પટેલ, બ્રિજેશ પરશુરામ (. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા.

બ્રિજેશ પરશુરામ પટેલ

1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની શરૂઆત કરી. એ વર્ષે મુંબઈની મજબૂત ટીમ સામે સદી નોંધાવી અને એને પરિણામે 1972-73માં ઇંગ્લૅન્ડની ટીમ સામે ખેલવાની તક મળી. 1973-74માં કર્ણાટકને સૌપ્રથમ વાર રણજી ટ્રૉફી હાંસલ કરવામાં ત્રણ સદીની મદદથી કુલ 618 રન કરનાર બ્રિજેશ પટેલે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 1976માં બિશનસિંહ બેદીની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડીઝ ગયેલી ટીમે પહેલી જ વાર ચોથા દાવમાં 400થી વધુ રન કરીને વિજય હાંસલ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો. તે સમયે બ્રિજેશ પટેલે પોતાની એકમાત્ર સદી નોંધાવી હતી. 21 ટેસ્ટમાં 29 રનની સરેરાશથી 372 રન બ્રિજેશ પટેલે નોંધાવ્યા. 13મી જુલાઈ, 1974ના દિવસે હેડિંગ્લેમાં ખેલાયેલી પોતાની પ્રથમ વન-ડેમાં બ્રિજેશ પટેલે 82 રન નોંધાવ્યા, જે જુમલાને આજ સુધી કોઈ પણ ભારતીય ખેલાડી વન-ડેના પ્રવેશ સમયે આંબી શક્યો નથી. 10 વન-ડેમાં 30 રનની સરેરાશથી 243 રન કર્યા. રણજી ટ્રૉફીમાં કર્ણાટક તરફથી બ્રિજેશ પટેલનો દેખાવ દોઢ દાયકા સુધી પ્રભાવશાળી રહ્યો. એમણે 57 રનની સરેરાશથી 7,126 રન નોંધાવ્યા, જેમાં 26 સદીઓનો સમાવેશ થાય છે. રણજી ટ્રૉફીમાં આટલી સદીઓ કોઈ ખેલાડી નોંધાવી શક્યો નથી.

જગદીશ શાહ