પટેલ, મોહનભાઈ શંકરભાઈ (. 8 જૂન 1920, વડદલા, તા. પેટલાદ; . 2 જાન્યુઆરી 2002) : વિવેચક, સંશોધક અને ગુજરાતીના જાણીતા અધ્યાપક. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1946માં બી.એ. તથા 1948માં એમ.એ. થયા. વલ્લભવિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક, આચાર્ય તથા વિનયન વિભાગના ડીન તરીકે યશસ્વી સેવા આપીને નિવૃત્ત થયા.

મધ્યકાલીન ફાગુનું સ્વરૂપ તથા પ્રેમાનંદનાં કાવ્યોમાં વ્યક્ત થયેલ સંસ્કૃતિ સંદર્ભ અને એવા બીજા વિષયો વિશેનું તેમનું અધ્યયન તથા કેટલાક મૌલિક વિચારો ધ્યાનાકર્ષક છે. ગાંધીજી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ રાજેન્દ્ર શાહની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ વગેરે વિષયોને જુદા જુદા લેખોમાં મૂલવવાનો તેમણે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. ‘ધૃતિ’ (1970) લેખસંગ્રહમાં જીવનકથાનું સ્વરૂપ, ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકો વિશેના તેમના અભ્યાસ તથા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. વિવેચક તરીકે તેઓ કોઈ ચોક્કસ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને જ વિવેચન કરતા. ‘ચંદ્રવદન ચી. મહેતા’ વિશે તેમણે 1981માં લઘુપ્રબંધ પ્રગટ કર્યો હતો. ‘વાણી’, ‘વિદ્યાપીઠ’ સામયિકોના તથા ‘શિશુલોક’ અનિયતકાલિનના તંત્રી તરીકેની તેમની સેવા જાણીતી છે. ‘ઉપનયન’(1966)માં તેમના અભ્યાસલેખો અને સંશોધનનો સંચય છે. ‘અનુમોદ’ તેમના અવસાન બાદ પ્રગટ થયેલ વિવેચનગ્રંથ છે.

ભાષા, વ્યાકરણ, જોડણી, અનુવાદ જેવા મહત્ત્વના વિષયો વિશે એમનું સંશોધન નોંધપાત્ર છે. ‘અનુવાદ વિજ્ઞાન’, ‘ગુજરાતીમાં વિરામચિહ્નો’ (સહલેખક), ‘અનુવાદની સમસ્યાઓ : એક સંગોષ્ઠિ’ વગેરે તેમના અગત્યના ગ્રંથો છે. તેમણે બાલસાહિત્ય પણ આપ્યું છે. તેમાં ‘બાલભારતી’ (ભાગ 1 થી 10) અને ‘ગુજરાતીમાં બાલસાહિત્ય’ તેમના ઉપયોગી પુસ્તકો છે. આ ઉપરાંત ‘ગાંધીજીની જીવનદૃષ્ટિ’, ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ (ભાગ 12), ‘બૃહદ્ ગુજરાતી કાવ્યપરિચય’ (ભાગ 12), વગેરે એમનાં સહસંપાદનો છે.

જયકુમાર ર. શુક્લ