પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ (જ. 7 જૂન 1888, સારસા, જિ. ખેડા; અ. 31 માર્ચ 1970, અમદાવાદ) : ગુજરાત રાજ્યમાં આવેલ વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા, ગુજરાતના સ્વતંત્ર પક્ષના સુકાની. ભાઈલાલભાઈનો જન્મ સોજિત્રાના મધ્યમવર્ગના પાટીદાર કુટુંબમાં સારસા (મોસાળમાં) મુકામે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે વીરસદનાં ગંગાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. એ વર્ષે તેમના પિતાનું અને બીજે વર્ષે માતાનું અવસાન થયું. 1905માં તેઓ વડોદરાની હાઈસ્કૂલમાં ભણવા ગયા અને તે વર્ષે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.
આ દરમિયાન તેમણે રામાયણ, મહાભારત, ભાગવત ઉપરાંત અનેક જીવનચરિત્રો વાંચ્યાં. બેન્જામિન ફ્રૅન્કલિનના જીવનચરિત્રે એમના મન ઉપર ઘેરી અસર કરી. ‘સરસ્વતીચંદ્ર’ના તેઓ અઠંગ ચાહક હતા અને વારંવાર તેનું અધ્યનન કર્યું હતું. 1906માં બરોડા કૉલેજમાં પ્રોફે. અરવિંદ ઘોષના તેઓ વિદ્યાર્થી હતા. ઇંગ્લૅન્ડથી પ્રગટ થતું શ્યામજી કૃષ્ણવર્માનું માસિક ‘ઇન્ડિયન સોશિયૉલૉજિસ્ટ’ રસપૂર્વક વાંચતા. અરવિંદ ઘોષ વડોદરાની મોટા પગારની નોકરી છોડી, કૉલકાતાની રાષ્ટ્રીય કૉલેજમાં ઘણા ઓછા પગારે જોડાયા. તે દૃષ્ટાંતથી ભાઈલાલભાઈમાં રાષ્ટ્રભાવના પ્રગટી. ત્યારથી તેઓ ખાદીધારી બન્યા અને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો નિર્ણય કર્યો. ઇન્ટર આર્ટ્સ થયા બાદ પુણેની ઇજનેરી કૉલેજમાં દાખલ થઈ, 1911માં એલ. સી. ઈ. થયા. તેમને વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિ મળતી હતી. તેથી મહેસાણામાં, વડોદરા રાજ્યની નોકરીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા. તેમની કાર્યદક્ષતાથી પ્રભાવિત થયેલ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરે આપેલી સલાહ મુજબ 1912માં, મુંબઈ સરકારની નોકરીમાં જોડાયા. ધૂળિયા(મહારાષ્ટ્ર)માં ઓવરસિયર તરીકે જોડાયેલા ભાઈલાલભાઈને કાર્યકુશળતાને લીધે પુણેમાં મદદનીશ ઇજનેર તરીકે બઢતી મળી અને 1923માં સિંધમાં સક્કર બૅરેજ બાંધવાની યોજના શરૂ થતાં ત્યાં નહેરો ખોદાવવા મોકલવામાં આવ્યા. આ યોજના દેશમાં સૌથી મોટી હતી. ભાઈલાલભાઈ ઓછા ખર્ચે અને વધુ ઝડપથી કામ થાય એવી કોઠાસૂઝ વાપરતા. તેથી સરકારને ઘણો લાભ થયો. 1932ના જૂનમાં આ યોજના પૂરી થઈ. આ દરમિયાન તેમને એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે બઢતી મળી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી તેમણે સરકારી નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લીધી અને માર્ચ, 1940માં અમદાવાદ સુધરાઈમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા. તેમણે શહેરની દીવાલ કાઢી નાખી, નવા રસ્તા બનાવડાવ્યા, પાણી-પુરવઠો તથા ગટરયોજનાનો અમલ કરાવ્યો તથા કાંકરિયા તળાવ પાસે ટેકરી-ઉદ્યાન બનાવડાવી તેનું સૌન્દર્ય વધાર્યું. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેમણે અમદાવાદ સુધરાઈમાંથી રાજીનામું આપ્યું.
આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીએ 1943માં તેમને અધ્યક્ષ નીમ્યા. તેમના મિત્ર ભીખાભાઈ પટેલ આ સોસાયટીના મંત્રી બન્યા. ભાઈલાલભાઈએ ગ્રામ-નવરચના અંગે અનેક લોકો સાથે વિચારણા કરી, એક વિદ્યાકીય નગરી સ્થાપવાનું વિચાર્યું. તેમણે 1945માં ચારુતર વિદ્યામંડળ અને ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળ લિમિટેડની નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવી. માર્ચ, 1946થી ભાઈકાકા અને ભીખાભાઈ પ્રસિદ્ધ આંબાના વૃક્ષ હેઠળ, ખુલ્લામાં કાર્યાલય રાખીને કામ કરવા લાગ્યા. જાન્યુઆરી, 1947માં વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું બાંધકામ શરૂ થયું અને જૂન, 1947માં મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ ચાગલાએ તેનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમાં વર્ગો શરૂ કર્યા, ત્યારે ઉપલા માળનું બાંધકામ ચાલુ હતું. આ અરસામાં જુલાઈ, 1947માં બિરલા એજ્યુકેશન ટ્રસ્ટે ત્યાં ઇજનેરી કૉલેજ માટે રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરી. જાન્યુઆરી, 1948માં ભાઈકાકાએ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય(ઇજનેરી કૉલેજ)ના મકાનનું બાંધકામ શરૂ કરાવ્યું. લૉર્ડ લુઈ માઉન્ટબૅટને 14 જૂન, 1948ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં કૉલેજ શરૂ થઈ ત્યારે મકાનનું બાંધકામ ચાલુ હતું.
