પટેલ, રાવજીભાઈ મણિભાઈ (. 1886, સોજિત્રા; . 20 જાન્યુઆરી 1962, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક, લોકસેવક, લેખક. પેટલાદ બૉર્ડિંગ હાઉસમાં રહી મૅટ્રિક સુધી માધ્યમિક શિક્ષણ લીધું. પુસ્તકાલય પ્રવૃત્તિવાળા મોતીભાઈ અમીનથી પ્રભાવિત. તેમની પ્રેરણાથી સ્વદેશભક્ત બન્યા. ગાંધીજીલિખિત ‘હિંદ સ્વરાજ’ વાંચ્યા બાદ જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું. દક્ષિણ આફ્રિકા જઈ વેપાર શરૂ કર્યો; પરંતુ ધાર્મિક વાચન બાદ ગાંધીજીએ સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં જોડાયા. ત્યાંથી ભારત આવીને જાહેર જીવનમાં ભાગ લીધો. નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લઈ જેલની સજા ભોગવી. જેલમાં માંદા દર્દીઓની સારવાર કરી. બોરસદ સત્યાગ્રહમાં ભાગ લઈ સુણાવ જૂથનું થાણું સંભાળ્યું. 1930માં લસુંદ્રા ખાતે મીઠા અંગેના કાયદાનો ભંગ કરવાથી ધરપકડ થઈ. તેમને 2 વર્ષની કેદ અને 100 રૂપિયા દંડની સજા થઈ. તે સજા સાબરમતી અને નાશિક જેલમાં ભોગવી. 1932માં ફરી વાર ધરપકડ થઈ અને વિસાપુરમાં કેદની સજા ભોગવી. ખેડા જિલ્લાની કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમણે 1938થી 1948 સુધી સેવા બજાવી. આ ઉપરાંત ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી તરીકે પણ તેમણે સરદાર પટેલ સાથે કામ કર્યું હતું. નડિયાદમાં 25 નવેમ્બર, 1940ના રોજ વ્યક્તિગત સત્યાગ્રહ કરી ધરપકડ વહોરી અને 9 માસની સખત કેદની સજા ભોગવી. 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન 2 વર્ષનો કારાવાસ ભોગવ્યો. તેમણે સ્વતંત્રતા મળ્યા બાદ ‘સમાજશુદ્ધિ મંડળ’ સ્થાપ્યું. તેનો હેતુ મૂલ્યહ્રાસ કરે એવા અપ્રામાણિક ધંધા દૂર કરવાનો હતો. આ માટે મજૂરલત્તાઓમાં તેમણે સમાજની બદીઓ વિરુદ્ધ પ્રચાર કર્યો. આ દરમિયાન ભારત સેવક સમાજની ગુજરાતની શાખાના તેઓ સંયોજક નિમાયા. આ સમાજની ઝુંબેશના પરિણામે અમદાવાદમાં સમાજવિરોધી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

તેમણે ‘જીવનનાં ઝરણાં’ (ભાગ 1, 2)માં આત્મકથા સહિત ગુજરાતના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રસંગો તથા મોહનલાલ કા. પંડ્યા, ઇન્દુલાલ યાજ્ઞિક, ગુલઝારીલાલ નંદા, રવિશંકર મહારાજ વગેરેનાં લાક્ષણિક શબ્દચિત્રો આલેખ્યાં છે. એમણે કેટલીક ચરિત્રાત્મક રચનાઓ આપી છે; તેમાં ‘ગાંધીજીની સાધના’ (1939), અને ‘હિન્દના સરદાર’ (1962) નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘કુલીન વિધવા’, ‘સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ’, ‘માનવમૂત્ર’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે.

તેમને નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યાં હતાં.

જયકુમાર ર. શુક્લ