પટેલ, બરજોર (. 17 ઑગસ્ટ 1930, મુંબઈ) : નવી રંગભૂમિના સફળ નટદિગ્દર્શક. મુંબઈમાં પ્રારંભમાં ભરડા હાઈસ્કૂલ અને પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી. હસમુખા અને વિનોદી સ્વભાવને કારણે તેઓ મિત્રવૃંદમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી શક્યા હતા.

અભ્યાસ દરમિયાન એમને નાટ્યકલાનો રંગ લાગેલો. એમની અભિનય-કારકિર્દી(1949-66)ના વિકાસમાં અદી મર્ઝબાન, નરીમાન પટેલ તેમજ હોમી તવડિયા જેવા પારસી રંગભૂમિના નટો ને દિગ્દર્શકોનો ફાળો છે. બરજોર પોતાની ધગશ, આવડત અને સૂઝને કારણે રંગભૂમિને પોતાની અભિવ્યક્તિનું સફળ માધ્યમ બનાવી શક્યા. એમણે બધાં મળીને 35 જેટલાં પારસી ગુજરાતી નાટકોમાં હાસ્ય, શૃંગાર તેમજ ભીતર વહેતો કરુણરસ પ્રેક્ષકો સમક્ષ વહેવડાવ્યો છે. તેઓ નાની કે મોટી સર્વ ભૂમિકા દિલ દઈને કરતા. એકમેકથી ભિન્ન પ્રકારની ભૂમિકા રંગમંચ પર જીવંતતાથી ભજવી નટ તરીકે તેમણે પોતાની પ્રાણવાન કલાનાં દર્શન કરાવ્યાં છે.

એમનાં સફળ નાટકોમાં ‘છૂપો રુસ્તમ’ (1949), ‘શીરીનબાઈ’, ‘શાંતિ-નિકેતન’, ‘અક્કલબંધ બેવકૂફ’, ‘મોટા દિલના મોટા બાવા’, ‘પીરોજાભવન’, ‘કાતરિયું ગેબ’, ‘ધસ્યો-ફસ્યો-ખસ્યો’, ‘હોરમસનું હનિમૂન’, ‘મારી પછી કોણ ?’, ‘સત્યવાદી સાવકશા’, ‘ગુસ્તાદજી ઘોડે ચડ્યા’, ‘દીનશાજીના ડબ્બા ગુલ’, ‘પેસ્તનજીનાં પરાક્રમ’, ‘બોલતી બંધ’, ‘કાવસજીની કૂદાકૂદ’ અને ‘આય જોયું કે કાકાજી’નો નિર્દેશ કરી શકાય.

તેઓ આઈ.એન.ટી.ની પારસી નાટ્યશ્રેણીના સફળ નટ, દિગ્દર્શક અને સંચાલક પણ હતા. તેમણે તારક મહેતા સાથે ‘તારું મારું બકલિયું’ નાટકમાં દિગ્દર્શક તરીકે વિવિધ પાત્રોની ગતિવિધિ, સ્થાન, પ્રવેશ નાટકની પ્રસંગરચના પ્રમાણે નક્કી કર્યાં હતાં. તેઓ જીવંત અભિનયના આગ્રહી રહ્યા છે. વાચિક અને આંગિક અભિનયમાં તેઓ પરંપરિત પારસી રંગભૂમિનું અનુકરણ કરતા રહ્યા છે. તેમણે રંગભૂમિ પર ‘કર્ટન કૉલ’ પ્રથાની ફરી શરૂઆત કરી.

અર્વાચીન પારસી રંગભૂમિના આ અગ્રેસર નટને પ્રારંભમાં અદી મર્ઝબાનના ‘ભૂતખાનું’ નાટકમાં ભારતીય વિદ્યા ભવન(મુંબઈ)ની આંતર મહાવિદ્યાલય નાટ્યસ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું. તે ઑલ ઇન્ડિયા રેડિયોનાં નાટકો તેમજ ચલચિત્ર-જગતનો પણ અનુભવ ધરાવે છે. ભારતીય વિદ્યા ભવનના કલાકેન્દ્રના મંત્રી તરીકે, ‘જામે જમશેદ’ પત્રના લેખક-સંચાલક તેમજ ‘સ્ટેટ્સમૅન’ પત્રની મુંબઈ શાખાના મૅનેજર તરીકે તેમણે દર્શાવેલી કુશળતા નોંધપાત્ર છે. એ કુશળતાને લીધે જ ઈ. સ. 1988થી ઈ. સ. 2009 લાગલાગટ બે દાયકા સુધી દુબઈ ખાતે ‘ખલીજ ટાઇમ્સ’ના માર્કેટિંગ વિભાગનું સફળ સંચાલન કરી સ્વદેશ પાછા ફર્યા અને છેલ્લાં દસ વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

દિનકર ભોજક

મહેશ ચંપકલાલ શાહ