ભાઈકાકાએ 13 ફેબ્રુઆરી, 1949ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે વલ્લભવિદ્યાનગરનું ખાતમુહૂર્ત કરાવ્યું. તેમણે જગપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સી. વી. રામન, ભારતના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા ડૉ. જીવરાજ મહેતાને નિમંત્રી, આકાર લઈ રહેલ વિદ્યાનગરની યોજના સમજાવી તેના વિકાસ વિશે વિચારણા કરી. તેમની સૂચના અનુસાર, 1955 સુધીમાં વિદ્યાનગરમાં નવી શિક્ષણસંસ્થાઓનાં મકાનો બાંધીને સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઑક્ટોબર, 1955માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને ડિસેમ્બર, 1955માં તેના પ્રથમ કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ભાઈલાલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. ડિસેમ્બર, 1958માં તેમની મુદત પૂરી થઈ ત્યારે બીજી વાર તે પદ ઉપર તેમને નીમવામાં આવ્યા નહિ; 12 નવેમ્બર, 1959ના રોજ એક ખાસ પદવીદાન સમારંભ યોજી ભારતના ઉપ-પ્રમુખ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના હસ્તે તેમને ‘ડૉક્ટર ઑવ્ સાયન્સ’ની માનાર્હ ઉપાધિ એનાયત કરવામાં આવી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ સી. ડી. દેશમુખે 1956માં વિદ્યાનગરની મુલાકાત લીધી ત્યારે મકાનો બાંધવાની તેમની શક્તિથી પ્રભાવિત થઈને તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની બિલ્ડિંગ કમિટીના સભ્ય તરીકે નીમ્યા.
ભાઈકાકાએ 1952ની ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી, પરંતુ તેમાં તેમનો પરાજય થયો. સ્વતંત્ર પક્ષ 1959માં સ્થપાયો અને ગુજરાત એકમનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. તેમણે ગુજરાતના બધા વિસ્તારોનો પ્રવાસ કરી, તેમના પક્ષ માટે ટેકો મેળવ્યો. રાજકારણમાં જોડાયા એટલે તેમણે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષપદેથી તથા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની બિલ્ડિંગ કમિટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું; પરંતુ સી. ડી. દેશમુખે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની બિલ્ડિંગ કમિટીના સભ્યપદના તેમના રાજીનામાનો અસ્વીકાર કરી, તેમની કુનેહ તથા દક્ષતાની કદર કરીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની તે બિલ્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નીમ્યા.
ભાઈકાકા 1962ની ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના ઘણા સાથીદારો સહિત ચૂંટાયા અને ધારાસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે તેમની વરણી થઈ. ભાઈકાકાના શક્તિશાળી નેતૃત્વ હેઠળ લોકસભાની રાજકોટ મતદાર વિભાગની પેટાચૂંટણીમાં મીનુ મસાણી જીતી ગયા. 1967ની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસની 88 બેઠકોની વિરુદ્ધ સ્વતંત્ર પક્ષને 66 બેઠકો મળી. તેમાં ભાઈકાકાનું પ્રદાન મુખ્ય હતું. ગુજરાતની ધારાસભામાં વિરોધપક્ષના નેતા તરીકે તેમણે મૂલ્ય-આધારિત રાજકારણની તંદુરસ્ત પરંપરાઓ પાડી. દેશ કે રાજ્યનું હિત જળવાતું હોય ત્યાં સરકારને સહકાર આપવા તેઓ સદા તત્પર રહેતા; પરંતુ તાત્કાલિક લાભની ટૂંકી દૃષ્ટિની નીતિ, રુશવતખોરી, સગાવાદ જેવાં દૂષણો સામે તેઓ જોરદાર હુમલા કરી, ખોટું કરનારની ઝાટકણી કાઢતા.
ભાઈકાકાના નિમંત્રણનો સ્વીકાર કરી ભારતના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે 15 ડિસેમ્બર, 1960ના રોજ વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલની પ્રતિમા ખુલ્લી મૂકી હતી.
તેઓ અખંડ પુરુષાર્થ અને અચળ ઈશ્વરશ્રદ્ધામાં માનતા હતા. અન્યાયની સામે તેઓ કોઈને પણ નમતું આપતા નહિ. તેમનામાં નોંધપાત્ર વ્યવસ્થાશક્તિ હતી. ચરોતરની ધરતીના ઉત્તમ ગુણો એમનામાં મહોરી ઊઠ્યા હતા. કોઠાસૂઝ, સ્પષ્ટવક્તાપણું, સાહસિકતા, લોક માટેની દાઝ – આ બધાંથી તેમનું વ્યક્તિત્વ શોભતું હતું. પ્રજાહિત ધ્યાનમાં રાખીને તેમણે જ નર્મદાયોજના સૌપ્રથમ ઘડી હતી.
જયકુમાર ર. શુક્લ