પટેલ, રાવજીભાઈ હીરાભાઈ (જ. 10 જૂન 1911, વાસદ; અ. 5 નવેમ્બર 2005) : ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ગાયક અને શિક્ષણકાર. જન્મ ખેડૂત કુટુંબમાં. પિતા ભજનો લલકારતા. બાળપણથી જ રાવજીભાઈને સંગીત પ્રત્યે અભિરુચિ થઈ. અવાજની કુદરતી બક્ષિસ તો હતી જ. પ્રાચીન ભક્તકવિઓનાં પદો ઉપરાંત રાષ્ટ્રીય ચળવળમાં સભા-સરઘસોમાં દેશભક્તિનાં ગીતો પણ ગાતા. બારડોલીની ‘ના-કર’ની લડત, ધરાસણાનો મીઠાનો સત્યાગ્રહ તેમજ રાસની ‘ના-કર’ની લડતમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. કાંતણ અને પીંજણની હરીફાઈમાં રાવજીભાઈ સમગ્ર ભારતમાં પ્રથમ આવ્યા હતા.
તેમણે સંગીતની તાલીમ મુખ્યત્વે ગૂજરાત વિદ્યીપીઠમાં પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે લીધી હતી. અલ્પ સમયમાં અનેક રાગોની બારીકાઈઓને આત્મસાત્ કરી તે ગુરુજીના પ્રિય શિષ્યોમાં સ્થાન પામ્યા. ગુરુના અવસાન બાદ તેમણે સ્થાપેલી સંસ્થા ગાંધર્વ મહાવિદ્યાલય, અમદાવાદની સમગ્ર જવાબદારી રાવજીભાઈએ ઉપાડી હતી. 1951માં એક જાહેર સંસ્થા તરીકે તે માન્ય થઈ. તેઓ એક સફળ અને સ્વાયત્ત અધ્યાપનકેન્દ્ર તરીકે અનેક વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતા હતા. આજ સુધી આશરે 23,000 જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ગાયન-વાદનની તાલીમ લીધી છે.
ગુરુમુખી શિક્ષણ ઉપરાંત ભારતના મહાન કલાકારોને પ્રત્યક્ષ અને રેડિયો દ્વારા સાંભળી સતત રિયાઝ કરીને રાવજીભાઈએ ‘સંગીતપ્રવીણ’ની સર્વોચ્ચ પરીક્ષા પસાર કરી. 1945થી આજદિન સુધીના ગાળામાં રેડિયો દ્વારા તેમના કાર્યક્રમો નિયમિત રીતે મુંબઈ, વડોદરા અને અમદાવાદથી પ્રસારિત થતા રહ્યા હતા. 1956થી 1960 સુધી તેમણે રેડિયો દ્વારા સફળતાપૂર્વક શાસ્ત્રીય સંગીતના પાઠ આપ્યા. પૂર્વ આફ્રિકાના પ્રવાસ દરમિયાન યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેનિયા અને જંગબારમાં 75 જેટલા સફળ સંગીતકાર્યક્રમો રજૂ કર્યા હતા.
1957માં તેમણે બૃહદ ગુજરાત સંગીત સમિતિની સ્થાપના કરી. તે આજે એક વિશાળ વટવૃક્ષ જેવી બની અને તેણે ગુજરાતનાં નાનાં નાનાં ગામો સુધી સંગીતની પરીક્ષાઓનું સંચાલન તથા સંમેલનો દ્વારા સંગીતપ્રચારનું કાર્ય કર્યું હતું. પ્રતિવર્ષ આશરે 20,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે. ગુજરાત સંગીતશિક્ષક સંઘની સ્થાપનામાં પણ તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. સંગીતશિક્ષણનો વ્યવસ્થિત અભ્યાસક્રમ નક્કી કરી એ અભ્યાસક્રમને આવરી લેતાં ઉત્તમ પુસ્તકો ‘રાગદર્શન’ (ભાગ 1થી 6) તેમણે પ્રગટ કર્યાં. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત આદિવાસી સંગીતનું અભ્યાસપૂર્ણ પુસ્તક લખીને તેમણે આદિવાસીઓનાં 50 લોકગીતોના રાગ નક્કી કરીને લિપિબદ્ધ કર્યા છે. ગુજરાત સરકારને પ્રારંભિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિકનો સંગીતનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં પણ તેમણે સક્રિય મદદ કરી હતી.
ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના સભ્ય તરીકે તેમણે વર્ષો સુધી કાર્ય કર્યું હતું અને સંગીતશિક્ષણની અનેક સંસ્થાઓને સેવા આપી હતી. ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના પ્રચારકાર્ય માટે ગુજરાત સરકાર તરફથી તેમને 1988-89ના વર્ષનો ‘ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરાયો હતો.
નીના ઠાકોર