પટેલ, બાબુભાઈ જશભાઈ (. 9 ડિસેમ્બર 1911, નડિયાદ;. 3 ડિસેમ્બર 2002, ગાંધીનગર) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જશભાઈ મકનદાસ પટેલનું બીજું સંતાન અને સૌથી મોટા પુત્ર. સ્વામિનારાયણ પંથ અને વૈષ્ણવ ધર્મ-બંનેની કૌટુંબિક પરંપરામાં ઉછેર. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદ અને વડતાલમાં. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રવાદી વાતાવરણથી રંગાતા ગયા. સ્કાઉટ પ્રવૃત્તિમાંથી સ્વાધીનતાના વિચારો અપનાવ્યા. શાળામાં અભિનય, કાવ્યવાચન જેવી સાહિત્ય અંગેની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઇનામો મેળવતા. ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજ, પુણેની ફર્ગ્યુસન અને મુંબઈની વિલ્સન કૉલેજમાં લીધું. અભ્યાસકાળ દરમિયાન હડતાળો પાડવી, સેવાદળમાં તાલીમ લેવી વગેરેમાં સક્રિય રહેતા. 1930માં વિલ્સન કૉલેજના ‘યુગાન્તર’ સાપ્તાહિકના ‘મૅનેજર’ તરીકે કામ કર્યું.

સૌપ્રથમ 1930માં અને ત્યારબાદ 1932ની સવિનય કાનૂનભંગની લડત દરમિયાન અનુક્રમે ચાર માસનો અને બે વર્ષનો કારાવાસ ભોગવ્યો. ત્યારથી તેમના સક્રિય રાજકીય જીવનનો પ્રારંભ થયો.

ધારાસભ્ય તરીકે પ્રથમ વાર 1937માં ચૂંટાયા અને ‘બેબી મેમ્બર’ તરીકે સંસદીય કારર્કિદીનો પ્રારંભ કર્યો. 1937થી 1947 દરમિયાન વખતોવખત જેલવાસ અને રાજકીય હોદ્દાઓમાં તેમની કારર્કિદી વ્યસ્ત બનતી ગઈ. 1937-38થી કાંતણની શરૂઆત કરી અને ઘરે કાંતીને જ ખાદી પહેરવી એ વ્રતનું જીવનભર પાલન કર્યું.

નડિયાદ કેળવણી મંડળના પ્રારંભે અધ્યક્ષ ને પછીથી ઉપાધ્યક્ષ રહ્યા. 1958થી 1961 દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ તરીકે સેવાઓ આપી. તેમના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીનો શૈક્ષણિક પાયો મજબૂત બન્યો.

1949માં તે વખતના મુંબઈ પ્રાંતના પ્રધાનમંડળમાં તેમને સામેલ કરવામાં આવ્યા. મુંબઈ રાજ્યમાંના બસવ્યવહારનું સફળતાપૂર્વક રાષ્ટ્રીયકરણ કરીને કુશળ વહીવટકર્તા તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. 1952માં નડિયાદ મતદારમંડળમાંથી મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. 1952થી 1957નાં વર્ષો દરમિયાન રાજ્ય પરિવહન ખાતાના મંત્રી તરીકે ઊંચી કાર્યદક્ષતા પુરવાર કરી, સાથોસાથ જાહેર બાંધકામ ખાતાની જવાબદારી પણ અદા કરતા રહ્યા. આ સમયે ગુજરાતની મેશ્વો, ઉકાઈ અને મહી નદીઓ પરની નહેર-યોજના ઉપરાંત નાની-મોટી અનેક યોજનાઓનો અમલ કર્યો. મહારાષ્ટ્રમાં કોયના અને ગુજરાતમાં ઉતરાણ તથા ધુવારણ વીજમથકોનું આયોજન પણ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

