પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ
February, 1998
પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ (જ. 10 એપ્રિલ 1917, પીપલગ, જિ. ખેડા; અ. 10 ઑગસ્ટ 2011, ફિજી) : ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિક અને ફિજીના સામાજિક કાર્યકર. પ્રાથમિક શિક્ષણ પીજમાં. પાછળથી સૂરત અને અમદાવાદમાં અભ્યાસ કરી બી.એ. (ઑનર્સ), એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત માટે શરૂઆતમાં ક. મા. મુનશીની ચેમ્બરમાં જોડાયા. ઇંગ્લૅન્ડની લિંકન ઇનમાંથી બાર-ઍટ-લૉ થયા. વહેલી વયે નડિયાદ હાઈસ્કૂલના ચોગાનમાં દાંડીકૂચ કરતા ગાંધીજીને જોવાનું અને સાંભળવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં ભારતની સ્વતંત્રતા માટેની લડતમાં સક્રિય રહ્યા હતા. 1930ના સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે ‘ખેડા જિલ્લા સંગ્રામ સમાચાર’ જેવાં આઝાદીજંગ માટેનાં ચોપાનિયાં વહેંચવાનું અને ભીંત પર ચોંટાડવાનું કામ તેમણે ધગશપૂર્વક કર્યું હતું. 1935માં સરદાર વલ્લભભાઈની સાથે સ્વયંસેવક તરીકે બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ ઝુંબેશમાં સેવાઓ આપી હતી. ભારતીય કૉંગ્રેસના સભ્ય તરીકે તેમણે ‘હિંદ છોડો’ ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને 1943-44માં જેલવાસ વહોરી લીધો હતો.
1954માં રાવજીભાઈએ ફિજીમાં કાયમી વસવાટ કર્યો. ફિજીની ફેડરેશન પાર્ટીના આદ્ય સ્થાપકોમાંના એક. તે જ પક્ષના ઉપપ્રમુખ અને ખજાનચીનાં પદો તેમણે શોભાવ્યાં હતાં. દરમિયાન 1967માં ફિજીમાં તેમનાં પત્ની શશિકાન્તાનું અવસાન થયું ત્યારે રાવજીભાઈની ઉંમર 50 વર્ષની હતી. ફિજીની સંસદમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને તે નાતે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચૅરમૅન તથા ડેપ્યુટી સ્પીકર બન્યા હતા. 1972થી 1975 સુધી ફિજીની સંસદના સ્પીકર તરીકે સેવાઓ આપી. અગાઉ ફિજીને સ્વતંત્રતા અપાવનારી 1970ની બંધારણ પરિષદમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો.
ફિજીના અર્થતંત્રમાં આધારસ્તંભ સમા શેરડી ઉગાડનારા ખેડૂતોની દશા સુધારવા માટે તેમણે ભારે જહેમત ઉઠાવી હતી. ઇંગ્લૅન્ડના લૉર્ડ ડેનિંગ સમક્ષ ફિજીના ખેડૂતો વતી, તેમનો દાવો રજૂ કરીને, તેમને લાભકર્તા થાય તેવો ઐતિહાસિક ચુકાદો મેળવ્યો હતો. આ ચુકાદાથી પ્રથમ વાર ખેડૂતોને શેરડીના બાંયધરીયુક્ત લઘુતમ ભાવો ચૂકવવાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો.
ફિજી આઝાદ થયું ત્યારે ત્યાંના તમામ ભારતીયોને ફિજીનું નાગરિકત્વ મળે અને તેમની ‘રાજ્યવિહોણા’ તરીકે દુર્દશા ના થાય તે માટેની કામગીરી તેમણે ભારે રસ લઈને પાર પાડી. ફિજીના ગુજરાતીઓ માટેની અનેક સંસ્થાઓ સાથે તેમનો નિકટનો સંબંધ રહ્યો છે. તેમણે ‘ગુજરાતી સ્પૉર્ટ્સ ઍસોસિયેશન’ની રચનામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તે સંસ્થાના પ્રમુખ તરીકે સાત વર્ષ સુધી સતત કાર્ય કર્યું. તેમણે ‘બા ગુજરાત એજ્યુકેશન સોસાયટી ફિજી’ની સ્થાપના કરી અને એ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી.
1977થી તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થઈ સમાજસેવાના કાર્યમાં રચ્યાપચ્યા રહે છે. રાવજીભાઈને 1984ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર’ અર્પણ થયેલો.
વિ. પ્ર. ત્રિવેદી