માં ભારતની પ્રજાની આ અંગેની આકાંક્ષાઓ તથા જરૂરિયાતોની ઇંગ્લૅન્ડની સરકાર સમક્ષ તથા પ્રજા સમક્ષ રજૂઆત કરવા એક પ્રતિનિધિમંડળ મોકલ્યું. તેમાં વિઠ્ઠલભાઈને મંત્રી તરીકે મોકલવામાં આવ્યા. વિઠ્ઠલભાઈએ ભારતના બંધારણીય સુધારાના કેસની એવી સચોટ રજૂઆત કરી કે એમની સર્વત્ર પ્રશંસા થઈ. 1922માં મુંબઈ કૉર્પોરેશનના સભ્ય અને શાળા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ કરાવ્યો તથા હિંદીના શિક્ષણ માટે પ્રબંધ કરાવ્યો. કૉર્પોરેશનના તમામ વિભાગોમાં સ્વદેશી વસ્તુઓ અને કાપડમાં ખાદી વાપરવાનો ઠરાવ પસાર કરાવ્યો. 1924માં તેઓ મુંબઈ કૉર્પોરેશનના મેયર ચૂંટાયા. આ દરમિયાન તેમણે કે. ઈ. એમ. હૉસ્પિટલ અને તેને સંલગ્ન જી. એસ. મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં ઊંડો રસ લીધો. મુંબઈના ગવર્નરને માનપત્ર આપવાનો પ્રસ્તાવ કૉર્પોરેશનમાં રજૂ થયો, ત્યારે તેમણે કૉર્પોરેશનની સભામાં તેનો સખત વિરોધ કર્યો. છતાં ઠરાવ બહુમતીથી પસાર થયો, ત્યારે તેમણે ચોપાટી પર સભા ભરી, આ પગલા સામે વિરોધ દર્શાવ્યો.

1924માં મધ્યસ્થ ધારાસભામાં તેઓ સ્વરાજ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા. તેમણે ઇન્ડિયન પીનલ કોડ તથા ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સુધારા સૂચવતા ખરડા રજૂ કર્યા. તેમણે મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અહેવાલની ભલામણોને અસંતોષકારક ગણાવી. ઑગસ્ટ, 1925માં મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ ચૂંટાયા. ગોરા સભ્યોનો વિરોધ હોવા છતાં, ધારાસભાના પ્રમુખને દરેક સભ્યે ગૃહમાં પ્રવેશતાં કે બહાર જતાં વંદન કરવાની પ્રથા તેમણે શરૂ કરાવી. ધારાસભાને કારોબારીથી સ્વતંત્ર રાખવાની, તેના પ્રમુખની પ્રતિષ્ઠા સ્થાપવાની અને ઉત્તમ સંસદીય પ્રણાલી પાડવાની વિઠ્ઠલભાઈએ સતત કાળજી રાખી હતી. ધારાસભાનાં મોભો-પ્રતિષ્ઠા તથા પ્રમુખનું ગૌરવ સાચવવામાં તેઓ સતત જાગરુકતા રાખતા.

સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા માટે 25 એપ્રિલ, 1930ના રોજ તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. ત્યારબાદ દિલ્હીમાં કૉંગ્રેસ કારોબારીના સભ્યો સાથે તેમની ધરપકડ થઈ. તેમને છ માસની કેદની સજા ફરમાવવામાં આવી. સ્વાતંત્ર્યસંગ્રામના સમર્થનમાં યુનાઇટેડ સ્ટેટ્સના લોકોને તૈયાર કરવા તેમણે અમેરિકાનો પ્રવાસ કરી  ન્યૂયૉર્ક, શિકાગો, બૉસ્ટન વગેરે શહેરોમાં પ્રવચનો યોજી, તર્કશુદ્ધ દલીલો અને અભ્યાસપૂર્ણ નિવેદનો દ્વારા ભારતની આઝાદીનો કેસ રજૂ કર્યો. તેમણે બ્રિટિશ સરકારની આર્થિક શોષણનીતિ ખુલ્લી પાડી તથા ભારતના લોકોની નિરક્ષરતા, ગરીબી, રોગચાળો, દુષ્કાળો વગેરે માટે બ્રિટિશ સરકારની નીતિને જવાબદાર ઠરાવી.

નાગપુર સત્યાગ્રહના ઉકેલનો ઘણોખરો યશ વિઠ્ઠલભાઈની દોરવણીને આભારી છે. બારડોલી સત્યાગ્રહમાં તેઓ સક્રિય ભાગ ન લઈ શક્યા, પરંતુ ધારાસભાના પ્રમુખ તરીકે તથા લૉર્ડ ઇર્વિન સાથે સારા સંબંધો હોવાથી એમણે મુંબઈ સરકારને સમાધાન પ્રતિ દોરવામાં સહાય કરી હતી. તેઓ એક કર્મવીર પુરુષ હતા. સ્વભાવે તેઓ ભારે ટીખળી હતા. એમની મેધા તેજસ્વી હતી. આપસૂઝ, હૈયાઉકલત, હિંમત, નીડરતા તથા પુરુષાર્થથી તેમણે પ્રગતિ સાધી હતી. ગંભીર માંદગીને કારણે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. માર્ચ, 1932માં તેઓ યુરોપ ગયા અને જિનીવામાં તેઓ અવસાન પામ્યા.

રક્ષા મ. વ્યાસ