બાબુભાઈ જશભાઈ પટેલ

મહાગુજરાતની સ્થાપનાના મુદ્દા પર 1957માં લડાયેલી ધારાસભાની ચૂંટણીમાં પરાજય પામ્યા અને ત્યાર પછીનાં દસ વર્ષ (1957-67) સત્તાથી દૂર રહી કૉંગ્રેસ પક્ષનાં સંગઠન અને રચનાત્મક કાર્યોમાં નિષ્ઠાપૂર્વક ખૂંપી ગયા. આ દરમિયાન ગુજરાત રાજ્ય ખાદી બોર્ડના પ્રમુખ અને ભારતના ખાદી બોર્ડના સભ્ય તરીકે કામ કર્યું. 1963માં રાજ્યની વહીવટી સુધારણા સમિતિના અને જનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચૅરમૅન બન્યા. આ દરમિયાન ગુજરાતનાં ખનિજો અને તેના વિકાસ અંગે સંશોધન કરી આલેખ તૈયાર કર્યો અને તે દ્વારા ગુજરાતના ભાવિ આર્થિક વિકાસનો પાયો નાખ્યો.

1967માં નડિયાદ મતદારમંડળમાંથી ધારાસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1967થી 1971 દરમિયાન હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળમાં જાહેર બાંધકામ, વિદ્યુત વિભાગ અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી રહ્યા.

1975માં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલ રાજકીય કટોકટીના સમયે સર્જાયેલા મતભેદોને કારણે તેમણે કૉંગ્રેસ પક્ષ છોડ્યો. જૂન, 1975માં ગુજરાતની પ્રથમ બિનકાગ્રેસી જનતા મોરચાની સરકારની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા (1975-76) અને રાજ્યને સ્વચ્છ, કાર્યક્ષમ ને લોકાભિમુખ વહીવટ મળે તે માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યા. 1977થી 1980ના ગાળા દરમિયાન ફરી મુખ્યમંત્રીનો હોદ્દો શોભાવ્યો અને ગ્રામવિકાસ તથા આદિવાસી વિસ્તારોના વિકાસના ક્ષેત્રે જમીન ધારણ કરવાની પદ્ધતિ, ખેડૂતોનાં દેવાંની પતાવટ, સિંચાઈ-વિસ્તરણ, લાંબા ગાળાનું વીજઉત્પાદન વગેરે બાબતે નોંધપાત્ર કાર્ય કર્યું. ગુજરાતની જીવાદોરી સમી નર્મદા-યોજનાના અમલ અને વિકાસના સંદર્ભમાં તે ખાતાના મંત્રી તરીકે તેમનું નામ હરહંમેશ યાદ રહેશે.

રાજકીય પદો અને શાસકીય પ્રવૃત્તિઓ ઉપરાંત વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ, ગુજરાત નઈ તાલીસ સંઘ, ગાંધી સ્મારક નિધિ, ગાંધી શતાબ્દી મહોત્સવ સમિતિ, ગુજરાત રાજ્ય સર્વોદય સમિતિ અને ગ્રામદક્ષિણામૂર્તિ જેવી બિનસરકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો.

મુંબઈ રાજ્યના વેચાણવેરાના કાયદાનું અને ગણોતધારાનું સ્પષ્ટીકરણ કરતી તેમજ મુંબઈ રાજ્યના પ્રશ્ન અંગે જનતાને સમજણ આપતી પુસ્તિકાઓ તેમણે બહાર પાડી છે. ‘થ્રી ઈયર્સ ઑવ્ સ્ટેટ ટ્રાન્સપોર્ટ, બૉમ્બે સ્ટેટ’ – એ શીર્ષક હેઠળ રાજ્ય માર્ગપરિવહન વહીવટની વિગતો આપતી અંગ્રેજી પુસ્તિકા પણ તેમણે પ્રગટ કરી છે.

વૈયક્તિક જીવનમાં તેઓ સાદાઈ અને કરકસરના આગ્રહી રહ્યા હતા. તેમનું જીવન અત્યંત શિસ્તબદ્ધ હતું. આટલા પ્રવૃત્તિમય જીવન છતાં વાચનના શોખ માટે તે પૂરતો સમય ફાજલ રાખતા હતા.

રક્ષા મ. વ્યાસ