પટેલ, પ્રેમજીભાઈ (જ. 9 ઑક્ટોબર 1931; અ. 25 ડિસેમ્બર 2001) : વૃક્ષપ્રેમી કાર્યકર.
વૃક્ષપ્રેમી પ્રેમજીભાઈ પટેલ દ્વારા ઊપલેટા ખાતેની સંસ્થા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે જામકંડોરણા તાલુકાનાં નવ ગામોમાં વૉટર શેડ ડેવલપમેન્ટનું મહત્ત્વનું કામ થયું. આ પ્રવૃત્તિને કારણે ચેકડૅમોમાં માથોડા સમાન પાણી ભરાયાં, કૂવા અને ડંકીઓમાં પાણીનાં તળ ઊંચાં આવ્યાં અને લોકો પાણી પાઇપલાઇન થકી મેળવતા થયા.
સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થતો હતો તેથી પાણીની જાળવણી બાબતે તેઓ સક્રિય થયા. વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને તેને કેમ ઉપયોગમાં લેવું તેનું એક અભિયાન તેમણે છોડી દીધું. કૂવા રિચાર્જની પ્રવૃત્તિ વ્યાપક બનાવી. વૃક્ષોનાં બીજ ખરીદી લઈ તેના વિતરણના કાર્યક્રમો ઉપાડ્યા. ‘વૃક્ષો માટે પાણી અને પાણી માટે વૃક્ષો’ એવું સમીકરણ પ્રચલિત કર્યું.
મૂળ ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના વતની પ્રેમજીભાઈ 1987 સુધી તો મુંબઈ રહેતા હતા. કાપડના કૌટુંબિક વ્યવસાયમાં હતા. મુંબઈથી અવારનવાર દેશમાં આવે અને પાણીની અછત જોઈને એમનો જીવ બળે. એના ઉકેલ રૂપે કંઈક કરવાની ધખનાથી તેઓ આ પ્રવૃત્તિ તરફ વળેલા.
મોટરસાઇકલ ખરીદેલી. 54 વર્ષની ઉંમરે બીજનો કોથળો લઈને નીકળી પડે. કાર્યકરો ઊભા કરે. રસ્તા અને રેલવે પાટાની આજુબાજુ વૃક્ષોનાં વાવેતર કરે. રૂફ વૉટરને બહા વહી જવા ન દેવું અને પાણીનું ટીપેટીપું સંઘરવું અથવા તો જમીનમાં ઉતારી દેવું એવી જળસંગ્રહની વાત બરાબર સમજી ગયા અને બીજાને સમજાવવામાં લાગી ગયા.
વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટના પ્રેમજીભાઈ પટેલની ઓળખ ગાંડા બાવળના સમર્થકની પણ રહી છે. બળતણ આપે, કોલસો આપે, ખારા પવનોને રોકી જમીનની ખારાશ ઘટાડે અને રણને આગળ વધતું અટકાવે. આ બધી રીતે તેમણે ગાંડા બાવળનું વાવેતર કર્યું. એ જ રીતે કડવા લીમડા તરફ પણ એમનો પક્ષપાત રહ્યો. ‘જે ઝાડ ઉછેરતા નથી તેમને ટીકા કરવાનો અધિકાર નથી’ એમ પ્રેમજીભાઈ કહેતા. સરકારી સહાય પણ મેળવી, જળસંગ્રહના કામો માટે પ્રેમજીભાઈની સંસ્થાએ પ્રોજેક્ટ ઇમ્પલીમેન્ટિંગ એજન્સી તરીકે કામ કર્યું. સાથે સાથે સરકારી યોજનાની રાહ જોયા વિના જાતે પ્રવૃત્તિ કરતા થઈ જાવ એમ શીખવ્યું હતું.
ઓરપેટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૉટર શેડ પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયા. ઝાડ પરથી ચેકડૅમ અને માટીના પાળા કેમ ઊભા કરી શકાય તેની ઝીણામાં ઝીણી વિગતો એમણે ખેડૂતોને આપી. ગુજરાતમાં પ્રેમજીભાઈ વૃક્ષપ્રેમી નામે જાણીતા થઈ ગયા.
ડંકેશ ઓઝા
